બધા પ્રત્યે પ્રેમાળ વ્યવહાર રાખવો જોઈએ
એક કૂતરા અને મરઘા વચ્ચે ગજબની મિત્રતા હતી. એક દિવસ બંને ફરતા-ફરતા ગાઢ જંગલમાં પહોંચી ગયા. ધીમે ધીમે રાત પડી. મરઘો ડરી ગયો અને બોલ્યો હવે શું થશે? રાત્રે ઘરે પહોંચવું મુશ્કેલ થઈ જશે. કૂતરાએ તેને સમજાવ્યો કે ડરવાની કોઈ જરૂર નથી. તું ઊડીને પેલા ઝાડી પર બેસીને શાંતિથી રાત પસાર કરી દે.
હું પણ તે ઝાડની નીચે જ ઊંઘી જાઉ છું. જયારે સવાર પડશે ત્યારે સાથે પાછા જતાં રહીશું. રાત આરામથી પસાર થઈ ગઈ. સવાર પડતાં જ મરઘાએ પોતાની ટેવ અનુસાર કૂકડેકૂકની બાંગ પોકારી, જેને સાંભળીને એક શિયાળ ઝાડની પાસે આવી પહોંચ્યું.
મરઘાને જોઈને તે ખુશ થઈ ગયું કે આજની સવાર તો સારી પસાર થશે. ચતુર શિયાળે મરઘાને જણાવ્યું, અરે મરઘાભાઈ, કેટલું સરસ ગાઓ છો. થોડી વાર માટે નીચે આવો અને મને પણ ગાવાનું શીખવાડો ને. મરઘો પણ કંઈ બુઘ્ધુ ન હતો.
તે શિયાળના મનની વાત સમજી ગયું અને બોલ્યું કે હું હમણાં જ નીચે આવું છે, પહેલાં મારા મિત્રને તો જગાડી દો, જે પેલા ઝાડ નીચે આરામ કરી રહ્યો છે. તે વગાડશે અને આપણે બંને ગાઈશું. શિયાળ ખુશ થઈને પેલા ઝાડ પાસે ગયું જયાં કૂતરો ઊંઘતો હતો. કૂતરાને જોતાં જ તેના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા અને તે ઊભી પૂંછડીએ ભાગ્યું.
મરઘાની વાત સાંભળીને કૂતરો સાવધાન થઈ ગયો હતો. તેણે એક ઝટકામાં જ શિયાળને પોતાના જડબામાં પકડી લીધું. આ જોઈને મરઘો બોલ્યો, આવ્યો તો મને ખાવા અને પોતાનો જ જીવ ગુમાવી બેઠો. અર્થાત્ દુરવ્યવહાર અને છળકપટનું ફળ ખરાબ જ મળે છે. પોતાના વ્યવહારને બધા પ્રત્યે સરળ અને પ્રેમાળ રાખવો જોઈએ.
શક્તિનો ઉપયોગ જ્ઞાન અને વિવેકથી કરો
જયારે પણ કોઈના ઉદય કે પતનને જુઓ ત્યારે માત્ર ઉપર-ઉપરથી જોવાને બદલે થોડા ઊંડા ઉતરો. ઉદય કે પતનની પાછળ સંકલ્પશક્તિ અને એની દ્રઢા જરૂર કારણ ભૂત હોય છે. કોઈ પણ વ્યવસ્થા, સર્જન, યોગ્યતામાં જયારે પણ પ્રયોગ થયા છે, તેની પાછળ દ્રઢ સંકલ્પશક્તિની ભૂમિકા રહેલી હોય છે.
હનુમાનજીએ પોતાની સંકલ્પશક્તિને વ્યકત પણ કરી છે અને તેનાં પરિણામ પણ આપ્યાં છે. ચાલો આજે તેઓ જયારે પ્રથમ વખત લંકામાં જવાની તૈયારી કરતા હતા તેની વાત કરીએ: શાંત બેઠેલા હનુમાનને જામવંત સમજાવી ચૂક્યા હતા.
શક્તિ તેમની પાસે જ જળવાય છે, જે તેના સંચાલનની સમજ રાખે છે. જ્ઞાન તથા વિવેક તે શક્તિને સમર્થન આપે છે. જામવંતના સમજાવ્યા બાદ હવે હનુમાનજીનો સંકલ્પ સાંભળીએ. સિંહનાદ કરિ બારહિં બારા. લીલહિં નાધઉ જલનિધિ સારા. સહિત સહાય રાવનહિ મારી.
આનઉ ઇહાં ત્રિકૂટ ઉપારી. જામવંત મૈં પુછઉ તોહી. ઉચિત સિખાવનું દિજહુ મોહી. અર્થાત્ હનુમાનજીએ જણાવ્યું કે હું આ ખારા સમુદ્રને રમતવારમાં જ કૂદી શકું છું અને સાથીદારો સહિત રાવણને મારીને ત્રિકૂટ પર્વતને ઉખાડીને અહીં લાવી શકું છું.
હા જામવંત, હું તમને પૂછું છું, તમે મને યોગ્ય શિખામણ આપજો કે મારે શું કરવું જોઈએ. આ પંક્તિઓનો તેવો અર્થ ન લેવો જોઈએ કે તેઓ મોટી વાત કરી રહ્યા છે. તેઓ બોલવા કરતાં કરવામાં વિશ્વાસ રાખે છે. આમ કહીને બજરંગબલિ એ બતાવવા માગે છે કે સરળ શક્તિ શું હોય છે અને તેને કેવી રીતે અમલમાં મૂકવી જોઈએ.
સાથે એ પણ સમજાવી દીધું કે શક્તિને જ્ઞાન અને વિવેકથી કેવી રીતે મર્યાદિત રાખી શકાય. આથી સંકલ્પશક્તિને દ્રઢ કરો અને તેને અંતિમ સ્વરૂપ મારુતિની જેમ આપો. – પં. વિજયશંકર મહેતા
પતિ-પત્ની વચ્ચે આજે કેમ અશાંતિ જોવા મળે છે?
અત્યારે પણ કેટલાય લોકો માને છે કે અઘ્યાત્મ સાધનામાં દાંપત્ય સંકટરૂપ છે, ગૃહસ્થી અડચણરૂપ છે, પરિવાર વિધ્ન છે અને નારી તો નર્કનું દ્વાર છે. જે લોકો ભગવાન સુધી પહોંચવા માગે છે કે ભગવાનને પોતાના સુધી લાવવા માગે છે, તે એ સમજી લે કે એકાકી જીવનથી તો ભગવાને પોતાને પણ અળગા રાખ્યા છે.
ઈશ્વરના બધાં જ સ્વરૂપ લગભગ સપત્નીક છે. પછી પરિવાર તથા પત્ની અવરોધરૂપ કેવી રીતે બની શકે છે. અઘ્યાત્મએ કામનો વિરોધ કર્યો છે, સ્ત્રીનો નહીં. અનિયમિત કામવાસના સ્ત્રીની પુરુષ પ્રત્યે અને પુરુષની સ્ત્રી પ્રત્યે નુકસાનકારક છે. ભારતીય સંસ્કૃતિમાં ઋષિ-મુનિઓનાં એવાં અનેક ઉદાહરણ છે, જેમણે પોતાની ધર્મપત્નીની સાથે જ તપસ્યા કરી છે.
અવરોધ તો દૂરની વાત છે, એ તેમની સહાયક બની રહી હતી. વીતેલા સમયમાં અઘ્યાત્મ સાધકોએ વિવેકશીલ ચિંતનને અત્યંત મહત્ત્વ આપ્યું હતું. વિવેકના કારણે સ્ત્રી-પુરુષનો ભેદ અઘ્યાત્મએ સ્વીકાર્યો નથી. જયારે ભેદ જ નથી તો સ્ત્રી અવરોધક કેવી રીતે બની શકે? નારીનો સાથ અને કામભાવના તદ્દન જુદા-જુદા છે.
બ્રહ્મચર્યને સાધવા માટે નારીને નર્કની ખાણ ગણવીએ બ્રહ્મચર્યનું અપમાન છે. વાસનાનો જન્મ સહવાસથી નહીં, પરંતુ કુવિચાર અને દુર્બુદ્ધિથી થાય છે. સ્ત્રી-પુરુષના સહવાસને અઘ્યાત્મમાં પવિત્રતાથી જોવામાં આવ્યો છે. આથી લગ્ન પહેલાં સ્ત્રી-પુરુષે અઘ્યાત્મિક અનુભૂતિઓમાંથી પસાર થવું જોઈએ.
પતિ-પત્નીના સંબંધોમાં પવિત્રતા ને પરિપકવતા માટે અઘ્યાત્મિક અનુભવ જરૂરી છે. આ સંબંધમાં આજે જેવી અશાંતિ જોવા મળી રહી છે, તેનું નિદાન ભૌતિક સંસાધનો અને પદ્ધતિથી મેળવી નહીં શકાય. તેમાં આઘ્યાત્મિક માર્ગદર્શન ઉપયોગી રહેશે. – પં. વિજયશંકર મહેતા
ઘરે આવેલા દુશ્મનનું પણ સન્માન કરો
જોધપુરના મહારાજા જસવંતસિંહના મૃત્યુ બાદ બાદશાહ ઔરંગઝેબ જોધપુર પર કબજો જમાવવા માગતો હતો, પરંતુ જસવંતસિંહના મંત્રી દુર્ગાદાસ રાઠોરે ઔરંગઝેબની એક પણ યુક્તિને સફળ થવા દીધી નહીં. જસવંતસિંહના પુત્ર રાજકુમાર અજિતસિંહને જોધપુરની ગાદી પર બેસાડવા માટે દુર્ગાદાસે મોગલ સૈન્યને જોરદાર ટક્કર આપી.
યુદ્ધના મેદાનમાં તેઓ ઘોડાની પીઠ પર બેઠા-બેઠા જ ખાણું ખાઈ લેતા, તેની પીઠ પર બેસીને જ ઊંઘી લેતા અને સતત લડતા રહેતા. પોતાની બધી જ ઇચ્છાઓ અને સુખ તેમણે જોધપુરની ગાદીની રક્ષા માટે બલિદાન આપ્યાં. તેમના માટે દેશ અને માનવધર્મ સર્વોપરિ હતા.
એક વખત યુદ્ધમાં ઔરંગઝેબના પૌત્ર-પૌત્રી દુર્ગાદાસના કબજામાં આવી ગયાં, પરંતુ દુર્ગાદાસે સન્માન સાથે તેમને પોતાના ત્યાં રાખ્યાં. થોડા સમય બાદ ઔરંગઝેબે સંદેશો મોકલીને બંનેને પાછા માગ્યા તો દુર્ગાદાસે શરત મૂકી કે બાદશાહ જોધપુરના સિંહાસન પર અજિતસિંહનો અધિકાર સ્વીકારે.
બાદશાહે શરત મંજૂર કરી. જયારે ઔરંગઝેબના પૌત્ર-પૌત્રી દિલ્હી પાછા ફર્યા તો તેણે કહ્યું કે તમે બીજા ધર્મની વ્યક્તિના ઘરે રહ્યા છો આથી નિયમિત કુરાનનો પાઠ કરો. પૌત્રી બોલી, અમે ત્યાં પણ દરરોજ કુરાનનો પાઠ કરતા હતાં.
દુર્ગાદાસે અમારા માટે એક મુસ્લિમ મહિલા રાખી હતી, જે અમને કુરાન પઢાવતી હતી. ઔરંગઝેબ દુર્ગાદાસના વર્તનની વાત સાંભળીને બોલ્યો, સુબ્હાન અલ્લાહ, દુશ્મન પણ હોય તો સારો માણસ હોય. સાર એ છે કે દુશ્મન પણ જો ઘરે આવે તો તેનો આદર કરવો અને એક ખુલ્લું મન રાખીને સારી શકિતઓને એકત્રિત કરવી જોઈએ.
સકારાત્મક વિચારો ઘણાં કષ્ટોમાંથી છુટકારો અપાવે છે
લલ્લેશ્વરી કાશ્મીરી ભાષાની પ્રથમ કવિયત્રી થઈ ગઈ. તેઓ ભગવાન શિવની પરમ ભક્ત હતી. શિવની ભકિતમાં બધું જ ભૂલીને તેઓ ગલીએ-ગલીએ એક પાગલની જેમ ફરતી રહેતી હતી. સંસારી લોકો તેના ભકિતભાવને સમજી શકતા ન હતા અને તેને ગાંડી સમજીને હેરાન કરતા હતા.
આ બધાની ચિંતા કર્યા વગર તે તો ભગવાનના ઘ્યાનમાં જ મસ્ત રહેતી હતી. એક વખત કેટલાક છોકરાઓ તેને કંઈક વધારે જ હેરાન કરી રહ્યા હતા, પરંતુ તે તો પહેલાંની જેમ શાંતિથી ઘ્યાનમગ્ન બેઠી હતી. એક દુકાનદારથી રહેવાયું નહીં. તેણે છોકરાઓને ધમકાવીને ભગાડી મુક્યા. લલ્લેશ્વરીએ પણ દુકાનદારને છોકરાઓને ધમકાવતો સાંભળ્યો. તે દુકાનદાર કપડાં વેચતો હતો. લલ્લેશ્વરી તેની દુકાને આવી અને એક કપડાનો ટુકડો માગ્યો. દુકાનદારે તેને કપડાનો ટુકડો આપી દીધો. લલ્લેશ્વરીએ તે કપડાના બે ટુકડા કરીને બંને ખભા પર નાખી દીધા. પછી આખો દિવસ આમ-તેમ ભટકતી રહી.
જ્યારે કોઈ તેને પ્રણામ કરતો તે જમણા ખભા પર પડેલા કપડાના ટુકડામાં ગાંઠ બાંધી લેતી અને જ્યારે કોઈ તેને અપશબ્દો કહેતું તો તે ડાબા ખભા પર પડેલા કપડાના ટુકડામાં ગાંઠ બાંધી લેતી. સાંજે દુકાનદાર પાસે આવીને બોલી- આ બંને ટુકડાનું વજન કરો. દુકાનદારે જણાવ્યું કે બંનેનું વજન એક્સરખું છે. ત્યારે લલ્લેશ્વરી બોલી -મારા માટે પણ નિંદા અને પ્રણામ એક સરખા જ છે. સાર એ છે કે જે વ્યક્તિ સારી દ્રષ્ટિ અપનાવી લે છે ત્યારે બધી જ નકારાત્મક ચીજોથી મળનારા કષ્ટમાંથી મુક્ત થઈ જાય છે. બસ ફકત એક સકારાત્મક વિચાર ધારણ કરવાની જરૂર હોય છે.
મૌન રહીને કરેલી સેવાનું નક્કર પરિણામ આવે છે
ધર્મને સામાન્ય રીતે કર્મ સાથે જોડી દેવાયો છે. તમે શું કરતા દેખાઈ રહ્યા છો તેનાથી તમારું ધાર્મિક હોવાનું નક્કી થાય છે. આપણી જીવનશૈલી, પૂજાપદ્ધતિ, રહેણી-કરણીથી આપણે કોઈ ધર્મ વિશેષ સાથે જોડાઈ જતા હોઈએ છીએ, ઊડા ઊતરીએ તો જાણ થશે કે ધર્મનો સંબંધ કર્મથી નહીં, પરંતુ હોવા સાથે હોય છે. આપણે શું કરીએ છીએ તેના કરતાં વધુ મહત્વનું આપણે શું છીએ તે હોય છે. તે કરવા કરતાં અસ્તિત્વ સાથે વધુ જોડાયેલું છે.
હનુમાનજી મહારાજની અંદર સેવાભાવ ભરપૂર ભરેલો છે, કેમ કે તે ભક્ત છે. ભક્ત તેમનું ‘હોવું’ છે, આથી તેમના બધાં જ કામ દિવ્ય, સુનિશ્ચિત, શુભ અને શ્રેષ્ઠ બની જાય છે. એક ઉદાહરણ જોઈએ: સીતાની શોધમાં જ્યારે બધા જ વાનર આગળ-આગળ ચાલતા હતા, ત્યારે એક પંક્તિ આવે છે, ‘પાછે તનય સિરુ નાવા’ સૌથી છેલ્લે હનુમાનજીએ શ્રીરામના ચરણોને નમન કર્યા. પ્રથમ નજરે એવું લાગે છે કે તેઓ પડકારનો સામનો કરવાથી ડરી રહ્યા છે અને સૌથી પાછળ રહી ગયા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે.
જ્યારે બધા જ વાનર આગળ ચાલ્યા તો જો તે બધાની પાછળ પવન ચાલે તો આગળ ચાલનારા માટે પવન મદદગાર બનશે, આગળ જનારાને ગતિ મળશે. સાથે જ હનુમાનજીએ પાછળ રહીને એમ પણ બતાવ્યું કે ભવિષ્યમાં લંકાદહન જેવી મોટી સફળતા મેળવવાની ક્ષમતા હોવા છતાં પણ તેઓ લો પ્રોફાઇલ રહ્યા. બોલીને કરેલી સેવા કરતાં મૌન રહીને આપેલી સેવા વધુ નક્કર પરિણામ આપે છે.
હનુમાનજી કામ કરતા સમયે મૌન રહેતા હતા, પરંતુ તેમના કામનું પરિણામ ઘણું કહી જતું હતું. આવું એટલા માટે કે હનુમાનજી જાણતા હતા કે આપણે શું કરીએ છીએ તેના કરતા વધુ મહત્વનું આપણે શું છીએ તે છે. – પં. વિજયશંકર મહેતા
જીવનમાં પ્રગતિ મેળવવા વિનમ્રતા જરૂરી છે
જીવન દર્શન: સ્વર્ગીય શેષણ્ણા મહાન વીણાવાદક હતા. જયારે પણ શેષણ્ણાથી પૂછવામાં આવતું કે આટલી મધુર વીણા તેઓ કેવી રીતે વગાડી લે છે, તેમનો જવાબ રહેતો કે હું કયાં વીણા વગાડી શકું છે, ખાલી તારોને સ્પર્શ કરી લઉ છું અને હું એકલો જ નહીં, બધા જ તારને હલાવે છે. અમે બધા જ વીણાવાદક પોતાની શકિત અને ક્ષમતાને અનુરૂપ જ વીણા વગાડીએ છીએ.
જે વીણાની ક્ષમતા અનુસાર વીણા વગાડી શકે, એવો કલાકાર હજુ સુધી જન્મ્યો નથી. એક વખત વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને પોતાને ત્યાં આમંત્રણ આપ્યું. શેષણ્ણા ત્યાં ગયા અને મહેમાનો સમક્ષ એવી વીણા વગાડી કે બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા. ત્યાર બાદ સયાજીરાવ એ બાબતે ચિંતિત થઈ ગયા કે શેષણ્ણાને ભેટ શું આપવી ?
નાણાં, સોના-ચાંદી-ઝવેરાત વગેરે આપવાથી તો શેષણ્ણા અને મહારાજ -મૈસુર બંનેનું અપમાન કહેવાય, કેમ કે તેમની પાસે આ ચીજવસ્તુઓની કમી ન હતી. અંતે તેમણે શેષણ્ણાને અત્યંત કીમતી પાલખી ભેટ આપી અને તેમાં બેસાડીને રાજકીય સન્માન સાથે નગરયાત્રા પણ કાઢી. જયારે તેઓ પાછા મૈસુર આવ્યા તો મહારાજ મૈસુરે જણાવ્યું કે તમે તે પાલખીમાં બેસી રાજકીય સન્માન સાથે જ દરબારમાં આવો.
શેષણ્ણાને આ ઉચિત લાગ્યું નહીં. આથી તેમણે પાલકીમાં પોતાની વીણા મૂકી અને પોતે પગે ચાલીને આવ્યા. જયારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો તે બોલ્યા- વીણા મારાથી પણ શ્રેષ્ઠ છે. તેની સાથે જોડાવાના પરિણામે જ મને આટલું સન્માન મળ્યું છે. આ ઘટનાથી બોધપાઠ મળે છે કે ગતિ અને પ્રગતિ વિનમ્રતા અને કતજ્ઞતાની સાચી ભાવનાથી જ મળે છે.
ભૂતકાળમાંથી તેટલું જ યાદ રાખો જેટલું જરૂરી છે
જીવન-પંથ: વીતેલ વર્ષ અને આવી રહેલા નવા વર્ષની મોડી રાત્રીના ધૂમધડાકાના સમયે સંયોગવશાત્ હું મુંબઈ મહાનગરમાં હતો. નવા વર્ષની ખુશીમાં ઉપરથી માંડીને નીચે સુધી ડૂબેલા એક નવયુવાન સાથે મારી મુલાકાત થઈ. તે મહોત્સવના મૂડમાં હતો. મેં તેને પૂછ્યું કે આ બધામાંથી શું મળ્યું ? જવાબ આપવાના બદલે તેણે મને વળતો સવાલ પૂછ્યો, તમને કથા-સત્સંગમાંથી શું મળે છે ?
તેણે સંપૂર્ણ એકાગ્રતા સાથે મારો જવાબ સાંભળ્યો અને આભાર માનતા જણાવ્યું કે જો આ મુલાકાત વહેલી સવારે થતી તો અમારી મસ્તીમાં આઘ્યાત્મિક આનંદ પણ જોડાઈ જતો, જેને અમે કયારેક શોધતા રહેતા હોઈએ છીએ. સત્સંગ હોય કે કથા, મહાત્માઓએ તેમને નદી તરીકે જણાવ્યા છે. તેમાં ગંગા નદી જેવું એક વહેણ હોય છે.
આપણે આપણા જીવનને આ રીતે જ ગતિમાન રાખવાનું છે. જીવન ચાલતાં રહેવાનું નામ છે, પરંતુ તેના પર ભૂતકાળની યાદોનો ભાર નાખી દેવાના કારણે તે અટકી જાય છે. જૂની વસ્તુનો સંગ્રહ કરવો આપણી ટેવ બની ગઈ છે. તેને સાચવી-સાચવીને, ભારનો પોટલો માથે નાખીને આપણે જીવનને ડોલાવી દઈએ છીએ. આ યાદોના બોજા હેઠળ, ભૂતકાળના પથ્થર નીચે આપણી ચેતના દબાઈ જાય છે.
જીવનમાં વર્તમાન એટલા માટે મહત્ત્વનું છે કે તે હંમેશાં બદલાવા માટે તૈયાર રહે છે. ભૂતકાળનું વજન આપણા પરિવર્તનમાં પણ બાધાનું કારણ બને છે. કથા અને સત્સંગમાં જે વહેણ હોય છે તે જીવનને ગતિમાન કરે છે અને ચાલી રહેલી જિંદગી તરોતાજા, ખુશનુમા ને શાંત રહે છે. નવા વર્ષના ઉત્સવ અસ્થાયી બની જાય છે. આ વહેણ ભૂતકાળમાંથી સાચી મુક્તિ, વર્તમાન સાથે યોગ્ય લગાવ અને ભવિષ્યને આશાઓથી ભરી દે છે. – પં. વિજયશંકર મહેતા
સંકટ સમયે સદબુદ્ધિથી કામ લો
એક ગધેડો ઘાસના મેદાનમાં લીલું-લીલું નરમ ઘાસ ચરી રહ્યો હતો. ચરતાં ચરતાં તેણે અચાનક માથું ઊચું કર્યું તો સામેથી એક વાઘને તેના તરફ આવતા જોયો. તેના અને વાઘ વચ્ચે રહેલા અંતરને જોતાં ગધેડાને સમજાઈ ગયું કે હવે જીવ બચાવીને નાસી છૂટવું અશકય છે. કેમ કે વાઘ એક છલાંગમાં જ તેનું કામ પૂરું કરી દે તેમ હતું. હવે શું કરવું?
ગધેડાએ વિચાર્યું કે હવે જયારે મોત નક્કી જ છે તો અમસ્તાં જ જીવ ગુમાવવા કરતાં તો બુદ્ધિથી બળને પરાજિત કરવો ઉચિત છે. આમ વિચારીને ગધેડાએ ચતુરાઈથી કામ કર્યું. તેણે પાછળના પગેથી લંગડાતાં-લંગડાતાં ચાલવાનું શરૂ કર્યું. વાધે ગધેડાની પાસે આવીને પૂછ્યું, કેમ ભાઈ, તું લંગડો કેમ ચાલી રહ્યો છે? ગધેડાએ જવાબ આપ્યો, શું કહું સરકાર! દોડતી વખતે પગમાં એક લાંબો અને મોટો કાંટો વાગ્યો છે. તેનો કારણે પગમાં દુ:ખાવો થઈ રહ્યો છે.
વાધે પૂછ્યું, તો હવે. ગધેડો બોલ્યો, જો મને ખાવાનો વિચાર રાખો છો તો પહેલા મારો કાંટો બહાર કાઢો. કયાંક એમ ન થાય કે મને ખાતાં સમયે તે કાંટો તમારા ગળામાં ફસાઈ જાય અને તમારે જીવ ગુમાવવો પડે. વાઘને ગધેડાનું સૂચન ગમી ગયું. તેણે ગધેડાનો તે પગ ઊચો કર્યોઅને ઘ્યાનથી તેમાં કાંટો શોધવા લાગ્યો. ગધેડાએ તકનો લાભ લીધો અને વાઘને જોરથી લાત મારીને પવનની ઝડપે ભાગી નીકળ્યો.
ગધેડાની અચાનક અને જોરદાર પડેલી લાતથી વાઘનું મોઢું વાંકું થઈ ગયું અને આગળના દાંત તૂટી ગયા તથા જડબામાંથી લોહી વહેવા લાગ્યું. અંતે તેને કણસતા અને ભૂખ્યા જ રહેવું પડયું. કહેવાનો અર્થ એ છે કે જો ધીરજ અને બુદ્ધિપૂર્વક કામ લેવામાં આવે તો શકિતશાળી દુશ્મનને પણ હરાવી શકાય છે.
મન પર કાબૂ મેળવો, તમને બધું મળી જશે
આપણે દુનિયાભરનો હિસાબ રાખવામાં પાવરધા હોઈએ છીએ, પાઈ-પાઈનો હિસાબ રાખતા હોઈએ છીએ. પરંતુ શું કયારેય આપણી ઇચ્છાઓનો હિસાબ રાખ્યો છે? ના. કયારેક તેનું એકાઉન્ટિંગ પણ કરવું જોઈએ. જયારે પણ તમે તમારી ઇચ્છાને મમળાવશો, તમારી મુલાકાત તમારા મન સાથે થઈ જશે. આપણા મનને એ પસંદ નથી કે કોઈ આવી રીતે ઇરછા પર નજર રાખવાનું કામ કરે.‘મારી મરજી’ એ મનનો નારો હોય છે.
મન પોતાની આ ગુંજને કેટલાય લોકોના શરીરના દરેક અંગમાં ભરી દે છે. આ કારણે જ આવા લોકો અનિયંત્રિત,અવ્યવસ્થિત અને અશાંત દેખાય છે. મન હંમેશાં મનુષ્યને જણાવે છે કે જેવું હું ઇચ્છું છું તેવો તું બની જા. ઘણા ઓછા લોકો મનનો સામનો કરવાની તૈયારી કરે છે. ઈસુ ખ્રિસ્ત માટે એક વાતને યાદ કરવામાં આવે છે. એક વખત તેમની મન સાથે ટક્કર થઈ ગઈ. ઈસુ ખ્રિસ્તે આ મનને શૈતાન નામ આપ્યું હતું.
મનમાં છુપાયેલો શૈતાન પ્રથમ તો માણસને લાલચ આપે છે કે આવ, તને હું મારા જેવો બનાવી દઉ. મારી પાસે શું નથી, તને બાદશાહ જેવો બની જઈશ. ઈસુ ખ્રિસ્તે શૈતાનને જવાબ આપ્યો- હવે તું શું મને બનાવવાનો છે, જે માર્ગે હું આગળ વઘ્યો છું તેમાં વચ્ચે આવવાનું તું છોડી દે. હું શું છું તે જે જાણી જાય છે, તેનું મન પણ સમજી જાય છે કે હવે તેના પર મારો હુકમ નહીં ચાલે.
મની દોડમાં આપણે આપણી ભાગદોડને સામેલ ન કરવી જોઈએ. ઈસુ ખ્રિસ્ત બધાને એ જ કહી રહ્યા છે કે તમારા મનને જણાવી દો કે દોડવું છે તો તું એકલો દોડ, અમે તો અમારી મરજી સાથે, શાંત અને ઘ્યાનમાં ભગવાનની પાસે રોકાયા છીએ. ઇચ્છા પર કાબૂ રાખીને જ મનની શાંતિ મેળવી શકાય છે. મન શાંત હશે તો ભગવાન મળવાના જ છે. – વિજયશંકર મહેતા
મોદીએ 23 કરોડની કમાણી કરી
કોઇપણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ફકત ફિલ્મી અભિનેતાઓ જ પૈસા નથી લેતા, પરંતુ હવે આ લિસ્ટમાં વધુ એક નવું નામ જોડાઇ ગયું છે. નરેન્દ્ર મોદી. જી હા, ભલે તમે તેમણે ગુજરાતના મુખ્યમંત્રીની રૂપમાં જ જાણો છો. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે એક જાણીતી સેલીબ્રીટી બની ગયા છે. તેમણે કોર્પોરેટ હાઉસ કાર્યક્રમોમાં બોલાવા માટે ફી આપવામાં પાછળ રહેતી નથી. તેનું પરિણામ છેલ્લાં પાંચ વર્ષમાં મોદી કોઇપણ સેલિબ્રીટી વગર વિભિન્ન કાર્યક્રમોમાં હાજરી આપીને 23 કરોડ એકત્ર કરી ચૂક્યા છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ ફંડનો મોટો હિસ્સો કન્યા કલ્યાણ નિધિમાં મોકલી આપ્યો છે. તેના લીધે રાજ્યમાં કન્યા શિક્ષણની યોજનાને આગળ ધપાવવામાં પ્રોત્સાહન મળી શકે. મુખ્યમંત્રીની ઓફિસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદીને વિભિન્ન કોર્પોરેટ હાઉસ તેમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલાવતા રહે છે, સાથે જ તેમના માટે મુખ્યમંત્રી ફંડમાં એક રકમ જમા કરવામાં આવે છે. તાજેતરમાં જ ગુજરાતના એક કોર્પોરેટ હાઉસમાં મોદીને ઉદ્ઘાટન સમારંભ માટે બોલાવામાં આવ્યા હતા, તેના માટે મુખ્યમંત્રી ફંડમાં 11 લાખનું દાન આપવામાં આવ્યું હતું.
આધિકારીઓનું કહેવું છે કે દાનની રકમ જે-તે સંગઠનની ક્ષમતા પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આ મહિનામાં જ અત્યારસુધીમાં મોદી અંદાજે 20 કાર્યક્રમોમાં ભાગ લઇ ચૂકયા છે. તેના દ્વારા એક મોટી રકમ ફંડમાં જમા થઇ છે. આધિકારીઓના મતે કાર્યક્રમમાં હાજર રહેવા બાદલ દાનમાં રકમ આપવાનો સિલસિલો 2006થી ચાલી રહ્યો છે. આ દાન પૂરી રીતે સ્વૈચ્છિક છે.
તક માટે કોઈ સીમડાનાં બંધન હોતાં નથી
રુકમાવતી નદી ગુજરાતમાં માંડવી પાસે અરબ સાગરમાં સમાઈ જાય છે. તમે તે જગ્યાએ જઈને ત્યાંની ગતિવિધિઓ જોશો તો આશ્ચર્ય પામશો. ત્યાંના અનેક શ્રમિકો પોતપોતાની કાર્યશાળાઓમાં બેસીને પોતાનાં ઓજારો સાથે નાની નાની હોડીઓ બનાવવામાં વ્યસ્ત જોવા મળશે.
અહીંયાં પહેલીવાર જનારા લોકોને આ કોઈ મહાનગર હોય તેવું લાગશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીંયાંની જબરદસ્ત કાયાકલ્પ થઈ ગઈ છે. અહીંયાં હોડી બનાવનારા શ્રમિકો ઉપરાંત ફાફડા બનાવતા કારીગરો જલેબી તળતા જોવા મળશે, જેથી તેમનું પેટ ભરાઈ શકે. રુકમાવતીનું આ તટીય ક્ષેત્ર ભારતના સૌથી જૂના અને વિકસતા નૌકાનિર્માણ કેન્દ્રોનું ગઢ બની ચૂક્યું છે.
છેલ્લા એક વર્ષથી અહીંયાં આ કામમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તેનું કારણ ભારત અને મઘ્ય-પૂર્વીય તેમજ ઉત્તર અમેરિકન ક્ષેત્રો વચ્ચે દરિયાઈ વેપારનું વધતું ચલણ છે. તેના કારણે ભાડામાં પણ વધારો થયો છે. અહીંના શ્રમિકો બે વર્ષ પહેલાં સુધી રમજાન માસ દરમિયાન રોજાને કારણે પોતાની દુકાનો બંધ રાખતા હતા, પરંતુ હવે આ વાત વીતેલા જમાનાની થઈ ગઈ છે.
ગયા રમજાન માસમાં જોવા મળ્યું કે આ કામદારો પોતાના ઘરેથી જલદી નીકળતા, મસ્જિદ જઈને નમાજ પઢતા અને દુકાન પર જતા. એવી જ રીતે સાંજે રોજા ખોલવા માટે જતા અને પાછા આવતા. તેમનું કહેવું છે કે તેમને ધર્મ અને વ્યવસાય વચ્ચે સંતુલન જાળવ્યું છે. વર્ષ દરમિયાન તેમની હાજરી હવે અનિવાર્ય થઈ ગઈ છે.
આ વ્યવસાય છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ૩૦૦ ટકા સુધી વધી ચૂક્યો છે. પરિણામસ્વરૂપ માંડવી અને તેની આસપાસ મોટી સંખ્યામાં ચાની દુકાનો, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ ફૂડ સ્ટોલ્સ ખૂલી ગયા છે, જે વધતી સમૃદ્ધિની સાબિતી છે. અહીંયાં હવે ધીમે ધીમે ભૂખમરો ખતમ થઈ રહ્યો છે.
અહીંયાં રોજગારીની તકો જોતાં દેશનાં વિવિધ રાજયોના મજૂર, જેમનાં પોતાનાં રાજયોમાં કોઈ કારણોસર નૌકાનિર્માણનું કામકાજ પ્રભાવિત થયું છે, હવે અહીંયાં આવી રહ્યા છે. હવે અહીંયાં શ્રમિકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને તેમના મહેનતાણામાં પણ ગયા વર્ષની તુલનાએ ૫૦ ટકા સુધીનો વધારો થયો છે.
ફંડા એ છે કે તકો દેશ-દુનિયાના વિવિધ હિસ્સાઓમાં ઉપલબ્ધ હોઈ શકે છે. જો આપણે જીવનમાં આગળ વધવા માટે તૈયાર છીએ અને ‘આખું વિશ્વ આપણું છે’ એવી માનસિકતા ધરાવીએ છીએ તો સફળતા જરૂર આપણા કદમ ચૂમશે.
આઇડિયા કોઈ સ્થળનો ઓશિયાળો નથી
વર્ષ ૨૦૦૫માં ત્રીસ વર્ષીય અનિલ જોશી (જેમણે દસમું ધોરણ પાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું) એક એકસ્પોર્ટ બિઝનેસ ચલાવતા હતા, જેનું ર્ટનઓવર અંદાજે ૧૦ કરોડ રૂપિયા હતું! ૨૬ જુલાઈના રોજ ત્રણ વર્ષ પહેલાં મુંબઈમાં વરસેલા અભૂતપૂર્વ વરસાદમાં ‘અફરાતફરી’ મચી ગઈ, ત્યાં સુધી તેમનું બધું સમુસૂતરું ચાલતું હતું.
ભીષણ વરસાદમાં ફસાયેલા જોશીએ સાત કિમી દૂર પોતાના ઘરે હિંમત હાર્યા વિના કમર સુધીના પાણીમાં એન્જિન બંધ કર્યા વિના કાર ચલાવીને ઘરે પહોંરયા. આ દરમિયાન તેમની કમર લગભગ છ ક્લાક સુધી તે પ્રદૂષિત પાણીમાં ડૂબી રહી, જેને કારણે તેમને હાડકામાં સડો લાગી ગયો અને બે વર્ષ સુધી પથારીવશ રહેવું પડયું.
આ બે વર્ષ દરમિયાન તેમનો વ્યવસાય સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો. આ સ્થિતિમાં તેમને પોતાના અનેક સંબંધીઓ અને મિત્રોનાં લગ્નમાં જવાનું થયું અને તેમણે અનુભવ્યું કે લગ્નનાં આયોજન સ્થળો અને કેટલીક મોટી મોટી દુકાનોની આસપાસ કોઈ વોલેટ પાર્કિંગ નથી હોતું. અહીંયાં જ તેમના દિમાગમાં એક નવો વિચાર સ્ફૂર્યો.
લગ્નના કાર્યક્રમો ઉપરાંત એકિઝબિશન જેવી ઇવેન્ટ્સના સંદર્ભમાં તેમને અનેક શકયતા નજરે પડી. જયાં દરેક કારની કિંમત સરેરાશ ૧૦ લાખ રૂપિયાની આસપાસ થતી હોય, ત્યાં લોકો પોતાનાં વાહનો માટે સુરક્ષિત જગ્યા ઇચ્છતા હોય છે. જોશી વ્હીલચેર પર અનેક ઇવેન્ટ આયોજકોને ત્યાં ગયા અને મદદ માટે વાત કરી.
જોકે આ લોકોએ જોશી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, પરંતુ એ માનવા તૈયાર નહોતા કે વ્હીલચેર પર રહેતી કોઈ વ્યકિત વોલેટ પાર્કિંગનું ઘ્યાન રાખી શકે છે. છતાં તેમનું કામ શરૂ થયું. ધીમે ધીમે તેમની કંપની ‘મુંબઈ વોલેટ પાર્કિંગ સોલ્યુશન્સ’ મજબૂત થઈ ગઈ અને આજે ત્રણ વર્ષ પછી તેમનું ર્ટનઓવર લગભગ સાડા સાત કરોડ રૂપિયા છે! તેમની કંપનીમાં ૬૫૦ જેટલા તાલીમ પામેલા ડ્રાઇવરો રાત-દિવસ કામ કરે છે.
જોશી કારની સુરક્ષાની પણ ગેરંટી આપે છે. તેમના ડ્રાઇવર કુશળ મિકેનિક છે અને તમે જયારે લગ્નમાં મહાલતા હો ત્યારે તેઓ કારની નાની-મોટી સમસ્યા ઉકેલી શકે છે. ફંડા એ છે કે કોઈએ સાચું જ કહ્યું છે કે જહાં ચાહ, વહાં રાહ. વ્યવસાયની તકો અને વિચારોનો કોઈ અંત નથી. જરૂર છે માત્ર શકય વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવાની.
પોતાના દિલનો અવાજ સાંભળો
મેનેજમેન્ટ ફંડા એન. રઘુરામનઃ હાલમાં જ રાજકુમાર હીરાણીની ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ જોતી વખતે અનેક વિચારો આવ્યા. આ ફિલ્મ આજની હકીકતને બહુ સુંદર રીતે રજૂ કરે છે. ફિલ્મની વાર્તા એન્જિનિયરિંગના ત્રણ વિધાર્થીઓની આસપાસ ફરે છે, જેમને બળજબરીથી આ અભ્યાસ માટે મોકલવામાં આવે છે, જયારે તેમને કંઈક બીજું કરવું છે.
દરેક વ્યકિતના જીવનમાં કયારેક તો આવો સમય આવે જ છે, જયારે તેને નક્કી કરવું પડે છે કે તે કયું ક્ષેત્ર પસંદ કરવા માગે છે? વિકલ્પ નક્કી થયા બાદ જ તેના ભવિષ્યના કોર્સનું નિર્ધારણ થાય છે. દુર્ભાગ્યથી આજે આપણે તે કામ નથી કરી શકતા, જે વાસ્તવમાં કરવા માગીએ છીએ. આપણી પોતાની ઇરછાઓ અને અભિરુચિઓ વાલી, શિક્ષક, ભાઈબંધોની ઇરછાઓ સહિત નામ અને દામ પાછળ ભાગી રહેલી દુનિયાની આકાંક્ષાઓના ભાર હેઠળ દબાઈ જાય છે.
આપણી પોતાની રુચિ શું છે ? આપણે શું બનવા માગીએ છીએ, જેનાથી આપણને સંતુષ્ટિ થાય? આ પ્રકારના પ્રશ્નો પાછળ રહી જાય છે.લેખક હર્વે ટેલરે કહ્યું હતું કે, ‘હું મારા માટે વિચારું છું. હું આ ભીડની ધેટાંચાલનો ભાગ બનવાનો ઇનકાર કરું છું. નહીં તો હું એવો જિન બની જઈશ, જેના મનમાં જીવન પ્રત્યે કોઈ ઉત્સાહ કે ભાવના નથી.’ આવો નિર્ણય કરવો બહુ અઘરો હોય છે, કારણ દુનિયાનું દબાણ જબરદસ્ત હોય છે.
આજે વધારે જોર શકિત અને સમૃદ્ધિ પર હોય છે, જેને તમારા વ્યકિતત્વ સાથે જોડીને જોવામાં આવે છે. આ ફિલ્મ મર્મસ્પર્શી ઢંગથી સવાલ કરે છે કે તમે તાકાત અને પૈસા ખૂબ મેળવી શકો છો, પરંતુ શું તમે એક એવા માણસ બનવાનું નથી ઇરછતા, જે નાજુક વળાંક પર પોતાના દિલનો અવાજ સાંભળે.આજે મેડિસનિ અને એન્જિનિયરિંગને જ સફળતાની ચરમ સીમા મનાય છે. ફોટોગ્રાફી અને સંગીત સાથે જોડાયેલા ને નિષ્ફળ ગણવામાં આવે છે. આ સ્થિતિમાં એકવાર ફરી ચાર માર્ગીય રસ્તા પર ઊભેલા યુવાઓની મહત્તા વધી જાય છે.
તમારા જીવન સાથે જોડાયેલા મુખ્ય મહત્ત્વનો નિર્ણય તમારે જ કરવાનો છે. તમારી પાસે સમય ઓછો છે, તેને કોઈ બીજાનું જીવન જીવવા માટે બર્બાદ ન કરો. કોઈ બીજાના મંતવ્યને તમારા અંતરાત્મા પર હાવી ન થવા દો.
તમારા દિલના અવાજ મુજબ પગલાં ભરો. તમારું અંતર્મન કોઈ ને કોઈ રીતે એ જાણી લે છે કે, તમે વાસ્તવમાં શું બનવા માગો છો. ફંડા એ છે કે, જીવનમાં કોઈ રિવર્સ ગિયર નથી હોતા. રોબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘ધ રોડ નોટ ટેકન’માં કહેવાયું છે, ‘મેં તે માર્ગ પસંદ કર્યો, જેના પર લોકો નથી જતા અને તેનાથી આટલો ફરક પડ્યો.’
નવી તકોનો ફાયદો કેવી રીતે ઉઠાવવો?
વર્ષ ૨૦૧૦ એના આરંભથી જ લોકોની ખરીદશક્તિ વધારવાની લાલચો લઈને આવ્યું છે. એની સાથે સાથે રોજગારીની તકો માટે પણ ઉજળી આશાઓ ઊભી થઈ રહી છે. દાયકાઓથી બંધ રહેલી રાજ્ય સરકારની નોકરીઓના દરવાજા પણ આ વર્ષે ઊઘડી રહ્યા છે.
અમીર લોકો માટે ટોયોટા પ્રાઇસ, હ્યુન્ડઈ સેન્ટા એફઈ અને બીએમડબ્લ્યૂ ઇલેવન જેવી નવી આલીશાન પ્રીમિયર મોટરકારો છે, જે આ વર્ષે લોન્ચ થવા જઈ રહી છે. આ જ કારણે મને ભરોસો છે કે આ વર્ષે લોકો માટે પહેલાંની સરખામણીએ વધારે તક ઉપલબ્ધ હશે.
જોકે કેટલાક લોકોના મનમાં વિચાર આવી શકે છે કે કાર લોન્ચિન્ગની તકો સાથે શું લેવાદેવા? જો તમે આ સવાલને સરળ રીતે જોશો તો જવાબ હશે કે ‘કંઈ નહીં’ પરંતુ તમે આ સવાલને એ દ્રષ્ટિએ જુઓ કે હું શું કહેવા માગું છું, તો તમે શક્યત: મારી આ વાત સાથે સંમત થશો.
જ્યારે કારનિર્માતા કંપનીઓ પોતાની ટોપ બ્રાન્ડ્સને કોઈ દેશમાં લોન્ચ કરે છે તો સ્પષ્ટ છે કે તે એવા બજારમાં પ્રવેશવાની કોશિશ કરશે, જયાં લોકોની ખરીદશકિત વધારે હોય. આ જોતાં કહી શકાય કે આગળ જતાં દેશની અર્થવ્યવસ્થામાં સ્થિરતા આવશે. કાર એ લોકો જ ખરીદતા હોય છે, જેમની લક્ઝરી સંબંધિત અન્ય જરૂરિયાતો સંતોષાઈ ચૂકી હોય. એનો અર્થ છે કે વસ્તીનો એક મોટો ભાગ હોટલ, લગ્નો તેમજ આવાં અન્ય ક્ષેત્રોમાં ખર્ચ કરશે.
છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીઓએ પોતાની વધારાની ‘ચરબી’ ઘટાડીને પોતાને દરેક રીતે ‘ફિટ’ રાખવાની કોશિશ કરી હતી. હવે વિકાસ ઓછા લેબર ખર્ચમાં આવી રહ્યો છે, આ સ્થિતિમાં કંપનીઓ શ્રમશક્તિ વધારવા મજબૂર થશે, કારણ કે બજાર પણ વિસ્તરી રહ્યું છે. આ જોતાં માનવસંસાધન સાથે જોડાયેલા અનેક વિશેષજ્ઞોનું કહેવું છે કે વર્ષ ૨૦૧૦માં દરેક સ્તર પર નોકરીઓ વધશે.
જો તમે નવા કર્મચારી છો કે પછી તમે સારા બ્રેકની શોધમાં છો, તો તમે કંપનીઓ, ખાસ કરીને આઈટી કે હોસ્પિટાલિટી કે હેલ્થકેર જેવી કંપનીઓની નબળાઈની શોધમાં રહો. દરેક કંપનીની કોઈ નબળાઈ હોય છે અને તેના પર કાબૂ મેળવવા પ્રતિભાશાળી લોકોની જરૂર હોય છે. ફાઇનાન્સિયલ સેકટર, રિટેઇલ અને ઓફ-શેરિંગમાં પણ નજીકના ભવિષ્યમાં વિકાસ જોવા મળશે. મોટા ભાગની કંપનીઓનું લક્ષ્ય કુશળ કર્મચારી મેળવવાનું હોય છે.
ફંડા એ છે કે વર્ષ ૨૦૧૦ આશાઓથી ભરપૂર છે. પોતાની જાતને નવી તકો, નવા ઘટનાક્રમ માટે તૈયાર કરીને તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો.
ખર્ચ ઘટાડો આવકના રસ્તા શોધી કાઢો
તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક નાનકડું ગામ છે, જેનું નામ છે થુરઇયુંડરકોટ્ટાઈ. આ ગામના લોકો છેલ્લાં ત્રીસેક વર્ષથી મિતવ્યયી જીવનશૈલી અપનાવી રહ્યા છે અને આ જ કારણે ત્યાં દિવાળીની ઉજવણી સુઘ્ધાં નથી કરવામાં આવતી !
કરકસરયુકત જીવનશૈલીનું આ અભિયાન આ નાનકડા ગામમાં અંદાજે ૩૨ વર્ષ પહેલાં ભીષણ દુકાળ પડ્યા બાદ શરૂ થયું હતું. તંજાવુર-મન્નારગુડી રોડ પર આવેલા આ ગામના રહીશો દિવાળી પર નવાં કપડાં, મીઠાઈઓ કે ફટાકડા નથી ખરીદતા.
આ રસ્તે થોડા અંતરે તમિલનાડુનો કુષ્ણાગિરિ જિલ્લો આવેલો છે. સંતોષબાબુ ત્યાંના જિલ્લા કલેકટર છે અને તેમણે ગામના દસમું ધોરણ નાપાસ વિદ્યાર્થીઓને એકઠા કરી ટ્રેનિંગ તેમજ કામ આપતાં પોતાના કલેકટરેટ માટે એક બીપીઓ શરૂ કર્યો. આ રીતે તેમણે દેશના પહેલા ગ્રામીણ બીપીઓને જન્મ આપ્યો.
તેમના આ સફળ વિચારને હવે દેશના અન્ય ભાગોમાં પણ અપનાવવામાં આવી રહ્યો છે. આ બંને વિસ્તારના લોકોએ પોતાની રીતે વિકાસનો નવો ચીલો ચાતર્યો છે. કયાંક ખર્ચા પર કાપ મૂકવામાં આવ્યો તો કયાંક પૈસા કમાવવાનો નવો રસ્તો શરૂ કરવામાં આવ્યો.
તમને આવાં સેંકડો ઉદાહરણો અને તમિલનાડુના આ બે વિસ્તારો જેવી સફળગાથાઓ મળી જશે, જયાં લોકોએ અનાવશ્યક ખર્ચાઓ ઓછા કરીને અને પોતાની આવકનાં માઘ્યમ વધારીને જીવનને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરી.
હાલની મંદીના મારનું મૂળભૂત કારણ એ જ હતું કે દુનિયાએ આ બંને આધારભૂત સિદ્ધાંતોનું પાલન નથી કર્યું. ઊંચા દરે લોન લેવી અને ભવિષ્યની કમાણીના આધારે આજે ખૂબ ખર્ચ કરવો એ આધુનિક સમયનાં મુખ્ય જોખમો છે.
આ જોખમોને ચાળે ચડીને જ (ખાસ કરીને પિશ્ચમી વિશ્વ) આજની કારમી મંદીના ચાકડે ચડેલું છે. ચાદર હોય એટલી જ સોડ તાણવી જોઈએ. હજુ મંદીના મારથી વિશ્વ સંપૂર્ણ રીતે મુકત થયું નથી ત્યારે બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો અને આવકના શક્ય એટલા નવા સ્ત્રોતો અપનાવવા જરૂરી છે.
આજના સંજોગોમાં આવક વધારવાના ચાન્સ કરતાં ખર્ચ ઘટાડવાના ચાન્સ વધારે હોય છે. જેને સરળતાથી અપનાવી શકાય એવા પણ હોય છે. તો શા માટે ન અપનાવવા ? ફંડા એ છે કે સ્થાયી વિકાસ માટે આ બે આધારભૂત મંત્રો છે કે કાં તો પોતાના ખર્ચાઓ ઓછા કરવામાં આવે અથવા તો આવકના સ્ત્રોત વધારવામાં આવે.
સક્ષમ કર્મીઓની અવગણના ન કરવી જોઈએ
ઘણા લોકો હાઈ વેલ્યૂ ઇલેક્ટ્રોનિક પ્રોડકટ ખરીદતા હોય છે. તેઓ થોડા સમય સુધી તેનો ઉપયોગ કરે છે અને તેને પોતાના નજીકના મિત્રો અને સંબંધીઓને બતાવે છે. ત્યારબાદ ઘણી વખત આ વસ્તુઓ ઘરના કોઈ ખૂણામાં ધૂળ ખાતી પડી રહે છે. ધીમે ધીમે કેટલાંક કારણોથી અચાનક તમારું ઘ્યાન આ વસ્તુઓ પરથી હટી જાય છે. આ સ્થિતિમાં થોડા સમય પછી જયારે તમે ફરીથી તે વસ્તુ જુઓ છો ત્યારે ખબર પડે છે કે તે ઇલેક્ટ્રોનિક પ્રોડકટમાં કંઈ ને કંઈ ખરાબી આવી ગઈ છે.
આ પ્રકારની પરિસ્થિતિ દરેક ગેજેટપ્રેમીઓ સાથે થતી હોય છે. આવા લોકો ઘણી વાર બીજાને કહેતા હોય છે કે તેમણે બહુ ઉમંગથી ફલાણી વસ્તુ ખરીદી હતી, પરંતુ ઉચિત કાળજીના અભાવે તેનું પરફોર્મન્સ બગડી ગયું. થોડા સમય બાદ લોકો આ પ્રોડક્ટ કોઈ બીજાને મફતમાં આપી દે છે.
આવું જ કંઈક કોઈ સંસ્થામાં સારા લોકો કે કર્મચારીઓ સાથે થતું હોય છે. જો તમે તેમની અવગણના કરશો તો તેમના વિચારો અને વિચારવાની પેટર્ન પર પણ ‘ધૂળ’ ચઢવા લાગે છે અને તે આખરે તમને છોડીને કોઈ બીજી કંપનીમાં જતા રહે છે. એક શ્રેષ્ઠ ઇલેક્ટ્રોનિક પ્રોડકટ અને ઉત્કષ્ટ કર્મચારી વચ્ચે આ જ અંતર હોય છે કે પ્રોડકટ તો ખરાબ થઈ જશે અને તમારે તે વેચી દેવી પડશે, જયારે માનવ સંસાધન…ની બાબતમાં સારા લોકો તમને છોડીને જતા રહેશે.
આ પ્રકારની પરિસ્થિતિ ટાળવા માટે કંપનીએ કર્મચારીઓનું યોગ્ય મૂલ્યાંકન પ્રણાલી, તેમને પ્રેરિત કરવા અને જાળવી રાખવા માટેની યોગ્ય તકનિક અપનાવવી પડશે. સૌથી અગત્યની વાત એ છે કે લીડર્સે સંસ્થાની અંદર કર્મચારીઓના બગડતા સંબંધો સાચવવા જોઈએ. લોકોના યોગ્ય મેનેજમન્ટ માટે જરૂરી છે કે કંપનીઓ તેમના કામની પ્રકતિની સાપેક્ષ સહકર્મચારીઓ અને બહારના લોકો સાથે રોજ બદલાતા સંબંધો પર ઘ્યાન આપે. એચઆર સેલ માત્ર કર્મચારીઓની હાજરી પૂરવી અને તેને વેતન માટે ફાઇનાન્સ ડિપાટર્મેન્ટ સુધી મોકલવા માટે નથી હોતો. તે સારા કર્મચારીઓને સારા માહોલમાં જાળવી રાખવા માટે હોય છે.
ફંડા એ છે કે કોઈ પણ કંપનીમાં પ્રતિભાશાળી કર્મચારીઓ હાઈ વેલ્યૂ ઇલેક્ટ્રોનિક પ્રોડકટ જેવા હોય છે. જો તેમની અવગણના કરવામાં આવે તો તેમની કાર્યક્ષમતા ઘટી જાય છે.
કિંમત-ગુણવત્તા સાથે કદી બાંધછોડ ન કરો
અલ્ડી એક ઓછા બજેટની રિટેઇલ સ્ટોર્સની ચેઇન છે, જેનું વેચાણ ગયા વર્ષે ૭૩.૫ અબજ ડોલર રહ્યું. આ નાનકડી ચેઇને યુરોપના મોટા મોટા બ્રાન્ડ મેનેજરોના મનમાં ભય પેદા કરી દીધો છે. તેની દુકાનોમાં ઓછામાં ઓછી સજાવટ હોય છે અને તે ખાણીપીણી તેમજ ઘરેલુ ઉપયોગનો સામાન ઓછા પ્રમાણમાં (લગભગ ૧૦૦૦ થી ૧૫૦૦ એસકેયૂ-સ્ટોકકીપિંગ યુનિટ્સ) વેચે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાનું કોઈ પણ સુપર માર્કેટ સરેરાશ ૩૦,૦૦૦ અને વોલ માટર્ના સુપર સેન્ટર અંદાજે ૧,૦૦,૦૦૦ એસકેયુ વેચે છે. આ હાર્ડ ડિસ્કાઉન્ટ સ્ટોર્સ આકારમાં વોલ માટર્ની સરખામણીએ દસ ગણા સુધી નાના હોય છે, જ્યાં સ્ટાફનું સ્તર પણ તુલનાત્મક રૂપે ઓછું હોય છે અને મોટા ભાગે આ સ્ટોર એવી જગ્યાએ હોય છે જયાં ભાડું ઓછું હોય. હાર્ડ ડિસ્કાઉન્ટર્સની સપ્લાઇ સિસ્ટમ બહુ સક્ષમ હોય છે. તેમના એસકેયૂ નંબર ઓછા હોવાના કારણે તેનું સંચાલન બહુ સરળ થઈ જાય છે. અલ્ડીના ખર્ચમાં ૧૩ થી ૧૪ ટકા સંગ્રહખર્ચ, ૨ ટકા લોજિસ્ટિકસ ભાડું તેમજ માર્કેટિંગ માટે અને ૫ ટકા સ્ટાફ માટે ઉમેરાય છે.
વસ્તુત: તમામ રિટેઇલ સ્ટોર્સની કિંમતોની આંતરરાષ્ટ્રીય સરખામણીએ અલ્ડીને વિજેતા માનવામાં આવ્યું છે. હાર્ડ ડિસ્કાઉન્ટસની સફળતાના કારણે મુખ્યધારાની બ્રાન્ડના વાર્ષિક વેચાણમાં અંદાજે ૦.૨૫ કે ૦.૫૦ ટિ્રલિયન ડોલરનું નુકસાન થયું છે. આવનારાં પાંચ વર્ષમાં હાર્ડ ડિસ્કાઉન્ટર્સનું વેચાણ અંદાજે ૫૦ ટકા વધવાનું અનુમાન છે.
જ્યારે પ્રોક્ટર એન્ડ ગેમ્બલના સીઈઓએ થોડાં વર્ષ અગાઉ કંપનીની યુરોપસ્થિત હેડ ઓફિસની મુલાકાત લીધી, ત્યારે આ કંપનીના યુરોપમાં તત્કાલીન પ્રેસિડન્ટ પોલ પોલમેન (જે હવે યુનિલીવરના સીઈઓ છે) તેમને પીએન્ડજીના સૌથી મોટા પ્રતિદ્વંદ્વી બતાવવા લઈ ગયા. આ જબરદસ્ત પ્રતિદ્વંદ્વી અલ્ડી સ્ટોર હતો. મુલાકાત બાદ પોલ નિિશ્ચંત હતા કે આખી દુનિયામાં વધતા મઘ્યમવર્ગને કારણે તમામ સુપર ડિસ્કાઉન્ટ પ્રોડક્ટ ખરીદવામાં અને વેચવામાં આવશે, પરંતુ તેનાથી પીએન્ડજી જેવી બ્રાન્ડેડ પ્રોડક્ટના વિકાસની ગતિ અટકશે નહીં. વર્ષ ૨૦૦૯ના અંત સુધીમાં આવતાં આવતાં તેમની વાત સાચી સાબિત થઈ.
ફંડા એ છે કે કવોન્ટિટી માટે પોતાની પ્રોડકટ ઓછી કિંમતમાં ન વેચો. શકય છે કે ક્વોન્ટિટીને કારણે વેચાણમાં અચાનક વધારો થઈ જાય, પરંતુ સતત લાભ કોઈ અનબ્રાન્ડેડ પ્રોડકટથી ન મળી શકે. પ્રોડક્ટની કવોલિટી અને કિંમતમાં કોઈ બાંધછોડ ન કરો. બ્રાન્ડેડ પ્રોડકટની શાખ જ કોઈ બજારમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
અનોખા કામથી બને છે ઓળખ
મેનેજમેન્ટ ફંડા: તાઇવાનમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂક એવા એક દંપતીએ અહીંયાં-તહીંયાંથી અખબાર એકઠાં કરીને ઘરમાં જ તૈયાર કરવામાં આવેલા બ્લેન્ડર દ્વારા તેની લૂગદી બનાવવાનું ચાલુ કર્યું. આ લૂગદીનો ઉપયોગ કરીને તેમણે એક સ્કૂલની નાનકડી ઈમારત તૈયાર કરી નાખી. આ વાંચીને તમને જરા આશ્ચર્ય થયું હશે. વાત જાણે એમ છે કે કનાડાઈ મૂળના જોન લેમોરી અને તેમની તાઇવાની પત્ની શેલી વુએ અખબારોના એક ટન કરતાં વધારે નકામા કાગળ (જે મોટા ભાગના સ્કૂલે જતાં બાળકો દ્વારા લાવવામાં આવ્યા હતા)નો ઉપયોગ કરીને તેને ૭૫ વર્ગમીટરની સ્કૂલની ઇમારત બનાવવામાં પરિવર્તિત કરી દેવાયા!
લેમોરી પહેલા કન્સ્ટ્રકશન સુપરવાઇઝર હતા અને આજે ૫૯ વર્ષની ઉમરે તેમને અખબાર જેવી વસ્તુને બિલ્ડિંગ મટિરિયલમાં પરિવર્તિત કરવામાં ખૂબ ખુશીનો અનુભવ થયો. આ પરિયોજનામાં તેમને અંદાજે એક વર્ષ લાગ્યું અને ઉદ્ઘાટન બાદ તાઇવાનના મેટ્રો અને મિની મેટ્રો શહેરોમાં તેની ખ્યાતિ જંગલમાં લાગતી આગની જેમ ફેલાઈ ગઈ. હવે ત્યાંના લોકો ઘર બનાવવાની આ તકનિકની કોપી કરવા લાગ્યા છે.
લેમોરીએ બેકાર થઈ ગયેલા એક ટ્રકની આધારપટ્ટી અને લોનની સફાઈ કરતી જૂની બ્લેડની મદદથી એક બ્લેન્ડર બનાવ્યું છે. તેની અંદર તેમણે નકામા અખબારોનાં કાગળ, પાણી અને સિમેન્ટ નાખીને એવું મિશ્રણ તૈયાર કર્યું, જેને આજે દુનિયા પેપરક્રીટના નામે ઓળખે છે. પેપરક્રીટનું નિર્માણ ખૂબ મહેનત માગી લે છે. જોકે પર્યાવરણની દ્દષ્ટિએ તે ખૂબ અનુકૂળ છે. સ્કૂલની દીવાલોને વરસાદ અને વાતાવરણના મારથી બચાવવા માટે તેના પર સિલિકોનનું પડ ચઢાવવામાં આવ્યું છે.
હવે આ પતિ-પત્ની આ મટિરિયલની મદદથી એક રેસ્ટોરાં બનાવવાનું આયોજન કરી રહ્યાં છે, જેને તેઓ કૂક પિજજાસ જેવું કોઈ નામ આપી શકે છે. આ બંનેની ઉમર ૫૫ વર્ષથી ઉપર છે અને તે પોતાના દેશમાં આ પ્રકારના કન્સ્ટ્રકશન વ્યવસાય માટે સલાહકાર તરીકે સેવાઓ આપી રહ્યાં છે. તાઇવાનનું આ દંપતી આખા વિશ્વને માટે પ્રેરણારૂપ છે. તેમનો દ્દઢ નિર્ધાર અને કંઈક વિશેષ કરી છૂટવાની તમન્ના નોંધપાત્ર છે.
તેમણે જે દિશામાં કામગીરી આરંભી, એ પણ કાબિલેદાદ છે. પેપર ક્રીટનું સર્જન કરીને તેમણે પર્યાવરણની સેવા કરી છે. ફંડા એ છે કે તમે કંઈક અલગ કરવા માટે કટિબદ્ધ હો તો તમારી ઉત્કષ્ટતાને ઓળખ મળવાની સાથે સાથે તમે તમારા ક્ષેત્રે પણ સફળ રહેશો. જીવનમાં સફળ થવા માટે ઘરેડથી જુદા હટીને કંઇક નવું કરવાનીલગન હોવી જોઈએ.
શ્રદ્ધાના બળે કંઈ પણ હાંસલ કરી શકાય
ઓશ્ચેવ એક પ્રખ્યાત પાઇલોટ હતો. તેના મિત્રો અને અધિકારી તેના કરતબ જોઈને મોઢામાં આંગળા નાખી દેતા હતા. ઓશ્ચેવને પોતાની જાત અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હતી. તે માનતો હતો કે સર્વશક્તિમાન ઈશ્વરનો એક અંશ તેનામાં સમાયેલો છે.
એક વખત દુશ્મનો સાથેની લડાઈમાં ઓશ્ચેવ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેના બંને પગ કાપવા પડ્યા. તેની દયનીય હાલત જોઈને તેના મિત્રોએ જણાવ્યું પણ ખરું કે હવે તેઓ તેને વિમાન ઉડાડતો નહીં જોઈ શકે. ત્યારે ઓશ્ચેવ સ્મિત આપતાં બોલ્યો, વિમાન ઉડાડવા માટે તો ભગવાને મને જીવતો રાખ્યો છે.
બધાને એમ લાગ્યું કે તે પોતાને દિલાસો આપવા માટે આવું બોલી રહ્યો છે, પરંતુ હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ઓશ્ચેવે તુરંત જ નકલી પગ લગાવ્યા અને દિવસ-રાત ચાલવાનો અભ્યાસ કરવા લાગ્યો. તેના મિત્રોએ તેને સમજાવ્યો પણ ખરો કે જે ઘા માંડ માંડ રૂઝાયા છે તે ફરી તાજા થઈ જશે, પરંતુ તે મક્કમ હતો.
મિત્રોએ તેને પાગલ ગણીને જણાવ્યું કે હવે તું કયા બળે વિમાન ઉડાડીશ ? તેણે જવાબ આપ્યો- મારો વિશ્વાસ અને મારી શ્રદ્ધા મારી સાથે છે. થોડા સમયમાં જ તે ઘોડીના ટેકા વગર છૂટો ચાલવા લાગ્યો. તેનો આ દ્રઢ નિશ્ચય જોઈને તેને ફરીથી સૈન્યમાં દાખલ કરવામાં આવ્યો અને ફરી એક વખત તેણે દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા.
શ્રદ્ધા અને વિશ્વાસના બળે અપંગ ઓશ્ચેવ ફરી વિમાન ઉડાડવા લાગ્યો. ઘટનાનો સાર એ છે કે પોતાની જાત પર વિશ્વાસ અને ભગવાન પર શ્રદ્ધા રાખીને જે કોઈ કાર્ય કરવામાં આવે તેમાં સફળતા જરૂર મળે છે. આથી પોતાની શકિત, યોગ્યતા અને સામર્થ્યને ઓળખો.
નિરંતર પ્રયાસ જ સફળતાની ચાવી છે
રાજાએ સંપૂર્ણ તૈયારી સાથે દુશ્મન સેના પર હુમલો કર્યો. ઘમસાણ યુદ્ધ થયું. રાજા અને તેના સૈનિકો સંપૂર્ણ ખુમારી સાથે લડ્યા, પરંતુ સાતમી વખત પણ હારી ગયા. રાજા માટે જીવ બચાવવો પણ ભારે થઈ પડયું. તે પોતાનો જીવ બચાવીને ભાગ્યો.
ભાગતા-ભાગતા તે એક ગાઢ જંગલમાં પહોંચી ગયો અને એક સ્થળે બેસીને વિચારવા લાગ્યો કે સાત વખત હારી ચુકયા બાદ હવે તો દુશ્મન પાસેથી પોતાનું રાજય ફરીથી પાછું મેળવવાની આશા રહી નથી. રાજાએ તે જંગલમાં રહીને એકાંતવાસમાં જીવન પસાર કરવાનો નિર્ણય લીધો.
જીવનમાં હવે બાકી જ શું રહ્યું છે? આ વિચારતા-વિચારતા તે ઊંઘી ગયો. જયારે ઊઠ્યો તો તેણે જોયું કે તેની તલવાર પર એક કરોળિયો જાળું બનાવી રહ્યો છે. તે ઘ્યાનથી આ દ્રશ્ય જોવા લાગ્યો. કરોળિયો વારંવાર નીચે પડતો અને ફરી વખત જાળું બનાવતા-બનાવતા તલવાર પર ચઢતો.
આ રીતે તે દસ વખત નીચે પડ્યો અને દસે-દસ વખત તેણે જાળું બનાવવા માટે મહેનત કરી. ત્યારે જ એક સાધુ ત્યાં આવી પહોંચ્યા અને રાજાને નિરાશ જોઈને બોલ્યા, હે રાજા, કરોળિયા જેવો તુચ્છ જીવ પણ વારંવાર હારીને નિરાશ થતો નથી. યુદ્ધ નહીં, હિંમત હારવાને હાર કહે છે.
હિંમત એકઠી કરીને પોતાના સૈનિકોને એકઠા કરો અને ફરી વખત યુદ્ધ કરો. રાજાએ આવું જ કર્યું અને આ વખતે તે જીતી ગયા. કથાનો સાર એ છે કે નિષ્ફળતાથી નિરાશ થઈને નિષ્ક્રિય થઈ જવાના બદલે વધુમાં વધુ પ્રયત્નો કરવા જોઈએ. તેનાથી સફળતા એક દિવસ જરૂર મળે છે. એટલે કે નિરંતર પ્રયાસ જ સફળતાની ચાવી છે.
સમયે-સમયે દાન આપનાર મનુષ્ય શ્રેષ્ઠ છે
સંસ્કૃતના મહાકવિ માઘ પર સરસ્વતી અને લક્ષ્મી બંનેની એક સરખી કપા હતી. શિશુપાલવધ જેવી ઉત્કષ્ટ રચનાના રચયિતા માઘ પૈસાદાર હોવાની સાથે ઉદાર મનના હતા. જે તેમના દરવાજે આવતું તે ખાલી હાથ પાછું જતું નહીં. દાન આપતાં-આપતાં માઘનું બધું જ ધન ખલાસ થઈ ગયું.
એક દિવસ તે આ જ સ્થિતિમાં ઘરે બેઠા-બેઠા પોતાની એક કવિતા નવસર્ગ લખી રહ્યા હતા, ત્યારે એક નિર્ધન બ્રાહ્મણ તેમની પાસે આવ્યો અને બોલ્યો, કવિરાજ, તમારું નામ સાંભળીને અવંતિકાથી ચાલીને તમારી પાસે આવ્યો છું. અત્યંત નિર્ધન છું અને પુત્રીના લગ્ન નજીકમાં જ કરવાનાં છે. તમે મારી કોઈ આર્થિક મદદ કરો. માઘ બોલ્યા, બંધુ, અત્યારે તો હું પોતે પણ ભૂખ્યો અને સાધન-સંપત્તિ વગરનો છું. તમને કંઈક આપવાની સ્થિતિમાં નથી. બ્રાહ્મણ નિરાશ થઈને પાછો ફરવા લાગ્યો તો માઘથી રહેવાયું નહીં. તેમણે તેને થોડો સમય રોકાઈ જવા જણાવ્યું અને પોતે અંદર પત્ની પાસે પહોંચ્યા.
પત્નીના હાથમાં અંતિમ નિશાની તરીકે સોનાના કંગન બરયાં હતાં. માધે એક હાથનું કંગન ઉતારી લીધું, ત્યારે પત્નીએ જાગીને પૂછ્યું કોણ ? માઘ બોલ્યા,એક ચોર. પત્ની બોલી, પારકી વસ્તુ લેનારો ચોર હોય છે, પરંતુ તમે તો તમારી પોતાની વસ્તુ લીધી છે. બ્રાહ્મણની દયનીય સ્થિતિ અંગે સાંભળીને પત્નીએ બીજું કંગન પણ ઉતારીને આપી દીધું. માધે બંને કંગન બ્રાહ્મણને આપી દીધાં. બ્રાહ્મણ આશીર્વાદ આપી જતો રહ્યો. એટલે કે ઉદારતાથી વધીને કોઈ જ ગુણ નથી. તે મનુષ્ય શ્રેષ્ઠ છે જે સમયે-સમયે દાન આપતો રહે છે. દાન માટે વસ્તુ કરતાં ભાવના વધુ મહત્વપૂર્ણ હોય છે. દાનવીર મનુષ્ય દેવત્વ પ્રાપ્ત કરી લે છે.
વીતેલા વર્ષને અલિપ્ત ભાવથી વિદાય આપો
સાધારણ વ્યકિતના મન અને સૂફી સંતો-ફકીરોના હૃદયમાં એક જેવી જ સ્થિતિ હોવા છતાં પણ તેને સ્વીકારવામાં અંતર હોય છે. કોઈ પૈસા પાછળ પાગલ હોય છે તો કોઈ નાણાં જોઈને દૂર ભાગતો હોય છે. તેને ધનનો રાગ હોવું કે ધનનો વિરાગ હોવું કહેવાય છે. સામાન્ય લોકોના મનમાં પૈસાને લઈને રાગ પેદા થયો હોય છે અને ફકીરોએ ધનને લઈને વિરાગ પેદા કરેલો હોય છે, પરંતુ બંને સ્થિતિ તણાવ પેદા કરતી હોય છે. અઘ્યાત્મએ એક શબ્દ આપ્યો છે ‘વીતરાગ’. જેનો અર્થ એ થાય છે કે અહીં આવીને રાગ અને વિરાગ બંને સમાપ્ત થઈ જાય છે. દુનિયામાં પોતાના આનંદમાં રરયા-પરયા રહેનારા લોકો વીતરાગી હોય છે. વીતરાગી બનવા માટે હલકા થવાનું શીખવું જોઈએ.
આપણે સ્મૃતિઓનો, યાદશક્તિનો જેટલો ભાર ઉઠાવીશું તેટલા વજનદાર થઈ જઈશું. આથી રાગ અને વિરાગથી છૂટા પડવા માટે એ સમજવું પડશે કે શું યાદ રાખવું અને શું ભૂલી જવું. બીજું એક વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે. સારી અને ખરાબ યાદો મન:સ્થિતિમાં સમાઈ જવા માટે તૈયાર છે અને આપણે તેનાથી પીછો છોડાવવાની તૈયારી કરી રહ્યા છીએ. નવા વર્ષની તૈયારીમાં થોડા આઘ્યાત્મિક થઈ જઇએ. વીતેલા વર્ષને અલિપ્ત ભાવથી વિદાય આપીએ. તમે તે વર્ષમાં એક પાત્ર હતા, બિલકુલ નાટકમાં અભિનય કરતા હોય તેમ. રોલ પૂરો થયો, પડદો પડી ગયો અને હવે બીજા દ્રશ્યની તૈયારીમાં નવું વર્ષ આવી રહ્યું છે. કોઈ બીજાની પટકથા હતી, કોઈ બીજાનું નિર્દેશન હતું.
આપણે સુખ અને દુ:ખનો અભિનય કર્યોઅને તે મહાન નાટયકાર પરમપિતા પરમેશ્વરની કઠપૂતળી બનીને વીતેલા સમયમાંથી નવા સમયમાં પ્રવેશ કરી લઈએ, પરંતુ એક બાબતનું ઘ્યાન રાખીએ કે દોરી તો તેના હાથમાં જ છે.
-પં. વિજયશંકર મહેતા
તમે બીજાની મદદ કરો, બીજા તમારી મદદ કરશે
એક વેપારી પાસે એક ઘોડો અને એક ગધેડો હતો. તે પોતે ઘોડા પર બેસતો અને ગધેડા પર માલસામાન લાદીને ગામેગામ માલ વેચતો રહેતો હતો. ઘોડાને તેણે વધુ ભાવ આપીને ખરીધો હતો, આથી તે તેના પર વધુ વજન નાખતો ન હતો અને તેનું વધુ ઘ્યાન રાખતો હતો. એક દિવસ વેપારી માલસામાનવેચવા કોઈ ગામ તરફ જઈ રહ્યો હતો.
ગધેડો બિચારો અત્યંત દૂબળો હતો, તેના પર જરૂર કરતાં વધારે સામાન લાદી દેવાયો હતો. રસ્તો પણ ઊચો-નીચો હતો, આથી તે ઘણી મુશ્કેલી સાથે આગળ વધારી રહ્યો હતો, પરંતુ આખરે તે હિંમત હારી ગયો. તેણે ઘોડાને જણાવ્યું- ભાઈ, આ વજનથી તો મારો જીવ નીકળી રહ્યો છે. તું દયા કરીને મારું થોડું વજન ઉઠાવી લે. હું જીવનભર તારો આભારી રહીશ, પરંતુ ઘોડાએ અહંકાર સાથે જણાવ્યું- શું બકે છે ? અમે કયારેય વજન ઉઠાવ્યું છે તો તારું વજન ઉઠાવીશ. ખબરદાર, જો ફરી વખત આવું બોલ્યો છે તો. બિચારો ગધેડો કંઈ બોલ્યો નહીં, રડતો-તડપતો આગળ વધતો રહ્યો અને અંતે થાકીને નીચે પડી ગયો.
નીચે પડવાથી તેનો એક પગ તૂટી ગયો. વેપારીએ તાત્કાલિક ગધેડાનો બધો જ ભાર ઘોડાની પીઠ પર લાદી દીધો અને તેના ઉપર ગધેડાને પણ ચઢાવી દીધો. હવે ઘોડાના બધા જ અહમ્ની હવા નીકળી ગઈ અને તે એ વિચારીને પશ્ચાતાપ કરવા લાગ્યો કે મારે ગધેડાની વાત પહેલાં જ માની લેવાની જરૂર હતી. જો મેં તેને થોડી ઘણી પણ મદદ કરી દીધી હોત તો મારું જ ભલું થતું અને આટલું કષ્ટ ના વેઠવું પડતું. એટલે કે જો આપણે બીજાની મદદ કરીએ તો બીજા પણ આપણી મદદ કરશે, નહીંતર સંકટના સમયમાં આપણે પણ કષ્ટદાયક સ્થિતિનો સામનો કરવો પડશે.
સાંભળો સૌનું પણ નિર્ણય બુધ્ધિથી કરો
માર્ગ પર ચાલતાં-ચાલતાં એક મુસાફરની મુલાકાત નજીકના ગામમાં રહેતા એક વ્યક્તિ સાથે થઈ. મુસાફરે ખુલ્લી જમીન તરફ આંગળી ચીંધીને જણાવ્યું કે શું આ તે જ ક્ષેત્ર છે જયાં સમ્રાટ આલમે પોતાના દુશ્મનો પર વિજય મેળવ્યો હતો? તે વ્યક્તિએ જવાબ આપ્યો, ના તે ક્યારેય યુધ્ધક્ષેત્ર રહ્યું ન હતું. અહીં તો જાદ નામનું એક મોટું શહેર હતું, જેને આગ લગાડીને ખાખ કરી દેવાયું હતું. આ કારણે જ તે ઘણી ફળદ્રુપ જમીન છે.
મુસાફર આગળ વઘ્યો. તે અડધો માઈલ પણ આગળ વઘ્યો ન હતો કે તેને એક બીજી વ્યક્તિ તેને મળી. મુસાફરે તેને પુછ્યું, શું અહીં જાદ નામનું એક મોટું શહેર હતું? તેણે જવાબ આપ્યો, ના, ક્યારેય નહીં, પરંતુ એક સમયે અહીં મઠ હતો, જેને દક્ષિણના લોકોએ બરબાદ કરી નાખ્યું હતું. આગળ જતાં મુસાફરને ત્રીજી વ્યક્તિ મળી, જેને તેણે પ્રશ્ન પૂછ્યો, શું આ જગ્યાએ એક સમયે અહીં વિશાળ મઠ હતો? તે વ્યક્તિએ જવાબ આપ્યો, અહીં કોઈ મઠ ન હતો.
હા, અમારા પૂર્વજો કહેતા હતા કે એક વખત આ સ્થળ પર એક મોટું નક્ષત્ર પિંડ તૂટીને પડયું હતું. આગળ જતાં તેને એક વૃધ્ધ વ્યક્તિ મળી. તેણે તેમને પૂછ્યું, મહોદય, આ માર્ગ પર મને ત્રણ વ્યક્તિ મળી. તમામે આ વિસ્તાર અંગે તદ્દન જુદી-જુદી વાત જણાવી છે. વૃધ્ધ વ્યક્તિએ તેને જણાવ્યું કે દોસ્ત, બધાએ તમને સાચી વાત જ જણાવી છે, પરંતુ તે સાંભળીને તમારે તેના પર વ્યાપક દ્રષ્ટિએ વિચાર કરી સત્યની શોધ કરવાની છે.
સાર એ છે કે કોઈ પણ વિષય પર બધાનો જુદો જુદો મત હોય છે, જે તેમના વિચાર, વિવેક અને દ્રષ્ટિકોણના અનુસાર હોય છે, પરંતુ તેમને સાંભળીને ભ્રમિત થવાને બદલે પોતાની જાતે જ સત્યની શોધ કરવી જોઈએ.
ધીરજ તો ધર્મનું ઘરેણું ગણાય છે
ધર્મ કોઈ પણ હોય તે આતુરતા અને પરંપરાગત વિચારો આપતો નથી. ધર્મનું બીજું નામ જ ધૈર્ય છે અને પ્રગતિશીલતા તેની વિશિષ્ટ શૈલી હોય છે. હજરત મોહમ્મદે જે રીતે ઇસ્લામને સ્થાપિત કર્યો હતો, તેમાં આ બંને બાબતોનું વિશેષ ઘ્યાન રાખવામાં આવ્યું હતું. હજરત મોહમ્મદ ઉપર ૨૩ વર્ષ સુધી કુઆર્નની આયાતો ઊતરી હતી. લાંબા સમય સુધી તો તેમના ઘરના લોકો જ તેમની વાત સાંભળતા હતા, બહારના લોકો તો વિશ્વાસ જ મૂકતા ન હતા.
તેમના એક કાકા અબૂ વહબ અને કાકી ઉમ્મે જમીલ ફક્ત તેમને શાપ જ ન આપતા, પરંતુ દરરોજ જે રસ્તેથી મોહમ્મદ પસાર થતા હતા ત્યાં કાંટા પાથરી દેતા હતાં. ભક્તિના માર્ગમાં પહેલો વિરોધ ઘરના લોકોથી ચાલુ થાય છે. આ પરીક્ષા ઉપરવાળો એટલા માટે લેતો હોય છે કે તે આપણી ધીરજ વધારવા માગે છે. ધીરજ ધર્મનું ઘરેણું હોય છે.
હજરત મોહમ્મદની દિનચર્યા સામાન્ય લોકો જેવી જ હતી,આથી તે સમયે લોકો તેમને પેગંબર તરીકેના ખોટા દાવેદાર જણાવતા હતા. તેમને જાદુગર પણ કહેવાયા, પરંતુ હજરત મોહમ્મદનું માનવું હતું કે વ્યક્તિ ઘર-ગૃહસ્થી, વ્યાપાર, દુનિયાદારીમાં રહીને પણ પરવરદિગારને મેળવી શકે છે. તેમના ઉપર કુઆર્નની એક આયાત ઊતરી હતી, જે તેમના પ્રગતિશીલ વિચારોનું પ્રતીક છે.
‘હે પરવરદિગાર, મને જ્ઞાન(ઇલ્મ) અને સમજદારી આપ તથા નેક લોકોમાં મારો સમાવેશ કર.’ (સુરત-૨૫, આયાત-૮૩) થોડા દિવસો અગાઉ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ઇસ્લામને માનનારા જેટલા પણ લોકો મળ્યા, બધા એક વાતે સહમત થતા હતા કે ધર્મ જયાં સુધી શરીર પૂરતો છે ત્યાં સુધી ભેદભાવ, કપટ અને હિંસા છે. મનમાં પ્રવેશતાંની સાથે જ બધા એક થઈ જાય છે.
પં. વિજયશંકર મહેતા
આપણી નિર્બળતા પણ દુ:ખનું એક કારણ હોય છે
સંસારને રસહીન સમજીને ગાંધાર નરેશ અને વિદેહ નરેશ બંને ભિક્ષુ બની ગયા. વર્ષો સુધી રાજપાટ ભોગવ્યા બાદ નવા-નવા ભિક્ષુ બન્યા તો પણ મન વારંવાર વિચલિત થઈ જતું હતું. બંને ભિક્ષા માગીને પોતાનું પેટ ભરતા અને પ્રભુના સ્મરણમાં દિવસો પસાર કરતા. ભિક્ષુ હોવાને કારણે બંનેએ મીઠા વગરનું ભોજન લેવું જરૂરી હતું.
ઘણા દિવસો સુધી મીઠા વગરનું ભોજન કર્યા બાદ તે કંટાળી ગયા. ભિક્ષુ થઈને સ્વાદની વાત કરવી તે ભિક્ષુના ધર્મ વિરુધ્ધની વાત હતી. એક દિવસ વિદેહ નરેશે એક ગૃહસ્થ પાસેથી ઘણું બધું મીઠું મેળવીને ભોજનમાં તેનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું. આ જોઈને ગાંધાર નરેશે વાંધો ઉઠાવ્યો – ભિક્ષુ હોવા છતાં પણ તમે મીઠું ખાઈ રહ્યા છો. લોકો જાણશે તો આપણને ઢોંગી કહેશે.
વિદેહ નરેશે જવાબ આપ્યો- મારાથી હવે મીઠા વગરનું નથી ખાઈ શકાતું. મેં મીઠાનો સંગ્રહ કર્યો છે, સોના-ઝવેરાતનો નહીં. ગાંધાર નરેશ બોલ્યા- એક તો આચરણ વિરુધ્ધ કામ કર્યું છે અને પાછી દલીલ કરી રહ્યા છો. શું વિદેહનું રાજ્ય સ્વાદ લેવા માટે છોડ્યું છે? વિદેહ નરેશે પણ ગુસ્સે થઈને જવાબ આપ્યો- મારો મીઠાનો સંગ્રહ કરવો આચરણ વિરુધ્ધ છે તો તમારો મારા પર ગુસ્સો કરવો પણ આચરણ વિરુધ્ધ છે. શું તમે મારા પર શાસન કરવા માટે ગાંધારની ગાદીનો ત્યાગ કર્યો હતો ?
ત્યારે ગાંધાર નરેશ બોલ્યા, ક્ષમા કરજો, મારા મનમાં દુર્બળતા આવી ગઈ હતી, હું પણ ક્ષમાપ્રાર્થી છું. સાર એ છે કે દુર્બળતા જ આપણા દુ:ખનું કારણ છે. જયારે આપણે આપણી દુર્બળતા પર વિજય મેળવી લઈશું, ત્યારે કોઈ જ દુ:ખ નહીં થાય. આથી મનની ચંચળતા પર નિયંત્રણ રાખવું.
શરીરની સુંદરતા સાથે સુખ જોડાયેલું નથી
ફક્ત શરીર સુખ આપી દેશે, આવું જે લોકો વિચારે છે, તે મોટા દુ:ખમાં પડવાની તૈયારી કરતા હોય છે. શરીરને સામાન્ય રીતે સાચવવાની વિધિ જ સુંદરતા છે. શરીરનું મહત્ત્વ ઘણા લોકો સુંદરતા સાથે જોડીને જુએ છે, પરંતુ સુંદર શરીર હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ પણ શાંત અને સુખી હોય.
શરીરના સુખ સાથે કોઈ જ લેવા-દેવા નથી. કેટલાક લોકો એ વાતથી દુ:ખી હોઈ શકે છે કે તેમની પાસે સારી બુદ્ધિ, સારી વાણી અને સારો ચહેરો નથી, પરંતુ જેમની પાસે આ બધું જ હોય છે, જો તેમને પૂછવામાં આવે તો આપણને ખબર પડશે કે તેઓ પણ દુ:ખી જ રહે છે. સુંદર ઘાટીલું શરીર, સુંદર ચહેરો અને વધુ બુદ્ધિશાળી લોકો પોતાના જીવનના અંતિમ સમયમાં વિચલિત જ નહીં, પરંતુ અસ્થિર મગજના થઈ ગયેલા પણ જોવા મળ્યા છે. આથી સુખનો સંબંધ ફકત શરીર સાથે જોડવામાં ન આવે. શરીર અને મનનું સંતુલન જેટલું બનાવી રાખશો, તેટલું સુખ અને શાંતિની નજીક વહેલા પહોંચી શકાશે.
હનુમાનજીએ આ બંનેનો સરળ પ્રયોગ બતાવ્યો છે. જ્યારે વાનર સીતાજીની શોધમાં નીકળ્યા હતા, ત્યારે હનુમાનજી ચૂપચાપ બેસી ગયા. જામ્બવંતે હનુમાનજીને જણાવ્યું, ‘કહઈ રીંછપતિ સુનુ હનુમાના, કા ચુપ સાધિ રહેહુ બલવાના’. ‘હે બલવાન હનુમાન, સાંભળો, ચૂપચાપ કેમ બેઠા છો ?’ અહીં ચૂપનો અર્થ પોતાના મનને આરામ આપવાનો એટલે કે ઘ્યાનની મુદ્રામાં આવી જવાનો છે.
સંપૂર્ણ સક્રિયતાના સમયમાં પણ હનુમાનજી શાંત હતા એટલે કે મેડિટેશનમાં જીવી રહ્યા હતા. થોડા સમય બાદ લખવામાં આવ્યું છે કે સુનતહી ભયઉ પર્બતાકારા-હનુમાનજી પર્વતની જેમ મોટા થઈ ગયા. દેહનો સાચો ઉપયોગ એ જ છે કે તે અંતર્મનથી સંચાલિત હોય, નહીં કે બહારની સ્થિતિઓથી પ્રભાવિત હોય. -પં. વિજયશંકર મહેતા
શક્તિનો ઉપયોગ જ્ઞાન અને વિવેકથી કરો
જયારે પણ કોઈના ઉદય કે પતનને જુઓ ત્યારે માત્ર ઉપર-ઉપરથી જોવાને બદલે થોડા ઊંડા ઉતરો. ઉદય કે પતનની પાછળ સંકલ્પશક્તિ અને એની દ્રઢા જરૂર કારણ ભૂત હોય છે. કોઈ પણ વ્યવસ્થા, સર્જન, યોગ્યતામાં જયારે પણ પ્રયોગ થયા છે, તેની પાછળ દ્રઢ સંકલ્પશક્તિની ભૂમિકા રહેલી હોય છે.
હનુમાનજીએ પોતાની સંકલ્પશક્તિને વ્યકત પણ કરી છે અને તેનાં પરિણામ પણ આપ્યાં છે. ચાલો આજે તેઓ જયારે પ્રથમ વખત લંકામાં જવાની તૈયારી કરતા હતા તેની વાત કરીએ: શાંત બેઠેલા હનુમાનને જામવંત સમજાવી ચૂક્યા હતા.
શક્તિ તેમની પાસે જ જળવાય છે, જે તેના સંચાલનની સમજ રાખે છે. જ્ઞાન તથા વિવેક તે શક્તિને સમર્થન આપે છે. જામવંતના સમજાવ્યા બાદ હવે હનુમાનજીનો સંકલ્પ સાંભળીએ. સિંહનાદ કરિ બારહિં બારા. લીલહિં નાધઉ જલનિધિ સારા. સહિત સહાય રાવનહિ મારી.
આનઉ ઇહાં ત્રિકૂટ ઉપારી. જામવંત મૈં પુછઉ તોહી. ઉચિત સિખાવનું દિજહુ મોહી. અર્થાત્ હનુમાનજીએ જણાવ્યું કે હું આ ખારા સમુદ્રને રમતવારમાં જ કૂદી શકું છું અને સાથીદારો સહિત રાવણને મારીને ત્રિકૂટ પર્વતને ઉખાડીને અહીં લાવી શકું છું.
હા જામવંત, હું તમને પૂછું છું, તમે મને યોગ્ય શિખામણ આપજો કે મારે શું કરવું જોઈએ. આ પંક્તિઓનો તેવો અર્થ ન લેવો જોઈએ કે તેઓ મોટી વાત કરી રહ્યા છે. તેઓ બોલવા કરતાં કરવામાં વિશ્વાસ રાખે છે. આમ કહીને બજરંગબલિ એ બતાવવા માગે છે કે સરળ શક્તિ શું હોય છે અને તેને કેવી રીતે અમલમાં મૂકવી જોઈએ.
સાથે એ પણ સમજાવી દીધું કે શક્તિને જ્ઞાન અને વિવેકથી કેવી રીતે મર્યાદિત રાખી શકાય. આથી સંકલ્પશક્તિને દ્રઢ કરો અને તેને અંતિમ સ્વરૂપ મારુતિની જેમ આપો. – પં. વિજયશંકર મહેતા
એકાંતની સ્થિતિ પરમાત્માની વધુ નજીક લઈ જાય છે
પરમાત્માએ જાહેરાત કરી કે તેમણે એક, બે, ત્રણ, ચાર અને તેનાથી પણ વધુ પગવાળા અને પગ વગરના જીવોનું નિર્માણ કર્યું છે, પરંતુ મનુષ્ય તેમને સૌથી વધુ પ્રિય છે કેમ કે તેનામાં બુદ્ધિ હોય છે અને તે બુદ્ધિમાં એ સંભાવના રહેલી છે કે તે પરમાત્માને ઓળખી શકે છે.
તેનું એક ઉદાહરણ અવધૂત દત્તાત્રેય અને રાજા યદુ વચ્ચેનો સંવાદ છે. દત્તાત્રેયએ રાજાને જણાવ્યું હતું કે, તેમણે પોતાની બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમણે જે જુદા-જુદા ગુરુનું વર્ણન કર્યું હતું, તેમાં એક ગુરુ તરીકે એક કુંવારી કન્યા અને તેની બંગડીને પણ બતાવી હતી.
રાજા યદુ આ વાત સંભાળીને આશ્ચર્યમાં પડી ગયો. કેમ કે વાત અત્યંત રોચક અને વિચાર માગી લે તેવી હતી. લગ્ન માટે એક કુંવારી કન્યાને જોવા કેટલાક લોકો તેના ઘરે આવે છે. કન્યાના માતા-પિતા કયાંક બહાર ગયા હતા, આથી મહેમાનોના અતિથિ સત્કાર માટે તે જાતે જ કામ કરવા લાગી.
ભોજન બનાવવા માટે તે એકાંતમાં અનાજ કૂટવા લાગી. તેના હાથમાં રહેલી બંગડીઓ એકબીજા સાથે અથડાઈને અવાજ કરી રહી હતી. કન્યાને એવું થયું કે બંગડીના અવાજથી મહેમાન એવું સમજી લેશે કે તે અનાજ કૂટી રહી છે અને તેના ઘરમાં કોઈ નોકર-ચાકર નથી.
આથી તેઓ તેમને ગરીબની શ્રેણીમાં મૂકી દેશે. આ વિચારીને તેણે બધી જ બંગડીઓ તોડી નાખી, ફકત એક-એક બંગડી રહેવા દીધી. પછી કોઈ અવાજ થયો નહીં. દત્તાત્રેયજી જણાવે છે કે તે સમયે તેઓ ત્યાંથી પસાર થતા હતા.
તેમણે આ પ્રસંગ જોયો તથા તેમાંથી પાઠ લીધો કે જયારે ઘણા લોકો એકસાથે રહે છે તો કંકાસ થાય છે. એકલા હોવાને આઘ્યાત્મમાં એકાંત કહેવાયું છે. વ્યકિત જયારે એકાંતમાં હશે તો પરમાત્માની નજીક જવાની સંભાવના વધુ રહેશે. – પં. વિજયશંકર મહેતા
સાદગી ગુરુકૃપા મેળવવાનું ઉત્તમ સાધન છે
આજે દુનિયા તર્કપ્રધાન છે. દરેક વાતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાનની જેમ અઘ્યાત્મનું પણ પોતાનું એક અલાયદું વિજ્ઞાન હોય છે. જે વાત ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિથી યોગ્ય ન હોય, તે ઘણી વખત અઘ્યાત્મની દ્રષ્ટિએ સાચી હોય છે. મનની આંતરિક અવસ્થા, સંસ્કારોનો ઉદય તથા ક્ષય એવા વિષયો છે, જે અઘ્યાત્મમાં આવે છે, પરંતુ વિજ્ઞાન તેના પર કોઈ પ્રકાશ નાખતો નથી અને ભૌતિક વિજ્ઞાન તો ક્યારેક તેને ફગાવી પણ દે છે.
અઘ્યાત્મમાં આવી જ એક વિધા છે, જે છે ગુરુકૃપાને મેળવવી. ગુરુકૃપાની જીવનમાં શા માટે જરૂર હોય છે? હકીકતમાં આપણા જીવનમાં કેટલીક વખત બહારનાં અને અંદરનાં વિધ્ન આવે છે. બહારની મુસીબતોનો સામનો કરવામાં આપણું ભણતર, કામકાજનો અનુભવ કામ લાગે છે, પરંતુ અંદરના વિધ્નોનો સામનો કેવી રીતે કરવો? સામાન્ય રીતે સાધક બહારની મુસીબતોમાં જ ફસાઈ જાય છે. નાનાં-નાનાં વિધ્નોની તેને કલ્પના હોતી નથી અને તેટલી સમજ પણ હોતી નથી.
નાનાં વિધ્નોની તાકાત મોટી મુસીબતો કરતાં ઘણી વધારે હોય છે. તે વિધ્નો દૂર કરવા માટે સાધક પાસે ગુરુકૃપા જ એક માઘ્યમ છે. ગુરુ માર્ગદર્શક હોય છે. ગુરુના માર્ગદર્શન વિના શિષ્યની સફળતા સંભવિત હોતી નથી. વર્તમાન સમયમાં ગુરુ-શિષ્ય પરંપરાનું જેટલું વિસ્તરણ થતું ગયું છે, તેટલી જ સંબંધોમાં નબળાઈ આવતી ગઈ છે.
શિષ્યોની સંખ્યા વધારવાની જાણે કે હરીફાઈ લાગી છે. સાધકોમાં એક બીજા વચ્ચે વેર અને નિંદા સામાન્ય વાત છે. આવા સંજોગોમાં ગુરુકૃપા જેવું સૌભાગ્ય આપણા હાથમાંથી છટકી જાય છે. ગુરુની નજીક રહેવા માટે આ હરીફાઈ છોડી દેવી જોઈએ. જે વ્યક્તિ સીધી-સાદી હશે, તેના પર ગુરુની અપાર કૃપાદ્રષ્ટિ રહેશે.
પં. વિજયશંકર મહેતા
આંસુઓ દિલની ભીનાશની અભિવ્યકિત છે
આંખો ફકત જોવાનું જ કામ નથી કરતી, તે બોલે પણ છે. એવું કહેવાય છે કે કેટલાક લોકો આંખોથી જીભનું કામ લેતા હોય છે. તે આંખો જ બોલી શકે છે, જેમની પાસે થોડા ઘણા આંસુ બચ્યાં હોય છે. અઘ્યાત્મમાં આંખોની ભીનાશનું વધુ મહત્વ છે.
વર્તમાન જીવનશૈલીમાં એ વિચારી શકાય નહીં કે આંખોમાં પાણી કઈ જગ્યાએથી આવે છે. વર્તમાનમાં આપણે મોટા ભાગનો સમય બુદ્ધિથી સંચાલિત થઈ રહ્યા છીએ, આથી આપણો સંપૂર્ણ ચહેરો સક્રિય રહે છે, ડોક હાલે છે, શરીરને આક્રમક બનાવી દેવામાં આવે છે, પરંતુ આમ છતાં પણ આંખો ભીનાશ વગરની રહી જાય છે.
એ જરૂરી નથી કે આંખોમાં હંમેશાં આંસુ રાખવામાં આવે, પરંતુ જીવનના તેવા પ્રસંગો કે જયાં લાગણીના સંબંધો હોય ત્યાં આંસુને સૂકવી દેવામાં ન આવે એ જરૂરી છે. રામ કેટલાક પ્રસંગે રડ્યા હતા. બુદ્ધ અને મહાવીરની આંખોમાં પણ પાણી આવતું રહ્યું છે.
ઈસા મસીહ જયારે દુ:ખી થતા હતા ત્યારે તેમની આંખો ઝરણું બનીને વહેતી હતી, પરંતુ આ તેમની નબળાઈ ન હતી. આંખોનાં આ ટીપાં કોઇ તર્ક, વિચાર કે કોઈ જ્ઞાનના કારણે નથી પડતાં, પરંતુ તે સીધા હ્દયના કંપનથી પેદા થતા હોય છે.
કયારેક એકાંતમાં પરમાત્મા માટે કે સાર્વજનિક જીવનમાં કોઈ સંવેદનશીલ ઘટના પર આંસુ છલકાઈ જાય તો તુરંત તે આંસુઓની ભાષા વાંચવાનો પ્રયાસ કરવો. આવી સ્થિતિઓમાં આંસુ કંઈક ને કંઈક બોલી રહ્યા હોય છે અને જો આપણે તે શબ્દોને સાંભળી લીધા તો ફકત આપણે જ સાંભળી શકીએ છીએ તે માનીને ચાલીએ.
તમને તેની પાછળ એક લાંબુ સ્મિત છુપાયેલું મળશે અને તમે પોતાને હ્દય સાથે જોડાયેલા અનુભવશો. આવું કયારેક થાય તો તેના પછી થોડું સ્મિત રેલાવી દેવું. – પં. વિજયશંકર મહેતા
જીવનધારામાંથી જ જન્મે છે શ્રેષ્ઠ માનવીય ચિંતન
જો કોઈ માણસને સમજવો હોય તો સૌથી પહેલા એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે તેના અંદર શું ચિંતન ચાલી રહ્યું છે. તેના અંદરના સ્તરને જાણીને જ તેની સમજને બદલી શકાય છે. આ પ્રયોગમાં હનુમાનજી મહારાજ ઘણા કાબેલ હતા.
સ્વામી વિવેકાનંદ હનુમાનના ભક્ત હતા અને આવો જ પ્રયોગ તેમણે વિદેશ જઈને પોતાના ભાષણમાં કર્યો હતો. સુંદરકાંડની એક પંક્તિ બહુ ચર્ચિત છે. હનુમાનજીએ ભર્યા દરબારમાં રાવણને જણાવ્યું હતું કે, ‘રામ નામ બિનું ગિરા ન સોહા. દેખુ બિચારી ત્યાગિ મદ મોહા. બસન હીન નહિં સોહ સુરારી. સબ ભૂષન ભૂષિત બર નારી.’
એટલે કે રામનામ વગર વાણી શોભા મેળવતી નથી, મોહનો ત્યાગ કરો. અહીં હનુમાનજી જેવા બ્રહ્મચારીના મોઢે નારીનું આવું ઉદાહરણ આપવું લોકોને ભ્રમ અને ચિંતામાં નાખી દે છે. આ પ્રસંગમાં બજરંગબલી બે બાબતો તરફ ઇશારો કરી રહ્યા છે.
પ્રથમ તો એ કે રાવણના વિચારોમાં નારી વસેલી છે અને તે સ્ત્રીને સન્માનની દેવી નહીં, પરંતુ ભોગની વસ્તુ જ માને છે.આ શબ્દો કામપિપાસુ રાવણને તીરની જેમ વાગશે અને તેની સમજનું કારણ બનશે. બીજી વાત છે હનુમાનજીનું બ્રહ્મચર્ય અને નારીનું સ્મરણ. હનુમાનજી માટે બ્રહ્મચર્યનો અર્થ છે કામશક્તિ એટલે કે જીવનઊર્જાનો સદુપયોગ.
બહારની સ્થિતિઓ સાથે જોડીને તેની વ્યાખ્યા નહીં. કામશક્તિ તેમના માટે ધૃણા નહીં, પરંતુ જીવનધારા છે, જે મનુષ્યને ઊચો ઉઠાવી શકે છે. શ્રેષ્ઠ માનવીય ચિંતન આ જીવનધારામાંથી જ જન્મે છે. આ કામશકિત, કુંડલિની મહાશક્તિના સ્વરૂપે શરીરના સૌથી નીચેના ચક્રના આધાર પર પડી રહે છે. સંપૂર્ણ વ્યક્તિત્વ તેનાથી જ પ્રભાવિત હોય છે કે તમે તેનો કેવો સદુપયોગ કે દુરુપયોગ કરો છો.- વિજયશંકર મહેતા
પોતાની જાતનું અવલોકન કરતા રહેવું જોઈએ
પરમાત્માનું હંમેશાં સ્મરણ કરવું એ સારી વાત છે. જીવનમાં ઘણી વખત એવો પ્રસંગ આવે છે જયારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, પરંતુ જયારે આપણે પોતાની જાતને ભૂલી જઈએ છીએ ત્યારે વધુ જોખમ સર્જાય છે. પોતાની જાતને યાદ રાખવાનો અભ્યાસ સતત ચાલુ રાખવો જોઈએ.
જેવા આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ, કામ, ક્રોધ અને લોભ આપણી ઉપર કબજો જમાવી લે છે. પોતાની જાતને ભૂલી ગયેલો માણસ બેભાન જેવો હોય છે. દુર્ગુણો પણ જાણે છે કે આ વ્યક્તિ ભાનમાં નથી, તેના પર કબજો જમાવી લો, તે કોઇ પ્રતિકાર નહીં કરી શકે.
આપણે ભાનમાં રહીએ તેના માટે સાક્ષી ભાવ કેળવવો પડશે. દરરોજ આ ભાવનો જાગતો રાખવો પડશે કે હું મારો સાક્ષી છું. મારી ચોકીદારી એટલી મજબૂત છે કે અંદરનો ઉલ્લાસ બહાર નહીં જઈ શકે અને બહારની પરેશાની અંદર પ્રવેશી નહીં શકે.
પ્રત્યેક પળે તમારું અવલોકન તમને શાંત રાખશે. આપણે જયારે પોતાને નથી ભૂલતા ત્યારે આપણી સાથે જોડાયેલી વાતોનો સાચો ઉપયોગ કરવાનું શીખી લઈએ છીએ.
જો આપણી પાસે જ્ઞાન આવે છે ત્યારે આપણે સચેત રહીએ છીએ કે તેને આચરણમાં ઉતારી લઈએ. આપણે પવનની હળવી થાપટ, ફૂલની નાની અમથી સુગંધ, પ્રકૃતિના નાનામાં નાના અંશને પણ સંપૂર્ણ રીતે જીવવા લાગીએ છીએ.
મનુષ્યોની વચ્ચે રહેવાના કારણે તમને લાગે છે કે તમે તમારી જાતના સાક્ષી છો, પરંતુ દરેકને એમ લાગે છે કે તમે તેમના માટે જીવી રહ્યા છો અને તેઓ પણ તમારા માટે તેટલા જ મહત્વના છે.
પોતાનું અવલોકન કરતાં રહેવું બીજાની નજરે પોતાપણાની ખાસિયત બની જાય છે. આજના નાસભાગ અને અંગત સ્વાર્થના સમયમાં જો બીજા એ અનુભવ કરી લે કે તમે તેમના છો તો તે એક મોટી સફળતા કહેવાશે. – પં. વિજયશંકર મહેતા
કહેવાની જુદી રીતને લીધે સર્જાતો ભ્રમ દૂર કરો
એક હજાર વર્ષ પહેલાંની વાત છે. લેબેનોનમાં બે ફિલસૂફ ભેગા થયા. એકે બીજાને પૂછ્યું, તમે કયાં જઈ રહ્યા છો? બીજાએ જવાબ આપ્યો, હું તો યુવાનીનું ઝરણું શોધવા જઈ રહ્યો છું. મારી જાણ મુજબ આ પર્વતોમાંથી કોઈ એકમાંથી જ તે ફૂટી રહ્યું છે.
મને કેટલાક એવા પુરાવા મળ્યા છે જે તેનું ઉદ્દગમ સ્થાન પૂર્વ દિશામાં બતાવે છે, પરંતુ તમે શું શોધી રહ્યા છો? પહેલાએ જણાવ્યું કે હું તો મૃત્યુના રહસ્યની શોધમાં નીકળ્યો છું. ત્યારે બંને ફિલસૂફે એકબીજા પ્રત્યે એવી ધારણા બાંધી લીધી હતી કે સામેવાળો તેની મહાન વિધાથી અપરિચિત છે.
તેઓ ઝઘડવા લાગ્યા અને એકબીજાના અંધવિશ્વાસની નિંદા કરવા લાગ્યા. ત્યારે જ ત્યાંથી એક અજાણી વ્યક્તિ પસાર થઈ. જયારે તેણે આ બંનેને ઝઘડતા જોયા તો થોડો સમય તેમની દલીલો સાંભળતો રહ્યો.
ત્યાર બાદ તે તેમની નજીક આવીને બોલ્યો, ભલા માણસ, એવું લાગે છે કે તમે બંને એક જ સિદ્ધાંતને માનનારા છો અને બંને વાત પણ એક જ જણાવી રહ્યા છો. અંતર ફકત શબ્દોનું છે.
તમારામાંથી એક યુવાનીનું ઝરણું શોધી રહ્યો છે તો બીજો મૃત્યુનું રહસ્ય શોધવા માગી રહ્યો છે, પરંતુ બંને છો તો એક જ. આટલું કહીને તે અજાણી વ્યક્તિ તેમનાથી છૂટી પડી. બંને ફિલસૂફે એકબીજાની સામે જોયું અને હસવા લાગ્યા.
પછી તેમાંથી એક બોલ્યો, તો હવે આપણે સાથે મળીને શોધીએ ? બીજાએ માથું હલાવ્યું અને બંને સાથે નીકળી પડ્યા. કહેવાનો અર્થ એ છે કે કયારેક વાતનો હાર્દ એક સરખો હોવા છતાં આપણી કહેવાની રીતમાં અંતર હોવાના કારણે ભ્રમ પેદા થાય છે અને પછી તે વિવાદનું કારણ બની જાય છે.
નિ:સ્વાર્થમાં સાચા ધર્મની કસોટી છે
એક નગરશેઠે એટલું ધન એકઠું કર્યું કે તેને ધન અને વૈભવથી જ વૈરાગ્ય પેદા થઈ ગયો. તેમણે વિચાર્યું કે હવે બાકી વધેલું જીવન ભગવાનના ઘ્યાનમાં પસાર કરું અને ગમે તે રીતે મુક્તિ મેળવી લઉ. આ વિચારીને તેમણે નગરના પ્રખ્યાત પંડિત જયરામને બોલાવ્યા અને જણાવ્યું કે ભાગવત કથા સાંભળવાની ઇચ્છા છે. પંડિતજીએ ભાગવત કથાનું મુહૂર્ત નક્કી કરી નાખ્યું.
સપ્તાહ અને કથાની સમાપ્તિ બાદ શેઠે પંડિતજીને સારી એવી દક્ષિણા આપી. પંડિતજી ખુશ થઈને તેમને આશીર્વાદ આપવા લાગ્યા, પરંતુ શેઠે તેમને સવાલ કર્યો કે મહારાજ, રાજા પરીક્ષિતે જ્યારે શુકદેવજીની કથા સાંભળી હતી તો જીવનમુક્ત થઈ ગયા હતા, પરંતુ હું જીવનમુક્ત શા માટે ના થયો ? પંડિતજીએ જવાબ આપ્યો કે આ કળિયુગ છે. તેમાં ચોથા ભાગનું પુણ્ય મળે છે.
નગરશેઠ બોલ્યા, મને તો આખું પુણ્ય જોઈએ છે. તમે અગાઉથી જ દક્ષિણા લઈ લો. દક્ષિણા લીધા બાદ પંડિતજીએ બીજા ત્રણ અઠવાડિયા સુધી સપ્તાહ કથાનું આયોજન કર્યું. આમ છતાં શેઠ જીવનમુક્ત થયા નહીં. આ વખતે પણ પંડિતજી જવાબ આપી શક્યા નહીં. અંતે બંનેએ એક મહાત્મા સમક્ષ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો.
તેઓ બોલ્યા, શુકદેવજી અને પરીક્ષિત સંસારના મોહ-માયાથી મુક્ત થઈ ગયા હતા, પરંતુ તમે બંને સાંસારિક વાસનાઓમાં જકડાયેલા છો, આથી ચાર વખત તો શું સો વખત પણ ભાગવત સપ્તાહ સાંભળવાથી જીવનમુક્તિ નહીં મળે. એટલે કે નિ:સ્વાર્થતા ધર્મની કસોટી છે. વ્યક્તિ જેટલો નિ:સ્વાર્થ હશે તેટલો જ ભગવાનની નજીક હશે. તેના વિરુદ્ધ જે વ્યક્તિ સ્વાર્થી છે, તે ભલે દાન-પુણ્ય કરતો રહે, પરંતુ ભગવાનથી દૂર જ રહેશે.
નિર્ભય થઈને જીવવા પોતાના અસ્તિત્વમાં વસો
આપણા જીવનમાં બે પ્રકારનો ભય રહે છે. આપણું સમગ્ર વ્યક્તિત્વ ચિંતિત રહે છે કે આપણે જે ઈચ્છીએ છીએ એ જો નહીં મળે તો શું થશે? આને ન મળવાનો ભય કહે છે. બીજો ભય આપણી પાસે જે છે તે ખોવાઈ ન જાય તે માટેનો હોય છે. માનવી પ્રાપ્ત-અપ્રાપ્ત બંનેથી ભયભીત રહેતો હોય છે. જે લોકો મહાવીર, બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત પાસે રહ્યા અને તેમને આ દિવ્યાત્માઓએ જે અનુભૂતિ કરાવી છે, એક ગુરુ મળતાં આપણે પણ તેવું જ સમજવા લાગીએ છીએ.
ગુરુમંત્રનો જાપ એક દિવસ આપણને એવી અનુભૂતિ કરાવી દે છે કે આપણી પાસે ફક્ત આપણે જ રહીએ છીએ. આમ છતાં પણ આપણે શા માટે ભયભીત રહીએ છીએ. જે નામ, પ્રતિષ્ઠા હોવા ન હોવા બાબતે આપણે આટલા ભયભીત રહીએ છીએ, તેને આપણા ન રહેવાથી કોઈ ફરક પડતો નથી.
ફરક તો એ બાબત પર પડે છે કે આપણે આપણી પાસે છે તેને કોઈ નાનો અમથો ઘસરકો પણ ન મારી શકે એ રીતે બચાવવું જોઈએ. શ્રીરામે વનવાસ જવું એવો અચાનક નિર્ણય જાહેર થયો ત્યારે તેમના પરિવારના લોકો, પ્રજા પોત-પોતાની રીતે ભયભીત થયા હતા. પોતાની જીદથી કૈકેયીને મરજીપૂર્વકનું મળી તો ગયું, પરંતુ તેને ભરત શું કરશે તેનો ભય હતો. દશરથ સહિત અવધવાસીઓને ભય હતો કે હવે શું થશે.
આ આખા ય પરિદ્રશ્યમાં એકમાત્ર શ્રીરામ નિર્ભય હતા. તેઓ જાણતા હતા કે દુનિયા જે નથી તેને યાદ કરે છે અને જે છે તેને ભૂલી જાય છે. રામની અંદર રહેલા રામને મંથરા મિટાવી શકે તેમ ન હતી કે કૈકેયી હટાવી શકે તેમ નહતી. તેમના આ આત્મવિશ્વાસે જ તેમને ચૌદ વર્ષના વનવાસમાં પણ લોકોના મનના રાજા બનાવી દીધા હતા. આપણે પણ રહેવા, ગુમાવાનો ભય છોડી દઈએ અને પોતાના અસ્તિત્વમાં વસીને નિર્ભય થઈને જીવન પસાર કરીએ.
પં. વિજયશંકર મહેતા
ગમે તેવી પરિસ્થિતિમાં સંયમ જાળવી રાખો
સમ્રાટ પુષ્પમિત્રએ અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું હતું. પૂર્ણાહુતિ બાદ રાત્રે નત્યનું પણ આયોજન થયું. યજ્ઞ કરનારા બ્રહ્મર્ષિ પતંજલિએ પણ આ નત્ય-ઉત્સવમાં ભાગ લીધો. તેમની સાથે તેમનો શિષ્ય ચૈત્ર પણ હતો. આજ સુધી ચૈત્રએ ગુરુના મોઢેથી યોગ તથા સંયમના ઉપદેશો જ સાંભળ્યા હતા, પરંતુ આજે તે જ ગુરુ જાતે નત્યના ઉત્સવમાં ભાગ લઈ રહ્યા હતા.
આ જોઈને ચૈત્રના મનમાંથી ગુરુ પ્રત્યેનો શ્રદ્ધાભાવ ઊઠી ગયો. તે દિવસ બાદ ચૈત્રનું મન યોગ-સૂત્રોના અઘ્યયનમાં લાગતું નહીં. તે હંમેશાં વિચારતો રહેતો કે મારા ગુરુ જે સંયમની તાલીમ આપતા હતા, પોતે જ સંયમ તોડીને નત્યમાં ભાગ લેવા દોડી ગયા. એક દિવસ પતંજલિ પ્રવચન આપતા જણાવી રહ્યા હતા, આંખો જોઈને અને કાન સાંભળીને અસંયમ તરફ પ્રવૃત્ત થઈ જાય છે.
આથી કાન અને આંખોને હંમેશાં સાત્ત્વિક વસ્તુઓ તરફ પ્રવૃત્ત રાખવા જોઈએ, નહીંતર સંયમ તૂટી જવાની સંભાવના રહે છે. ચૈત્રએ તુરંત જ પ્રશ્ન કર્યોકે શું નત્ય-ગીત અને રાસ પણ ઘ્યાનભંગમાં સહાયક હોય છે ? પતંજલિ ચૈત્રનો સંકેત સમજી ગયા અને તેને સીધો પ્રશ્ન કરવા જણાવ્યું.
હકીકતમાં તારો સવાલ એ છે કે તે રાત્રે નત્યોત્સવમાં મારો ભાગ લેવો સંયમ વિરુદ્ધ હતું કે નહીં ? તો સાંભળ, હું બધાને યોગના સૂત્રોનો અભ્યાસ કરાવું છું, પરંતુ મેં નિ:સ્વાર્થ થઈને નત્ય સમારોહમાં ભાગ લીધો હતો. મારા આ ભાવને સમજીને ધીરજપૂર્વક નિ:સ્વાર્થ ભાવને પકડવાની શકિત પેદા કરીશ તો તું વધારે સુખી રહીશ. વિપરીત પરિસ્થિતિઓમાં તટસ્થાપૂર્વક જીવનાર વ્યકિતને સમજવા માટે ગંભીર દ્દષ્ટિ વિકસતિ કરવી હંમેશાં ફળદાયી પુરવાર થાય છે.
મંદિરના ઘંટનાદથી ભગવાનને નહીં, ખુદને જગાડો
ભગવાન બુદ્ધના શિષ્ય આનંદના પિતરાઈએ બુદ્ધને પૂછ્યું, ‘હું ચાલીસ વર્ષથી તમારા પડખે સૂતો છું પણ રાત્રે તમે પડખું પણ ફેરવતા નથી. તમે ઊંઘો છો કે પડી રહો છો?’ બુદ્ધે કહ્યું, ‘હું જે ઊંઘું છું તે મારું શરીર ઊંધે છે. હું તો જાગું જ છું.’ આનંદે તેનું સ્પષ્ટીકરણ પૂછ્યું પણ બુદ્ધ મૌન રહ્યા.
બીજે દિવસે સવારે આવેલા શ્રોતાઓમાં એક જણ પગનો પંજો હલાવતો હતો. બુદ્ધે તેને પૂછ્યું, તમે પગનો પંજો કેમ હલાવતા હતા? પેલાએ કહ્યું, મને ખબર જ નથી. તમે તમારા પગનો પંજો હલાવો છો અને તમને ખબર નથી? બુદ્ધે આશ્ચર્ય પામતાં કહ્યું. ત્યાર પછી બુદ્ધે આનંદને કહ્યું, ‘આ માણસ જાગતો દેખાય છે પણ તે ઊંઘતો હતો… તારો ઉત્તર એમાંથી શોધી લે.
આપણું પણ આવું જ થાય છે ને? આપણે ક્રોધે ભરાઈએ છીએ. ક્રોધ ઊતરી ગયા પછી આપણે કહીએ છીએ કે મારે ગુસ્સો કરવો જોઈતો નહતો. આ જ તો ઊંઘનું લક્ષણ છે! આપણી વાસનાઓ આપણને દોડાવે છે ને આપણે વણથંભ્યા દોડે જ રાખીએ છીએ- એક લાંબી ઊંઘ- વરસોની! અને જાગીએ ત્યારે ભાન થાય કે હવે ઘણું મોડું થઈ ગયું છે.
ઈટ ઈઝ ટુ લેટ. સવારે આપણે ઊઠીએ ત્યારે કહીએ છીએ કે ઊંઘ પૂરી થઈ, પરંતુ તાત્વિક દ્દષ્ટિએ, ધર્મની દ્દષ્ટિએ, ગીતાની દ્દષ્ટિએ આપણે ઊંઘતા જ હોઈએ છીએ! સંતો કહે છે, ‘ઊઠો, માનવી મૂલ્યોનો હ્રાસ થાય છે… સાંસ્કૃતિક મૂલ્યો નષ્ટ થતાં રહ્યાં છે.’
પરંતુ બધા જ ઊંઘતા છે. આ સંસારમાં ઊઘતાની જ ભીડ છે. ભગવાનના મંદિરમાં જઈ ઘંટનાદ કરીને તેને જગાડવાના નાદમાં ન પડતાં, આપણે એ ઘંટનાદ સાંભળીએ. આપણે હવે જાગીએ!
– પરમાનંદ ગાંધી
ઘ્યાનમાં લીન થવાથી જ ભગવાન મળે છે
આપણે જેટલા પોતાની સાથે રહી શકીશું તેટલા જ પરમાત્માની નજીક રહીશું. જયારે પણ આપણે નીચેના લોકોની વધુ નજીક જઈશું ત્યારે ઉપરવાળાથી દૂર થતા જઈશું. બીજા લોકો આપણા જીવનમાં વિચારો મારફતે પ્રવેશે છે. ઘ્યાન રાખીને જોશો તો આપણે જેટલું પણ વિચારીશું, જયારે પણ વિચારીશું, તેટલું ફકત બીજા અંગે જ વિચારતા હોઈશું. વિચારો બીજા સાથે જોડાઈને જ આવે છે.
એટલા માટે જ કહેવાયું છે કે પોતાની જાત સાથે રહો તો ઘ્યાન(મેડિટેશન) અને બીજાની સાથે રહો તો વિચાર.વિચાર એ ઘ્યાન માટે ખતરાની ઘંટડી છે. આપણે જયારે પોતાની સાથે હોઈશું ત્યારે તો ઘ્યાનમાં લીન થઈ જઈશું, પરંતુ બીજાની સાથે રહેવાના સમયે બીજાના વિચારોથી બચવાની કળા પણ શીખવી જોઈએ.
મહાત્મા-ફકીર આ બાબતોમાં માહેર હોય છે. ઇબ્રાહીમ આમ તો અલખના બાદશાહ હતા, પરંતુ ઊચા દરજજાના ફકીર હતા. કહેવાય છે કે એક ઘટનાએ તેમના અંદર ફકીરીની અલખ જગાડી દીધી હતી. રાત્રે ઊઘતા સમયે મહેલની છત પરથી આવતો અવાજ સાંભળીને તેમણે પૂછ્યું, કોણ છે ? જવાબ આવ્યો, તું મને જાણે છે. ઇબ્રાહીમે પૂછ્યું, ત્યાં શું કરી રહ્યો છે. જવાબ મળ્યો, ઊટ શોધી રહ્યો છું.
ઇબ્રાહીમે ધમકાવતા જણાવ્યું કે ધાબા પર તો કંઈ ઊટ મળતા હશે. શોધવા અને મેળવવાની પોતાની રીતો હોય છે. સીધો રસ્તો પકડ. એવું મનાય છે કે ધાબા પર હઝરત ખિજર હતા. તેમણે અંતિમ જવાબ આપ્યો, તેં વાત તો સાચી જણાવી કે ધાબા પર ઊટ મળતું નથી, પરંતુ શું બાદશાહના વેશમાં કયારેય ખુદા મળે ખરો ? બસ, આટલામાં જ ઇબ્રાહીમ સમજી ગયા કે બાદશાહના પદે રહીને, બીજાની સાથે તમામ સંબંધો રાખીને પણ પોતાની સાથે જોડાયેલા રહેવું જોઈએ. – પં. વિજયશંકર મહેતા
સમસ્યાઓનો ઉકેલ આણવા માટે અંતરાત્માને નિરખો
સમસ્યાઓ ભૌતિક હોય, ધાર્મિક હોય કે અઘ્યાત્મિક, દરેક યુગમાં રહે જ છે. દરેક જણે મુશ્કેલીના સમયમાં સમસ્યાનું સમાધાન પોતાની રીતે શોઘ્યું છે. બુદ્ધ રાજાના પુત્ર હતા, અમીરી-ગરીબી, સુખ-દુ:ખ, જીવન-મૃત્યુનાં દ્દશ્યો અને સમસ્યાઓને તેમણે પોતાની નજરે પણ જોઈ હતી.
સમજદારી વધવાની સાથે તેમની સમાધાનની રીતોમાં પણ પરિવર્તન આવતું ગયું. તેમના સમયમાં લોકો પોતાની મુશ્કેલીઓના સમાધાન માટે લાઇન લગાવતા હતા. બુદ્ધ લોકોને સમજાવતા કે મુશ્કેલીઓ આકાશમાંથી નથી ટપકતી. સૌપ્રથમ તેમાં પોતાનું યોગદાન શોધો.
બીજું, સમસ્યાઓનું સમાધાન ફકત બહારના કે શારીરિક સ્તરે ન શોધો. ઘણુંબધું અંદરથી પ્રભાવિત અને સંચાલિત હોય છે, સમસ્યાઓની નાડ અહીં જ છે. બુદ્ધે પોતાના જીવનમાં અઢળક સંપત્તિ જોઈ હતી અને સત્તાનો સ્વાદ પણ ચાખ્યો હતો. તેઓ તેવા લોકોને ખાસ સમજાવતા કે જે દરેક મુશ્કેલી, સમસ્યાનું સમાધાન સંપત્તિને માનતા હતા.
આજે પણ ઘણા લોકો એવું વિચારે છે કે જો ધનવાનોની સંપત્તિને સમાન સ્વરૂપે વહેંચી દેવામાં આવે તો પછાતપણું દૂર થઈ જશે, ભ્રષ્ટાચાર, ચોરી નહીં થાય, બધા જ સુખી થઈ જશે અને આ પ્રકારની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. આવા લોકો શિક્ષણ, શાસનપદ્ધતિ, ધર્મ-સંપ્રદાય, પરિવાર અને વ્યકિતગત સમસ્યાઓનો ઉકેલ પણ નાણાંમાં જ જુએ છે.
સમસ્યા અને સમાધાન ત્રણ રીતે આવે છે : તન, મન અને ધન. આ ત્રણેયની સાથે સંતુલન સાધીને પોતાની અંદર જ સમાધાન શોધવું જોઈએ. આથી એક વાત ઘ્યાને રાખવી કે સમસ્યાઓ તો કયારેય સમાપ્ત થવાની જ નથી. તેના ઉકેલની શરૂઆત પોતાના અંતરઆત્માની અંદર નિરખીને જ કરવી જોઈએ. – પં. વિજયશંકર મહેતા
ઉત્સાહમાંથી જ આત્મબળ પ્રાપ્ત થાય છે
કોઈ પણ કામને સફળતાના શિખર પર પહોંચાડવા માટેની તાકાત તે કામ કરવા માટે આપણા મનમાં જાગેલા ઉત્સાહમાં હોય છે. જો આપણે ઉત્સાહિત નથી તો જીતીને પણ હારી જવાના છીએ.
કર્ણની સાથે પણ આવું જ થયું હતું. મહાભારતના યુદ્ધમાં જયારે કર્ણને કૌરવોની સેનાનો સેનાપતિ બનાવાયો તો પાંડવોના શુભચિંતક રાજા શલ્યને તેમનો સારથિ બનાવી દેવાયો.
શલ્યને આ વાત ગમી નહીં. તેમણે જણાવ્યું કે તેઓ એક ક્ષત્રિય છે અને કર્ણ સૂતપુત્ર છે. દુર્યોધનના આગ્રહવશ થઈને શલ્ય કર્ણના સારથિ બનવા તૈયાર થયા, પરંતુ કર્ણને હરાવવા માટે શલ્યએ તેમના ઉત્સાહને નિશાન બનાવ્યો.
કર્ણ પણ શલ્યના સારથિ બનવાથી બહુ ખુશ ન હતો. તેની મજબૂરી હતી કે યુદ્ધના અંતિમ ચરણમાં શલ્ય સારથિ બન્યા હતા. શલ્ય પાંડવોના વખાણ કરતા રહ્યા, અર્જુન તથા અન્ય યોદ્ધાઓના ગુણગાન ગાતા રહ્યા, શ્રીકૃષ્ણના ભરપેટ વખાણ કર્યા.
શલ્યએ કર્ણની ઠેકડી પણ ઉડાડી. શલ્યની વાતો સાંભળતાં-સાંભળતાં મહાયોદ્ધા કર્ણનો ઉત્સાહ ઓસરી ગયો. તે જે ઉત્સાહ સાથે યુદ્ધમાં ઊતર્યા હતા તે બધો જ ઉત્સાહશલ્યની વાતોમાં ઠંડો પડી ગયો.
અંતે કર્ણએ શલ્યને કહેવું પડ્યું કે તમે તો માત્ર કહેવા ખાતર મારા મિત્ર બન્યા છો, હકીકતમાં તો દુશ્મન છો જે મને ડરાવવા માગે છે. ઉત્સાહનો આ અભાવ જ કર્ણની હારનું કારણ બન્યો. આથી આપણે અંદર રહેલી જાતને ઓળખવી જોઈએ, ત્યાંથી જ આત્મબળ પ્રાપ્ત થાય છે.
જો આપણે બહારથી બીજા દ્વારા સંચાલિત થતા હોઈશું તો આપણે પરાજય તરફ આગળ વધીશું. આથી કોઈ પણ સંજોગોમાં ઉત્સાહ જાળવી રાખીએ, પરિસ્થિતિ તો સારી-ખરાબ થતી રહે છે. – પં. વિજયશંકર મહેતા
પ્રેમ હોય ત્યાં શાંતિ આપમેળે આવે છે
એક વૃક્ષની ડાળીએ પડોશમાં રહેલી બીજી ડાળીને પૂછ્યું, આજનો દિવસ તદ્દન નીરસ લાગી રહ્યો છે. શું તને પણ આવો જ અનુભવ થઈ રહ્યો છે ? પેલી ડાળીએ જવાબ આપ્યો, મને પણ એવું જ કંઈક લાગી રહ્યું છે.
તે સમયે જ એક ચકલો તે ડાળી પર આવીને બેઠો અને તેની બાજુમાં જ બીજો ચકલો પણ આવી ગયો. પહેલા ચકલાએ ચીંચીં કરતા જણાવ્યું કે યાર આજે મારી પત્ની મને છોડીને જતી રહી છે પણ હું તેને મનાવવા જવાનો નથી.
બીજો ચકલો પણ બરાડા પાડતો બોલ્યો, મારી પત્ની પણ જતી રહી છે. બંને એકબીજા સાથે જોરજોરથી વાતો કરવા લાગ્યા. એટલામાં જ બે ચકલીઓ આકાશમાંથી ઊડતી-ઊડતી આવી અને તેમની પાસે આવીને બેસી ગઈ.
એકદમ કકળાટ બંધ થઈ ગયો અને ચારે તરફ નિરવ શાંતિ ફેલાઈ ગઈ. થોડા સમય બાદ તે ચારેય પોતપોતાનું યુગલ બનાવીને ઊડી ગયા. તેમના ગયા બાદ પેલી ડાળીએ પડોશી ડાળને કહ્યું, આ તો જાણે કે અવાજનું એક તોફાન હતું.
પેલી ડાળ બોલી, પરંતુ હવે તો ચારેકોર શાંતિ પ્રસરી ગઈ છે. જો ઉપરનો પવન શાંત હોય તો નીચે રહેનારા પણ શાંતિથી રહી શકે છે. શું તું પણ પવનનો આશરો લઈને મારી નજીક આવી શકે છે ?
પેલી ડાળી બોલી, અરે આ તો શાંતિ પ્રાપ્ત કરવાનો સુયોગ છે. કયાંક વસંતના વીતી જાય. એટલામાં જ કયાંકથી પવનની એક લહેર આવી અને બંને ડાળીઓ આલિંગનમાં આવી ગઈ.
સાર એ છે કે જયાં પ્રેમનું સામ્રાજય સ્થપાઈ જાય છે ત્યાં શાંતિ આપમેળે જ આવી જાય છે. પ્રેમ એક એવો ભાવ છે જેનાથી બે વ્યક્તિ વચ્ચેનું અંતર, વિવાદ અને વેરભાવ દૂર થઈ જાય છે અને નિકટતા, સોહાર્દ તથા સ્નેહનું ઝરણું વહેવા લાગે છે.
ભૌતિક સુખ-સુવિધા પાછળ ગાંડા ન થવું
જે પરિવારના મોભી પોતાના ઘરના સભ્યોની ભૌતિક માગણીઓને પુરી કરવાને જ પોતાની ફરજ સમજતા હોય અને તેને પૂરી પણ કરતા હોય તો તેમણે ભવિષ્યનાં ખતરનાક પરિણામો માટે તૈયાર રહેવું જોઈએ. ભૌતિક સુખ-સુવિધાઓનો સીધો સંબંધ શરીર સાથે હોય છે.આજની આધૂનિક જીવનશૈલીમાં લોકોને ભૌતિક સુખ-સુવિધા વગર ચાલતું નથી. આપણું સમગ્ર ઘ્યાન તે જરૂરિયાતો પૂરી કરવામાં લાગી જાય છે.
મકાન, ગાડી, ટીવી, કૂલર, એસી બધું જ પોતાના હિસાબે મોટા બંગલાથી માંડીને નાની ઝૂંપડી સુધીમાં જોવા મળે છે, પરંતુ ત્યાર બાદ પણ શાંતિની બાબતે ગરીબાઈ યથાવત્ રહે છે. હકીકતમાં આપણે શરીર પર એટલા આધારિત થઈ ગયા છીએ કે મન નામની અમરવેલને જ ભૂલી ગયા છીએ. અમરવેલ એટલે તેવો વેલો જે ઝાડ સાથે જોડાઈ જાય, તેને ચૂસી લે છે, જેને પરિણામે આખું ઝાડ સૂકાઈ જાય છે. વેલો ફળ-ફૂલ ખાઈ જાય છે.
મનના ફેલાવાનું નામ જ જીવનની બેચેની છે. આપણે પોતાના ઉત્તરાધિકારીઓ માટે સંપત્તિ છોડીએ છીએ, પરંતુ અસલ જવાબદારી ભૂલી જઈએ છીએ. મનુષ્યને મશીન માનીને તેમાં તેલ-પાણીની જેમ ભૌતિક સુવિધાઓ આપતા જઈએ છીએ. માણસની અંદર જે ચેતના છે તેને સ્પર્શ કરવામાં પરિવારનો મોભી ચૂકી જાય છે. બધા જ સભ્યો બહારની સુવિધાઓથી એટલા ટેવાઈ જાય છે કે તેમાં થોડી ઘણી પણ કમી આવે તો બધા એક-બીજા પર આગ ઓકવા લાગે છે.
સંસારી વૈકુંઠમાં સ્થાન પામવાની સંભાવના જ સમાપ્ત થવા લાગે છે. આથી પરિવારમાં જયારે પણ જે કોઈ મોભીની ભૂમિકામાં હોય તેણે સભ્યોના મનમાં પહોંચવું જોઈએ, જે જીવનઊર્જાના મનને ખાઈ રહ્યું છે તેને રોકવું. તન-મનના સંતુલનને સમજનારા પરિવાર શાંતિના કેન્દ્ર બને છે. – પં. વિજયશંકર મહેતા
પોતાની જાતને ન ઓળખો ત્યાં લગી સફળતા ન મળે
ખલીફા હારુન રશીદ અત્યંત પરોપકારી વ્યકિત હતા. સંતપ્રવૃત્તિની સાથે તેમનું મન લોકહિતની ભાવનાથી ભરેલું હતું. ગરીબોની મદદ કરવી તે પોતાની ફરજ સમજતા હતા. આથી દુ:ખી અને નિર્ધન લોકો હંમેશાં તેમની પાસે આવીને મદદ મેળવતા હતા. એક વખત એક ભિખારી આવ્યો અને બોલ્યો, ખુદાના નામે મને કંઈક ભીખ આપી દો.
ખલીફા બોલ્યા, એ ખુદાના બંદા, ખુદાના નામે ફકત ભીખ માગી રહ્યો છે. ખુદા તો મોટો દાતા છે. તેની પાસે બીજું કશું કેમ નથી માગતો ? ભિખારી બોલ્યો, બીજું શું માગું? હું તો ભિખારી છું. ભીખ જ માગી શકું છું. ખલીફાએ જણાવ્યું કે તું માણસ છે. પછી ભિખારી છે. ખુદા પાસે સારું જીવન શા માટે નથી માગી લેતો. તું મને બતાવ કે તારી પાસે શું છે ?
ભિખારી પાસે ફકત બે તૂટેલાં વાસણ હતાં. ખલીફાએ તેને બજારમાં વેચી દીધા અને જે પૈસા મળ્યા તેમાંથી એક કુહાડી અને થોડો ખાવાનો સામાન ખરીદીને ભિખારીને આપતા જણાવ્યું કે આ ખાવાનું ખા અને કુહાડી લઈને જંગલમાં જા. ત્યાંથી લાકડાં કાપીને લાવજે અને બજારમાં વેચી દેજે. ભિખારીએ આવું જ કર્યું અને થોડા દિવસોમાં જ તેની સ્થિતિ સુધરી ગઈ. તે માણસોની જેમ રહેવા લાગ્યો.
તેણે ખલીફાને જણાવ્યું, તમે મને માણસ બનાવી દીધો. ખલીફાનો જવાબ હતો, માણસ તો તું હતો જ, પરંતુ તું તારી જાતને ઓળખી શકયો ન હતો. કથાનો સાર એ છે કે ઊઠો અને જાગો તથા ત્યાં સુધી ના રોકાવ જયાં સુધી મંજિલ મળે નહીં. એ માનવું ભૂલ ભરેલું છે કે કોઈ આવીને તમને મંજિલ સુધી પહોંચાડશે. તમારી જાતમાં જ ખુદા છુપાયેલો છે. જો તમે ઊભા થશો તો ખુદા પણ જાગી જશે અને મંજિલનો રસ્તો આપમેળે જ સરળ થઈ જશે.
પોતાની શક્તિનો કાયમ સદુપયોગ કરવો જોઈએ
શ્રુતાયુધની પાસે ભગવાન શંકરના વરદાનથી મળેલી એક અમોઘ ગદા હતી. તેની પાછળની કથા એ હતી કે શ્રુતાયુધના તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ભેટસ્વરૂપે આ વરદાન એ શરતે આપ્યું હતું કે તેઓ કયારેય પણ આ ગદાનો અનીતિપૂર્વક ઉપયોગ નહીં કરે. જો તેઓ નીતિ વિરુદ્ધનું આચરણ કરશે તો તેમનો પોતાનો જ સર્વનાશ થઈ જશે.
મહાભારતના યુદ્ધમાં શ્રુતાયુધને અર્જુન સાથે લડવું પડયું હતું. યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચી ગયું અને બંને યોદ્ધા પોતાનું યુદ્ધકૌશલ્ય બતાવવા લાગ્યા. સારથિ બનેલા શ્રીકૃષ્ણના શ્રુતાયુધના કદરૂપ પર હસવું આવી ગયું. શ્રીકૃષ્ણને પોતાની હાંસી ઉડાડતા જોઈને શ્રુતાયુધ ગુસ્સે ભરાયો.
શ્રીકૃષ્ણની આ હાંસી તેને છાતીમાં તીરના જેમ વાગી અને ગુસ્સામાં આવીને તેણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર અમોઘ ગદા શ્રીકૃષ્ણ પર ફેંકી દીધી. ગુસ્સામાં તેને એ પણ ભાન રહ્યું નહીં કે શંકરજી પાસેથી વરદાનમાં મળેલી આ અમોઘ ગદાના ઉપયોગ સાથે કઈ શરત જોડાયેલી છે. શિવજીની સૂચનાને પરિણામે ગદા શ્રીકૃષ્ણને વાગવાના બદલે પાછી વળીને તેના શરીર સાથે જ અથડાઈ. ગદાના તીવ્ર પ્રહારના કારણે તેનું શરીર ચીંથરેહાલ થઈને ધરતી પર પડી ગયું.
આ કથાનો સાર એ છે કે મનુષ્યને તેના જીવનમાં મળેલી બધી જ શક્તિઓ શ્રુતાયુધની ગદાની જેમ સદુપયોગ માટે મળી છે. આથી હંમેશાં પોતાની શક્તિનો સદુપયોગ જ કરવો જોઈએ. જો અનીતિના માર્ગે ચાલવામાં આવશે તો તેનું દુષ્પરિણામ જ આવશે અને શ્રુતાયુધની જેમ સર્વનાશ થશે. અનીતિનો માર્ગ વિનાશ જ નોતરે છે.
પતિ-પત્ની વચ્ચે સમાનતાનો ભાવ હોવો જોઈએ
પોતાનું દામ્પત્ય જીવન સુખી રહે એવું બધા જ ઇચ્છતા હોય છે. દાંપત્ય જીવનમાં આપણે મૂળભૂત વાતને બાજુ પર મૂકીને બાહ્ય આવરણ ઓઢી લેતા હોઈએ છીએ, જેના પરિણામે સુખને બહારથી લાવવાનો પ્રયાસ કરીએ છીએ. દામ્પત્ય જીવનમાં સુખ બિલકુલ એવું જ, જેવું આપણે કોઈ વસ્તુને મૂકીને ભૂલી જઈએ. જો તેને યોગ્ય રીતે શોધવામાં આવે તો તે તુરંત મળી જાય છે, બહારથી લાવવી પડતી નથી. પરિવારમાં સુખનું સ્થાન પણ આવું જ છે.
જો આ સુખને શોધવું હોય તો તેનો પ્રારંભ આપણી અંદર રહેલા પ્રેમથી કરવો જોઈએ. આપણે જેટલા પ્રેમથી તરબોળ હોઇશું, પરિવારમાં સુખની સંભાવના પણ તેટલી જ વધી જશે. જીવનમાં પ્રેમના પ્રવેશ બાદ કોઈ કામ કરવું પડતું નથી, તે આપમેળે જ થવા લાગે છે. ચાલો આજે શિવ-પાર્વતીના દામ્પત્ય જીવનનો એક પ્રસંગ જાણીએ. લગ્ન બાદ શિવ કૈલાસ પર્વત પર બેઠા હતા.
પાર્વતીજી પ્રવેશે છે. આ ઘટનાનું તુલસીદાસજીએ વર્ણન કર્યું છે કે શિવજીએ પોતાની પ્રિય પત્નીને પોતાની ડાબી બાજુમાં બેસાડયાં. શિવનો અર્થ છે કલ્યાણ, જે પ્રેમનું પ્રતિબિંબ છે. આ પંક્તિમાં ત્રણ શબ્દો આવે છે- પ્રિયા, આદર અને આસન. પત્નીને પ્રિયા માની છે. પતિ-પત્ની બંને વચ્ચે લાગણીનો સંબંધ હોવો જોઈએ. આથી આદર આપ્યું. પ્રેમનો દાવો કરતા હોય અને જો સન્માનની ભાવના ના હોય તો ગડબડ સર્જાય છે.
પતિ-પત્ની વચ્ચે સમાનતાનો ભાવ હોવો જોઈએ, નાના-મોટા હોવાનો ભાવ હરીફાઈને જન્મ આપે છે, જેનાથી પરિવારમાં અશાંતિ ફેલાય છે. સરખાં પૈડાં થકી જ સંસારનો રથ વ્યવસ્થિત રીતે ચાલતો હોય છે. શાસ્ત્રોએ શિવને વિશ્વાસ અને પાર્વતીને શ્રદ્ધા માન્યા છે. દામ્પત્ય જીવનમાં શિવ-પાર્વતી જેવો જ પ્રેમ રાખવો જોઈએ. પં. વિજયશંકર મહેતા
હંમેશાં અસત્યની હાર અને સત્યનો વિજય થાય છે
સમ્રાટ અકબરના દરબારમાં અસંખ્ય કવિ, સંગીતકારો અને વિદ્વાનો હતા, પરંતુ તે બધામાં વ્રજના કવિ શ્રીપતિનું વિશેષ સ્થાન હતું. બીજા કવિ અકબરના જ ગુણગાન ગાતા જયારે શ્રીપતિ રામ અને કૃષ્ણ સિવાય કોઈ બીજાનાં વખાણ કરતા નહીં. આમ છતાં અકબર તેમને ઇનામો આપતા.
બીજા દરબારીઓ શ્રીપતિની ઈર્ષા કરતા કેમ કે તેમને શ્રીપતિ જેટલું માન-સન્માન મળતું ન હતું. એક દિવસ આ ઈર્ષાળુ કવિઓ અને દરબારીઓએ કવિ સંમેલન માટે જાણીજોઈને એવી શરત મૂકી કે બધા જ ફકત અકબરના જ વખાણ કરશે. આ લોકોએ વિચાર્યું કે હવે તો શ્રીપતિએ રામ અને કૃષ્ણના બદલે અકબરના વખાણ કરવા જ પડશે, નહીંતર અકબર તેમને દંડ ફટકારશે. ચોક્કસ દિવસે કવિ સંમેલન યોજાયું.
બધા જ કવિઓએ અકબરનાં વખાણ કરતી એકબીજાથી ચઢિયાતી કવિતાઓ સંભળાવી. છેલ્લે શ્રીપતિનો વારો આવ્યો. તેમણે બોલવાનું ચાલુ કર્યું, ‘એકહિ છાડી કે દૂજો ભજૈ, સો જરૈ રસના અસ લબનર કી, અબ કી દુનિયા ગુનિયા જો બની, યહ બાંધતી ફેંટ આડંબર કી. કવિ શ્રીપતિ આસરોં રામહિં કો, હમ ફેંટ ગહી બડ જબ્બર કી, જિનકો હરિ મેં પ્રીતિ નહીં, સો કરો સબ આસ અકબર કી. આ સાંભળીને દરબારીઓ સ્તબ્ધ રહી ગયા.
સાથે જ ઈર્ષાળુઓ મનમાં ને મનમાં ખુશ થતા હતા કે અકબર તેમને જરૂર દંડ ફટકારશે,પરંતુ અકબર શ્રીપતિની ઈમાનદારીથી એટલા ખુશ થયા કે સૌથી વધુ ઇનામ તેમને જ આપ્યાં. કથાનો સાર એ છે કે જે ઉચિત છે તેને કહેવાની આપણામાં હિંમત હોવી જોઈએ કેમ કે અંતે તો સત્યનો જ વિજય થાય છે અને સન્માન પણ તેને જ મળે છે.
નારીશક્તિનું કાયમ સન્માન કરવું જોઈએ
સ્ત્રીને લઈને દુનિયાનું વલણ ક્યારેય બદલાયું નથી. પુરુષપ્રધાન સમાજ પુરાતનકાળથી જ સ્ત્રીની ઉપેક્ષા કરતો આવ્યો છે. સત્યનારાયણની કથામાં સાધુ નામનો વૈશ્ય પોતાના જમાઈ સાથે જયારે વેપાર કરવા જાય છે, ત્યારે તેને જેલમાં નાખી દેવામાં આવે છે. આ પ્રસંગમાં બંનેની પત્નીઓ ગામમાં એકલી હતી.
આ બાજુ તેમના પતિ જેલમાં હતા. આથી સમાજે પણ તેમના તરફથી મોઢું ફેરવી લીધું. જયારે સ્ત્રી એકલી હોય તો સમાજમાં તેનો સંઘર્ષ વધી જાય છે. માતા-પુત્રી બંને જ ખૂબ પરેશાન હતાં, પરંતુ પુત્રી આ સમસ્યાનો ઉકેલ શોધવા માગતી હતી. જીવનનો નિયમ છે કે આપણે એક એવા સત્ય અને શક્તિની શોધ કરતા રહેવું જોઈએ જેને બીજા બેઘ્યાન કરી રહ્યા હોય. બીજાએ છોડી દીધેલી તકને તુરંત ઝડપી લેવી જોઈએ.
પુત્રી કલાવતી એક દિવસ એક કથામાં પહોંચી ગઈ. તે સતત પ્રયાસ કરતી હતી. જે વ્યક્તિનું ચરિત્ર ઊજળું હોય, મન મક્કમ હોય તેમનું વ્યક્તિત્વ કપરી સ્થિતિઓમાં વધુ આકર્ષક બની જાય છે. પુત્રીના મોઢેથી કથાનો પ્રસંગ સાંભળીને બંનેએ વ્રત અને પૂજા કરી. અહીં એક મોટા સૂત્રની વાત જાણવા મળી છે.
વૈશ્ય અને તેનો જમાઈ જેલમાંથી એટલા માટે મુકત થયા કેમ કે તેમની બંને પત્નીઓએ વ્રત અને પૂજાના માઘ્યમથી તેમની મુકિતનો પ્રયાસ કર્યોહતો. ભારતમાં ત્યારે પણ અને આજે પણ નારીઓ બમણી જવાબદારી અદા કરી રહી છે. આથી જ નારીશક્તિના સંઘર્ષને પૂરેપૂરું સન્માન આપવામાં આવે છે.
આટલું બધું ન્યોછાવર કર્યા બાદ માતાઓ અને બહેનો એક જ ઇરછા રાખતી હોય છે કે તેમને થોડીક પળ માટે સન્માન મળે, થોડો ઘણો પ્રેમ મળે, પરંતુ સમાજનો પુરુષવર્ગ તેમને આટલું આપવામાં પણ ચૂકી જાય છે. – પં. વિજયશંકર મહેતા
કુંભમાં ખોવાયેલા કઈ રીતે મળે…
ખોયા-પાયા કેન્દ્રના સંચાલક નરેન્દ્ર શર્માનો આખો દિવસ ખોવાઈ ગયેલાઓને શોધવામાં જાય છે. આખા દિવસમાં શર્માજી પાસે પાનસો લોકો પોતાના સગા ખોવાઈ ગયાની ફરીયાદ લઈને આવે છે.
મહાકુંભ 2010માં ગુમ થયેલ લોકોની તપાસ માટે ઉત્તરાખંડ પોલીસે એક ‘ખોયા-પાયા’ કેન્દ્ર બનાવ્યું છે. અત્રે હાજર જવાનો સવારથી લઈને સાંજ સુધી ખોવાયેલા લોકોને તેમના સંબંધીઓ સાથે મેળવવાનું કામ કરે છે.
નરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે તપાસ માટે અમે લાઉડસ્પીકર પર જાહેરાત કરીએ છીએ. તેમાંથી કેટલાક મળે છે અને કેટલાંક નથી મળતાં. જોકે અફસોસની વાત એ છે કે ગુમ થયેલાઓની સંખ્યા મળનારની સંખ્યા કરતા વધારે હોય છે.
કુંભનો મેળો ગુમ થવા માટે ખૂબ જાણીતું છે, બોલીવુડની ફિલ્મોમાં શરૂઆત જ કુંભના મેળાથી થાય છે. પરંતુ આજના જમનામાં આવી ઘટના હજી પણ બને છે, જોકે તેની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આશા એ છે કે મેળામાં ગુમ થનારાઓની સંખ્યામાં ઘટાડો થાય. તેમજ દરેક પરિવાર પોતાના સંબંધી સાથે હસ્તા હસ્તા ઘરે પાછા ફરે.
મફતમાં મળતી વસ્તુની પણ કિંમત હોય છે
એક સમયે એક શહેરમાં અત્યંત ધનવાન વ્યક્તિ રહેતો હતો. તે ખેતી કરવાની સાથે સાથે જુદો જુદો વેપાર પણ કરતો હતો. મોટા વિશાળ વિસ્તારોમાં તેના બગીચા ફેલાયેલા હતા, જેમાં જાત-જાતનાં ફળ ઊગતા હતા. તેના બગીચાઓમાં દાડમનાં વૃક્ષોની સંખ્યા સૌથી વધુ હતી અને માળીઓની દેખરેખમાં તે વધુ સારા વિકસી રહ્યાં હતાં.
તે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ હતી અને સાથે સાથે તેનું મન પણ વિશાળ હતું. વસંત ઋતુ આવતાની સાથે જ તે દાડમને ચાંદીના થાળોમાં ગોઠવીને પોતાના દરવાજે મૂકી દેતો હતો. આ થાળો પર લખવામાં આવ્યું કે આમાંથી ઓછામાં ઓછું એક દાડમ તો લેવું જ. હું તમારું સ્વાગત કરું છું. લોકો આમ-તેમ નજર કરીને પસાર થઈ જતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ ફળને હાથ સુઘ્ધાં લગાવતું નહીં.
ત્યારે તે વ્યક્તિએ ગંભીરતાપૂર્વક વિચાર કર્યો અને અંતે એક નિષ્કર્ષ પર પહોંચ્યો. બીજી વસંત ઋતુમાં તેણે ચાંદીના થાળોમાં એક પણ દાડમ પીરસ્યું નહીં અને તેમાં મોટા અક્ષરોમાં લખી નાખ્યું કે અમારી પાસે અન્ય તમામ સ્થળો કરતાં સારાં દાડમ મળશે, પરંતુ તેની કિંમત પણ અન્ય દાડમ કરતાં વધુ રહેશે અને પછી તેણે જોયું કે આજુબાજુના જ નહીં, પરંતુ દૂર દૂરથી લોકો તેને ખરીદવા માટે તૂટી પડયા.
વાર્તાનો મર્મ એ છે કે સારી ભાવનાથી આપવામાં આવતી સારી વસ્તુઓને તુરછ દ્રષ્ટિથી જોવાની માનસિકતા ખોટી છે. બધી જ સસ્તી કે નિ:શુલ્ક સેવાઓ તુચ્છ હોતી નથી. એટલે કે જરૂર છે તેવી દ્રષ્ટિનો વિકાસ કરવાનો , જે ભાવના અને વેપારમાં અંતર સમજી શકે અને વસ્તુઓની ગુણવત્તાને યોગ્ય રીતે નક્કી કરી શકે.
શરીરની જેમ જીવન ઊર્જા માટે સમય ફાળવો
આપ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે છે કે અંતે બ્રહ્મચર્ય શું હોય છે? યુવાનો આ પ્રશ્ન વધારે પૂછતા હોય છે. તેનો શાબ્દિક અર્થ એ થાય છે કે જે ઈશ્વરમાં લીન હોય તે બ્રહ્મચારી છે. વધુ ઊડા ઊતરીએ તો તેનો વિવાહિત કે અવિવાહિત હોવા સાથે તેટલો સંબંધ નથી જેટલો કામશકિતના ઉપયોગ સાથે છે. દરેકની અંદર આ શકિત જીવન ઊર્જાના સ્વરૂપમાં રહેલી હોય છે.
જયારે કોઈ વ્યક્તિ પરમાત્મા, આત્મા, પરલોક, પુનર્જન્મ, સત્ય, અહિંસા જેવા અઘ્યાત્મિક તત્ત્વોની શોધમાં નીકળે છે, ત્યારે તેને આ શકિતની જરૂર પડે છે અને તેને જ બ્રહ્મચર્ય માનવામાં આવ્યું છે.
જેમને પ્રસન્નતા મેળવવી હોય, તેમને પોતાની અંદરના બ્રહ્મચર્યને સમજવું અને પકડવું પડશે. પ્રાણી અને માણસ વરચે આ જ અંતર છે. પાંચ તત્ત્વોથી બનેલું શરીર બંનેની પાસે છે. આ કારણે જ શરીરને જડ અને આત્માને ચેતન કહેવામાં આવે છે. તે વિચાર અને ભાવથી ભરેલી છે.
પ્રાણીઓમાં પણ આત્મા છે. બંને વચ્ચે અંતર એ છે કે મનુષ્યના અંદર જડ અને ચેતનના આ સંયોગનો ઉપયોગ કરવાની સંભાવના વધુ હોય છે અને આ જ તેની વિશિષ્ટતા, યોગ્યતાનું કારણ બને છે. જો તેનો દુરુપયોગ થાય તો મનુષ્ય પણ પ્રાણી જેવો કહેવાશે અને જો તેનો સદુપયોગ થાય તો પ્રાણી પણ માણસથી બહેતર થઈ જશે.
આપણે બ્રહ્મચર્ય માટે જાગૃત રહેવું જોઈએ, તેના માટે નિયમિત પ્રાણાયામ અને ઘ્યાનનો અભ્યાસ મદદગાર છે. જડ શરીરની સાર-સંભાળ માટે આપણે જેટલો સમય વેડફીએ છીએ તેના કરતાં અડધો સમય પણ જો ચેતન, જીવન ઊર્જા માટે કાઢીએ તો આપણું સમગ્ર વ્યક્તિત્વ બદલાઈ જશે. તેના માટે આપણે ફકત પોતાની અંદર થોડા ઊડા ઉતરવાનું છે. – પં. વિજયશંકર મહેતા
અંતરાત્મામાં પણ ડોકિયું કરતા રહેવું જોઈએ
આજે વ્યકિત બહારની દુનિયામાં એટલો ખોવાઈ ગયો છે કે તે ભૂલી જ ગયો કે પોતાની મનુષ્યતાની અંદર પણ એક યાત્રા થઈ શકે છે. તમે ગમે તેટલા વ્યસ્ત હો, પોતાની અંદરનો પ્રવાસ કરવાનું કયારેય ના ભૂલો. ચોવીસ કલાકમાં થોડો સમય પોતાની સાથે જરૂર પસાર કરવો જોઈએ.
આપણું કામ, ઉપયોગની સામગ્રીઓ, સગાસંબંધીઓ, ઘટનાઓ વગેરેની સાથે આપણો સમય પસાર થઈ જાય છે,પરંતુ પોતાની સાથે રહેવાનું ચૂકી જઈએ છીએ. અંદર ઉતરવામાં જેટલાં વિધ્નો છે, તેમાં એક વિધ્ન આપણો ખોરાક છે. આપણા વ્યકિતત્વનું પ્રથમ પડ શરીર છે અને તેનું નિર્માણ ખોરાકથી થાય છે.
આવો હનુમાનજી મહારાજની સાથે ખોરાકનું મહત્ત્વ અને સાચો ઉપયોગ શીખીએ. લંકાને સળગાવવા જેવું વિશાળ કાર્ય કરતાં પહેલાં સીતાજી સમક્ષ તેઓ એક નિવેદન કરે છે. સુંદર ફળોવાળાં વૃક્ષો જોઈને મને બહુ ભૂખ લાગે છે. અહીં હનુમાનજી ઇશારો કરી રહ્યા છે કે ગમે તેટલા વ્યસ્ત રહીએ, પરંતુ સમયસર સંતુલિત અને શુદ્ધ ભોજન લેવું જોઈએ.
ભોજનને કામચલાઉ ગતિવિધિ માનવું એ આપણા શરીર પર પોતાના દ્વારા જ એક ખતરનાક આક્રમણ છે. એક એવું યુદ્ધ જેમાં તમે પોતે જ શસ્ત્ર છો અને પોતે જ તેનો ભોગ બનો છો. તમે જેટલું શુદ્ધ ભોજન લેશો, તમારી અંતરયાત્રા પણ તેટલી જ સરળ રહેશે. અલ્પાહાર બાદ હનુમાનજીને રાવણને મળવું હતું.
રાવણ એટલે કે દુર્ગુણોનો સમન્વય. શુદ્ધ, સાત્ત્વિક ભોજન અંદરની પારદર્શિતા અને બહારની સક્રિયતાને વધારે છે અને આ કારણે જ હનુમાનજી લંકા સળગાવવા એટલે કે દુર્ગુણોને નષ્ટ કરવા જેવું કામ કરી શકયા હતા. આથી ખોરાક બહારના શરીરને સુંદર અને અંદરના શરીરને શાંત બનાવશે. – પં. વિજયશંકર મહેતા
આત્મવિશ્વાસથી મુશ્કેલીઓમાંથી માર્ગ મળે છે
એક યુવાન સૈનિક લગ્ન બાદ પોતાની પત્નીને લઈને દરિયાઈ સફરે નીકળી પડયો. તે નૌકાદળનો તે સાહસિક જવાન હતો, આથી તેને આ મુસાફરીમાં આનંદ પણ આવતો હતો. તેની પત્નીની આ પ્રથમ જળયાત્રા હતી, આથી તે ભયભીત હતી. વિશાળ સમુદ્ર જોઈને ડરી ગયેલી તેની પત્ની વારંવાર ઘરે પાછા ફરવાનો આગ્રહ કરતી હતી, પરંતુ સૈનિક તેને કહેતો કે તું નાહકની આટલી બધી ચિંતા કરે છે.
પત્ની ડરતાં ડરતાં બોલી કે કયાંક તોફાન આવી ગયું તો ? સૈનિક હસીને તેની વાત ટાળી દેતો. એક દિવસ સાચે જ તોફાન આવી ગયું. તોફાનની ભયાનકતા જોઈને તેની પત્નીના હોશ ઊડી ગયા. તેને એવું લાગ્યું જાણે કે હમણાં જ તેનું પ્રાણપંખેરું ઊડી જશે. તેનો પતિ તેને હિંમત આપી રહ્યો હતો, પરંતુ પત્નીના હોશકોશ ઊડી ગયા હતા. પતિએ વિચાર્યું કે પત્નીને બચાવવા માટે હવે તો કંઈક કરવું જ પડશે.
તેણે પોતાનું ખંજર કાઢીને પત્નીના ગળા પર મૂકી દીધું અને બોલ્યો, શું તને મારાથી ડર નથી લાગતો? પત્ની હસી અને બોલી કે તમારાથી શું ડરવાનું ? પોતાના પતિથી કોણ ડરે છે? ખંજર હટાવીને સૈનિક બોલ્યો, ભગવાન તો આપણો પિતા છે. તેના હાથોમાં તોફાનનું ખંજર છે તો શું તે આપણને મારી જ નાખશે ? જે રીતે તને તારા પતિ પર ભરોસો છે, તે જ રીતે પિતા પર પણ ભરોસો રાખ.
તેના પર ભરોસો હશે તો આપણી યાત્રા આગળ પણ સુખદ રહેશે. સંદેશ એ છે કે ખોટી શંકાઓમાં ઊતરીને પોતાના આત્મવિશ્વાસને ક્યારેય ઓછો ન થવા દેવો જોઈએ. આપણે જેટલા શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોઈશું, તેટલી આપણી મુશ્કેલીઓ ઓછી થશે અને બધું જ કામ સારી રીતે પાર પાડી શકીશું.
મનને શાંત કરવા કેવા ઉપાયો કરવા જોઈએ ?
એક સામાન્ય સિદ્ધાંત છે કે સીધા-સાદા લોકો ઘરસંસાર માંડે છે અને તેને સારી પેઠે ચલાવી પણ જાણે છે. સજ્જનતા અને શિષ્ટાચાર વચ્ચે અત્યંત પાતળું અંતર છે. ઘરસંસાર ચલાવતી વખતે કેટલાય સજ્જન લોકો વિવેક ગુમાવી બેસે છે.
વિવેક જાળવવો એક આત્મિય શિસ્ત છે. ઘર-પરિવારના જીવનમાં વિલાસ અને અહંકાર ઝડપથી પ્રવેશે છે, વિવેક તેના માટે સ્પીડબ્રેકરનું કામ કરે છે. ઘરના દરેક સભ્યો એકબીજા પ્રત્યે અને ખાસ કરીને પતિ-પત્ની જ્યારે શિષ્ટાચારવાળો વ્યવહાર કરશે તો તેમના સંબંધોમાં હૂંફ વધશે.
વ્યવહારમાં વિવેક લાવવા માટે કેટલાક અઘ્યાત્મિક પ્રયોગો કરી શકાય છે. શાંત મન વિવેકને આપમેળે જ બહાર ફેંકી દે છે. હવે સૌથી પહેલા તો એ સમજો કે ઘરસંસારમાં મનુષ્યનું મન એક ગાંડા હાથી જેવો વ્યવહાર કરે છે. તેને અશાંત મન કહેવાય છે. જ્યારે તમારું મન અશાંત હશે તો તમે પોતે જ ઘરસંસારને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડશો. અહીં એ સમજી લેવું જરૂરી છે કે અશાંત મન જેવું કશું હોતું નથી, હકીકતમાં અશાંતિનું નામ જ મન છે.
આ મનને શાંત પાડવાના જેટલા ઉપાયો કરશો, તેટલી તમને નિષ્ફળતા જ સાંપડશે. તેના માટે ત્રણ રીતો અપનાવવી પડશે – મનથી દૂર થઈ જાવ. મનને શાંત કરી શકાતું નથી પણ તેનાથી દૂર જઈને શાંતિ મેળવી શકાય છે. તેના માટે ફક્ત પોતાના પરિવાર માટે જ ઘ્યાનની એક શિબિરનું આયોજન કરવું જોઈએ.
પરિવારના બધા જ સભ્યો એકસાથે બેસીને ઘ્યાનનો અભ્યાસ કરે. આમ કરતા સમયે એ બાબતનું ખાસ ઘ્યાન રાખવું કે મૌન ઘટાડવાનું છે, બિલકુલ ચૂપ નથી થઈ જવાનું. એક સાથે કરવામાં આવતું મેડિટેશન એકબીજા વચ્ચેની હૂંફમાં વધારો કરશે, જ્યારે તદ્દન ચૂપ થઈ જવાથી વાતાવરણ વધુ તંગ થઈ જશે.
સુખ-દુ:ખ જે મળે તેમાં સંતોષ માનવો
એક ખીણમાંથી એક નદી પસાર થતી હતી. તેને મળતા બે નાનાં-નાનાં ઝરણાં એક જગ્યાએ ભેગા થયા અને વાતો કરવા લાગ્યા. એક બોલ્યો, અરે દોસ્ત, તારી સફર કેવી રહી, રસ્તો તો સારો હતો ને ? પેલો બોલ્યો, રસ્તાની તો વાત જ ના કર, અત્યંત ભયાનક હતો. પોતાના ખેતરમાં મારા પાણીના પ્રવાહને વાળનારાનું મોત થઈ ગયું. તેના જતા રહેવાથી હું તો એકલો જ રહી ગયો હતો.
ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈને અહીં પહોંચ્યો છું. તડકામાં પોતાની નવરાશની પળોને સૂર્યસ્નાન કરીને ગંદકી ફેલાવતા લોકની સાથે ઘણો સંઘર્ષ કરીને હું અહીં પહોંચ્યો છું, પરંતુ મારા ભાઈ, તારો માર્ગ કેવો હતો ? પહેલાએ જવાબ આપ્યો, મારો માર્ગ તારાથી જરા જુદો હતો. હું તો પર્વત પરથી ઊતરીને સુગંધિત ફૂલો અને લહેરાતા વેલા વચ્ચે થઈને અહીં આવી રહ્યો છું. સ્ત્રી-પુરુષ મારું પાણી પીતાં હતાં, કિનારા પર બેઠેલા નાનાં-નાનાં બાળકો ગુલાબી પગથી પાણીમાં ચાલતાં હતાં.
મારી ચારે તરફ ઉલ્લાસ અને મધુર સંગીતનું વાતાવરણ હતું. ત્યાં જ અચાનક મોટા અવાજે નદી બોલી, ચાલો હવે, આગળ ચાલો. હવે વધુ વાતો ના કરો અને મારામાં ભળી જાવ. આપણે બધા સમુદ્રને મળવા જઈ રહ્યા છીએ. ચાલો જલદીથી, હવે તમારી મુસાફરીના બધા જ સુખ-દુ:ખ ભુલાઈ જશે જ્યારે તમે તમારી સમુદ્ર માતાને મળશો. આ પ્રતીકાત્મક કથાનો અર્થ એ છે કે મૃત્યુ બાદ આત્માનું પરમાત્માથી મિલન અનિવાર્ય છે, જે પરમ સુખ છે. આથી જીવનમાં સુખ કે દુ:ખ જે કંઈ પણ મળે, તેને ઈશ્વરનો પ્રસાદ માનીને ગ્રહણ કરી લેવો. આવું કરવાથી આપણો અંતિમ સમય દિવ્ય આત્મિક શાંતિથી તરબોળ રહે છે.
આત્મા શુદ્ધ હશે તો જ પરમાત્મા મળશે
વતે જીવ જો પુનર્જન્મ થઈ જાય તો જૈન ધર્મના મહાવીરસ્વામી અનુસાર સાધુતા ઘટી જશે અને હિન્દુ ધર્મના શંકરાચાર્યના અનુસાર બ્રાહ્મણત્વ સમાપ્ત થઈ જશે. હિન્દુઓએ આને જ દ્વિજ કહ્યું છે અને જૈનોએ મુનિ તરીકે સ્વીકાર્યું છે. મહાવીરસ્વામીનું એક સૂત્ર છે- જે પુણ્યની ઇચ્છા કરે છે તે સંસારની ઇચ્છા રાખે છે. સદ્ગતિ મેળવવા માટે પુણ્ય કરવું જરૂરી છે, પરંતુ નિર્વાણ તો પુણ્યના નાશથી જ મળે છે.અહીં નિર્વાણ શબ્દનો અર્થ જીવનનું સમાપ્ત થવું અને પુનર્જન્મની સંભાવનાનું સમાપ્ત થવું છે, પરંતુ નિર્વાણ એ પોતાનામાં દ્વિજ તથા મુનિ થવાની એક યાત્રા છે. તેના વગર પરમાત્માની નજીક પહોંચી શકાય નહીં.
ફક્ત પુણ્ય કરવાથી પરમાત્મા મળી જતા નથી. શુભ કાર્યો કરવામાં આવે, પરંતુ તેમાં ત્યાગની ભાવના હોવી જરુરી છે. પુણ્ય મેળવવા માટે દાનનું ઘણું મહત્વ છે. અપરિગ્રહ વૃત્તિના અભાવમાં કરવામાં આવેલું દાન વ્યક્તિમાં અભિમાન વધારે છે. દાનમાં ત્યાગની ભાવના તેને શુદ્ધતા તરફ લઈ જશે. મહાવીરસ્વામીએ જણાવ્યું છે કે શુદ્ધ-અશુદ્ધનો ત્યાગ કરી દો, ત્યારે શુદ્ધ તરફની યાત્રા ચાલુ થઈ જશે. આપણે કેટલું શુભ કામ કર્યું અને કેટલું અશુભ એની ચિંતા કરવી નહીં.
ચિંતા એ વાતની કરવી જોઈએ કે શુદ્ધતા તરફ કેવી રીતે વધવામાં આવે. આ શુદ્ધતામાં જ પરમ સત્તા વસેલી છે. હિન્દુઓએ આને જ બ્રાહ્મણત્વ સાથે જોડયું છે. બ્રાહ્મણ એટલે શુદ્ધ હોવું. એવું પણ કહેવાયું છે કે જન્મથી બધા જ શુદ્ધ હોય છે. આગળ જતાં કર્મોના ફળસ્વરૂપે કેટલાકને બ્રાહ્મણત્વ મળી જાય છે. આથી જ કહેવાયું છે ને કે જન્મ થયા બાદ પણ જન્મ લેવો પડે છે. આ પુનર્જન્મને દ્વિજ કહેવાયું છે. આથી આપણે તન,મન અને ધનથી શુદ્ધ રહેવાની તૈયારી કરવી જોઈએ. – પં. વિજયશંકર મહેતા
એકાંતનું ઘ્યાન પ્રભુની નજીક લઈ જાય છે
કેટલીક વખત આપણે સારું કામ કરતાં હોઈએ છીએ, પરંતુ તેમાં બૂરાઈના છાંટા પડી જાય છે. પૂજા કરીએ છીએ તો દેખાડો વધુ થઈ જાય છે, ઘ્યાન ધરીએ છીએ તો ઊઘ પ્રભાવી થઈ જાય છે, પ્રાર્થના કરીએ છીએ તો પ્રદર્શન વધુ થાય છે અને સેવા કરીએ છીએ તો ઘમંડ પ્રવેશી જાય છે. કયારેક એ જાણવાનો પ્રયાસ કર્યોછે કે એવું શા માટે થતું હોય છે?
કેમ કે મન પોતાનો પ્રભાવ બતાવતું હોય છે. આપણા દરેક કામમાં ઇચ્છાઓ અને અપેક્ષાઓની છાંટ આવી જાય છે. આથી આપણે કરીએ છીએ કંઈ અને થાય છે કંઈ બીજું. કોઈ પણ જાતિ હોય, મનનો માર બધા પર એક સરખો જ પડે છે. હાજી મોહમ્મદ નામના ફકીર સંતાઈને નમાજ પઢતા હતા. તેમનું નામ હાજી એટલા માટે હતું કે તેઓ કેટલીય વખત હજ પઢી ચૂકયા હતા. તે નમાજના પાબંદી હતા.
ધીમે-ધીમે લોકો અંદર-અંદર ચર્ચા કરવા લાગ્યા કે આ પોતાને ઘણા સંતાડે છે, કંઈક ગરબડ લાગે છે. એક દિવસ તેમના કોઈ શિષ્યએ તેમને કંઈક પૂછ્યું તો તેમણે થોડા સમય પહેલાં જોયેલા એક સપનાનો ઉલ્લેખ કર્યો. સપનામાં તેઓ મરી ગયા અને રસ્તામાં તેમને ખુદાનો એક દૂત મળે છે. જે વ્યકિતએ પથ્વી પર જે કામ કર્યું હતું તેના અનુસાર તે દૂત તેને સ્વર્ગ અને નર્કમાં મોકલી રહ્યો હતો. હાજીને જોઈને તેણે તેમને નર્કના રસ્તે રવાના કરી દીધા.
હાજી બોલ્યો, શું મારી હજયાત્રા બેકાર ગઈ છે. તે દૂત બોલ્યો, તમે એકાંતમાં ઓછી અને જાહેરમાં વધુ નમાજ પઢી છે. આથી તમારી નજર ઉપરવાળા પર ઓછી અને નીચેવાળા પર વધુ રહેતી હતી. પરિણામે હજયાત્રાનું પરિણામ શૂન્ય રહ્યું છે. તે સપના બાદ હાજી સમજી ગયા કે પ્રાર્થના એવી સંપત્તિ છે જેને સંતાડવામાં આવે તો ઓર વધે છે. પ્રભુભકિતમાં લીન થવા માટે એકાંતવાસ જરૂરી છે. – પં. વિજયશંકર મહેતા
વિવેકબુદ્ધિથી કરેલું કામ સારું જ હોય છે
સંત તુકોજી મહારાજ પોતાના પ્રિય શિષ્યો સાથે ભજનકીર્તનમાં મગ્ન રહેતા હતા. દરેકના પ્રત્યે સદ્ભાવના અને શુભચિંતન જ તેમનો ધર્મ હતો. એક વખત તેમના પર અપાર શ્રદ્ધા ધરાવતી એક વ્યકિતએ પોતાની દુકાનનું નામ ગુરુદેવ સલૂન રાખી દીધું. સંતના એક શિષ્યને જયારે આ વાતની ખબર પડી તો એકદમ ગુસ્સે થઈ ગયો.
સંતની સામે જ તે લાલપીળો થઈને બોલવા લાગ્યો કે આ તો તમારું અપમાન છે. હું તેના સલૂનમાં આગ લગાડી દઈશ. સલૂનમાલિકનું નામ પાંડુરંગ હતું. સ્મિત આપતાં સંત બોલ્યા, હનુમાને લંકામાં આગ એટલા માટે લગાડી હતી કે રાવણે ત્યાં સીતાને સંતાડયા હતા. તું સલૂનમાં આગ શા માટે લગાડીશ? પાંડુરંગે તો કોઈ સીતાને ત્યાં સંતાડી નથી ? તે તો લોકોની સેવા કરીને પોતાનું ભરણપોષણ કરે છે.
તે સલૂન તો તેનું શ્રમમંદિર છે. તારા ઘરમાં બાળક જન્મે તો તેનું ગમે તેવું નામ રાખવાનો તારી પાસે પૂરેપૂરો અધિકાર છે. તેમાં કોઈને ખોટું શા માટે લાગશે ? તારા પિતાએ તારું નામ રામચંદ્ર રાખ્યું છે, પરંતુ રામ નારાજ નથી થયા, સીતા કે હુનમાને પણ વાંધો નથી ઉઠાવ્યો તો પછી તું શા માટે ગુસ્સે થઈ રહ્યો છે? સંતની વાત સાંભળીને રામચંદ્રની આંખોમાં પાણી આવી ગયું. સંત બોલ્યો, લો બધો જ મેલ વહી ગયો.
હવે કાલે રાત્રે આપણે બધા જ ભેગા મળીને પાંડુરંગના સલૂનમાં કીર્તન કરીશું. બીજા દિવસે સલૂનમાં સંતની સાથે રામચંદ્ર પણ કીર્તનમાં સૌથી આગળ હતો. કથા વિવેકના મહત્ત્વ તરફ આંગળી ચીંધે છે. જો આપણે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરીશું તો કયારેય કોઈ ખોટું કામ નહીં થાય. આથી પોતાના અને સમાજના હિતમાં વિવેકનો સાથ ક્યારેય ન છોડવો.
ખોટું કરનાર કરતાં તેને મદદ કરનાર વધુ ખરાબ
પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલી રહી હતી. બધા જ વિદ્યાર્થીઓ એકાગ્રતાથી પ્રશ્નોના જવાબ લખી રહ્યા હતા. ઈશ્વર ભણવામાં હોશિયાર વિદ્યાર્થી હતો. તેની પાછળ બેઠેલો તેનો મિત્ર મનીષ જે આળસું વિદ્યાર્થી હતો, તે મદદ માટે ઈશ્વરને ઇશારા કરી રહ્યો હતો. તે દિવસે ગણિતનું પેપર હતું. બધા જ પ્રશ્નોના જવાબ લખ્યા બાદ ઈશ્વર થોડો હળવો થયો.
આથી મનીષે પાછળથી તેની ખુરશી હલાવી અને કંઈક મદદ કરવા માટે ઇશારો કર્યો. ઈશ્વર પહેલાં તો થોડો ડર્યો, પરંતુ પાછળ જોઈને મનીષનો ઉદાસ ચહેરો જોઈને તેને દયા આવી ગઈ. તેણે પોતાની જવાબવાહી કંઈક એવી રીતે ખુલ્લી મૂકી કે જેથી મનીષ તેમાંથી વાંચીને જવાબ લખી શકે, પરંતુ શિક્ષકની નજરમાંથી તે બચી શકયો નહીં. શિક્ષકે ઈશ્વરને ખૂબ માર્યો.
પોતાના આ અપમાનથી ઈશ્વર દુ:ખી થઈ ગયો. પરીક્ષા પૂરી થયા બાદ જયારે તે ઘરે જઈ રહ્યો હતો ત્યારે શિક્ષકે તેને રસ્તામાં રોકીને કહ્યું, મેં આજે તને માર્યો તે બદલ મને દુ:ખ છે. તો ઈશ્વર બોલ્યો કે સર, હું તો ચોરી નહોતો કરતો. મેં તો ફક્ત મનીષની મદદ કરી હતી. ત્યારે શિક્ષકે તેને સમજાવ્યો કે ખોટું કરનાર વ્યક્તિ તો ખરાબ જ હોય છે, પરંતુ તેને ખોટું કામ કરવા માટે પ્રેરિત કરનાર વ્યક્તિ તેનાથી પણ વધારે ખરાબ છે.
તું મનીષને મદદ કરીને તેને વધુ આળસુ બનાવી રહ્યો હતો. તારી આ મદદથી તેને ફાયદો ઓછો અને નુકસાન વધુ થવાનું હતું. ભવિષ્યમાં તે મદદ વગર જરા પણ આગળ વધી શકશે નહીં. એટલે કે દરેક કામનું પરિણામ સારા અને ખરાબનું મિશ્રણ હોય છે. આપણે એવાં કામો કરવા જોઈએ જેનું પરિણામ સારું હોય.
કર્મ કરતાં રહો, ફળની ક્યારેય અપેક્ષા ન રાખો
આચાર્ય શ્રીરામ શર્માએ પરિવાર માટે સરસ અભિપ્રાય આપતાં જણાવ્યું કે આજકાલ પરિવારો ઈચ્છાઓનું વટવૃક્ષ બની ગયા છે. તેમની વાતને થોડા આગળ વધીને આજની પરિસ્થિતિમાં વિચારીએ તો બધી જ પારિવારિક ગતિવિધિઓ વાસનાઓનો ફેલાવો બની ગઈ છે. ઇન્દ્રિયોના હિંચકા પર આખો પરિવાર ઝૂલી રહ્યો છે અને વધારે પડતા હિંચકા ખાવાના કારણે ચક્કર આવી રહ્યા છે, તબિયત બગડી રહી છે. તેનું નામ જ બેચેની, ચીડિયાપણું અને ડિપ્રેશન છે.
આજે પરિવારના સભ્યો વચ્ચે પહેલાના જમાના જેવી હૂંફ જોવા મળતી નથી. આજની આધૂનિક જીવનશૈલીમાં બે બાબતો પર ખાસ ઘ્યાન રાખવું જોઈએ- નિષ્કામનો સાચો અર્થ અને લાગણીઓનો સાચો ઉપયોગ. ગીતામાં કર્મયોગની વ્યાખ્યા આપતા જે નિષ્કામનું વર્ણન કરાયું છે તેનો સામાન્ય અર્થ એ છે કે કામ કરતા રહો અને ફળની આશા છોડો, પરંતુ તેનો વ્યાપક અને ઊડો અર્થ એ છે કે ઈચ્છામાંથી મુકત થઈ જાવ.
કેમ કે આપણો પરિવાર ઈચ્છાઓનું એક વટવૃક્ષ છે, આથી ફળ એવાં જ લાગી રહ્યાં છે. નવી પેઢી તમામ યોગ્યતાઓ બાદ પણ વધુ પરેશાન છે. વાસનાઓથી પરિવારની ગતિવિધિઓ મુકત રહે તેને માટે સાવધાની રાખવી જરૂરી છે. ઘર-પરિવારમાં સ્ત્રી-પુરુષના સાથનું મહત્ત્વ શારીરિકથી વધુ માનસકિ છે. જો મન પર કામુકતાનું રાજ હશે તો વટવૃક્ષ એવું જ ફળ આપશે.
આ જ રીતે ખરાબ વિચારો અને ખરાબ પ્રવૃત્તિઓમાંથી મુકિત મેળવવા માટે પરિવારોમાં લાગણીઓને વધુ મહત્ત્વ આપો. લાગણીઓ પરિવારને જોડશે અને વિકતિઓમાંથી મુકિત આપશે. પશુ અને મનુષ્યમાં આ જ અંતર છે. પરિવાર તો તેમના પણ હોય છે, પરંતુ અંતર નિષ્કામ અને લાગણીઓનું છે. – પં. વિજયશંકર મહેતા
સ્વાઘ્યાય વિના જ્ઞાનનો પ્રકાશ મળતો નથી
સામાન્ય રીતે ભગવાન પાસે થતી આપણી પ્રાર્થના સુખોપભોગ પૂરતી સીમિત હોય છે, પરંતુ સેન્ટ ફ્રાન્સિસે પ્રભુને કરેલી પ્રાર્થનામાં ભગવાનને કહ્યું, પ્રભુ! મને તમારી શાંતિ માટેનાં સાધન બનાવો. આપણને કદી ભગવાનના સાધન બનવાનો વિચાર આવે છે? શાંતિ નિર્માણ થાય તે માટે હું નિમિત્ત બનું, પ્રયત્નશીલ બનું તેવો વિચાર આવે છે?
‘જયાં ધિક્કાર અને તિરસ્કારની લાગણી હોય ત્યાં પ્રેમનું વાવેતર કરું’ ઘણીવાર આપણા સંબંધોનો વિચાર કરીએ તો એવું નથી લાગતું કે પ્રેમ-સ્નેહની વાવણી કરવાના બદલે આપણે આપણા સ્વાર્થના બીનું વાવેતર કરીએ છીએ? ભગવાનની પ્રાર્થના કરતાં તે આગળ કહે છે કે ‘મારા પ્રભુ! મને એવું વરદાન આપ કે કોઈ મારા પ્રત્યે સહાનુભૂતિ દેખાડે તેવી ભાવના ન રાખું.
બીજો મને સમજે – મને ચાહે એવી લાગણી ન રાખું. એટલા માટે કે તમે આપો તો તમે પામશો. એ ન્યાયે કોઈને ક્ષમા આપો તો ક્ષમા પામશો અને સહાનુભૂતિ આપશો તો સહાનુભૂતિ પામશો. આપણે પણ સંત ફ્રાન્સિસની આ પ્રાર્થનાને જીવનમાં સાકાર કરીએ તો? પરંતુ ઘણી વખત આપણી પ્રાર્થના હું અને મારા પૂરતી જ સાકારિત કરી નાંખીએ છીએ. ‘હું’ અને ‘મારું’ એ દૂરબીન ઉપરના કાચના ડાઘા જેવા છે.
સામાન્ય પ્રકાશમાં તે દેખાતા નથી અને જયાં સુધી આ ડાઘા ઘસી ઘસીને સાફ કરતા નથી ત્યાં સુધી જીવનમાં સત્ય સ્વરૂપના દર્શન થતાં નથી. અને જયાં સુધી સત્સંગ, સ્વાઘ્યાય ઇત્યાદિ દ્વારા જ્ઞાનનો પ્રકાશ લાધતો નથી ત્યાં સુધી અંદરની આ દ્દષ્ટિ કેળવાતી નથી. ફ્રાન્સિસની પ્રાર્થનાનું હાર્દ આ જ છે કે આપણી જાતને સુવાસિત બનાવીએ. – પરમાનંદ ગાંધી
ખરો કર્તાહર્તા ભગવાન, આપણે તો માત્ર માઘ્યમ
એક રાજાને એ બાબતનું અભિમાન હતું કે તે પોતાના રાજયના બધા જ પ્રાણીઓનું ભરણપોષણ કરે છે. લોકો વિષ્ણુને જગતના પાલક ખોટા માને છે. ભગવાનને કોણે જોયા છે? વાસ્તવિકતા તો એ જ છે કે હું જ મારી પ્રજાનું પોષણ કરું છું. એક વખત એક યોગી તેના રાજયમાં આવ્યો અને નગરની બહાર એક ઝાડ નીચે આસન જમાવીને બેસી ગયો. ધીમે-ધીમે યોગી પ્રખ્યાત થઈ ગયો અને તેની પાસે લોકોની ભીડ થવા લાગી.
યોગીની ખ્યાતિ સાંભળીને રાજા પણ તેને મળવા પહોંચી ગયો. યોગી પાસે કોઈ સાધન-સામગ્રી ન જોતાં રાજાએ પૂછ્યું કે તમે ભોજન કેવી રીતે કરો છો? તમને ભોજન કયાંથી મળે છે? આજથી હું તમારા ભોજનની વ્યવસ્થા કરી દઈશ. યોગીએ પૂછ્યું, તમારા રાજયમાં કેટલા કાગડા, કૂતરાં અને કીટકો છે? રાજાએ અજ્ઞાન વ્યકત કર્યું.
ત્યારે યોગી બોલ્યા, જયારે તમને તેની સંખ્યા જ ખબર નથી તો ભોજન કેવી રીતે મોકલો છો? તેનો અર્થ એ છે કે તેમને ભોજન તમે નહીં, પરંતુ ભગવાન મોકલે છે. રાજાએ અસંતુષ્ટ થઈને જણાવ્યું કે હું એક ડબ્બીમાં એક જીવડાને બંધ કરી દઉ છું અને કાલે જોઈશ કે તેને ભોજન કોણ મોકલે છે? રાજાએ સૈનિકોના પહેરામાં જીવડાને ડબ્બીમાં બંદ કરીને મૂકી દીધું.
બીજા દિવસે તેણે જોયું તો જીવડું ચોખાના એક દાણાને કોતરી રહ્યું હતું, જે ડબ્બી બંધ કરતી વખતે રાજાના માથા પર લાગેલા તિલકમાંથી પડી ગયો હતો. ત્યારે યોગી બોલ્યો, જોયું, સૌનો પાલનહાર ભગવાન જ છે. રાજાને આ સત્ય સ્વીકારવું પડ્યું. કથાનો સાર એ છે કે આપણા દ્વારા કરવામાં આવતા સેવાના તમામ કાર્યો કરનાર તો તે જ છે, આપણે તો ફકત એક માઘ્યમ છીએ.
આપણાં કર્મો થકી જ સ્વર્ગ કે નર્ક મળે છે
સ્વર્ગ-નર્ક છે કે નહીં એ બાબતને લઈને બધા જ ધર્મોના આચાર્યોમાં મતભેદ રહ્યા છે અને અંતે લાંબી ચર્ચા બાદ એ નક્કી થયું છે કે જયાં સુખ છે ત્યાં સ્વર્ગ અને જયાં દુ:ખ છે ત્યાં નર્ક. બધાએ પોતપોતાના હિસાબે ભૂગોળ, ઘર, શરીર અને પોતાના અંદર સ્વર્ગ-નર્ક રાખીને પોતપોતાની રીતે તેની વ્યાખ્યા બનાવી છે. બધા જ લોકો સ્વર્ગ મેળવવા અને નર્કમાંથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સ્વર્ગને પરમાત્માનું રાજય માનવામાં આવ્યું છે.
જયાં રહીને ભગવાનની વધુ નજીક પહોંચી શકાય તે જ સ્વર્ગ છે. એક દિવસ કોઈએ ઇસુ ખ્રિસ્તને પૂછ્યું, અમને પ્રભુનું રાજ્ય એટલે કે સ્વર્ગ ક્યારે અને કેવી રીતે મળશે ? તેમણે એક નાનો સવાલ કર્યો, પહેલા તમે મરી જાવ, પછી જન્મ લો, ત્યારે મળશે. તેનો અર્થ સમજી લો. અહીં શરીરનો નાશ કરીને મરવાની વાત નથી કહેવામાં આવી. ઈસુ ખ્રિસ્તનો ઇશારો એ છે કે વર્તમાનમાં આપણે જે રીતે જીવન પસાર કરી રહ્યા છીએ તે રીતે ન રહીએ, તેના બદલે ભગવાનના એક ભકત જેવા બની જઈએ.
આ બની શકવાની સંભાવનામાં જ સ્વર્ગ છુપાયેલું છે. તેના અસંતુલનમાં નર્ક છે. કર્મ કરવાની સુવિધા અને તેના ફળ ભોગવવાની મજબૂરીને સમજીને સ્વર્ગ-નર્કનું નિર્માણ આપણા હાથમાં છે. આ જાગ્રૃકતા જ આપણને શિખવાડી દેશે કે ફકત ભૌતિક સુખ-સુવિધા જ સ્વર્ગ નથી અને તેનો અભાવ નર્ક ના કહેવાય.
આપણે તેનું નિર્માણ કેવી રીતે કરીએ છીએ, તેને કેવી રીતે ભોગવીએ છીએ, તેના પર જ આપણું સ્વર્ગ-નર્ક આધારિત છે. જેવી રીતે એક દાણામાંથી વિશાળ વૃક્ષ બને છે, તેવી રીતે આપણે પોતે મટી જઈને તેવા કલ્પવૃક્ષ બનવાનું છે જે સ્વર્ગ-નર્કનું પ્રતીક છે. સુખની સાથે શાંતિના વૃક્ષ પણ ત્યાં જ મોટા થશે. – પં. વિજયશંકર મહેતા
જીવનમાં દરેક કામ સમજી-વિચારીને કરવું
જીવનમાં જે પણ કામ કરવામાં આવે તેને સમજી-વિચારીને અને નીતિથી કરવું જોઈએ. છેતરપિંડી, જુઠ્ઠાણું, કાવતરું, દબાણ વગેરે લાંબા સમય સુધી ટકતું નથી. જે લોકો અંગત સ્વાર્થ ખાતર ખોટી નીતિથીકામ કરે છે, પાછળથી તેમની યોગ્યતા પણ કપરા સમયે કામ લાગતી નથી.
કર્ણ પરશુરામ પાસેથી ધનુષ્ય વિધા શીખવા માગતા હતા. પરશુરામ ફક્ત બ્રાહ્મણોને જ શીખવાડતા હતા. કર્ણએ બ્રાહ્મણ યુવકનો વેશ ધારણ કરીને પરશુરામ પાસેથી શસ્ત્રવિધા શીખવાનું ચાલુ કર્યું. એક દિવસ ગુરુ આરામ કરી રહ્યા હતા, તેમણે પોતાનું માથું શિષ્યના (કર્ણ) ખોળામાં મૂકયું અને ઊઘી ગયા. થોડા સમય બાદ એક જીવડાએ કર્ણની જાંઘ પર ડંખ માર્યો અને ત્યાંથી લોહી વહેવા લાગ્યું.
કર્ણને ડંખથી પીડા તો થઈ, પરંતુ ગુરુની નિદ્રા તુટી જવાની બીકે તેણે પગ હલાવ્યો નહીં.તે પીડા સહન કરતો રહ્યો. જ્યારે લોહી વહેતું વહેતું પરશુરામના શરીરને સ્પશ્ર્યું તો તેમની ઊઘ ઊડી ગઈ. તેમણે વિચાર્યું કે કોઈ બ્રાહ્મણમાં એટલી ધીરજ નથી કે તે આવો ડંખ સહન કરી શકે.
તેમણે પૂછ્યું, સાચું બતાવ, તું કોણ છે? કર્ણે બતાવ્યું કે હું ક્ષત્રિય છું. પરશુરામે શાપ આપ્યો કે જે વિધા તેં મારી પાસેથી છળકપટથી મેળવી છે, ખરા સમયે તું તે ભૂલી જઈશ. આવું જ થયું, મહાભારતના યુદ્ધના સમયે જ્યારે કર્ણનો સામનો અર્જુન સાથે થયો ત્યાર તે છળકપટથી મેળવેલી વિધાનો ઉપયોગ કરી શક્યા નહીં.
આથી યોગ્યથી યોગ્ય વ્યક્તિ પણ જ્યારે છળકપટથી પોતાનું જીવન જીવવા લાગે છે ત્યારે સમય આવ્યે તે પોતાની યોગ્યતાનો ઉપયોગ કરી શકતા નથી. લોકો આવી વ્યક્તિઓ માટે ટીકા કરતા હોય છે કે પહેલાં તો એ ઘણા સારા હતા, પરંતુ પદ અને અધિકાર મળતાંની સાથે જ તે અયોગ્ય અને ભ્રષ્ટ થઈ ગયા.- પં. વિજયશંકર મહેતા
આત્માનો સંતોષ ભૌતિક સુખ કરતાં ઉત્તમ
એક વખત અવંતિપુરમાં સાધુ કોટિકર્ણ આવ્યા હતા. તેમનો સત્સંગ સાંભળવા લોકો દૂર-દૂરથી આવતા હતા. તે નગરમાં રહેતી કલાવતી પણ સત્સંગમાં જતી હતી. કલાવતીની પાસે અઢળક સંપત્તિ હતી. નગરના ચોરોએ તેના ઘરે ધાડ પાડવાની યોજના બનાવી. એક રાત્રે જ્યારે કલાવતી સત્સંગમાં ગઈ હતી ત્યારે ચોરોએ તેના ઘરે ધાડ પાડી. તેના ઘરે દાસી એકલી હતી.
દાસી ચોરોને જોઈને ડરી ગઈ અને ઘર છોડીને કલાવતીને જાણ કરવા સત્સંગ સ્થળ તરફ દોટ મૂકી. કલાવતી ઘ્યાનમગ્ન થઈને કોટિકર્ણની અમૃતવાણી સાંભળી રહી હતી.ચોરોનો સરદાર પણ દાસીનો પીછો કરતો-કરતો ત્યાં આવી પહોંચ્યો. તેને જોઈને દાસી વ્રી ગઈ અને દોડીને કલાવતીની બાજુમાં બેસી ગઈ. તેણે કલાવતીને જણાવ્યું કે, ઘરમાં ચોર ઘૂસી ગયા છે. કલાવતી બોલી, તું ચૂપચાપ સત્સંગ સાંભળ. ધન તો બીજી વખત પણ મળી જશે, પરંતુ સારો સત્સંગ બીજી વખત સાંભળવા નહીં મળે.
કલાવતીનો જવાબ સાંભળીને ચોરોનો સરદાર ચોંકી ગયો અને તેણે પણ આખો સત્સંગ સાંભળ્યો. સત્સંગ પૂરો થતાં જ તે કલાવતીના પગમાં પડી ગયો અને બોલ્યો, આજે તમે મારી આંખો પરથી અજ્ઞાનનો પડદો ઉઠાવી દીધો છે. હવે હું ક્યારેય ચોરી નહીં કરું. તેટલી વારમાં તેના સાથી ચોર પણ ત્યાં આવી પહોંરયા હતા.
સરદારે સાથીદારોને જણાવ્યું, અત્યાર સુધી ખોટા સુખથી સંતોષ મેળવ્યો હતો, આજે સાચું સુખ મળ્યું છે. તમે પણ મારી સાથે સત્સંગ સાંભળો. સાર એ છે કે ભૌતિક સંપત્તિ શરીરને સુખ આપે છે, પરંતુ સત્સંગ આત્માને શાંતિ આપે છે અને આત્માનો સંતોષ ભૌતિક સુખ કરતાં વધુ બહેતર હોય છે.
સમય અને નાણાંનો દુરુપયોગ નુકસાનકારક
નાણાંનો સંગ્રહ નુકસાનકારક છે તે અર્ધસત્ય છે, નાણાંનો દુરુપયોગ ખતરનાક છે, એ પૂરેપૂરું સત્ય છે. ફકીરીનો અર્થ ગરીબી નહીં, વૈરાગ હોય છે. નાણાં પણ ફકીરીનું ઘરેણું બની શકે છે, એ વાત મુસ્લિમ ફકીર દાઉદ તાઈએ સમજાવી છે. તેમને પોતાના પૂર્વજો પાસેથી વીસ દીનાર મળ્યા હતા. આ પૈતૃક સંપત્તિથી તેઓ આખી જિંદગી કામ ચલાવતા રહ્યા. તેમણે કયારેય કોઈની પાસેથી કશું લીધું નહીં કે માગ્યું નહીં. બીજા ફકીરોએ તેમની પાસે રહેલા દીનાર જોઈને વાંધો ઉઠાવ્યો કે ફકીરો દ્વારા આવી રીતે નાણાંનો સંગ્રહ શોભા નથી આપતો.
આ તો એક પ્રકારનો ખુદાનો વિરોધ છે. દાઉદ તાઈએ જે સ્પષ્ટતા કરી તે એક ઉપદેશ બની ગયો. તેમણે જણાવ્યું કે મારી પાસે રહેલા ૨૦ દીનાર મારી આખી જિંદગી માટે પૂરતા છે. તેના કારણે હું દુનિયાદારીની ચિંતામાંથી મુકત થઈને ઇબાદત કરી રહ્યો છું. જો તે મારી ભકિતમાં મદદગાર છે તો તેમાં ખોટું શું છે.
નાણાં ન હોય અને તેમાં જ ઘ્યાન લાગેલું રહે તેના કરતાં તો સારું છે કે પૈસા હોય અને તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. પૈસાદાર થવામાં બૂરાઈ નથી, નાણાં મેળવીને ભાન ભૂલી જવામાં બૂરાઈ છે. જેવી રીતે જિંદગીમાં ઘ્યાન ઘટી જતાં ભાન આવે છે, તેવી જ રીતે પૈસો આવતા ભાનમાં આવી જવું જોઈએ.
અહીંથી જ યોગીના ધન અને ભોગીના પૈસા વચ્ચેનું અંતર ચાલુ થાય છે. દાઉદ તાઈ ભોજન કરવાના સમયના સદુપયોગ બાબતે પણ સાવધાન રહેતા હતા. તે મોટા ભાગનું ભોજન પાણીમાં ઘોળીને પી જતા હતા. આ બાબતે તેઓ કહેતા કે જેટલો સમય રાંધીને ખાવામાં લાગે છે, તેટલા સમયમાં તો તેઓ પચાસથી વધુ આયતો વાંચી શકે છે. વાત ફકત સમય અને ભોજનની નથી, પરંતુ જિંદગીના હેતુ પ્રત્યે સભાન થવા તરફ ઇશારો છે. પં. વિજયશંકર મહેતા
કયારેય બીજા પ્રત્યે ભેદભાવ ન રાખો
બેબાળપણના મિત્રો હતા. મોટા થયા બાદ બંનેએ સાથે મળીને વેપાર ચાલુ કર્યો. વેપાર વધતો ગયો. બંનેનો પ્રેમ અને મિત્રતા જોઈને દરેક જણ દંગ રહી જતા. બંનેનાં પરિવારોમાં પણ આવો જ ગાઢ સંબંધ હતો પરંતુ એક ઘટનાએ બંનેની મિત્રતાનો પાયો હલાવી નાખ્યો. થયું એમ કે એક ફેરિયો કેરીનો ભરેલો ટોપલો લઈને દુકાને આપી ગયો. દુકાને બેઠેલા મિત્રએ ટોપલો રાખી લીધો. થોડા સમય બાદ તે જમવા માટે ઘરે જવા નીકળ્યો. તેણે પોતાના મિત્રને કહ્યું કે તું પોતાને ત્યાં લઈ જવા માટે થોડી કેરી રાખી લે, હું જમીને આવું છું. બીજા મિત્રનો પુત્ર પણ ત્યાં આવેલો હતો. તેણે કેરીનો ટોપલો લઈને તેના ભાગલા પાડવાનું ચાલુ કર્યું.
પોતાના પુત્ર માટે બીજા મિત્રના મનમાં પણ લોભ જાગ્યો. તેણે મોટી-મોટી કેરી લઈ લીધી અને નાની-નાની કેરી મૂકી રાખી. પહેલો મિત્ર જયારે જમીને દુકાને પાછો આવ્યો તો તે આ ભેદભાવને સમજી ગયો. તેને ઘણું દુ:ખ થયું. બીજા દિવસે તે વકીલને મળીને ધંધામાંથી પોતાની ભાગીદારી છૂટી કરવાના કાગળો તૈયાર કરાવીને લેતો આવ્યો.
બીજો મિત્ર આ જોઈને ચોંકી ગયો. તેણે કારણ પૂછ્યું તો બીજાએ જણાવ્યું કે ગઈકાલે તેં મોટી-મોટી કેરીઓ પોતાના માટે લઈ લીધી અને બચેલી નાની કેરીઓ મારા માટે છોડી દીધી હતી. વાત કેરીની નથી પણ તારા મનમાં જાગેલા ભેદભાવની છે. હવે આપણે સાથે નહીં રહી શકીએ. આ રીતે બંનેની વર્ષોજૂની દોસ્તી મિનિટોમાં તૂટી ગઈ. કથાનો બોધ છે કે પક્ષપાત બીજાના મનમાં ખટાશ પેદા કરે છે. તેનાથી પ્રેમભાવના તૂટી જાય છે અને વેરભાવનાનાં બીજ રોપાય છે, જે માનસકિ શાંતિને તોડી નાખે છે.
તમારા સ્વરૂપ કરતાં સમાજનું હિત મહત્વનું છે
કેટલાક લોકો પોતાની મહેનતના બળે એવું કામ કરી જતા હોય છે કે તેમની એક છબિ બની જાય છે. દુનિયા તેમને આ છબિમાં જ જુએ છે અને સ્વીકારે છે. જો તેઓ કોઈ બીજી છબિમાં લોકો સમક્ષ પ્રસ્તુત થાય તો લોકો તેમને સ્વીકારતા નથી.
લોકપ્રિય લોકો સાથે અહીંથી જ મુશ્કેલીની શરૂઆત થાય છે. તેઓ કયારે આ છબિમાં બંધાઈ જાય છે. તેમનો વિકાસ અટકી જાય છે અને તેઓ તણાવમાં આવી જાય છે. શ્રીકૃષ્ણના ચરિત્રની આ જ વિશેષતા હતી કે તેમણે પોતાની લીલાઓમાં પણ કંઈક આવું જ કર્યું હતું.
શ્રીકૃષ્ણ જે સ્વરૂપમાં સામે આવે છે, તેમનું તે સ્વરૂપ જ દેશ, કાળ અને પરિસ્થિતિ માટે અનુકૂળ અને ઉપયોગી બની જાય છે. આ જ તેમની વિશેષતા હતી. ગોકુળમાં બાળલીલાઓમાં માટલીઓ ફોડી, પરંતુ તેના પાછળનો ઉદ્દેશ્ય ગોવાળોના મનમાં એ ભાવ પેદા કરવાનો હતો કે આ સંપત્તિ કંસની નથી.
તેમાં પણ તેમનો પોતાનો પણ અધિકાર છે. કિશોર શ્રીકૃષ્ણને જયારે મથુરા નરેશ કંસનું આમંત્રણ મળે છે તો તે પોતાના પ્રાણનું જોખમ સમજીને તાત્કાલિક ત્યાંથી ચાલી નીકળે છે. આ જ રીતે જયારે કાલયવન મથુરા પર આક્રમણ કરે છે તો તે પોતાની છબિની ચિંતા કરતા નથી, પરંતુ યુદ્ધના મેદાનમાંથી ભાગી છૂટે છે.
મહાભારતનું યુદ્ધ ટાળવા માટે શ્રીકૃષ્ણ કૌરવોની સભામાં શાંતિદૂત બનીને જાય છે. આજની ભાષામાં કહીએ તો માટલી ફોડનારા શ્રીકૃષ્ણ ગીતાનું જ્ઞાન આપી શકે છે. તેમણે પોતાના આચરણથી એ જણાવ્યું છે કે તમારું દરેક કામ સમાજના સદુપયોગ માટે હોવું જોઈએ.
પછી ભલે તેના માટે તમારે કોઈ પણ સ્વરૂપમાં કામ કરવું પડે. સ્વરૂપ અને છબિની જિદ મહત્વની નથી, સમાજનું હિત અને સફળતા મહત્વની છે. – પં. વિજયશંકર મહેતા
વૈચારિક શાંતિ માટે ઈશ્વરને યાદ કરો
આપણું બહારનું વ્યક્તિત્વ જે વાતોથી દિવ્ય અને ચમકદાર બને છે, તેનો સંબંધ મન સાથે છે. આપણે અંદરથી જેટલા પ્રકાશમાન રહીશું, બહાર તેટલા જ દિવ્ય દેખાઈશું. ઇસ્લામમાં કહેવાયું છે કે માણસનું હદય નૂરી (પ્રકાશમાન) છે, પરંતુ તેમાં જયારે દુનિયાનો પ્રેમ(રાગ) સમાઈ જાય છે, ત્યારે તેમાં અંધકાર છવાઈ જાય છે અને નૂર જતું રહે છે.
આ સમજદારી વ્યક્તિમાં હોવી જોઈએ કે તે કેટલો દુનિયાદારીમાં અને કેટલો દીનદારીમાં રહે. મુસ્લિમ સંત મનસૂર અમ્મારને હારુન રશીદે બે સવાલ પૂછ્યા હતા: દુનિયામાં સૌથી વધુ બુદ્ધિશાળી અને સૌથી વધુ મૂર્ખ કોણ છે?
મનસૂરનો જવાબ હતો, બુદ્ધિશાળી તે છે જે પોતાની જાતને સર્વશક્તિમાનના હાથોમાં સોંપીને તેના આદેશ અનુસાર જીવન પસાર કરે. ઉપરવાળાએ શરીરની સાથે કેટલીક શિખામણો પણ આપી છે. તેની શિખામણો જીવનને ખુશનુમા બનાવવાના કામમાં આવે છે.
ખુદાનો કાયદો બિલકુલ ચોખ્ખો, પવિત્ર અને સરળ છે. તેને માનવામાં ફાયદા જ ફાયદા છે. તે આપણી પાસેથી કશું લેતો નથી, આપે છે ઘણુંબધું. મનસૂરની દ્રષ્ટિએ મૂર્ખ તેને કહેવાય જે ખોટા કામ, પાપ કરે છે અને જાણે પણ છે કે તે ખોટું કરી રહ્યો છે, આમ છતાં પણ તે આવું કરવાનું બંધ કરતો નથી.
મનસૂર જણાવે છે કે અલ્લાહે આરીફોનું દિલ તેનું નામ લેવા માટે અને દુનિયાનું દિલ લાલચ માટે બનાવ્યું છે. સીધી વાત એ છે કે ભકતોએ પોતાના દિલમાં ભગવાનના નામનું રટણ કરવા માટે જગ્યા રાખવી જોઈએ.
જે લોકો વાસનામાં ડૂબેલા છે તેમના મનમાં દુનિયાભરના વિચારોનું મંથન ચાલતું હોય છે અને અંતે આવા વિચારો તેમને અશાંત કરે છે. ધર્મ કોઈ પણ હોય, વૈચારિક શાંતિ બધા માટે એક સરખી જ વાત જણાવે છે. -પં. વિજયશંકર મહેતા
છેવટે શું મેળવવાનું છે એની ચિંતા કરો
એક સેવક તેના સ્વામીની હત્યા કરીને બીજા શહેરમાં ભાગી ગયો. પોતાની જાતને છુપાવવા માટે તેણે કેટલાય વેશ બદલ્યા. સમય પસાર થતો ગયો અને તેને ભીખ માગવાનો વારો આવ્યો. જ્યારે આ બાજુ સ્વામીનો પુત્ર યુવાન પુત્ર પિતાના હત્યારાને શોધવા માટે નીકળી પડ્યો. બીજી બાજુ હત્યારો ભિખારી ચાલતાં-ચાલતાં એક દિવસ એવા પહાડી માર્ગ પર પહોંચી ગયો જ્યાં અવારનવાર દુઘટર્ના સર્જાતી હતી અને લોકો નીચે પડીને મરી જતા હતા.
ભિખારીએ વિચાર્યું કે મરતા પહેલાં તેણે કોઈ સારું કામ કરી લેવું જોઈએ. જો હું આ સ્થળે એક સુરંગ બનાવી દઉ તો લોકો નીચે પડીને મરતા બચી જશે. અત્યારે તે ઘણો વૃદ્ધ થઈ ગયો હતો, આથી ભલાઈના આ કામમાં તે જોતરાઈ ગયો. એક દિવસ સ્વામીનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પોતાના પિતાના હત્યારાને ઓળખી લીધો. તે તેને મારવા દોડ્યો તો ભિખારી બોલ્યો, તું મને મારીને તારો બદલો લઈ શકે છે, પરંતુ તેના પહેલાં મને આ સુરંગ પૂરી કરી લેવા દે.
સ્વામીના પુત્રએ તેની વાત માની લીધી અને તે રાહ જોવા લાગ્યો. સ્વામીનો પુત્ર નવરો બેઠો તેના અંગે વિચારવા લાગ્યો કે એને મારા પિતાની હત્યા તો કરેલી, પરંતુ હવે અસંખ્ય લોકોની ભલાઈ માટે નિ:સ્વાર્થ સેવા પણ કરી રહ્યો છે. સુરંગ પૂરી થતાં જ ભિખારી બોલ્યો, હવે હું મરવા માટે હાજર છું. ત્યારે સ્વામીનો પુત્ર બોલ્યો, લોકકલ્યાણ અને દ્રઢ ઇચ્છાશક્તિનો પાઠ ભણાવનારાની હું હત્યા કેવી રીતે કરી શકું? બરબાદ થઈ ગયેલી અને ગુમાવી ચૂકેલી શક્તિ કે વસ્તુ અંગે ચિંતા કરવાના બદલે નવા રસ્તે ચાલશો તો તમને જોવા મળશે કે એક નવી સવાર તમારી રાહ જોઈ રહી છે.
સંતોષ, સહાનુભૂતિ, સંયમ અને સદાચારને જાળવો
કોઈ પણ વસ્તુનો અભાવ કોઈને પણ પસંદ આવતો નથી. વસ્તુ પાસે ન હોય, સ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે અભાવની ભાવના જન્મે એ તો સમજાય, પરંતુ મનપસંદ વસ્તુ મળી જાય તોપણ જીવનમાં અભાવ,અસંતોષ જળવાઈ રહે તો અહીંથી જ ખતરો શરૂ થાય છે. આજે લોકો આવી ખતરનાક સ્થિતિમાં જ જીવી રહ્યા છે. જે લોકો એમ માને છે કે સંપન્નતાના સાધનોથી જ પ્રસન્નતા આવશે અને પ્રગતિ થશે, તો તેઓ ભૂલી જાય છે કે ફક્ત તેનાથી જ કંઈ થતું નથી. આ બહારના સાધનોની સાથે જ અંદરની મનોવૃત્તિ પર પણ કામ કરતાં રહેવું જોઈએ.
આપણી મનોવૃત્તિમાં જો સંતોષ, સહાનુભૂતિ, સંયમ અને સદાચાર નહીં હોય તો બહારથી બધું જ મળી જવા છતાં પણ અભાવનો ભાવ યથાવત્ રહેશે, જે અશાંતિનું કારણ બનશે. એ જરૂરી નથી કે જેમની પાસે બધું જ છે તેમની પાસે શાંતિ પણ હોય. ભૌતિકતા અને અઘ્યાત્મિકતાનો સંઘર્ષ અહીંથી જ ચાલુ થાય છે. ભૌતિકતા કહે છે કે પદાર્થ જ પ્રમાણ છે, ભૌતિકતાવાદી વલણ જાળવી રાખો, ભાવનાઓ તો એક ભ્રમ છે.
અઘ્યાત્મિકતાનો આગ્રહ છે કે પદાર્થ ગૌણ છે, લાગણીઓને મેળવો, આ ખેંચતાણમાં જ માણસ ફસાઈ જાય છે પછી કેવી રીતે આ લડાઈ જીતી શકે? ગુરુનાનક કહે છે કે હે પ્રભુ, તને જેવું પણ ગમતું હોય તેમ અમને રાખ, તારી મરજી. આ જે બે શબ્દો છે‘તારી મરજી’ તે આપણા પુરુષાર્થને પવિત્ર અને પ્રભાવશાળી બનાવી દેશે. આપણે કર્મ તો પૂરું કરી લઈશું, પરંતુ ફળની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ આપણને શાંતિ નહીં આપે. વ્યાવસાયિક જીવનમાં જે પણ કમાઈએ, પરંતુ અઘ્યાત્મિક જીવનમાં આ આવકને ભૂલવી ન જોઈએ જેને નાનકે‘નામુ અધારુ’જણાવી છે. નામની કમાણી બધા જ અભાવ દૂર કરી દે છે.
ઇચ્છાઓ કાબૂમાં રાખો, અહંકારથી બચી જવાશે
જ્ઞાનનો ખતરો અહંકાર અને ભક્તિનો ખતરો આળસ છે.કેટલાક લોકો અહંકારમાંથી મુક્તિ મેળવવા માટે વિનમ્રતાને અપનાવી લેતા હોય છે. મનુષ્યની અંદર જે ‘હું’ નો ભાવ હોય છે, અહંકાર તેને જ પોષે છે. કેમ કે ‘હું’ એ અંદરનો મામલો છે, આથી બહારથી ઓઢી લેવાયેલી વિનમ્રતા અંદરના ‘હું’ ને અલગ રીતે મજબૂતી આપતી હોય છે. ‘હું’ પણું વ્યક્તિને વિનાશના માર્ગે ધકેલે છે.
કુલ મળીને વિનમ્રતા અહંકારનું ચમકતું આવરણ બની જાય છે. વિનમ્રતા અહંકારનું ઘરેણું બની જાય છે. તો પછી અહંકારનો નાશ કેવી રીતે થાય? કેમ કે વિનમ્રતા તેને વધુ સૂક્ષ્મ બનાવી દેતી હોય છે. અહંકારને મિટાવવાની કોઈ સીધી રીત નથી. તેને મિટાવવા માટે આપણે આપણા રોજના જીવનમાં ઘટતી તે સ્થિતિઓ પર ઘ્યાન આપવું જોઇએ જે અહંકારનું કારણ બનતી હોય છે.
અધિકારને જ લઈએ તો અધિકારમાં કર્તવ્યબોધ જેટલો વધુ હોય, અહંકારની સંભાવના તેટલી જ ઓછી થતી જાય છે. આથી વિનમ્રતામાં સંવેદનશીલતાને જાળવી રાખવી જોઈએ. લાગણીઓ અહંકારને ઘટાડવામાં મદદ કરશે. બિનજરૂરી અને વધુ પ્રમાણમાં નાણાંનો ખર્ચ કરવો પણ અહંકારને જન્મ આપે છે. અંગત જરૂરિયાતોને પૂરી કર્યા બાદ અભાવનો અનુભવ કરતા લોકો માટે ઉદારતા દાખવવાથી અહંકાર ઘટે છે.
કુલ મળીને જે સ્થિતિઓથી અહંકારનું નિર્માણ થતું હોય તેને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. તેને જાણવાથી પણ અહંકાર દૂર થાય છે. જીવનમાં સંયમ જાળવી રાખવો અત્યંત જરૂરી છે. જો ઇચ્છાઓ પર કાબૂ રાખવામાં આવે તોપણ અહંકારથી બચી શકાય છે. આ બધાની સાથે જ એક સીધો અને સરળ રસ્તો એ છે કે થોડું સ્મિત રેલાવો…
– પં. વિજયશંકર મહેતા
ખામીઓ દૂર કરીને જીવન વધુ સારું બનાવો
એક મજૂર હતો, એનું નામ અવતાર હતું, તે તદ્દન એકલો હતો. પત્ની, બાળકો, કુટુંબીજનો ન હતાં. જરૂર પડે ત્યારે મજૂરી કરી લેતો. એક વખત જેઠ મહિનાની ગરમીમાં તેની પાસે ખાવાનું કશું જ ન હતું ત્યારે મજૂરી શોધવા માટે નીકળી પડ્યો. ત્યાં જ એક ઘોડાગાડી તેની પાસે આવીને ઊભી રહી અને તેમાંથી એક વ્યક્તિ નીચે ઊતરી. અવતાર દોડીને તેની પાસે પહોંચ્યો અને તેને પૂછવા લાગ્યો કે સાહેબ, મજૂર જોઈએ છે? તે બોલ્યા, મારે મહાવીર ટેકરી સુધી જવું છે,મારી સાથે આવીશ? અવતાર તૈયાર થઈ ગયો. મહાશયની પથારી અને પેટી માથા પર મૂકીને તે તેમની પાછળ-પાછળ ચાલતો થઈ ગયો. ગરીબીના કારણે તેના પગમાં જોડાં પણ ન હતાં.
તાપથી બચવા માટે તે ક્યારેક કોઈ ઝાડની નીચે થોડા સમય માટે રોકાઈ જતો. પગ બળવાનો કારણે તે મનમાં ને મનમાં ગુસ્સે ભરાયો અને પછી બોલી ઊઠયો, મહાશય, ઈશ્વર પણ કેવો અન્યાયી છે? અમારા જેવા ગરીબોને જોડા પહેરવા જેટલા પૈસા પણ નથી આપ્યા. થોડા આગળ વઘ્યા જ હતા કે ત્યાં તેને એક વ્યક્તિ દેખાઈ, જેના પગ ન હતા. આ જોઈને મહાશય બોલ્યો, તારી પાસે તો જોડા જ નથી, પરંતુ આની પાસે તો પગ જ નથી.
તારે જોડા પહેરવા છે તો વધુ મહેનત કર. હિંમત હારીને ભગવાનને દોષી ઠેરવવાની જરૂર નથી. ભગવાને રોકડા પૈસા તો આજ સુધી કોઈને પણ આપ્યા નથી, પરંતુ તક તો બધાને સરખી જ આપી છે. એટલે કે પોતાની ખામીઓ પર દુ:ખ વ્યકત કરવાથી કંઈ મળતું નથી. પોતાની ખામીઓને દૂર કરીને પોતાની યોગ્યતા અને મહેનતને વધારીને સારું જીવન મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.
સંસ્કારોનું મેનેજમેન્ટ વ્યક્તિત્વ ઘડે છે
વ્યાવસાયિક લક્ષ્યોને પૂરાં કરવા માટે જેટલું મહત્ત્વ આપણા શિક્ષણ અને આપણી યોગ્યતાનું હોય છે, એક સમય પછી તેટલું જ સંસ્કારોનું પણ થઇ જાય છે. આજની પેઢીના મોટા ભાગના લોકો કયાં તો સંસ્કારોને જાણતા નથી કે પછી તેને એટલું મહત્ત્વ આપતા નથી.
જીવનમાં સંસ્કારોની કેટલી જરૂર છે તેના પર થોડી અઘ્યાત્મની દ્દષ્ટિથી નજર નાખીએ. મન,બુદ્ધિ, ચિત્ત અને અંત:કરણ પર સારા અને ખરાબ કર્મોનો સીધો પ્રભાવ પડે છે. તેના થકી જ સારા અને ખરાબ સંસ્કારોનું નિર્માણ થાય છે. સાત્ત્વિક પ્રકતિ સારા સંસ્કારોથી જન્મે છે. સાત્ત્વિક પ્રકતિવાળા લોકો જીવનને ઉપરથી નથી લેતા, પરંતુ તેના અંદર ઊડે ઉતરતા હોય છે. જૈન ધર્મે આવા વ્યક્તિત્વને ભાવલિંગ કહ્યું છે.
મહાવીરસ્વામીનું વચન છે કે જે શરીર મમતા વગરનું છે, માન વગેરે કષાયોથી સંપૂર્ણ રીતે મુકત છે તથા જે પોતાના આત્મામાં લીન છે તે જ સાધુ ભાવલિંગી છે. તેનો અર્થ એ છે કે વેશપલટાથી કોઈ સાધુ બની જતું નથી, અંદરથી પણ પરિવર્તન આણવું પડે છે. વ્યક્તિ દેહમાં રહીને પણ દેહનો ન થઈ જાય, વાત સાધારણ છે, પરંતુ ઊડાણમાં ઉતરવા માટે સહાયક છે. તેના માટે સાત્ત્વિક વૃત્તિ જ કામમાં આવશે.
આથી આપણી ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારોની વ્યવસ્થા છે. આ સોળ સંસ્કાર સમગ્ર વ્યક્તિત્વને બહારથી અને અંદરથી બનાવે છે. જેના હાથોમાં નેતૃત્વ હોય, સત્તા હોય,તે પછી પરિવારની હોય કે સમાજની કે રાષ્ટ્રની, ત્યાં સંસ્કારોનું મેનેજમેન્ટ જ કામ લાગશે. ઊડા ઉતરવાની સાથે જ સફળતા પ્રત્યેનો દ્દષ્ટિકોણ બદલાઈ જશે, આ વાત સમજાઈ જશે કે જે છે તે હંમેશાં રહેશે અને જે નથી તેને લાખ બચાવો તો પણ કંઈ નહીં બચે. – પં. વિજયશંકર મહેતા
બીજા માટે કરેલાં કામોથી જ થતું ખુદનું શ્રેય
કર્ણાટકના એક જમીનદાર પરિવારમાં જન્મેલા શ્રીધર રાવ બાળપણથી જ અત્યંત લાગણીશીલ વ્યક્તિ હતા. કુષ્ઠ રોગીઓને જોઈને તેમને ઘણું દુ:ખ થતું હતું. કુષ્ઠ રોગીઓ માટે તેમણે પોતાના ઘરની પાસે જ કેટલાંક ઝૂંપડાં બનાવ્યા અને જે અસહાય કુષ્ઠ રોગી દેખાતો તેને પોતાને ત્યાં લાવીને સેવા કરવા લાગ્યા, પરંતુ તેનાથી સંતોષ ના મળતાં તો તેઓ ૨૬વર્ષની ઉમરમાં જ ઋષિકેશ આવી ગયા અને સ્વામી શિવાનંદની સાથે રહીને કુષ્ઠ રોગીઓની સેવા કરવા લાગ્યા.
એક દિવસ ગંગાકિનારે તેમણે એવા કુષ્ઠ રોગીને જોયો જેનું આખું શરીર ઓગળી ગયું હતું.તેને આશ્રમમાં લઈ આવ્યા અને તેની સેવા કરવા લાગ્યા. તે રોગી થોડા દિવસમાં જ સાજો થઈ ગયો અને પછી શ્રીધરનો નિયમ બની ગયો કે સડક પર રખડતા કુષ્ઠ રોગીઓને આશ્રમમાં લાવવા અને તેમની સેવા કરવી. શ્રીધર રાવ સ્વામી ચિદાનંદના નામથી ઓળખાવા લાગ્યા.
ધીમે ધીમે તેઓ હરિજન અને અસ્પૃશ્યતા નિવારણમાં લાગી ગયા. એક વખત એક મોચી જેનો ધંધો પ્લાસ્ટિકનાં ચપ્પલોના કારણે બંધ જેવો થઈ ગયો હતો, દુ:ખી થઈને એક અરજી સાથે આશ્રમમાં આવ્યો. તેની અરજી વાંચીને તેઓ જાતે જ તેની ઝૂંપડીમાં પહોંરયા અને તેને મીઠાઈ તથા પૈસાનું એક કવર આપીને જણાવ્યું કે પ્લાસ્ટિકના ચલણના કારણે તમારો ધંધો મંદ થવાની વાત જાણી.
ચિંતા જેવી કોઈ વાત નથી. આજ પછી હું ફકત તમારી બનાવેલી ચપ્પલ જ પહેરીશ. સ્વામીજીની મદદથી તે મોચીનો ધંધો ચાલી નીકળ્યો. વાત એ છે કે સંસારમાં મુકિત નામની કોઈ ચીજ હોતી નથી. તે તો બીજાની મુકિત માટે કરેલાં કામોમાંથી જ પ્રાપ્ત થાય છે.
ભગવાન દેખાય નહીં પણ હાજર જરૂર હોય છે
મહાભારતના યુદ્ધમાં શકુનિ હંમેશાં કહેતો હતો કે યુદ્ધના મેદાનથી કૃષ્ણને દૂર રાખવામાં આવે. દુર્યોધન પૂછતો રહેતો હતો કે આવું શા માટે? અંતે કૃષ્ણ શું કરશે, તેઓ તો શસ્ત્ર ન ઉઠાવવાનો સંકલ્પ લઈ ચૂકયા છે, પછી તેમની ભૂમિકા શું રહેશે? શકુનિના વિચારમાં કૃષ્ણની હાજરીની ચિંતા આપણને ઊડો આઘ્યાત્મિક અર્થ આપી જાય છે. અઘ્યાત્મએ આને ‘અજ્ઞાતની હાજરી’ જણાવી છે. વિજ્ઞાન આવી સ્થિતિને કેટેલિસ્ટ (ઉદ્દીપક) કહે છે.
વિજ્ઞાન પોતાના શોધ-સંશોધનમાં એ જાહેરાત કરતું હોય છે કે કેટલીક વસ્તુઓના નિર્માણમાં કેટેલિસ્ટની હાજરી જરૂર હોય છે. તેને પાણીના ઉદાહરણથી સમજી શકાય છે. વિજ્ઞાનની ભાષામાં તેનું નિર્માણ ઓક્સિજન અને હાઇડ્રોજનના મિશ્રણથી થયું છે, પરંતુ ફકત ઓક્સિજન અને હાઇડ્રોજનને મિલાવી દેવામાં આવે તો પાણી બનતું નથી, તેમાં વીજળીની પણ ભૂમિકા હોય છે.
આપણે વિજ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું પણ છે કે વાદળો ટકરાય છે, વીજળી ચમકે છે અને પાણી વરસે છે. જો વીજળી ન હોય તો વાદળો પાણીનું નિર્માણ કરી શકતા નથી, પરંતુ જયારે પાણીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે તો તેના નિર્માણમાં વીજળી જોવા નહીં મળે, ફકત ઓક્સિજન, હાઇડ્રોજન જ હાથમાં આવે છે.
સવાલ એ છે કે વીજળીએ એવું તો શું કર્યું? તેની ભૂમિકા શું છે? તે નિર્માણકર્તા નથી, આમ છતાં તેની હાજરી છે. અહીંથી જ તેનો જવાબ મળે છે. અંતે આપણા જીવનમાં પણ ભગવાનની કઈ ભૂમિકા હોય છે. પાણીના નિર્માણમાં વીજળીની હાજરી માત્ર જ પરિણામકારી છે, આવી જ રીતે આપણા જીવનમાં ભગવાનની હાજરીનું હોય છે. એક કેટેલિટિક એજન્ટની જેમ પરમાત્મા પોતાનું કામ કરે છે. શકુનિએ કૃષ્ણને લઈને પણ કંઈક આવો જ સંકેત આપ્યો હતો. – પં. વિજયશંકર મહેતા
ઉપરવાળાએ આપેલી યોગ્યતાનો દુરુપયોગ ન કરો
ભક્તોનું માનવું છે કે જ્યારે કોઈ વાત કે ઘટના માનવીની પહોંચની બહાર થઈ જાય ત્યારે ભગવાનની સીમા શરૂ થાય છે. આ જ આસ્થા ભગવાનના ચમત્કારી રૂપને જન્મ આપે છે. ઇસ્લામમાં પણ પયગમ્બરોના ચમત્કારને ઘણું મહત્વ અપાયું છે. બાયજીદ નામના ફકીરની જિંદગીમાં ચમત્કાર થતાં રહેતા હતા. તે દરેક ચમત્કાર પરવરદિગાર પાસે પ્રમાણિત કરાવતો હતો કારણ કે તેનું માનવું હતું કે શેતાન પણ ચમત્કાર દેખાડીને ફકીરોને ગુમરાહ કરે છે.
સૂફી-સંતોની અંદર આવેલો અહંકાર શેતાનનું જ આ કામ હોય છે. તે એક વૃદ્ધાને પોતાના ગુરુ કહેતા હતા. બન્યું એમ કે જંગલમાં એક વાર તેની સામે વૃદ્ધાએ આવીને કહ્યું, મારા માથા પર રહેલી લોટની થેલી મારા ઘર સુધી પહોંચાડી દે. બાયજીદે આમતેમ જોયું અને સિંહને હુકમ કર્યો કે પોતાની પીઠ પર વૃદ્ધાની થેલી મૂકીને ઘરે પહોંચાડી દે.
સિંહે તેમ કરી પણ દીધું. બાયજીદે કામ અચંબાવાળું કર્યું હતું. પોતાની આ કરામત પર બાયજીદે વૃદ્ધાની પ્રતિક્રિયા જાણવાની ઇચ્છા વ્યક્ત કરી. વૃદ્ધાએ જવાબ આપ્યો, આજે જંગલમાં એક એવો સ્વાર્થી માણસ મળ્યો જેણે સિંહને કારણ વગર તકલીફ આપી અને માત્ર એ દેખાડવા કે સિંહ પણ મારા વશમાં છે.
શું ખુદા ક્યારેય આવા લોકોના વશમાં થશે? આવી સ્વાર્થી ઇબાદતમાં સ્વાર્થ છે. બાયજીદ સમજી ગયો કે ભૂલ કયાં થઈ. આપણે પણ સમજી લઈએ. પોતાની યોગ્યતાનો દુરુપયોગ કરવો એ ખુદાનું અપમાન કરવા બરાબર છે. પોતાની કાબેલિયતને ઉપરવાળાની મહેરબાની સમજવી અને તેની પાસેથી જ તેને પ્રમાણિત કરાવવી.
– વિજયશંકર મહેતા
આળસ રોકીશું તો આપોઆપ સમૃદ્ધિ મળશે
યુનાનમાં પેરિક્લીઝ નામનો એક રાજા રહેતો હતો. સુકરાત અને પ્લેટો જેવા ફિલોસોફર, સોફોકલીઝ અને યુરિપડીઝ જેવા નાટકકાર, હિરોડોટ્સ જેવા ઇતિહાસકાર પેરિકલીઝના શાસનકાળમાં થયા હતા. આ રાજાએ યુનાનને જ નહીં પરંતુ આજુબાજુના કેટલાય દેશોને શક્તિશાળી બનાવ્યા હતા. તે બાળપણથી જ પુરુષાર્થી હતો.
તે જ્યારે સિંહાસન પર બેઠો ત્યારે પોતાના ગુરુ અનાકઝ ગોરસ પાસે આશીર્વાદ લેવા ગયો. ગુરુએ પૂછ્યું, તું મારા આશીર્વાદ શા માટે લેવા માગે છે? પેરિકલીઝે જણાવ્યું કે ગુરુદેવ, હું યુનાનને એક મહાન દેશ બનાવવા માગું છું. એવો દેશ જેને જોઈને દુનિયા મોંઢામાં આંગળા નાખી દે. ગુરુ બોલ્યા, આમ થવું અશક્ય તો નથી પરંતુ થોડું કપરું જરૂર છે.
પેરિકલીઝ બોલ્યો, તેના માટે હું પ્રાણ ન્યોછાવર કરવા પણ તૈયાર છું. ગુરુ બોલ્યા, ફકત પુરુષાર્થની જરૂર છે. પેરિકલીઝે જવાબ આપ્યો કે શું તમે તમારા શિષ્યને આળસુ સમજો છો? તો ગુરુ બોલ્યા કે દેશને મહાન બનાવવા માટે સરહદની સુરક્ષા મહત્વની હોય છે.તેને માટે શક્તિ, દ્રઢનિશ્ચય અને નાગરિકભાવના હોવી આવશ્યક છે તથા પ્રજાનું તંદુરસ્ત હોવું પણ તેટલું જ જરૂરી છે.
પ્રજા પોતાના પરસેવાનું પાણી ત્યારે જ કરી શકે છે જ્યારે તે આળસુ ના હોય. આથી સૌથી પહેલા પોતાની પ્રજાની આળસ દૂર કરો. પેરિક્લીઝે ગુરુના આદેશનું પાલન કર્યું અને પછી તેનો દેશ પ્રગતિના પથ પર આગળ વધતો રહ્યો. પુરુષાર્થ આળસનો દુશ્મન છે. પુરુષાર્થ કરતા રહેવાના અભિપ્રાયનો અર્થ એ છે કે આળસને રોકવી, માનસિક અને શારીરિક બુરાઈઓને રોકવી અને જ્યારે તેમને રોકવામાં સફળતા મળે તો શાંતિ અને સમૃદ્ધિ આપમેળે જ આપણી પાસે દોડી આવે છે.
પરમશક્તિ પર વિશ્વાસ મૂકીને પ્રાર્થના કરો
કોઈ વ્યક્તિ જ્યારે સફળતાનાં શિખરો સર કરે છે ત્યારે તેના પાછળ તેની સખત મહેનત અને તેનામાં રહેલી યોગ્યતાનો મહત્વનો ફાળો હોય છે. પરંતુ ફક્ત આ બે વાતો જ તેને સફળતા અપાવશે તેવો વિચાર જ તેને લાગણીહીન બનાવી દે છે. જેઓ થોડા લાગણીશીલ થવા માંગતા હોય તેમણે ભાગ્ય અને પરમસત્તાને પણ માન આપવું જોઈએ.
આપણી હદ બાદ ‘તેની’ હદ ચાલુ થઈ જાય છે. મુસ્લિમ ફકીર જણાવે છે કે પ્રાર્થના અને જાદુનો મિલાપ અસંભવ છે. અબુ હફસ હદાદ નામના એક ફકીર થઈ ગયા. તેઓ એક દાસીને પ્રેમ કરતા હતા અને તેને મેળવવા માગતા હતા. એક વખત તેઓ એક જાદુગર પાસે ગયા અને કોઈ જાદુઈ ચમત્કાર માટે અરજ કરી.
જાદુગરે પણ એક વિચિત્ર શરત મૂકી. જાદુગર બોલ્યો,તમે જે પણ પ્રાર્થના અત્યાર સુધી કરતા રહ્યા છો તેને ચાલીસ દિવસ માટે છોડીને મારી પાસે આવજો. ફકીરે ચાલીસ દિવસ સુધી પ્રાર્થના કરી નહીં પરંતુ જયારે જાદુગરે જાદુ કર્યો તો તેની કોઈ અસર થઈ નહીં. જાદુગર બોલ્યો, તમે આટલા દિવસોમાં કોઈ તો નેક કામ કર્યું જ હશે, જેના પરિણામે જાદુની અસર નથી થઈ રહી.
અબુ બોલ્યા, મેં પ્રાર્થના તો નથી કરી પરંતુ આવતા-જતા લોકોના રસ્તામાંથી કાંકરા-પથરા હટાવતો રહેતો હતો. આ સાંભળીને જાદુગર બોલ્યો, તો પછી વિચાર કરો, તમે બંદગી છોડી દીધી પરંતુ એક જરા અમથું નેક કામ કર્યું તેના પરિણામે મારો જાદુ પણ અસર નથી કરી રહ્યો. આથી જો વિશ્વાસ મૂકવો જ હોય તો તે પરમશક્તિ પર વિશ્વાસ મૂકો, ફક્ત શરીર માટે આટલી આતુરતા શા માટે? જો મેળવવું છે તો સાચા હૃદયથી તે પરવરદિગારની ઇબાદત કરીને તેને મેળવી લો. ઉપરવાળો લેણ-દેણમાં નેક છે, આપણે પણ હિસાબ-કિતાબમાં ગોટાળા મારવાનું બંધ કરી દઈએ. -પં. વિજયશંકર મહેતા
નાણાંને શ્રમ અને સમયની સાથે જોડી રાખો
વર્તમાન સમય નાણાં કમાવાની હરીફાઈ અને દોડનો છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર કે ગુરુએ તેના માટે ના નથી પાડી. હિન્દુઓના અવતારોએ તો સંપત્તિના સદુપયોગને પોતાના આચરણથી ઘણો સારી રીતે બતાવ્યો છે. બુદ્ધ અને મહાવીરે તો પોતાની અતિસંપત્તિ જોઈને સર્વસ્વ ત્યજી દીધું હતું. ઈસુ ખ્રિસ્તે પણ દરેક પ્રકારની ગરીબાઈનો વિરોધ કર્યો હતો.
પયગંબર મોહમ્મદ સાહેબે પણ વેપારના બધા જ કાયદાઓ અંગે સ્પષ્ટ વિચારો વ્યકત કર્યા છે. કુલ મળીને જોઈએ તો નાણાંને લઈને બધાએ એક વાત નક્કી કહી છે કે તેની ત્રણ ગતિ છે- દાન, ભોગ અને નાશ. પહેલા ભોગને સમજીએ. એક સામાન્ય માન્યતા છે કે જેણે વધુ મહેનત કરવી પડે છે તે કયાં તો મજૂર, નબળા વર્ગનો છે કે કમનસીબ છે. આથી જ કેટલાક લોકો નાણાંનો ઉપયોગ ઓછો શારીરિક શ્રમ કરવો પડે તે હેતુથી પણ કરતા હોય છે.
અહીંથી જ આળસ અને નાણાંના વેડફાવાની શરૂઆત થાય છે, તથા નાણાં અને તંદુરસ્તી બંનેનો નાશ થાય છે. ભોગ નાણાંના નાશની શરૂઆત છે. બીમારી પાછળ થતો ખર્ચ, ચોરી, નુકસાનમાં ગયેલાં નાણાં નાશની શ્રેણીમાં આવે છે. અઘ્યાત્મ કહે છે કે નાણાં તમને બહાર ટકવા માટે લાલચ આપે છે અને આપણે પોતાની અંદર ઉતર્યા વગર જ સંપૂર્ણ જીવનનો નાશ કરી દઈએ છીએ.
ઉમરના કોઈ પડાવે જ્યારે વ્યક્તિ પાસે જરૂરી નાણાં એકઠાં થઈ જાય છે ત્યારે તે પોતાના સમયના ઉપયોગને લઈને પણ માર્ગ ભૂલી જાય છે. જરૂરી સંપત્તિ હોય, પરંતુ સમયનો સદુપયોગ કરવામાં ન આવે તો બીમાર થઈ જશો કે પરેશાનીમાં ડૂબી જશો. આથી નાણાંને એક એવા શ્રમ અને એટલા સમય સાથે જોડી રાખો કે જે બહારના જીવનમાં સમાજ, દેશ માટે ઉપયોગમાં આવે અને પોતાના જીવનમાં સ્વાઘ્યાયને ઘટાડી ન દે.
આપણી અંદર સાચી તરસ હોવી જરૂરી છે
એક ઉત્સાહિત યુવાનની એક મહત્વાકાંક્ષા હતી કે પ્રાચીન ઋષિઓની પેઠે તે પણ એક નવું ઉપનિષદ લખે. તેણે સૃષ્ટિકર્તા બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થતાં એણે કહ્યું કે મારી ઇચ્છા છે કે હું એક નવું જ ઉપનિષદ લખું’ તો મારે શું કરવું જોઈએ?’ ‘હાલ તો બધાં ઉપનિષદો છે તેનો અભ્યાસ કર.’ બ્રહ્માજીએ કહ્યું, ‘પણ પ્રભુ, હું તે વાંચીશ તો મને નવા વિચારો સ્ફૂરશે જ નહીં. ’
‘તો પછી હમણાં તું ગૃહસ્થાશ્રમમાં રહે. સંસારી જીવનને તું સમજીશ એટલે તને નવા વિચારો સ્ફૂરશે.’ પણ પ્રભુ, એવું થાય તો હું સંસારની જાળમાં ફસાઈ જાઉ, અને મારું લખવાનું બાજુ પર રહી જાય. ‘વત્સ, ત્યારે તો મને લાગે છે કે ઉપનિષદ લખવું એ તારા ગજા બહારની વાત લાગે છે. તું લખવાનું માંડી વાળ.’ પણ યુવાનને તેથી કોઈ સંતોષ ન થયો. એટલામાં એક ભીલ ત્યાં આવ્યો. તેણે યુવાન પાસે પાણી માગ્યું યુવાનનું કમંડળ ખાલી હતું. તેણે ભીલને કહ્યું ‘જરા થોભ, હું તળાવમાંથી હમણાં જ પાણી લઈ આવું.’ ‘ના મહારાજ, તળાવના પાણીથી મારી તરસ નહીં છીપે.’
ઠીક છે, હું હમણાં જ નદીનું પાણી લઈ આવું.? ‘ના પણ તમે નદીએ જાઓ અને ત્યાંથી પાછા ન ફરો તો?’ યુવાનને સમજાયું નહીં કે ભીલ આખરે શું કહેવા માગે છે. તે વિચારતો જ રહ્યો ને ભીલ અદ્રશ્ય થઈ ગયો. યુવાન આશ્ચર્ય પામ્યો, તે મનમાં ગણગણ્યો, ‘ભીલના રૂપમાં બ્રહ્માજી તો આવીને મને સમજાવી ગયા કે શું? ઘણીવાર આપણે પેલા યુવાનની જેમ મોટી મોટી વાતો કરીએ છીએ પણ તેનો અમલ નથી કરતા. જરૂર છે અંદરની સાચી તરસની કે જે આપણને ક્રિયાશીલ બનાવે.
સકારાત્મક વલણ સફળતા અપાવે છે
સામેવાળા પર અનુકૂળ પ્રભાવ પાડવો પણ એક કળા છે. તમારી બોલવા-ચાલવાની રીત, હાવભાવનું પ્રદર્શન, વિચારવાની-સમજવાની શૈલી જો સામેવાળાને અનુકૂળ વાતાવરણ આપશે તો મેનેજમેન્ટના નિષ્ણાતો તેને પોતાની ભાષામાં પોઝિટિવ સ્ટ્રોક્સ કહે છે, નહીંતર નેગેટિવ સ્ટ્રોક્સનું નુકસાન જોવા મળે છે.
હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા, તો સ્થિતિ પ્રતિકૂળ હતી. રાક્ષસોનો તે કિલ્લો અભેધ હતો,વધારામાં માયાનગરી. હનુમાનજી જ્યારે પ્રથમ વખત વિભીષણને મળ્યા તો તેમના મનમાં એ વિચાર આવ્યો કે વિભીષણનું મકાન લાગે છે તો સજજન જેવું પરંતુ લંકામાં કોઈના પર વિશ્વાસ મુકાય નહીં. રામાયણમાં લખ્યું છે કે જ્યારે વિભીષણ જાગ્યા તો હનુમાનજીએ બ્રાહ્મણનું સ્વરૂપ ધરીને તેમની સાથે વાતો કરી. આને પોઝિટિવ સ્ટ્રોક્સ કહે છે.
પ્રથમ વખત વિભીષણ સાથે મુલાકાત થઈ રહી હતી. તેમણે વિચાર કર્યો કે આ વ્યક્તિને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને મળવું જોઈએ, કેમ કે સામાન્ય રીતે બ્રાહ્મણને સન્માન આપવામાં આવે છે. બ્રાહ્મણના સ્વરૂપમાં હનુમાનજીના હાવભાવ, તેમની બોલચાલની રીત અને પોતાની વાતને રજૂ કરવાની પદ્ધતિ એટલી અસરકારક હતી કે વિભીષણ રાવણનો વિરોધ કરવા તૈયાર થઈ ગયા.
આ રીતે હનુમાનજીએ રાવણનું એક મોટું નુકસાન એ રીતે કર્યું કે વિભીષણના મનમાં ભગવાનનો પ્રભાવ અને સ્વભાવ બંને સ્થાપિત કરી દીધા. રાવણના દરબારમાં પણ રાવણ સાથે જે રીતે હનુમાનજીએ એવી ચર્ચા કરી જે પ્રભાવશાળી પ્રસ્તુતિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. જો તમે તમારા વ્યક્તિત્વમાં પણ પ્રભાવશાળી પ્રસ્તુતિકરણનો પ્રયોગ કરવા માગતા હો તો સૌપ્રથમ થોડું સ્મિત રેલાવો.
વિશાળ હૃદય જીવન છે અને નાનું મન મૃત્યુ
એક મહિલા નિ:સંતાન હોઈ બહુ દુ:ખી રહેતી હતી. જેણે પણ જે ઇલાજ બતાવ્યો તેણે કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કોઈએ તેને સંત ચિદમ્બરમનું સરનામું આપ્યું અને જણાવ્યું કે જે માગીશ તે મળશે. સંત ચિદમ્બરમ મોટા સંત હતા. તે મહિલા તેમની પાસે પહોંચી. ત્યાં ભક્તોની ભીડ એકઠી થયેલી હતી. સંતે તે મહિલાને મુઠ્ઠી ભરીને ચણા આપ્યા અને જણાવ્યું કે સામેના ઝાડ નીચે બેસીને શાંતિથી ચણા ખા.
હું થોડી વાર પછી તને બોલાવું છે. તે મહિલા ઝાડ નીચે બેસીને ચણા ખાવા લાગી. ત્યાં નજીકમાં જ કેટલાંક નાના બાળકો રમી રહ્યાં હતાં. તે મહિલાને કંઈક ખાતાં જોઈને બાળકો તેની પાસે આવીને ઊભા રહી ગયાં અને બોલ્યાં અમારે પણ ખાવું છે. થોડા ચણા આપોને ! આ સાંભળીને તે ગુસ્સે ભરાઈ અને બોલી જાવ કંઈ નહીં આપું. ભાગો અહીંથી.
બધા બાળકો ભાગી ગયા, પરંતુ એક નાનો છોકરો જિદ કરીને ઊભો રહી ગયો અને બોલ્યો, એકલા એકલા કેમ ખાય છે? મને પણ ખવડાયને. મહિલાએ તેને જોરથી ધમકાવ્યો. તે ડરીને ભાગી ગયો. જ્યારે તેના ચણા ખલાસ થઈ ગયા તો સંતે મહિલાને તેના આવવાનું કારણ પૂછ્યું. તેણે સંતાનની ઇચ્છા વ્યક્ત કરી.
સંત બોલ્યા, બાળકો તો તેને જ અવતરે જેનું મન વિશાળ હોય અને પ્રેમ કરવાનું જાણતું હોય. તું એક મુઠ્ઠી જેટલા ચણા પણ બાળકો સાથે વહેંચીને ખાઈ શકી નહીં તો પછી ભગવાન તને બાળક કેવી રીતે આપશે ? જા પાછી જતી રહે. કથાનો સાર એ છે કે વિશાળ હદય જ જીવન છે અને નાનું મન મૃત્યુ. જે બધાને પ્રેમ કરે છે તે જ જીવે છે અને મેળવે પણ છે. સ્વાર્થી માણસ મરેલા જેવો હોય છે કેમ કે છેવટે તેને ઉપેક્ષા જ મળે છે.
સ્વાર્થ ત્યજી સમર્પણની ભાવના રાખો
ચિત્રકુટમાં શ્રીરામ અને ભરતનું મિલન થયું અને ભરતે શ્રીરામને અરજ કરી કે તેઓ વનવાસ છોડીને અયોઘ્યા પાછા ફરે અને રાજતિલક સ્વીકારે. ચિત્રકુટમાં શ્રીરામે ભરતને પિતાને આપેલાં વચનો યાદ કરાવીને રાજપાઠ કરવાનો ઇનકાર કરી દીધો. ભરતને શાસન-વ્યવસ્થા સંભાળવા માટે ઉપદેશ આપતા શ્રીરામ જણાવે છે કે, તું મુનિ, માતા, મંત્રીઓની સજા માનીને પૃથ્વી, પ્રજા અને રાજધાનીનું રક્ષણ કરજે.
ભરતે શ્રીરામને વિનવણી કરી, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને તેનો પ્રસ્તાવ ફગાવી દીધો. ત્યારે ભરતે નિર્ણય લીધો કે તે રાજગાદી પર નહીં બેસે. શ્રીરામે તેમને પોતાની પાદુકાઓ આપી દીધી. પ્રભુ કરિ કપા પાંવરીં દિન્હીં. સાદર ભરત સીસં ધરિ લિન્હીં.
ભરતે બંને પાદુકાઓને રાજસત્તાના પ્રતીક ગણ્યા. ભરતે જયોતિષીઓને બોલાવીને સારું મુહૂર્ત શોધીને પ્રભુની ચરણ-પાદુકાઓની સિંહાસન પર સ્થાપના કરી. ભરતે પાદુકાઓને રાજાનું પ્રતીક ગણીને અવધની રાજગાદી પર સ્થાપના કરી અને પોતે રાજા તરીકે બેઠા નહીં. પોતાને અલગ રાખીને એવી ભૂમિકાનું નિર્માણ કર્યું, જેને કારણે તેમની નૈતિકતાથી પ્રભાવિત થઈને રાજ્યની જનતાએ રામરાજ્યની સ્થાપનામાં સહયોગ આપ્યો.
આ ઘટનામાં એક નાનકડો સંદેશ છુપાયેલો છે. કેટલીક વખત કોઈ વ્યવસ્થામાં એવી સ્થિતિ પેદા થતી હોય છે જેમાં ટોચની વ્યક્તિ કે કેન્દ્રીય પુરુષ ન હોય તો બધાં ભેગા મળીને તે વ્યવસ્થાને ચલાવે છે, પરંતુ આ માટે ભરત જેવી ત્યાગ-વૃત્તિ અને સમર્પણની ભાવના હોવી જોઈએ. તેનું નામ જ વ્યાવહારિક જીવનમાં ઈમાનદારી અને લગન છે. પં. વિજયશંકર મહેતા
સંત બનવા માટે સંયમ જરૂરી છે
ઇજિપ્તના પ્રખ્યાત સંત જુન્નુનની પાસે એક શિષ્ય દીક્ષા લેવા આવ્યો, પરંતુ ચાર વર્ષ તેમની સાથે રહીને પણ તે જણાવી શક્યો નહીં કે તે કેમ આવ્યો છે? એક દિવસ સંતે તેમને પૂછ્યું કે શું ઇચ્છો છો? ત્યારે યુસુફ હુસેન બોલ્યો, હું ધર્મની દીક્ષા લેવા માગું છું. સંત બોલ્યા, તે તો થઈ જશે, પહેલાં તારે એક ખોખું નાઈલ નદીના કિનારે મારા એક મિત્રને પહોંચાડવાનો છે. શરત એટલી છે કે રસ્તામાં તે ખોલવાનું નથી. યુસુફે મુસાફરી ચાલુ કરી.
કેટલાય દિવસ પસાર થઈ ગયા અને તેની ઉત્સુકતા પણ વધતી ગઈ અંતે ખોખામાં એવું તો શું હશે? પછી એક દિવસ તેણે ખોખું ખોલી લીધું. જેવું ખોખું ખોલ્યું, તેમાંથી એક ઉદર નીકળીને નાઠો. યુસુફ નક્કી કરેલા સ્થળે પહોંરયો, જ્યાં સંત જુન્નુનના મિત્રએ તે ખોખું ખોલ્યું. ખોખું ખાલી હતું.
તેણે યુસુફને જણાવ્યું કે સંત જુન્નનુ હવે તને દીક્ષા નહીં આપે. જ્યારે તું એક ઉદરને સંભાળી ના શક્યો તો પછી ધર્મ-જ્ઞાનને કેવી રીતે સંભાળીશ? યુસુફ પાછો ફર્યો તો સંત જુન્નુને તેને જણાવ્યું કે તું મને ગુરુ બનાવવા માંગે છે અને મારી આજ્ઞાનું પાલન પણ કરતો નથી. હું તને મારો શિષ્ય બનાવી શકતો નથી. જા મન પર કાબૂ મેળવ અને ગુરુની આજ્ઞાનું પાલન કરતાં શીખ. યુસુફ દુ:ખી થઈને પાછો ફર્યો, પરંતુ વર્ષો બાદ ફરી પાછો આવ્યો.
જુન્નુનને જ્યારે લાગ્યું તેણે આત્મા પર કાબૂ મેળવી લીધો છે તો તેમણે તેને દીક્ષા આપી. આગળ જતાં તે જાણીતો સંત બન્યો. સંયમ જાળવવાથી જ સંત બની શકાય છે એમ કથા જણાવે છે. ભાવના, ઇચ્છા વગેરે તમામ દ્રષ્ટિઓ પર નિયંત્રણ કરવાથી જ સંતભાવના જાગે છે અને વ્યક્તિ સામાન્યમાંથી વિશિષ્ટ બનીને સંપૂર્ણ સમાજ માટે આદર્શ બની જાય છે.
કપરા સમયમાં યોગ્યતા જ કામ લાગે છે
એક સુંદર હરણ તળાવમાં પાણી પીવા પહોંચ્યું. પાણીમાં પોતાનો પડછાયો જોઈને તે ખૂબ પ્રસન્ન થઈ ગયું અને કહેવા લાગ્યું,અરે, ભગવાને મારું આ શરીર કેટલું સુંદર બનાવ્યું છે. માથું તો જાણે કે બીબામાં ઢાળેલું હોય અને તેના પર લાંબા-લાંબા આ શિંગડાં કેટલા સુંદર દેખાઈ રહ્યાં છે. આવાં સુંદર અને મજબૂત શિંગડાં ભગવાને બીજા કયાં પશુને આપ્યાં છે
વળી! આટલું કહેતાં-કહેતાં હરણની નજર તેના પગ પર પડી. પગ જોઈને તે દુ:ખી થઈ ગયું અને બોલ્યું મારા પગ કેટલા પાતળા, સુકાયેલા અને વિચિત્ર છે. હે ભગવાન, મેં તારું શું બગાડયું હતું કે તેં મને કદરૂપા પગ આપીને મારી સુંદરતાને કુરૂપ બનાવી દીધી?
ત્યાં જ અચાનક તેને શિકારી કૂતરાઓનો અવાજ સંભળાયો. પોતાના કદરૂપા પગ જોઈને તે દુ:ખી થઈ રહ્યું હતું, તેની મદદથી જ તે એટલી ઝડપે ભાગ્યું કે શિકારી કૂતરાઓની પકડમાંથી આગળ નીકળી ગયું, પરંતુ તે સમયે હરણના લાંબા-લાંબા શિંગડાં એક ઝાડની ડાળીઓમાં ફસાઈ ગયા.
ઘણું જોર લગાવવા છતાં નીકળી શકયાં નહીં. એટલી વારમાં તો શિકારી કૂતરાં આવી પહોંરયા અને તેના પર તૂટી પડ્યા. હરણ મરતાં-મરતાં બોલ્યું કે મારા પગ જે લાંબા, પાતળા અને સુકાયેલા હતા તે જ મારા પ્રાણ બચાવી શકે તેમ હતા, સુંદર શિંગડાં મારા પ્રાણોની રક્ષા કરી શકયા નહીં. જો હું પહેલાં જ સમજી ગયું હોત કે વાસ્તવિકતામાં સુંદર તે વસ્તુ કહેવાય જે તમારા કામમાં આવે -તો આજે મારે જીવ ના ગુમાવવો પડત.
કથાનો સાર એ છે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મૂલ્યાંકન ચહેરાના આધારે નહીં, પરંતુ તેના સ્વભાવના આધારે કરવું જોઈએ. કપરા સમયમાં બહારની સુંદરતા નહીં, પરંતુ વ્યક્તિની યોગ્યતા જ કામમાં આવે છે.
તમારી જાગૃત અવસ્થા દુર્ગુણોથી બચાવે છે
યુદ્ધનો નિયમ છે કે દુશ્મનને જેટલો સમજી શકો તેટલો સમજી લેવો, સમજ્યા વગર હુમલો ન કરવો જોઈએ. સાથે જ દુશ્મન કરતાં પોતાના શસ્ત્રની સમજ વધારે રાખવી જોઈએ.
જીવનમાં સૌથી મોટો અને ખતરનાક હુમલો દુર્ગુણો કરે છે. તેની પાસે વાસના જેવાં સૂક્ષ્મ હથિયાર હોય છે અને બીજા કેટલાંક સ્વરૂપમાં પણ અસ્ત્ર-શસ્ત્ર હોય છે. મનુષ્ય પાસે આ હુમલાથી બચવા માટે એક જ હથિયાર છે અને તે છે બુદ્ધિ.
ભક્તિ અને સાધારણ ભાષામાં તેને સભાનતાનું હથિયાર કહેવાય છે. દુર્ગુણોના હુમલામાં તમારી સભાનતા જ તમારું હથિયાર છે. દુર્ગુણોના હુમલામાં ભાગી છૂટવું નહીં. જીવનમાં કામ, ક્રોધ, લોભ, અહંકાર આવશે જ, પરંતુ તેને દબાવી દેવાના ચક્કરમાં પડવું નહીં. તમે તેને જેટલા દબાવશો તે જ બળ સાથે તે તમને ધક્કો મારશે. સીધી ટક્કરથી પરેશાની વધશે. તેની સાથે લડવાના બદલે તેમના પર ઘ્યાન આપો.
દુર્ગુણોના મચ્છર મૂર્છા અને નિદ્રાના પાણીમાં જ વિકસે છે, સુરક્ષિત રહે છે. જો તમે જાગતા રહેશો તો તેમને જવું જ પડશે, એવી રીતે જેમ કે અજવાળું થતાં જ અંધારાએ ભાગવું પડે છે. પ્રકાશ, અંધકારને ખાઈ જાય છે. સભાનતા દુર્ગુણોને પચાવી જાય છે.
જાગૃત અવસ્થામાં એવી ગરમી હોય છે કે વાસનાનો બરફ ઓગળી જાય છે. અહીં દુર્ગુણોની સામે ‘દોડી જવું નહીં’ એક મહત્ત્વની વાત છે, એવી જ રીતે રોકાઈ જવાની છે. જેમ અર્જુનને શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રમાં રોક્યો હતો.
કૃષ્ણ આજે પણ આપણી સાથે જ છે, બસ આપણે અર્જુન બનવાની તૈયારી રાખવાની છે. કૃષ્ણ હંમેશાં કહેતા હતા કે તેની શરૂઆત ત્યારે જ થશે જયારે તમે સ્મિત ફરકાવશો.
ધર્મને નામે વિવાદ કરવો યોગ્ય નથી
એક ગામમાં લક્ષ્મીનારાયણનું મંદિર હતું. તેની સામેની બાજુ એક શિવાલય હતું. આ મંદિરોની બહાર એક વૃદ્ધા ફૂલ વેચતી હતી. એક દિવસ વૃદ્ધા પાસે ફૂલ ખલાસ થઈ ગયા. ત્યારે જ ત્યાં એક શિવભક્ત આવ્યો અને ફૂલ માગવા લાગ્યો. તે જ સમયે એક નારાયણભક્તે પણ ફૂલની માગણી કરી. વૃદ્ધાએ જવાબ આપ્યો કે મારી પાસે થોડાક જ ફૂલ છે. પેલો શિવભક્ત બોલ્યો, તું મને ફૂલ આપ, મહાદેવને ફૂલની વધુ જરૂર છે. આ સાંભળીને નારાયણભક્ત બોલ્યો, મને ફુલ આપ. મહાદેવ શું છે, ફૂલ નહીં તો ભભૂતી જ લગાવી દે. આ સાંભળીને શિવભક્ત ગુસ્સે થઈને બોલ્યો, મોઢું સંભાળીને વાત કર.
મહાદેવને ભભૂતી લગાવે છે? અરે, મૂર્ખ, શંકર તો થોડા નાપ-જાપથી જ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ તારા નારાયણ તો આખું આયખું પસાર થઈ જાય તોપણ ભક્તની વાત સાંભળતા નથી. નારાયણભક્ત જોરથી બોલ્યો, તું મર્યાદા ઓળંગી રહ્યો છે? શરીર પર કપડું નહીં, ગળામાં સાપ, આખા શરીર પર ભભૂતી, આજુબાજુમાં ભૂતોનો વાસ, આવા તો કોઈ ભગવાન હોય? આ રીતે બંને શિવ અને વૈષ્ણવની નિંદા કરવા લાગ્યા.
તે દિવસે ગામમાં મહામંડલેશ્વર ધર્માચાર્યજી આવેલા હતા, જે શિવાલયના દર્શન કરીને લક્ષ્મીનારાયણ મંદિર તરફ જઈ રહ્યા હતા. તેમણે બંનેને જણાવ્યું કે હું શિવાલયથી આવી રહ્યો છું અને હવે નારાયણ મંદિરમાં જઈ રહ્યો છું. તમે બંને પણ મારી સાથે આવો. જ્યાં સાચો ધર્મ હોય છે ત્યાં ઝઘડો થતો નથી. આથી દરેક ધર્મ કોઈ પણ જાતના પક્ષપાત વગર બધાની સાથે પ્રેમ અને સન્માન આપવાનું શિખવાડે છે. આથી ધર્મના નામે વિવાદ યોગ્ય નથી.
માનવીની ઇચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી
બેમુસ્લિમ સગા ભાઈ હતા અને તેમની વાતચીતનો એક જાણીતો કિસ્સો છે, પરંતુ તેના પહેલાં રાવણ અને લક્ષ્મણ વચ્ચે થયેલી ચર્ચાને યાદ કરી લઈએ. રાવણના અંતિમ સમયમાં લક્ષ્મણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે રાક્ષસરાજ, શું તમારી બધી જ ઇચ્છાઓ પૂરી થઈ ગઈ છે? રાવણે જવાબ આપ્યો કે ઇચ્છાઓ કયારે અને કોની પૂરી થતી હોય છે? એક પૂરી કરો તો બીજી પેદા થઈ જ જતી હોય છે.
પ્રથમ ઇચ્છા બીજી ઇચ્છાનો પાયો બની જાય છે. આથી પોતાની ઇચ્છાઓને પરમાત્મા તરફ વાળી દો, તો તે પરેશાનીનું કારણ નહીં બને. કંઈક આવી જ વાત ફકીર યાહ્યા-બિન-મુયાજર અલીએ એક પત્રના જવાબમાં તેમના ભાઈને લખી હતી. તેમના ભાઈ એક ફકીર હતા અને તેઓ કાબામાં સેવાનું કામ કરતા હતા. ભાઈએ ફકીર યાહ્યાને પત્ર લખીને પોતાની ત્રણ ઇચ્છાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાંથી બે પૂરી થઈ ગઈ હતી અને એક બાકી રહી ગઈ હતી.
પ્રથમ હતી કે કોઈ પવિત્ર જગ્યાએ રહેવાનું મળે. કાબામાં રહેવાના કારણે તેમની આ ઇચ્છા પૂરી થઈ ગઈ. બીજી ઇચ્છા હતી કે સેવામાં કોઇ વિધ્ન ન આવે, આવું પણ થઈ ગયું કેમ કે તેમની સેવામાં એક દાસી હતી. ત્રીજી હતી કે મૃત્યુ પહેલાં તમારા (યાહ્યા) દર્શન થઈ જાય, પરંતુ તમને જોવાની ઇચ્છા અધૂરી છે.
આ પત્રના જવાબમાં યાહ્યાએ લખ્યું હતું કે વ્યકિત જો પોતાને પવિત્ર રાખે તો જયાં રહેશે તે જગ્યા પણ શુદ્ધ થઈ જશે. બીજી વાત હતી કે બીજા લોકો પાસે પોતાની સેવા ન કરાવવી અને ત્રીજો જવાબ લાજવાબ હતો- જો તમને મારી યાદ આવી રહી છે તો મને મળવાની જરૂર રહેશે નહીં અને કદાચ આપણે મળી પણ જઈએ પરંતુ તે પાક પરવરદિગારને ન મેળવ્યો તો આપણી મુલાકાત નિરર્થક પુરવાર થશે. -પં. વિજયશંકર મહેતા
સાદાઈ એ જીવનમાં સફળ થવાનો મંત્ર છે
એક વખત યુનાનનો રાજદૂત ભારત આવ્યો હતો. તેમણે મૌર્ય સામ્રાજયના મહામંત્રી ચાણકયનાં વખાણ સાંભળ્યા હતા. રાજદૂત ચાણકયને મળવા માટે તેમના ગંગાકિનારે આવેલા ઘર તરફ ચાલી નીકળ્યા. ત્યાં પહોંચીને તેમણે જોયું કે ગંગાના તટ પર એક લાંબો-ઊચો અને કદાવર વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ સ્નાન કરી રહ્યો હતો. જ્યારે તે સ્નાન કર્યા બાદ પોતાના કપડાં ધોવા લાગ્યો તો રાજદૂતે તેની પાસે જઈને પૂછ્યું કે, મહાશય, હું મહામંત્રી ચાણકયને મળવા માગું છું.
મહેરબાની કરીને તમે બતાવશો કે તેઓ કયાં રહે છે? તે વ્યકિતએ એક ઝૂંપડી તરફ ઇશારો કર્યો. રાજદૂતને વિશ્વાસ ના થયો કે એક મહામંત્રી આવી ઝૂંપડીમાં રહે છે. તે ઝૂંપડી પાસે પહોંરયો તો જોયું કે ઝૂંપડીમાં કોઈ ન હતું. આ જોઈને રાજદૂતને લાગ્યું કે ગંગાકિનારે મળેલી વ્યકિતએ તેની સાથે મજાક કરી છે. તે પાછો ફરવા લાગ્યો ત્યાં તે જ વ્યક્તિ તેની સામે આવીને ઊભી રહી ગઈ. તેને જોઈને રાજદૂત બોલ્યો, તમે તો કહ્યું હતું કે મહામંત્રી ચાણક્ય અહીં રહે છે, પરંતુ અહીં તો કોઈ જ નથી.
તે વ્યકિત બોલી, તમારું સ્વાગત છે, હું પોતે જ ચાણક્ય છું. રાજદૂત આશ્ચર્યચકિત થઈને બોલ્યા, મૌર્ય સામ્રાજયના મહામંત્રી આ ઝૂંપડીમાં રહે છે? તો ચાણકય બોલ્યા, આપણું કામ પ્રજાની સેવા કરવાનું છે. જો હું મહેલો અને સુવિધાઓની વચ્ચે રહેવા લાગુ તો પ્રજાના ભાગમાં ઝૂંપડા આવી જશે. પ્રજા સુખી રહે એટલા માટે હું ઝૂંપડીમાં રહું છું. એટલે કે માત્ર સુવિધા અને ભોગ-વિલાસ જ જેનું લક્ષ્ય ના હોય અને સુવિધાઓ લોકો સુધી ઉપલબ્ધ કરાવાની સાચી લગન જેનામાં હોય તે જ સાચા અર્થમાં મોટો અને મહાન છે.
દાન આપતી વખતે ભાવના ચોખ્ખી રાખો
આજકાલ સમગ્ર દુનિયામાં ધાર્મિક આયોજનોનું જાણે કે પૂર આવ્યું છે. આ વ્યવસ્થાઓ માટે દાન પણ માગવામાં આવતું હોય છે. કેટલીક વખત તો સાધુસંત પણ દાન-દક્ષિણા માગતા જોવા મળે છે. આથી ઘણા લોકો એવું કહેતા હોય છે કે પછી આ લોકો અને ભિખારી વચ્ચે શું અંતર છે? આપણા દેશે અઘ્યાત્મ જગતમાં એક મૌલિક સંબોધન આપ્યું છે, ભિક્ષુક, ઋષિ-મુનિ, સંત-મહાત્મા. આ બધાએ જાહેરમાં ભીખ માગી છે. બુદ્ધ અને મહાવીરનું જીવન જોશો તો ભિક્ષાનો સાચો અર્થ સમજાઈ જશે.
સામાન્ય નજરે જોઈએ તો આપનારી વ્યકિતને એવું લાગે છે કે જેને આપવામાં આવી રહ્યું છે તે ખાલી છે અને આપણે જે આપી રહ્યા છીએ તે ભરેલા છીએ પરંતુ છે તેનું બિલકુલ ઊધું. જે સાધુ-સંતને આપણે દાન આપી રહ્યા છીએ તે અંદરથી ભરેલા છે, બહારથી ખાલી દેખાઈ રહ્યા છે અને આપણે બહારથી ભરેલા છીએ અને અંદરથી ખાલી છીએ. દાન આપતા સમયે દાન આપનારાનો હાથ ઉપર અને લેનારાનો હાથ નીચે હોય છે. અહીંથી જ ગેરસમજ પેદા થાય છે જેનું નામ અહંકાર છે.
આથી દાન આપતા સમયે હાથ ભલે ઉપર હોય, પરંતુ નજર નીચે રાખવામાં આવે તો કદાચ અહંકાર આવશે નહીં. સંસ્કૃતિએ ભિક્ષાને પૂજાનું કર્મ માનીને આપનારાને ખુશ થવાની તક આપી છે કે તે એવું સમજે કે હું મોટો છું, માલિકની જેમ આપી રહ્યો છું. હકીકતમાં આપણે તે જ વસ્તુ આપી રહ્યા છીએ જે આપણે કયાંકથી મેળવ્યું કે એકઠું કર્યું છે. ભલે આપણે તેને મહેનતથી ભેગું કર્યું હોય. મહેનતની કમાણીમાં પણ કેટલાય લોકોની ક્ષમા અને સમર્પણની ભાવના કયારે સમાઈ જાય છે એ ખબર પડતી નથી. આથી દાન આપતા સમયે લેનારાની હસ્તી કરતાં પોતાની યોગ્યતા પર વધુ વિચાર કરવો જોઈએ. -પં. વિજયશંકર મહેતા
પરમાત્માનું સતત સ્મરણ કરતાં રહેવું જોઈએ
ભૌતિકતામાં ચિંતન હોય છે અને ભકિતમાં સ્મરણ. આજે આ અંતરને સમજીએ. બધા જ ધર્મોએ સ્વીકાર્યું છે કે સ્મરણ ભક્તિનો પ્રાણ છે. તેનો સીધો અર્થ એ છે કે મનના અંદર પરમાત્માની સતત યાદ જળવાઈ રહેવી જોઈએ. સ્મરણનો અર્થ છે કે અલગથી કોઈ બીજું કામ ન કરવું, બસ જે થઈ રહ્યું છે તેને થવા દેવું. જે લોકો પ્રભુ સ્મરણ સાથે જીવે છે તેઓ જીવનમાં અસાધારણ બની જાય છે અને જે વિસ્મરણ સાથે જીવે છે તેઓ સાધારણ જ રહી જાય છે.
તે પરમપિતાનું સતત સ્મરણ સંસારના બધા જ કામ કરતા રહીને પણ તમારા અંતરાત્માને તમારી જાત સાથે જોડી રાખશે. પ્રભુના સ્મરણથી બે ફાયદા થાય છે. એક તો સંસાર સાથે જોડાયેલા રહેવા છતાં પણ સ્વાર્થ પેદા થતો નથી તથા ભૌતિક્તાના ક્ષેત્રમાં તમે જે સંકલ્પ લીધા હશે તેને પુરા કરવાના પ્રયત્નોમાં ઝડપ આવે છે. અહીંથી કરવામાં આવતું દરેક કામ પૂજા બની જાય છે. મોટાભાગના પ્રસંગે આપણે એકાંતમાં પૂજા સંપૂર્ણ રીતે કરી શકતા નથી.
આપણે જયારે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે આપણા મનની અંદર આખી દુનિયા દોડતી હોય છે. જો અગાઉથી જ મનમાં સ્મરણ ચાલુ હોય તો પૂજામાં ઉતરવાની સાથે જ આપણી અંદર આપણે પરમાત્માનો અવાજ સાંભળી શકીએ છીએ. અહીં પહોંચીને આપણે પોતાનો અવાજ ગુમાવી દઈએ છીએ અને પરમાત્માનો અવાજ સંભળાવા લાગે છે.
આપણને જીવનના અનેક પ્રશ્નોના જવાબ મળી જાય છે, જેની શોધ આપણે દુનિયાભરમાં કરતા રહીએ છીએ. આથી જ ઋષિ-મુનિઓએ જણાવ્યું છે કે સંસારનું વિસ્મરણ જ પરમાત્મા છે અને પરમાત્માનું વિસ્મરણ જ સંસાર છે. બંનેને સાધવાનું કામ સ્મરણ કરે છે. આથી સ્મરણનો સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ. પં. વિજયશંકર મહેતા
જીવનમાં હંમેશાં સકારાત્મક વિચારો જરૂરી
એક દિવસ જંગલમાંથી પસાર થતી વખતે નારદે જોયું કે એક મનુષ્ય ઘ્યાનમાં એટલો મગ્ન છે કે તેના શરીરની ચારે બાજુએ ઊધઈ લાગી ગઈ છે. નારદને જોઈને તેણે તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું કે, હે પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો ? નારદે જવાબ આપ્યો કે હું વૈકુંઠ જઈ રહ્યો છું. ત્યારે તે વ્યક્તિએ નારદને નિવેદન કર્યું કે તો પછી તમે ભગવાનને પૂછીને આવજો કે મને કયારે મુક્તિ મળશે? નારદે કહ્યું સારું. થોડા આગળ જતાં નારદને એક બીજો વ્યક્તિ દેખાયો.
તે પણ પોતાની ધૂનમાં મસ્ત હતો અને તેણે પણ નારદને પ્રણામ કરીને પોતાની જિજ્ઞાસા જણાવી કે તમે જયારે ભગવાનની પાસે જાવ છો તો પૂછજો કે મને મુક્તિ કયારે મળશે? નારદે તેને પણ હા પાડી દીધી. પરત ફરતા સમયે ઊધઈવાળી વ્યક્તિએ નારદને પૂછ્યું કે ભગવાને મારા અંગે શું જણાવ્યું? નારદે જવાબ આપ્યો, ભગવાને જણાવ્યું છે કે મને મેળવવા માટે તેણે ચાર જન્મ લેવા પડશે. આ સાંભળીને યોગી દુ:ખી થઈને બોલ્યો કે, મેં એટલું બધું ઘ્યાન લગાવ્યું કે મારી ચારે તરફ ઊધઈ જામી ગઈ, આમ છતાં પણ મારે ચાર જન્મ લેવા પડશે.
બીજી વ્યકિતએ જયારે નારદે પૂછ્યું તો નારદે જવાબ આપ્યો કે, ભગવાને સામે રહેલા આંબલીના ઝાડમાં જેટલાં પાંદડાં છે, મુક્તિ માટે તેણે તેટલા જન્મ લેવા પડશે. આ સાંભળીને પેલો વ્યકિત ખુશ થઈને નાચવા લાગ્યો અને બોલ્યો, હું આટલા ઓછા સમયમાં મુકિત મેળવી લઈશ.
તે સમયે જ દેવવાણી થઈ કે, હે મારા બાળક! તને અત્યારે જ મુક્તિ આપવામાં આવે છે. એટલે કે સફળતાની અનિવાર્ય શરત સકારાત્મક ચિંતન છે. જો તમે આત્મવિશ્વાસની સાથે, આશાવાદી દ્દષ્ટિકોણ રાખીને નિરંતર કર્મ કરતા રહો તો લક્ષ્યપ્રાપ્તિ જરૂર થાય છે.
હંમેશાં પોતાની જાત સાથે જોડાયેલા રહો
કોઈ વ્યક્તિની જયારે તબિયત લથડી જાય તો વડીલો કહેતા હોય છે કે થોડું જાત પર પણ ઘ્યાન આપવું જોઈએ. આ વાત પાછળ ઊડો ગૂઢાર્થ છે. આપણે આખો દિવસ જેટલા કામ કરીએ છીએ, તેમાં પોતાની જાત પર ઘ્યાન આપતા જ નથી. ખાવા અને ચાલવાની ક્રિયા જોઇએ તો જાણવા મળશે કે આ બંને કામ કરતા સમયે આપણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાયેલા હોઈએ છીએ, બિલકુલ બે જુદા વ્યક્તિત્વની જેમ. આને જ અઘ્યાતમએ ઊઘનો નશો કહ્યો છે.
એક ઊઘ તે હોય છે જે રાત્રે કે ક્યારેક દિવસ દરમિયાન આંખ બંધ કરીને લેવામાં આવે છે, જેમાં દેહનો ભાવ જતો રહે છે. બીજી ઊઘ તેને કહેવાય છે જે જાગતા-જાગતા લેવાતી હોય છે. તેને આપણે ઊઘનો નશો કહીએ છીએ. બધાં જ ખોટા કામ આ નશામાં થતાં હોય છે. કામ, ક્રોધ, લોભ અને ઘમંડ આ ઊઘના નશાનું જ પરિણામ છે. હનુમાનજીએ આ જ વાત રાવણને શીખવાડી હતી.
જે કામ કરતા હોઈએ તેમાં પોતાની જાતને ઉપસ્થિત કરવી જોઈઐ. જો તમે ભાનમાં હશો તો દુર્ગુણો તમારામાં નહીં પ્રવેશે. જાગૃત અવસ્થામાં ક્યારેય ખોટું કામ થતું નથી. ભાનમાં રહેવું એટલે કે પોતાની જાત સાથે જોડાયેલા રહેવું. હનુમાનજીએ રાવણને દરબારીઓની વચ્ચે સમજાવતાં જણાવ્યું હતું કે જે નદીઓના મૂળમાં પાણીનો સ્ત્રોત નથી એટલે કે જે ફકત વરસાદના જ આશરે છે, તે ચોમાસાની ઋતુ પૂરી થતાંની સાથે જ સુકાઈ જાય છે.
પોતાની જાતથી દૂર થઈ જવું જ પોતાના મૂળસ્ત્રોત સાથે કપાઈ જવાનું છે. વ્યક્તિ જયારે પોતાની જાતથી દૂર થાય છે તો તેનામાં કામ, ક્રોધ, ઘમંડ જેવા દુર્ગુણો પ્રવેશે છે. રાવણ પણ આવું જ કરતો હતો. હનુમાનજીએ સમજાવ્યું હતું કે દરેક કામ કરતી વખતે પોતાની જાતમાં સમાયેલા રહો. – પં. વિજયશંકર મહેતા
બધા જ પાસાઓનો અભ્યાસ કરીને નિર્ણય લો
એક વખત ચીનના સમ્રાટ વિરુદ્ધ એક પ્રાંતમાં બળવો પોકારાયો. સમ્રાટને બળવાખોરો પર ભારે ગુસ્સો આવ્યો. તેમના સેનાપતિ અને મંત્રીઓએ સલાહ આપી કે મહારાજ, આ બળવાખોરોને આકરો દંડ ફટકારવો જોઈએ. આપણું સૈન્ય તેમને કચડી નાખવા માટે આતુર છે.
તમારા આદેશની જ રાહ જોવાઈ રહી છે. સમ્રાટે કંઈક વિચાર્યું અને પછી બોલ્યા, ચાલો તમારી સાથે હું પણ આવું છું. સમ્રાટ પોતાની સેનાને લઈને તે પ્રાંતની સરહદ પર પહોંચી ગયો. સમ્રાટને આવેલા જોઈને પ્રાંતના બળવાખોરો શાંત થઈને બેસી ગયા. સમ્રાટે જાહેરાત કરી કે તમે બધા આત્મસમર્પણ કરી દો નહીંતર તમને આકરો દંડ ફટકારવામાં આવશે. બધા જ બળવાખોરોએ આત્મસર્પણ કરી દીધું. સમ્રાટે પૂછ્યું કે તમને શો વાંધો છે?
તમે બળવો શા માટે કર્યો? બળવાખોરોનો નેતા બોલ્યો, અમારી પાસેથી સમયસર વેરો તો લઈ લેવામાં આવે છે, પરંતુ અમારી સુરક્ષા અને સુવિધાઓ પર કોઈ જ ઘ્યાન આપવામાં આવતું નથી. સમ્રાટે અધિકારીઓને બોલાવીને પૂછ્યું તો બળવાખોરોની વાત સાચી નીકળી. સમ્રાટે તે બધાને આશ્વાસન આપ્યું કે આજ પછી તમારી દરેક સુરક્ષા અને સુવિધાઓનુ પૂરેપૂરું ઘ્યાન રાખવામાં આવશે.
ત્યાં જ સેનાપતિ બોલ્યા, મહારાજ આ લોકો દયાને પાત્ર નથી. તેમણે બળવો પોકાર્યો છે. તમે આદેશ આપો તો આ બધાને પાઠ ભણાવી દઈએ. સમ્રાટ બોલ્યા, સૈન્ય દેશની સુરક્ષા માટે છે, દેશની પ્રજાને કચડવા માટે નહીં. હું અહીં શાંતિની સ્થાપના કરવા આવ્યો છું, ક્રાંતિ કરવા માટે નહીં. કથાનો સાર એ છે કે ન્યાય અને બંધુત્વની ભાવનાથી જ કોઈ પણ રાજયમાં શાંતિની સ્થાપના થઈ શકે છે.
વિનમ્રતા થકી સૌનાં દિલ જીતી શકાય
એક દિવસ ગામમાં મેળા જેવી ભીડ જામી હતી. રાજધાનીમાંથી એક નેતા ભાષણ આપવા આવી રહ્યા હતા. આજુબાજુના ગામોના લોકો પણ બળદગાડાઓ, ઘોડાગાડીઓ અને સાઇકલો પર બેસીને આવી રહ્યા હતા. સાંજ પડતાંની સાથે જ મંડપ ખીચોખીચ ભરાઈ ગયો. થોડા સમય બાદ નેતા આવી પહોંચ્યા.
નેતાજીની સાથે તેમના સાથીઓ પણ મંચ પર આવીને બેસી ગયા. નેતાજીએ ભાષણ આપવાનું ચાલુ કર્યું. ભાષણનો વિષય હતો-અહિંસા. શોરબકોર બંધ થયો નહીં. સ્વયંસેવકોએ શાંતિથી બેસવા અપીલ કરી, પરંતુ અવાજ ચાલુ જ રહ્યો. આથી નેતાજીના સાથીદારો ગુસ્સે થઇને બોલ્યા, તમે લોકો ચૂપ બેસો છો કે નહીં ? બધા જ શાંત થઈ ગયા. નેતાજીએ ફરી ભાષણ આપવાનું ચાલુ કર્યું.
થોડો સમય શાંતિ રહી અને ફરી પાછો ગણગણાટ ચાલુ થઈ ગયો. એટલે ફરી વખત નેતાજીના સહાયકોએ બૂમ પાડી, ચૂપ થઈ જાવ નહીંતર લાકડીથી તમારા બધાનું માથું ફોડી નાખીશ. આ સાંભળીને શ્રોતાઓ ભડકી ઊઠયા. એક બોલ્યો, વાહ ભાઈ વાહ, ભાષણ અહિંસા પર આપી રહ્યા છો અને પાછું માથું ફોડી નાખવાની વાત કરો છો. સભામાં આવેલા બધા લોકો ગુસ્સે ભરાઈ ગયા અને જોરજોરથી બૂમો પાડવા લાગ્યા.
પરિસ્થિતિ વણસતી જોઈને નેતાજી માઇકમાં જોરથી બોલ્યા, સાથીઓ, તમે બધા શાંત થઈ જાવ. મારા સાથીદારો તરફથી હું બધાની માફી માગું છું. એ લોકો થાકેલા હોવાથી આવું બોલી રહ્યા છે. હું હાથ જોડીને તમારી માફી માગું છું. આ સાંભળીને બધી બાજુ શાંતિ પ્રસરી ગઈ. વાતનો સાર એ છે કે બળજબરીથી નેતાગીરી થઈ શકે નહીં. તેના માટે વિનમ્રતા જરૂરી છે.
વ્યક્તિએ પોતાનો આંતરિક વિકાસ કરવો અનિવાર્ય
આપણા ઋષિમુનિઓનું માનવું છે કે માણસ અને બીજમાં ઘણીબધી સમાનતા છે. બીજનો જીવ તેના અંકુરિત થવામાં છે. જો બીજ એમ સમજી લે કે તેનું બીજ હોવું જ તેની પૂર્ણતા છે તો તેના અંદર જે ભવિષ્ય છુપાયેલું છે તે સમાપ્ત થઈ જશે. તેના અંકુરિત થવામાં જ તેનું સાચું જીવન છે.
માણસ સાથે પણ કંઈક આવું જ છે. તેણે પણ પોતાની અંદર અંકુરિત થવાની સંભાવના જાળવી રાખવી જોઈએ. તેને જ આંતરિક પરિવર્તન કહેવામાં આવ્યું છે. પૂર્વ અને પિશ્ચમની સંસ્કતિમાં જે અંતર છે તેમાં એક અંતર બહારના વિકાસને લઈને છે. પિશ્ચમના વિકસતિ દેશોએ બહારની સ્થિતિઓ પર બીજના અંકુરણ જેવું કામ કર્યું છે. સતત વિકાસ કર્યો છે. પગદંડીને મોટી-મોટી સડકોમાં બદલી નાખી છે.
દરેક ક્ષેત્રમાં થયેલું સંશોધન બહારની સ્થિતિઓમાં બીજનું અંકુરિત થવું જ છે. પૂર્વની સંસ્કતિ પિશ્ચમના ક્ષેત્રથી જુદી છે. આપણા ઋષિઓએ આવું અંકુરણ પોતાના અંદર કર્યું છે. તેમણે મનુષ્યના પરિવર્તન પર કામ કર્યું છે. તેઓ એવું માનતા રહ્યા છે કે મનુષ્ય જો પોતાનો અંદરનો વિકાસ કરતો નથી તો તેને બીમાર માનવામાં આવે છે. તંદુરસ્ત રહેવાનો મતલબ એ છે કે આપણા વ્યક્તિત્વનું બીજ અંદરથી અંકુરિત થવા માટે તૈયાર રહે. જે પોતાના ઝાડ થવાની સંભાવનાને રોકી દેશે, તે બીજ સડી જશે.
આ જ સ્થિતિ મનુષ્યના વ્યક્તિત્વની સાથે છે. મનુષ્યએ સતત સમય સાથે બદલાતા રહેવું જોઈએ. આપણા ઋષિઓએ આ આંતરિક પરિવર્તન કે અંકુરણ પણ જે કામ કર્યું છે તેને ઘ્યાન કહેવાયું છે. પિશ્ચમે બહારના ભાગમાં પરિવર્તન કરીને સારો વિકાસ કર્યોછે તો પૂર્વએ અંદરના મનુષ્યને ઊચેરો માનવી બનાવ્યો છે. આપણે પણ આ પ્રયોગ કરતા રહીએ. પોતાના અંકુરણને ન અટકાવીએ.- પં. વિજયશંકર મહેતા
ભૌતિક સુખ-સુવિધા પાછળ ગાંડા ન થવું
જે પરિવારના મોભી પોતાના ઘરના સભ્યોની ભૌતિક માગણીઓને પુરી કરવાને જ પોતાની ફરજ સમજતા હોય અને તેને પૂરી પણ કરતા હોય તો તેમણે ભવિષ્યનાં ખતરનાક પરિણામો માટે તૈયાર રહેવું જોઈએ. ભૌતિક સુખ-સુવિધાઓનો સીધો સંબંધ શરીર સાથે હોય છે.આજની આધૂનિક જીવનશૈલીમાં લોકોને ભૌતિક સુખ-સુવિધા વગર ચાલતું નથી. આપણું સમગ્ર ઘ્યાન તે જરૂરિયાતો પૂરી કરવામાં લાગી જાય છે.
મકાન, ગાડી, ટીવી, કૂલર, એસી બધું જ પોતાના હિસાબે મોટા બંગલાથી માંડીને નાની ઝૂંપડી સુધીમાં જોવા મળે છે, પરંતુ ત્યાર બાદ પણ શાંતિની બાબતે ગરીબાઈ યથાવત્ રહે છે. હકીકતમાં આપણે શરીર પર એટલા આધારિત થઈ ગયા છીએ કે મન નામની અમરવેલને જ ભૂલી ગયા છીએ. અમરવેલ એટલે તેવો વેલો જે ઝાડ સાથે જોડાઈ જાય, તેને ચૂસી લે છે, જેને પરિણામે આખું ઝાડ સૂકાઈ જાય છે. વેલો ફળ-ફૂલ ખાઈ જાય છે.
મનના ફેલાવાનું નામ જ જીવનની બેચેની છે. આપણે પોતાના ઉત્તરાધિકારીઓ માટે સંપત્તિ છોડીએ છીએ, પરંતુ અસલ જવાબદારી ભૂલી જઈએ છીએ. મનુષ્યને મશીન માનીને તેમાં તેલ-પાણીની જેમ ભૌતિક સુવિધાઓ આપતા જઈએ છીએ. માણસની અંદર જે ચેતના છે તેને સ્પર્શ કરવામાં પરિવારનો મોભી ચૂકી જાય છે. બધા જ સભ્યો બહારની સુવિધાઓથી એટલા ટેવાઈ જાય છે કે તેમાં થોડી ઘણી પણ કમી આવે તો બધા એક-બીજા પર આગ ઓકવા લાગે છે.
સંસારી વૈકુંઠમાં સ્થાન પામવાની સંભાવના જ સમાપ્ત થવા લાગે છે. આથી પરિવારમાં જયારે પણ જે કોઈ મોભીની ભૂમિકામાં હોય તેણે સભ્યોના મનમાં પહોંચવું જોઈએ, જે જીવનઊર્જાના મનને ખાઈ રહ્યું છે તેને રોકવું. તન-મનના સંતુલનને સમજનારા પરિવાર શાંતિના કેન્દ્ર બને છે. – પં. વિજયશંકર મહેતા
જિંદગીમાં હાર-જીત નહીં, સ્પર્ધા મહત્વની છે
હોકીમાં ભારતે પાકને ધૂળચાટતું કર્યું એ દિવસની રાહ હોકીપ્રેમીઓ જમાનાથી જોતા હતા. કવિ કાલિદાસે ‘અભિજ્ઞાન શાંકુતલ’માં એક સરસ વાત કરી છે. માણસ તેના સુખ માટે પીડા ન ભોગવે ત્યાં સુધી એને સાચું સુખ મળતું નથી. એ સુખની કમિંત સમજાતી નથી. કાલિદાસે ક્યા સંદર્ભમાં કહ્યું હોય તે ભગવાન જાણે, પણ રવિવારે હોળીના દિવસે ભારતે વર્લ્ડકપ હોકીની ઊઘડતી મેચમાં દિલ્હીના ઘ્યાનચંદ સ્ટેડિયમમાં ચાર ગોલ કરી પાકિસ્તાનની હોકી ટીમને ધૂળ ચાટતી કરી એ વિજયના સુખની ભારતના હોકીપ્રેમીઓ જમાનાઓથી રાહ જોતા હતા અને જયારે સતત વર્લ્ડકપ હોકીમાં ઘ્યાનચંદે બે વખત ભારતને જમાનાઓ પહેલાં જીતાડયું એ પછી આપણી હોકી ટીમે વિજયનું સુખ આપણને આપ્યું નથી. અને પાકિસ્તાનને હરાવવું એ તો જાણે સ્વપનવત્ બની ગયેલું.
ભારતનો આમ આદમી બહુ સસ્તું સુખ માગે છે. સચિન અને સેહવાગ ચોગ્ગા-છગ્ગા મારે તે આપણું મોટામાં મોટું સુખ છે. બજેટના કરવેરા, મોંઘવારી, બીમારી, ડોક્ટરોના ખર્ચા એ તમામ દુ:ખો માત્ર ક્રિકેટના વિજયથી ભૂલી જઈએ છીએ. કેટલાક વાચકે પૂછેલું કે બજેટ ઉપર કેમ ન લખ્યું? બજેટ આપણે માટે હોતું જ નથી. બજેટ માત્ર ઉધોગપતિઓ અને મિલ્ટનેશનલો માટે હોય છે. બજેટનો દિવસ આમ આદમીને છેતરવાનો દિવસ જ હોય છે-એક હાથે દઈ બીજે હાથે તમારા ખિસ્સા કાતરવાનો દિવસ હોય છે.
પ્રણવ મુખરજીની ઊઠબેસ પહેલાં ધીરુભાઈ અંબાણી સાથે હતી. આજે મિલ્ટનેશનલો અને દેશી ઉધોગપતિઓ સાથે હોય છે. બજેટથી જે સુખ આપણને નથી મળ્યું તે પાકિસ્તાનની હોકી ટીમને ભારતે હરાવ્યું તે સુખ આપણને રવિવાર હોળીના દિવસે સસ્તામાં મળ્યું છે.
વાચકોને વિનંતી કે દિલ્હીના ઘ્યાનચંદ સ્ટેડિયમમાં જગતની શ્રેષ્ઠ હોકીની ટીમો હોકીની વિશ્વસ્પર્ધા માટે આવી છે તે રમતને રોજ નિહાળે. ખાસ ટિનેજરોને એ રમત જોવાનું કહું છું. ક્રિકેટની રમતમાં હોકી જેવી બ્રેવરી નથી.
બહાદુરી નથી. ચોરને કાંધ મારે તેવા દિલ્હીના વહેલા બેઠેલા ઉનાળાની ૩૫ મિનિટની ગરમીમાં સતત દોડીને હરીફની હોકીમાંથી દડો સેરવી લેવાની યોગી જેવી એકાગ્રતા અનુપમ છે. ઓસ્ટ્રેલિયા સામે ભારત ધારો કે હારી જાય તો મહાન ગ્રીક યોઘ્ધા અને ફિલસૂફ થુસીસાઈડઝની ફિલસૂફીને યાદ કરવાની છે. તેને તમારા જીવનમાં ઉતારવાની છે.
વિજય માટે તમામ ટફમાં ટફ તાલીમ લેવી. માનસકિ, શારીરિક અને આઘ્યાત્મિક એ તમામ જાતની તાલીમ. પાકિસ્તાને તો ઊચા પગારે સ્પોર્ટ્સ-સાઇકોલોજિસ્ટ રાખ્યો છે. ઓસ્ટ્રેલિયામાં તો દરેક રમત માટે જુદા જુદા સ્પોર્ટ્સ-સાઇકોલોજિસ્ટ છે. દા.ત. તમે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડઝને આપણા ક્રિકેટરો સામે ગુસ્સો કરતો અને ગાળો આપતો જોયો છે. એન્ડ્રુ સાયમન્ડઝ પોતાના ખેલાડી પર ગુસ્સાને શાંત કરી સહિષ્ણુતા માટે સ્પોર્ટ્સ સાઇકોલોજિસ્ટ રાખવો પડેલો. પાકિસ્તાન સરકારે તો આપણા હોકીના આયોજકોને શરમાવે તેવી ઉદારતા હોકી ખેલાડી માટે બતાવી છે.
આપણા હોકીના માંધાતાઓ નાલાયક છે તેમણે હોકી ખેલાડીના મહેનતાણામાં કાટ- કસર કરેલી ત્યારે આ બાજુ પાક વડા પ્રધાન સૈયદ યુસુફ રઝા ગિલાણીએ ફેડરલ બજેટમાં પાક હોકીના ઉત્થાન માટે રૂ.૫૦ કરોડ તેમ જ દિલ્હી આવેલા પાક-હોકી ખેલાડી માટે રૂ.૧ કરોડ મંજૂર કરેલા. સોહેલ અબ્બાસે હોકીની આંતરરાષ્ટ્રીય રમતમાં ત્રણસો ગોલ કર્યા તેને રૂ. પાંચ લાખ ઇનામ આપેલું. આપણે ત્યાં સચિન-ધોની જેવા માત્ર ક્રિકેટરો અબજપતિ થાય છે પણ હોકીના મેદાનમાં બહાદુરી બતાવનારા-પરસેવો પાડનારાને માત્ર ભાખરીના ટુકડા અપાતા હતા.
ચાલો જવા દો. આપણે ગ્રીક ફિલોસોફર થુસીસાઈડઝને ફરી યાદ કરીએ. તેમણે કહેલું કે ‘હું એવા લોકોને સલામ કરું છું અને તેમને જ બહાદુર માનું છું, જેમનામાં બ્રેવમાં બ્રેવ સ્પિરિટ હોય અને ખાસ તો તેમને ‘કલીઅરેસ્ટ સેન્સ ઓફ બોથ પેઇન્સ એન્ડ પ્લેઝર્સ ઓફ લાઇફ-ઓફ સકસેસ એન્ડ ડિફિટ.’ અર્થાત્ એવા બહાદુર કે તેઓ જીવનની પીડાઓ સાથે જીવનના આનંદને જાણીને તે બન્ને બાબતમાં સ્પષ્ટ દ્દષ્ટિ રાખતા હોય-સફળતાની અને નિષ્ફળતાની.
પાકિસ્તાનની હોકી ટીમ રવિવારે આપણી સામે હારી ગઈ પણ ત્યાંના સમજદાર ઓફિસરોએ તો કોઈ મિજાજ ગુમાવ્યો નથી. હજી પંથ લાંબો છે. આ ટૂર્નામેન્ટ હજી ૧૩ માર્ચ સુધી લાંબી ચાલવાની છે. ફરી વિનંતી કરું છું કે હોકીની રમતની ટેક્નિક અગાઉથી સમજીને ગુજરાતી યુવક-યુવતીઓ (આપણી મહિલા હોકી ટીમ પણ છે તે ગોલ્ડમેડલ જીતી છે. માત્ર ‘ચક દે ઇન્ડિયા’ની ફિલ્મમાં જ નહીં પણ વાસ્તવમાં) ટીવી પર આ વર્લ્ડકપ હોકી ટૂર્નામેન્ટને નિયમિત જુએ. ખાસ કરીને છેલ્લી બે ટ્રોફી જીતેલા જર્મનોને રમતાં જુએ. નવા ઉભરેલા કોરિયનોની ચપળતા અને સહિષ્ણુતાને જુએ.
નેધરલેન્ડઝ અને ઓસ્ટ્રેલિયનોની એકાગ્રતાને જુએ. પાકિસ્તાનના ખેલાડીઓની જાગરુકતા, ચપળતા, કુનેહ અને ન થાકે તેવા સ્પિરિટ જુએ. પાક ખેલાડી આપણા દુશ્મન નથી માત્ર હરીફ છે. જનરલ મુશર્રફ પર ગુસ્સો કરીને તેને રાવણની જેમ જીવતો બાળી શકાય. પણ પાક ખેલાડી કે પાક જનતા આપણી જ ધરતીના ધાવણ ધાવેલા છે. પાકિસ્તાની ટીમ જયારે યુરોપની હોકી ટીમને હરાવે ત્યારે ખુશ થજો.
અચ્છા, ગ્રીક ફિલસૂફ થુસીસાઈડઝે શું વધુમાં કહેલું? ૩૦ની ઉમરે તો થુસીસાઈડઝ તેના દેશના મિલિટરી મેજિસ્ટ્રેટ હતા. તેઓ ગ્રીક યુવાનોના ચારિત્ર્યને દ્દઢ કરવામાં જ પડેલા. તેમનું વાકય અંગ્રેજીમાં જ વાંચો:
થુસીસાઈડઝ જોરદાર રીતે કહેતા કે મને બે પ્રકારના ચારિત્ર્યવાળા લોકો વચ્ચે સંઘર્ષ છે તે હંમેશાં યાદ રાખવાનું શીખવાયું છે- એક એવા ચારિત્ર્યવાન જે સદાય જીવતા હોય, સતત જાગૃત હોય, કંઈક નવું નવું કરવાની ધગશવાળા હોય અને તમને ખળભળાવી નાખે તેવી તેની હિંમત અને બહાદુરી હોય. અને બીજી બાજુ એવા લોકો જે સાવ મુંજી બનીને સાવચેતીથી જ ફૂંકી ફૂંકીને જીવતા હોય પણ પ્રેમમાં કે યુદ્ધમાં તો ધડામ દઈને પડવા જેવું છે.
પરાજયથી કોઈ પણ ક્ષેત્રે ગભરાવાનું નથી. ‘ચક દે ઇન્ડિયા’ નામની ફિલ્મ કદાચ વર્લ્ડકપ હોકીની ટૂર્નામેન્ટને ઘ્યાનમાં લઈ થોડી વધુપડતી વહેલી આવેલી. તેમાં ભારતના ટીમનો સાચો ખેલાડી કબીર ખાન પાકિસ્તાન સામે હારી જાય છે. લોકો કબીર ખાન પર ખીજાઈ જાય છે. ઝનૂની પ્રેક્ષકો તેના ઘરને તોડીફોડી નાખીને આખા કુટુંબને બહાર ફેંકી દે છે પણ કબીર ખાન પાછો ઊભો થઈ જાય છે. સાત વર્ષ પછી તે ભારતની મહિલા હોકી ટીમને ઘનિષ્ઠ તાલીમ આપે છે અને ‘ચક દે ઇન્ડિયા’નું સૂત્ર આપે છે. અને… મહિલા હોકી ટીમ ગોલ્ડમેડલ જીતે છે.
આમ ભારતની મહિલા હોકી ટીમની જીત વિશેની ફિલ્મ પણ લોકોને કેટલી બધી પ્રિય થઈ કે આદિત્ય ચોપરાને રૂ.૬૪ કરોડનો નફો એ હોકીની ફિલ્મે કરાવેલો. આ ‘ચક દે ઇન્ડિયા’નું સૂત્ર તમારા જીવનમાં અપનાવો. વિજય અને પરાજયમાં પણ બહાદુર રહેજો. એક વખતના પરાજય થકી જિંદગી હારી જવાની નથી. છેલ્લે એક આડ વાત કરીએ. સચિનને ભારતરત્ન ત્યાં સુધી ન અપાય જયાં સુધી તે પેપ્સીની જાહેરાતમાં દેખાય. જો જા.ખ. ન છોડે તો તેને પેપ્સીરત્ન કહીને મજાક કરાય.
અસતનો માર્ગ ખોટા મુકામે પહોંચાડે છે
જહાંગીરના રાજ્યમાં ચંદુશાહ નામનો એક શેઠ હતો. તેણે પોતાના શીખ ગુરુ અર્જુનદેવ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યોકે તેઓ પોતાના પુત્ર હરગોવિંદના લગ્ન તેમની પુત્રી સાથે કરી દે. અર્જુનદેવે આ પ્રસ્તાવને ફગાવી દીધો. આથી તે નારાજ થઈ ગયો અને બદલો લેવાની તક શોધવા લાગ્યો. ચંદુશાહે જહાંગીરની નિકટતા કેળવી અને તેના કાન ભર્યા કે ગુરુગ્રંથ સાહિબમાં ઘણીબધી વાતો ઇસ્લામ વિરુદ્ધની છે.
જહાંગીરે અર્જુનદેવને ગુરુગ્રંથ સાહિબમાંથી તે વાતોને કાઢી નાખવાનો આદેશ આપ્યો. અર્જુનદેવે જણાવ્યું કે ગ્રંથમાં ઈશ્વરની પ્રાર્થના છે. તેઓ તેમાંથી એક પણ વાતને અલગ કરી શકે તેમ નથી. જહાંગીરે તેમને રૂ. બે લાખનો દંડ ફટકાર્યો. ગુરુજીએ તે ભરવા અંગે અસમર્થતા જાહેર કરી.આથી જહાંગીરે તેમને લોખંડના ગરમ તવા પર બેસવાની સજા સંભળાવી.
ઉપરથી ગરમ રેતી નાખવામાં આવી. આ જોઈને તેમના શુભચિંતક મિયાં મીરે દંડ ફટકારનારને સજા ફટકારવા ગુરુને સલાહ આપી. પરંતુ ગુરુએ તેને ભગવાનની ઇચ્છા જણાવીને સ્વીકારી લીધી. ચંદુશાહની પત્ની પણ આ સજાથી દુ:ખી થઈને ગુરુની પાસે શરબત લઈને પહોંચી, પરંતુ તેમણે તેે લેવાનો ઇનકાર કરી દીધો અને તેને આશીર્વાદ આપ્યા.
પાંચ દિવસ સુધી અર્જુનદેવ આ યાતના સહન કરતા રહ્યા અને પછી રાવી નદીની ધારામાં વિલુપ્ત થઈ ગયા. એવું કહેવાય છે કે ઘણા સમય બાદ લાહોરની ગલીઓમાં એક પાગલની જેમ ભટકતાં-ભટકતાં એક દિવસ ચંદુશાહનું મોત થઈ ગયું. હકીકતમાં ખોટા કામોનું ફળ હંમેશાં ખરાબ જ હોય છે. સાચું કર્મ ફળદાયક હોય છે, જયારે અસત્યનો માર્ગ અંતે ખોટા મુકામે જ પહોંચાડે છે.
જીવનમાં જે કંઈ છે એનું સારું મેનેજમેન્ટ કરો
જીવનમાં નકામું કશું જ હોતું નથી, આપણે આપણા કર્મથી જ વસ્તુઓને નકામી કે કામની બનાવીએ છીએ. સાચી વાત તો એ છે કે જેણે આ દુનિયા બનાવી છે તે વિરાટ હૃદયવાળો પરમાત્મા કોઈ પણ ચીજને નક્કામી શા માટે બનાવે. પરમાત્મા એક ઘણો મોટો મેનેજર છે. તેણે આપણા જીવનમાં દરેક પ્રસંગે, દરેક વસ્તુ સાથે મેનેજમેન્ટની સંભાવના જોડી રાખી છે. આપણે જરા પણ મેનેજમેન્ટ ચૂકયા તો નુકસાન પણ આપણું થશે અને જો મેનેજમેન્ટ સાચું રહેશે તો આપણે દરેક વાતનો ઉપયોગ કરી લઈશું.
જીવનનું સંયોજન જે મેનેજમેન્ટ સાથે કરવામાં આવે છે તેમાં દરેક વસ્તુ ઉપયોગી છે. ભગવાને આપણને જીવન ભેટમાં આપ્યું છે અને ભગવાન ભેટમાં આપેલી વસ્તુમાં ખોટ કેવી રીતે રાખે. જેને ભેટ સંભાળવાનું નથી આવડતું તે તેને કચરો બનાવી દે છે. જેઓ સ્વરની સમજ નથી રાખતા તેમના માટે સંગીત માત્ર ઘોંઘાટ જ છે, પરંતુ એક સંગીતકાર તે જ સ્વરો પાસેથી અદ્ભુત કામ કરે છે, કેમ કે તે સ્વરોનું મેનેજમેન્ટ જાણે છે.
વિખેરાયેલા રંગ આપણા માટે કીચડ કરતાં વિશેષ કશું જ નથી, પરંતુ એક ચિત્રકાર તે જ રંગોને ગજબની ચિત્રકારી કરે છે. કોને કયાં ગોઠવવું, ઉપયોગ કરવો તેનું નામ જ મેનેજમેન્ટ છે. જે દિવસે આપણે તત્ત્વોનું મેનેજમેન્ટ સમજી જઈશું તે દિવસે આપણો લોભ દાનમાં બદલાઈ જશે. ગુસ્સો દયામાં પરિવર્તિત થઈ જાય છે. વાસના શુદ્ધ થવા લાગે છે.
દુશ્મન અને દોસ્તનો ભેદ સમાપ્ત થઈ જાય છે. જો જીવનનું યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે તો પ્રકતિમાંથી પરમાત્માને હટાવી શકાય છે. આથી જીવનમાંથી કયારેય પણ કશું જ ફેંકવું નહીં, જે પણ છે તેનું સારી રીતે મેનેજમેન્ટ કરી લો. તેમાં તમને પરમાત્માની ઝલક દેખાવા લાગશે. પં. વિજયશંકર મહેતા
ગુણવત્તા અને આત્મવિશ્વાસથી જ વિકાસ થાય છે
એક મેળામાં એક વદ્ધ ફુગ્ગા વેચતો હતો. ગેસ ભરેલા ફુગ્ગા આકાશમાં ઊડતા હતા. જોતજોતામાં બાળકો તો ફુગ્ગા વેચનારને ધેરી વળ્યા. કેટલાંક બાળકો ફુગ્ગા ખરીદીને ખુશ હતાં. તો કેટલાંક કુતૂહલતાથી ઊચે ઊડતા ફુગ્ગા જોઈ રહ્યા હતા. એક હબસી બાળકે ફુગ્ગા વેચનારને પૂછ્યું ‘દાદા, આ બધા જુદા જુદા રંગના ફુગ્ગા ઊચે ઊડે છે તેમ કાળા રંગનો ફુગ્ગો કેમ નથી? કાળા રંગનો ફુગ્ગો ઊડી ન શકે?’ વૃદ્ધે હબસી બાળકને કહ્યું, ‘બધા જ રંગના ફુગ્ગા ઊડી શકે. કાળા રંગનો ફુગ્ગો પણ ઊડી શકે પણ ફુગ્ગા તેના રંગના કારણે નથી ઊડતા, પરંતુ ફુગ્ગામાં જે વિશ્વાસ અને શકિત ભર્યા પડયા છે તેના કારણે તે ઊડે છે.’
વૃદ્ધનું તત્ત્વજ્ઞાન બાળક કેટલું સમજયો તે કોને ખબર? પણ તેને સંતોષ થયો કે કાળા રંગનો ફુગ્ગો ઊડી શકે છે પણ વૃદ્ધ માણસે કહેલી નાનીશી વાત કેટલી સારગર્ભિત છે! સાચું પૂછો તો મનુષ્યના વિકાસમાં તેની પ્રગતિના ઉડાનમાં એનો કાળો કે ગોરો રંગ, ન તો સહાયક બને છે કે ન તો બાધક. મનુષ્યનો વિકાસ તેની ગુણવત્તાં, જાતમાં રહેલો વિશ્વાસતથા તેનામાં રહેલી શકિત ઉપર આધાર રાખે છે. તે કેળવવા માણસે જીવનમાં સકારાત્મક દ્દષ્ટિ લાવવી જરૂરી છે.
સત્તા, કીર્તિ કાં તો મોટાઈની ફૂંફો મારીને તે ફુગ્ગો ઊડવાનો નથી અને વખતે ઊડતો દેખાશે તો તેમાંની હવા કયારે નીકળી જશે તેનો ભરોસો નથી. જેણે પોતાની જીવનદ્દષ્ટિ સકારાત્મક બનાવી છે, જીવનશૈલી ઉદાત્ત બનાવી છે તે વ્યકિત કેવળ મહાન નથી. પણ વિશ્વના ઉપવનમાં તે ખીલેલું મઘમઘતું ફૂલ છે કે જે બીજાને પણ તેવું જીવન બનાવવાની પ્રેરણા આપે છે. -પરમાનંદ ગાંધી
શાંતિ અને ઉદાસી વચ્ચેના અંતરને અંદરથી નિરખો
તમે જેટલા અંતરાત્મા સાથે સંકળાયેલા રહેશો તેટલા શાંત રહેશો. સંતોની પાસે જયારે પણ લોકો પોતાની અશાંતિની વાત કરે છે ત્યારે સંત જણાવે છે કે થોડા તમારા અંતરાત્મા તરફ વળો, અંદર ઝાંખો. દરેકના મનમાં એ સવાલ પેદા થાય છે કે અંતે અંદર ઉતરવાથી થાય છે શું? આ બિલકુલ એના જેવું છે કે તમે ફિલ્મ જોવા જાઓ ત્યારે થિયેટરમાં અંધારું કરવું પડે છે.
અંધારામાં ચિત્રો સ્પષ્ટ દેખાતાં હોય છે. આપણે જેટલા ઊડા ઊતરીશું તે બાબતો સ્પષ્ટ થઈ જશે જે અશાંતિના કારણે સર્જાતી હોય છે. બહારની દુનિયામાં જે અજવાળું છે તેમાં સાચી હકીકતો ખોવાઈ જતી હોય છે, આથી કહેવાય છે કે અંદર જુઓ. એવું પણ કહેવાય છે કે અહંકાર પરમાત્માને મેળવવામાં વિધ્ન છે. આથી બધા લોકો અહંકાર મિટાવવામાં લાગી જાય છે.
એવું કહેવાય છે કે વિનમ્રતાને ઓઢી લેવામાં આવે તો અહંકાર જતો રહે છે, પરંતુ વિનમ્ર લોકો પણ અશાંત જોવા મળ્યા છે. ઊડા ઉતરવાનું પણ એટલા માટે જ કહેવામાં આવે છે કે જયારે તમે પોતાની અંદર ઊતરશો તો તમને જાણવા મળશે કે વિનમ્રતા પણ સૂક્ષ્મ અહંકાર છે. માન અને અભિમાનમાં જેવું અંતર હોય છે તેવું જ અંતર ઉદાસી અને શાંતિમાં હોય છે.
કેટલાય સાધુ-સંત ઉદાસ દેખાતા હોય છે પરંતુ જો તમે તેમના વધુ નજીક જઈને જોશો તો જાણવા મળશે કે તેઓ શાંતિમાં ડૂબેલા હોય છે અને કેટલીક વખત જે લોકો બહારથી શાંત દેખાતા હોય છે તેઓ અંદરથી ઉદાસ હોય છે. બહારનો અહંકાર અગરબત્તીના ધુમાડા જેવો દેખાતો હોય છે, પરંતુ અંદરનું માન સુગંધ જેવું હોય છે. આથી જ વારંવાર કહેવાયું છે કે મનની અંદર જોશો તો તે બાબતોનું અંતર સ્પષ્ટ જોવા મળશે જે આપણને શાંતિ અને અશાંતિ આપે છે. જીવનમાં શાંતિ માટે જાતને નિરખતા રહો. -પં. વિજયશંકર મહેતા
હાર કે જીત છેવટે તો મન થકી જ હોય છે
મનની હાર એ હાર છે અને મનનો વિજય એ વિજય. જે પોતાના મનથી હારી જાય છે, તે પછી ભલે બહારની દુનિયા જીતી લે, આમ છતાં પણ તેને હારેલો જ માનવામાં આવશે. જેણે મનને જીતી લીધું તે વિશ્વજીત બની જશે. હનુમાનજીને જ્યારે લંકામાં પ્રથમ વખત પ્રવેશ કરવાનો હતો ત્યારે તેઓ જાણતા હતા કે લંકા ભોગ અને વિલાસનું કેન્દ્ર છે. અહીં સૌથી વધુ મનને નિયંત્રણમાં રાખવું પડશે.
મનને નિયંત્રણમાં રાખવાની બે પદ્ધતિ હતી- પ્રથમ અભ્યાસ અને બીજી વૈરાગ્ય. મહર્ષિ પતંજલિએ પણ લખ્યું છે કે મન માટે સૌથી સારો અભ્યાસ છે સતત નામજાપ. ૨૪ કલાકમાં થોડો સમય કાઢવામાં આવે જયારે પ્રત્યેક શ્વાસોચ્છ્વાસ સાથે વિચાર ન કરીને સતત નામજાપ કરવામાં આવે. આ નામ ગુરુમંત્ર હોઈ શકે છે. ધીમે ધીમે જીવનના કામકાજ કરતાં સમયે પણ આ જાપ મનની અંદર થવા લાગે છે.
આ અભ્યાસથી મનને નિયંત્રિત કરવામાં સુવિધા મળે છે. બીજી પદ્ધતિ છે વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ એ નથી કે દુનિયા છોડીને સાધુ બની જવામાં આવે. અઘ્યાત્મએ તો જણાવ્યું છે કે દરેક સાધકની છ સંપત્તિઓ હોય છે- સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, શ્રદ્ધા. ઉપરતિનો અર્થ છે વૈરાગ્ય. ભોગ અને વિલાસ પ્રત્યે સજાગતાનું બીજું નામ છે વૈરાગ્ય.
વૈરાગ્ય આવતા જ ઇચ્છાઓ અને તૃષ્ણાઓ વશમાં થવા લાગે છે. અહીંથી જ ભ્રમ અને દ્ધંદ્ધ સમાપ્ત થઈ જાય છે. મૂંઝવણો દૂર થવા લાગે છે. સમસ્યાઓનો ઉકેલ મળવા લાગે છે. એ પણ સ્પષ્ટ થવા લાગે છે કે જે સાચું છે તે જ કરવાનું છે, જે ખોટું છે તેને કરવું તો દૂર, વિચારમાં પણ નથી લાવવાનું. વૈરાગ્ય આવી સ્પષ્ટતા પણ આપે છે. હનુમાનજીએ લંકા પ્રવેશ પહેલાં આ બંને વાતોને મનમાં સમાવી લીધી હતી.
પં. વિજયશંકર મહેતા
કપરા સંજોગોમાં પણ હિંમત હારવી નહીં
ઓરિસ્સાની એક સાચી ઘટના છે. ઊર્મિલા દાસના નાના પરિવારમાં પતિ અને બે બાળકો સાથે સુખી હતી. તેઓ ગરીબ હતાં, પરંતુ પરિવારનું ગુજરાન થઈ જાય તેટલું કમાઈ લેતા હતા. એક દિવસ ઓરિસ્સામાં ભયંકર પૂર આવ્યું અને ચારે તરફ તારાજી સર્જાઈ હતી. ઊર્મિલાનું ગામ પણ આ તોફાનમાં બરબાદ થઈ ગયું. ગામના મોટા ભાગના લોકોનાં મોત થયાં હતાં.
ઊર્મિલા, તેનો પતિ અને બાળકો પણ પાણીમાં વહેવા લાગ્યા હતાં. બધાં જ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે બચવું મુશ્કેલ હતું. ઊર્મિલાએ જેમ-તેમ કરીને બંને બાળકોને તો બચાવી લીધાં, પરંતુ પતિને બચાવી શકી નહીં. ત્રણ દિવસ સુધી તે અને તેનાં બાળકો એક ઝાડ પર બેસી રહ્યાં.
પછી જ્યારે તોફાન શમ્યું ત્યારે તેની પાસે પતિ ન હતો કે ઘર પણ નહતું. થોડા દિવસ સુધી તે પોતાની સાથે ઘટેલી ઘટનાથી માનસકિ રીતે અસ્વસ્થ રહી, પરંતુ પછી બંને બાળકોનો વિચાર કરીને તેણે હિંમત એકઠી કરી તેણે કામ કરવાનું ચાલુ કર્યું અને બંને બાળકોને પણ શાળાએ મોકલવા લાગી. ધીમે ધીમે તેણે બધું જ સંભાળી લીધું.
આટલું જ નહીં તેણે જયારે ગુજરાતમાં ભૂકંપ આવ્યાની જાણ થતાં એક થેલો ઉઠાવીને ઘરે-ઘરે જઈને અનાજ એકઠું કર્યું અને તેનું દાન કર્યું. આ ઉપરાંત ઘાયલો અને નિ:સહાય લોકોની મદદ પણ કરી. વાત એ છે કે કોઈ પણ કુદરતી હોનારતનો ભોગ બનેલી વ્યક્તિ માટે માનસિક સંતુલન જાળવી રાખવું ઘણું અઘરું હોય છે, પરંતુ જે લોકો આવા સંજોગોમાં પણ ધીરજ રાખીને પોતાના જીવનને ફરીથી સકારાત્મકતા તરફ વાળી દે છે, તે લોકો જ વાસ્તવમાં પ્રેરણાસ્પદ બને છે.
આત્મવિશ્વાસ જ સફળતાની ખરી ચાવી છે
ઇંગ્લેન્ડમાં નૌકાદળના અધિકારીઓની પસંદગી માટે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા. બધા જ ઉમેદવારોના હદયના ધબકારા વધી ગયા હતા કે કોણ જાણે કેવા સવાલ પૂછવામાં આવશે. બધા ચિંતિત હતા પરંતુ એક ઉમેદવાર શાંતિથી બેઠો હતો. તેના ચહેરા પર આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો.
જ્યારે તેનું નામ પોકારવામાં આવ્યું તો તે ઇન્ટરવ્યૂ રૂમમાં આત્મવિશ્વાસ સાથે પ્રવેશ્યો અને ઇન્ટરવ્યૂ લેનારાઓને નમસ્કાર કરીને ખુરશીમાં બેસી ગયો. તે યુવાનને વિવિધ પ્રકારના જટિલ પ્રશ્નો પૂછવામાં આવ્યા અને તે શાંતિપૂર્વક બધાના જવાબ આપતો ગયો. અંતે એક અધિકારીએ તેને સવાલ કર્યો કે જો સમુદ્રમાં ભીષણ તોફાન આવી જાય તો આવી સ્થિતિમાં તું શું કરીશ? તેણે તાત્કાલિક જવાબ આપ્યો, લંગર નાખી દઈશ.
પછી બીજો પ્રશ્ન પુછાયો કે ભીષણ તોફાન જો જહાજને ધેરી લેશે તો શું કરીશ? યુવાને ફરી જવાબ આપ્યો કે લંગર નાખી દઈશ. આ જ સવાલ અને આ જ જવાબ વારંવાર આપવામાં આવ્યો. અંતે પ્રશ્ન પૂછનારા અધિકારીએ હસીને જણાવ્યું કે, નવયુવાન, આટલાં બધાં લંગર તું લાવીશ કયાંથી? યુવાને જરા પણ ખચકાટ વગર તુરંત જ જવાબ આપ્યો કે ત્યાંથી જ જયાંથી તમે આટલાં બધાં તોફાન લાવવાના છો. સવાલ કરનારા અધિકારીઓ નિરુત્તર થઈ ગયા અને યુવાનને પસંદ કરી લેવાયો.
આ જ યુવાન આગળ જતાં ભારતનો ગવર્નર બન્યો, જેનું નામ હતું લોર્ડ માઉન્ટબેટન. કથાનો સાર એ છે કે હાજર જવાબ અને આત્મવિશ્વાસ ઇન્ટરવ્યૂની અનિવાર્ય શરત હોય છે. જો વ્યક્તિને પોતાની યોગ્યતા પર સંપૂર્ણ ભરોસો હોય તો ગમે તેવી કઠિન પરીક્ષા હોય તેને સરળતાથી પાસ કરી શકાય છે.
ધર્મમાં સ્ત્રી પુરુષના ભેદ હોતા નથી
ધર્મશાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલા અનેક પ્રસંગો અને વ્યાખ્યાઓમાં સ્ત્રી-પુરુષના ભેદભાવનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ અઘ્યાત્મ સુધી આવતા-આવતા આ ભેદભાવ સમાપ્ત થઈ જાય છે. અઘ્યાત્મમાં તો ભક્તિ માટે સ્ત્રૌણ ચિત્તને શ્રેષ્ઠ બતાવાયું છે. પરમાત્માને મેળવવાના મામલામાં નારીઓ પુરુષો કરતાં આગળ છે.
દુનિયાભરમાં ભક્તિ, સાહિત્ય, ધર્મની વ્યાખ્યા ભલે પુરુષો દ્વારા કરવામાં આવી હોય, પરંતુ તેના પર અમલ તો સ્ત્રીઓએ જ કર્યો છે. ધર્મમાં નારીને શક્તિનું બીજું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ભાગવતમાં એક પ્રસંગ આવે છે જેમાં મનુ અને શતરૂપાને પરમાત્માએ આશીર્વાદ આપ્યો કે તેઓ મૈથુની સૃષ્ટિથી સંતાન પેદા કરે અને તેમને જે પ્રથમ પાંચ સંતાનો જન્મ્યાં, તેમાં ત્રણ કન્યાઓ હતી – આકૃતિ, દેવહુતિ અને પ્રસૂતિ.
સંતોનો મત છે કે સંસારમાં સૌથી પહેલાં જન્મેલ ત્રણ સંતાનો કન્યા હતી, આથી સ્ત્રીઓને બીજા દરજજાની માનવી કોઇ પણ ધર્મની દ્રષ્ટિએ બુદ્ધિમાની નથી. હિન્દુઓમાં બે પ્રમુખ અવતાર થયા છે અને બંનેએ નારીને માન્યતા આપી છે. બીજા ધર્મોમાં પણ દેવપુરુષોએ સ્ત્રીઓની પ્રતિષ્ઠાને પ્રથમ જ રાખી છે. શ્રીરામે પોતાના અવતાર કાળમાં નવ પ્રકારની ભક્તિ અંગે જે ફિલોસોફિક ભાષણ આપ્યાં છે તેના માટે એક નારી પાત્રને પસંદ કર્યું છે અને તે હતી શબરી.
આ જ રીતે વૃંદાવનમાં શ્રીકૃષ્ણએ સ્ત્રીઓને સૌથી વધુ સન્માન આપ્યું છે. જયાં સુધી આપણા જીવનમાં પ્રેમ છે, ત્યાં સુધી અહંકાર અને વાસનાઓથી આપણે મુક્ત છીએ. દરેક ધર્મ આમ જ કહે છે અને પ્રેમની હાજરી હોય તો પછી બીજા દરજજાનો તો કોઈ સવાલ જ આવતો નથી. આથી માતૃશક્તિ માટે બીજા દરજ્જાનો પ્રશ્ન જ ઉપસ્થિત થવો જોઈએ નહીં.
પં. વિજયશંકર મહેતા
નિર્ભયતા મુશ્કેલીને ઉકેલવાની તાકાત આપે છે
ઈરાનના સુલતાન તેમના એક કબીલાના સરદાર નસિરુદ્દીનથી નારાજ થઈ ગયા. તેમણે બીજા સરદારને તેનું માથું વાઢી લાવવાનો હુકમ કર્યો. પોતાના એક સંબંધી પાસેથી નસિરુદ્દીનને આ અંગે આગોતરી જાણ થઈ ગઈ. તેના સંબંધીઓએ તેને ત્યાંથી નાસી જવા જણાવ્યું.
તેણે જવાબ આપ્યો કે જો મારું મોત મારી નજીક આવી રહ્યું છે તો અહીંથી નાસી છૂટ્યા બાદ જયાં જઈશ ત્યાં પણ તે મારો પીછો કરશે. પેલો સરદાર નસિરુદ્દીનને ત્યાં પહોંચ્યોં અને સુલતાનનો હુકમ સંભળાવ્યો . નસિરુદ્દીને જવાબ આપ્યો કે, મારું માથું તો હાજર છે પરંતુ તેને અહીં કાપીને દરબાર સુધી લઈ જવામાં તમને મુશ્કેલી પડશે.
સારું તો એ રહેશે કે હું તમારી સાથે દરબાર સુધી આવું, ત્યાં સુલતાનની સામે જ તમે મારું માથું વાઢી નાખજો. સરદાર રાજી થઈ ગયો. બંને દરબારમાં પહોંરયા તો નસિરુદ્દીનને જીવતો જોઈને સુલતાન ખૂબ જ નારાજ થયા. રાજાના હુકમનું પાલન ન કરવાના બદલામાં તેમણે પેલા સરદારને પણ મોતની સજા સંભળાવી દીધી.
ત્યારે નસિરુદ્દીને એક રૂબાઈમાં જણાવ્યું કે, હું મારી બુદ્ધિની આંખોમાં તારા દરવાજાની રજકણો ભરીને એકલો જ નથી આવ્યો પરંતુ સાથે અગણિત પ્રાર્થનાઓ લઈને આવ્યો છું. તમે મારું માથું માંગ્યું હતું તો આ માથું કોઈ બીજાને કેવી રીતે આપી દેતો? આથી હું મારું માથું મારી ડોક પર નાખીને તમારા માટે લાવ્યો છું.
આ જવાબ સાંભળીને સુલતાન ખુશ થઈ ગયો અને બંનેને છોડી દીધા. અહીં બોધ એ વાતનો મળે છે કે ગમે તેવી વિક્ટ પરિસ્થિતિમાં પણ નિર્ભયતાથી કામ કરવું જોઈએ. નિર્ભયતા આપણને પરિસ્થિતિનો ઉકેલ શોધવાની અને તેમાંથી બહાર નીકળવાની તાકાત આપે છે.
માતૃશક્તિને માત્ર ભોગનું સાધન ન સમજો
ગૃહસ્થી વસાવવી દરેકને ગમે છે. મોટા ભાગના લોકો આ સ્થિતિમાંથી પસાર થતા હોય છે. સમજદાર લોકો ગૃહસ્થ જીવનમાં શાંતિ શોધી કાઢતા હોય છે. આચાર્ય શ્રીરામ શર્માએ પોતાના એક વકતવ્યમાં ગૃહસ્થીમાં અશાંતિ માટેનું એક કારણ વાસના પણ જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે વાસનાને કારણે પુરુષ સ્ત્રી પ્રત્યે અને ક્યારેક-ક્યારેક સ્ત્રી પુરુષ પ્રત્યે જેવો દ્વેષભાવ રાખી લેતાં હોય છે તેને પરિણામે પરિવારમાં અશાંતિ સર્જાય છે. પુરુષો સ્ત્રીને પોતાની જાગીર સમજતા હોય છે .
વાસના સંતોષવા માટે તેઓ સ્ત્રીની ઇચ્છા-અનિચ્છાને મહત્વ આપતા નથી. આ વાતને સમજાવવા માટે તેમણે એન્જિલર માછલીનું સુંદર ઉદાહરણ આપ્યું છે. આ માછલી જયારે પકડાઈ ત્યારે તેનો આકાર ૪૦ ઈચનો હતો. હવે નર એન્જિલરની શોધખોળ ચાલી પણ તે ત્યાં મળી નહીં.
ઘણી શોધખોળ બાદ એવું માની લેવામાં આવ્યું કે આ માછલીની નર જાતિ હશે જ નહીં પરંતુ એક દિવસ એક વિજ્ઞાનીને માદા માછલીની આંખની ઉપર એક અત્યંત નાનો માછલી જેવો જીવ દેખાયો જે માછલીનું લોહી ચૂસી રહ્યો હતો. આ નર માછલી હતી. માદાનો આકાર ૪૦ ઈચ હતો અને નરનો ૪ ઈચ. પં. શર્માએ આ બાબતની સુંદર વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે નારીને ભોગ અને શોષણની સામગ્રી માનનારો પુરુષ ઠીંગણો જ હોય છે.
જે લોકો જીવનમાં માતૃશક્તિને ફક્ત ભોગનું સાધન જ માનશે તેઓ એન્જિલર નર માછલીની જેમ ઠીંગણા જ રહી જશે. અહીં એ સમજી લેવા જેવું છે કે પ્રાણીઓમાં અશાંતિનું કારણ તેમની વાસના હોય છે. બિલાડીનું રુદન તેના દેહની પીડા નહીં પરંતુ ઉત્તેજિત કામવાસનાનું પરિણામ છે. આ જ રીતે મનુષ્ય પણ તેનું પરિણામ ભોગવે છે અને તેનું રુદન જ પરિવારમાં અશાંતિનું પ્રતીક છે.
– પં. વિજયશંકર મહેતા
જ્ઞાન હંમેશાં શાંતિની શોધમાં જ રહે છે
આતંક, અત્યાચાર અને હિંસા શાંતિનો જ નાશ નથી કરતા, પરંતુ વેપારને પણ બરબાદ કરે છે. વર્તમાન સમયમાં જ્યારે જીવનશૈલીની જરૂરિયાતો સૌથી વધુ વ્યાવસાયિક થઈ ગઈ છે, ત્યારે ધર્મને પણ નવી દ્રષ્ટિથી જોવો જોઈએ. ઇસ્લામ અરબસ્તાનની ધરતીમાંથી ફેલાયો છે, જયાંના લોકોનો વ્યવસાય લૂંટફાટ કે વેપાર હતો. અરબસ્તાનના લોકોએ જ્યારે ઇસ્લામ કબૂલ કર્યો તો પ્રારંભમાં તે લોકોએ ઇસ્લામમાં પણ આવી જ જીવનશૈલીને ઘુસાડી દીધી.
હકીકતમાં કાયદો એ છે કે યુદ્ધ વગર લૂંટફાટ શકય નથી અને શાંતિ વગર વ્યવસાય શક્ય નથી. આથી ઇસ્લામમાં યુદ્ધ અને શાંતિ બંને પક્ષો એક સાથે ચાલવા લાગ્યા. જ્યારે યુદ્ધપ્રેમીઓનો સમય આવ્યો તો લડાઈએ ઇસ્લામને ધેરી લીધું અને શાંતિપ્રિય લોકોનો પ્રભાવ વઘ્યો તો ઇસ્લામની આજુબાજુ પ્રેમ જ પ્રેમ દેખાવા લાગ્યો.
૮મી સદીથી ૧૧મી સદી વચ્ચે એક સમય એવો આવ્યો કે દુનિયાનો મોટા ભાગનો વેપાર આરબ લોકોના હાથમાં પહોંચી ગયો હતો. અહીંના વેપારીઓની પથારીઓ હીરા,ઝવેરાતથી બનવા લાગી હતી. અહીંથી જ શકિતશાળી લોકોને એ વાત સમજાઈ ગઈ કે વેપાર કરવા માટે લૂંટફાટ, ખૂનામરકી છોડવી પડશે. જ્ઞાન હંમેશાં શાંતિની શોધમાં રહે છે.
બસ અહીંથી જ ઇસ્લામમાં શાંતિની વાત સ્થાપિત થવા લાગી, જે આજે પણ તેવી જ છે. જે વાત હજારો વર્ષોથી ચાલી આવી રહી હતી કે શાંતિ જળવાઈ રહેવાથી વિકાસ થાય છે, તે આજે પણ લાગુ છે. આતંક, હિંસાથી કોઈનો ઉદ્ધાર થયો નથી. અશાંતિ હંમેશાં સર્વનાશ જ લાવે છે. દેશો વચ્ચેના ધાર્મિક ભેદભાવ સમાપ્ત થવા જોઈએ અને વેપારી સંબંધોની શરૂઆત થવી જોઈએ. તેના પરિણામ દરેક દ્રષ્ટિએ ફાયદાકારક જ હશે.- પં. વિજયશંકર મહેતા
અહંકાર ધોવાય તો જ ધર્મપાલનનો અહેસાસ થાય
રામાનુજાચાર્ય દરરોજ ગંગાઘાટ પર સ્નાન કરવા માટે જતા હતા. તેઓ જ્યારે ગંગાસ્નાન માટે જતા ત્યારે એક બ્રાહ્મણના ખભાનો આશરો લેતા અને પરત ફરતી વખતે એક નીચલી જાતિની વ્યક્તિના ખભાનો ટેકો લેતા. વૃદ્ધાવસ્થાના કારણે કોઈના ટેકાની જરૂર છે એ તો બધા જ સમજતા હતા, પરંતુ જતા સમયે બ્રાહ્મણનો અને પરત ફરતાં સમયે નીચલી જાતિનો ટેકો લોકોની સમજની બહારનું હતું.
બધા જ અંદર-અંદર ચર્ચા કરતા કે વૃદ્ધાવસ્થામાં રામાનુજાચાર્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ગંગાસ્નાન કરીને શુદ્ધ થઈ ગયા બાદ અપવિત્ર નીચલી જાતિની વ્યક્તિનો ટેકો લેવાથી સ્નાનનું મહત્ત્વ જ રહેતું નથી! નીચલી જાતિની વ્યક્તિની મદદ લઈને આવે અને સ્નાન બાદ બ્રાહ્મણનો ટેકો લે તો તે વાત યોગ્ય કહેવાય.
એક દિવસ એક પંડિતે રામાનુજાચાર્યને પૂછી જ લીધું કે પ્રભુ, તમે ગંગાસ્નાન કરવા માટે આવો છો ત્યારે બ્રાહ્મણનો ટેકો લઈને આવો છો અને પરત ફરવા સમયે એક નીચલી જાતિની વ્યક્તિનો ટેકો લો છો. શું આ નીતિ વિરુદ્ધનું નથી? આ સાંભળીને આચાર્ય બોલ્યા, ભાઈ, હું તો શરીર અને મન બંનેનું સ્નાન કરું છું.
ગંગાઘાટ પર બ્રાહ્મણની મદદ લઈને આવું છું અને શરીરનું સ્નાન કરું છું ત્યારે મનનું સ્નાન થતું નથી, કેમ કે ઊચી જાતિના હોવાનો ભાવ પાણીથી ધોવાતો નથી. તે તો સ્નાન કર્યા બાદ કોઈ નીચલી જાતિની વ્યક્તિની મદદ લેવાથી જ ધોવાશે. આમ કરવાથી મારો અહંકાર ધોવાઈ જાય છે અને સાચા ધર્મના પાલનનો અહેસાસ થાય છે. કથા ધર્મના મર્મ તરફ આંગળી ચીંધે છે. ધર્મનો વાસ ખોટું આવરણ ઓઢવામાં અને રૂઢિવાદી વિચારોના પાલનમાં નહીં, પરંતુ માનવ પ્રત્યે સરખો ભાવ અપનાવીને સારા કર્મ કરવામાં છે.
સંબંધોમાં લાગણીઓનું માન જાળવો
પોતાની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવાનો આ સમય છે. તુલસીદાસજીએ મહત્વાકાંક્ષાને જ મનોરથ જણાવ્યો છે. ‘કીટ મનોરથ દાઉ સરીરા, જેહિ ન લાગ ધુન કો અસ ધીરા’- મનોરથ કીટક છે, શરીરનું લાકડું છે, એવું ધીરજવાન કોણ હશે જેના શરીરમાં આ કીટક ન લાગ્યો હોય. આગળ તેમણે તેની વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પુત્ર, ધન અને ખ્યાતિની પ્રબળ ઇરછાઓએ કોની બુદ્ધિને ભ્રષ્ટ નથી કરી. આજે મેનેજમેન્ટની ભાષામાં તેને જ અતિ વ્યવસાયિક દ્રષ્ટિકોણ કહેવાયો છે.
એવું માની લેવાયું છે કે પોતાના લક્ષ્યને પૂરું કરવા માટે લાગણીઓ અવરોધરૂપ બની શકે છે. આથી ફકત વ્યાવસાયિક દ્રષ્ટિકોણ રાખો. વ્યક્તિગત, લાગણીશીલ સંબંધો જ બધું નથી હોતા. સંબંધ કામના રાખવા જોઈએ, દિલના નહીં. વર્તમાન સમયમાં જે લોકો જોબ શિફ્ટ કે જંપ મારે છે, મોટા ભાગે તેઓ પોતાની જૂની મેનેજમેન્ટને ભૂલી જ જાય છે કે પછી તેમનો જૂનો માલિક તેનું મોઢું જોવા નથી માગતો.
હનુમાનજીથી શીખવું જોઈએ કે તમામ વ્યાવસાયિક જવાબદારી નિભાવતા પણ સંબંધોમાં લાગણીઓનું માન કેવી રીતે જાળવી રાખવામાં આવે. રાવણને મારીને જ્યારે રામ અયોઘ્યા પરત ફર્યાના થોડા સમય બાદ તેમણે બધા જ વાનરોને વિદાય કર્યા. હનુમાજી આમ તો રાજા સુગ્રીવના સચિવ હતા, પરંતુ તેઓ શ્રીરામ સાથે રહેવા માગતા હતા.
સંપૂર્ણ મર્યાદા સાથે તેમણે સુગ્રીવ પાસેથી મંજૂરી મેળવી. તેમના સ્પષ્ટ અને લાગણીશીલ વ્યવહારના કારણે જ સુગ્રીવે તેમને કહેવું પડયું કે પવનકુમાર, તમે પુણ્યની રાશિ છો, જાઓ કપાધામ, રામની સેવા કરો. આપણા મનોરથોને પૂરા કરતી વખતે લાગણીઓનું માન કેવી રીતે જાળવી રાખવું જોઈએ તે હનુમાનજી પાસેથી શીખવું જોઈએ.- પં. વિજયશંકર મહેતા
પુસ્તક કરતાં વધુ સારો મિત્ર કોઈ નથી
વોર્નર હાઇઝનબર્ગ ૧૯ વર્ષના હતા ત્યારે તેઓ એક શાળામાં ચોકીદારની નોકરી કરતા હતા. તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી, પરંતુ તેઓ ભણવાના શોખીન હતા. આથી અહીં-તહીંથી પુસ્તકોની વ્યવસ્થા કરી પોતાના જ્ઞાનમાં વધારો કરતા રહેતા હતા. એક દિવસ શાળામાં કામ દરમિયાન તેમણે પ્રખ્યાત ફિલોસોફર પ્લેટોનું થિમેથસ નામનું પુસ્તક હાથ લાગ્યું, જેમાં પ્રાચીન યુનાનના પરમાણુ સંબંધિત સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા.
આ પુસ્તકને વાંચતાં-વાંચતાં વાર્નરને ભૌતિક વિજ્ઞાનમાં એટલો રસ જાગ્યો કે તેણે એ વિષયમાં કંઈક કરી છૂટવાનો નિર્ણય કર્યો. તેઓ નિરંતર અભ્યાસ કરતા રહ્યા અને વિવિધ પરીક્ષાઓ પાસ કરતા રહ્યા. ૨૩ વર્ષની ઉમરે પોતાની અભૂતપૂર્વ પ્રતિભાના બળે તેઓ ગોટિંજેનમાં પ્રોફેસર મેકસ પ્લાંકના મદદનીશ તરીકે નિમાયા.
ત્યાર બાદ તેમણે કયારેય પાછા વળીને જોયું નથી. પોતાના ૨૪મા વર્ષમાં તો તેઓ કોપનહેગનની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બની ચૂકયા હતા. ૨૬ વર્ષની ઉમરે તેઓ લીપજિંગમાં પ્રોફેસરપદે નિમાયા. ૩૨ વર્ષની ઉમરે પહોંચતાં-પહોંચતાં છેલ્લાં છ-સાત વર્ષોના તેમના સંશોધનોના આધારે તેમને ભૌતિક વિજ્ઞાનમાં અસાધારણ યોગદાન બદલ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.
આ રીતે એક પુસ્તકે એક ચોકીદારને માત્ર કેટલાંક વર્ષોમાં જ નોબેલ પુરસ્કાર વિજેતા બનાવી દીધો. કથાનો સાર એ છે કે પુસ્તકો કરતાં સારો મિત્ર કોઈ નથી હોતો. પુસ્તકો વ્યક્તિના જ્ઞાનમાં વધારો જ નથી કરતા, પરંતુ તેના રસ અનુકૂળ યોગ્ય માર્ગદર્શન કરીને લક્ષ્ય સુધી પહોંચાડવાનું મહત્વનું કાર્ય પણ કરે છે.
પ્રભુને પ્રેમ કરતાં કરતાં જાતને વધુ ઓળખી શકશો
બધાનું પોત-પોતાનું મહત્વ હોય છે. દુનિયામાં જે ભૌતિક પ્રગતિ થઈ છે તેના પાછળ મનુષ્યનો આ ભાવ જ રહ્યો છે કે મને મહત્વનો માનવામાં આવે અને સમજવામાં આવે, પરંતુ માણસ તો ફકત મહત્તા પર જ ટકી ગયો છે, તે એ ભુલતો જઈ રહ્યો છે કે તેની એક બીજી સત્તા પણ છે, અંદરની સત્તા.
અસંયમના કારણે આપણે પોતાની અંદર જોવાનું જ છોડી દીધું છે. બહાર આપણે મહત્વની વ્યક્તિ માનવામાં આવીએ એ શૈલીને કારણે આપણી મહત્તા તો સ્થાપિત થઈ ગઈ પરંતુ નિર્ભયતા જતી રહી છે. સારામાં સારી મહત્વની વ્યક્તિઓ અંદરથી ડરેલી છે.
વિશ્વાસ અને વિશ્વાસઘાત જીવનમાં એક સાથે ચાલવા લાગ્યા છે. દુનિયામાં કોઈના પર વિશ્વાસ મૂકી શકાય તેમ નથી, આમ છતાં પણ તેને મુઠ્ઠીમાં સમાવી લેવાની ઇચ્છા વધતી જઈ રહી છે. એવું તો શું કરીએ કે બહારની મહેચ્છા અને અંદરની સત્તા બંને વચ્ચે સુમેળ બેસી જાય. ઈસુ ખ્રિસ્ત જે સમાજ સાથે જોડાયેલા હતા તેમના ધર્મે બહારની પ્રગતિ પર ઘણું કામ કર્યું છે. આજે દુનિયા જે વિજ્ઞાન-ટેક્નોલોજીના ઊચા મુકામે પહોંચેલી છે, તેમાં ખ્રિસ્તીઓનું ઘણું મોટું યોગદાન છે.
ઈસુ આ સફળતાઓના ખતરા પણ જાણી ચૂક્યા હતા. આથી જ તેમણે ચર્ચને એવાં કેન્દ્ર બનાવ્યાં, જયાં પરમાત્મા અને પ્રગતિનો સુમેળ સાધી શકાય. તેઓ જાણતા હતા કે વિજ્ઞાન વાસ્તવિકતાનો તો પરિચય કરાવી દેશે, પણ એક એવી દુનિયામાં લઈ જશે જયાં માણસ નિદ્રામાં પોઢી જાશે. એવી નિદ્રા જેમાં ભાન ગુમાવી બેસાય છે. આવી બેભાન વ્યક્તિ વિકાસશીલ હોવા છતાં પણ અશાંત રહેશે. તેની પાસે પ્રગતિ તો હશે, પરંતુ પ્રેમ નહીં હોય. આથી જ ઈસુખ્રિસ્ત કહે છે કે જેટલો ઇશ્વરને પ્રેમ કરશો તેટલા જ તમારી જાત સાથે પણ પરિચિત થતા જશો. તેમાં જ શાંતિ છે.
– પં. વિજયશંકર મહેતા
દ્રઢ ઇચ્છાશક્તિ વિના આગળ ન વધી શકાય
ચાર્લ્સ ડિકન્સને બાળપણથી જ લેખક બનવાનો શોખ હતો, પરંતુ ભણવા માટે તે શાળાએ જઈ શકયા નહીં. માતા-પિતા અત્યંત ગરીબ હતા. પિતાએ દેવું ભરવા માટે જેલમાં જવું પડ્યું. ચાર્લ્સને માથે તો જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો. એક દિવસ ઉદાસ બેઠેલા ચાર્લ્સ પાસે એક સજજન આવ્યા. તેઓ ચાર્લ્સનો લખવાનો શોખ જાણતા હતા. તેમણે પૂછ્યું કે શું વિચારી રહ્યો છે? શું કોઈ લેખની ભૂમિકા તૈયાર કરી રહ્યો છે?
ચાર્લ્સ ભાગેલા તૂટેલા શબ્દોમાં બોલ્યો, ઘર ખાલી, પેટ ખાલી, લેખ કયાંથી લખીશ? સજજને તેને જણાવ્યું કે તારા ખાલી ઘર અને ખાલી પેટને ભરવા કોણ આવશે? તારે જાતે જ બધું કરવું પડશે. ચાર્લ્સને વાત ગમી ગઈ. ઘણા પ્રયાસો બાદ તેને એક ગોડાઉનમાં લેબલ ચોંટાડવાનું કામ મળી ગયું. ત્યાં મોટી સંખ્યામાં ઉદરો હતા અને થોડા સમય માટે પણ ત્યાં રોકાવું મુશ્કેલ હતું.
આમ છતાં પણ પરિવાર માટે થઈને ચાલ્ર્સે તે કામ સ્વીકારી લીધું. કામમાંથી બચતા સમયમાં તે લેખ લખતો અને મેગેઝિનોમાં પ્રકાશિત કરવા માટે મોકલતો. એક દિવસ તેનો લેખ એક પત્રિકામાં પ્રકાશિત થયો. તે પત્રિકાના તંત્રીએ તેનાં ખૂબ વખાણ કર્યા. તંત્રીના શબ્દોએ ચાર્લ્સના મનમાં એક અનેરો સંચાર ભરી દીધો. તે વધુ મહેનત સાથે લખવા લાગ્યો અને પોતાના સમયનો પ્રખ્યાત લેખક બની ગયો.
કથાનો સાર એ છે કે સાધનોનો અભાવ હોવા છતાં પણ આપણી ઇચ્છાશક્તિ પ્રબળ હોવી જોઈએ. આખો સંસાર મનુષ્યની શક્તિ અને ઉત્સાહથી જ બનેલો છે. આથી નબળા વિચારોનો ત્યાગ કરીને ઊચી વાતો વિચારો, ત્યારે જ આગળ વધશો.
સદગુણનો ભાર પણ ક્યારેક દુર્ગુણ બની જાય છે
વ્યકિતત્વ ત્રણ ગુણોથી બનેલું છે- સત્ત્વ, રજસ અને તમસ. રાજસી અને તામસી ગુણ તો નુકસાનકારક છે જ પરંતુ સદગુણ પણ જો રોગ બની જાય તો નુકસાનકારક છે. આપણી સાત્ત્વિક વૃત્તિ આપણો સ્વભાવ હોવો જોઈએ, વ્યવહાર નહીં. વ્યવહારમાં રહેલી સાત્ત્વિક વૃત્તિ ધીમે ધીમે બીમારી બની જાય છે. આથી સારા લોકો પણ ખરાબ દેખાવા લાગતા હોય છે. ખાસ કરીને પારિવારિક પરિસ્થિતિઓમાં આવું જોવા મળે છે. સારા લોકોના પરિવારના સભ્યો માટે પણ આવા સદગુણ વધુપડતા લાગે છે,
જ્યારે તે બીમારી બની જાય છે. કદાચ આ કારણે જ આ પ્રકારની બીમારી ધરાવતા લોકોના બાળકો હંમેશાં સારા રહી શકતા નથી. પરિવારના સભ્યો દબાણમાં આવી જાય છે. સત્ત્વ પણ એક ભાર લાગવા લાગે છે. જેમના મનમાં સદગુણ હોય છે, તેમનામાં એ ભાવના ઘર કરી જાય છે કે તેઓ બીજા કરતાં શ્રેષ્ઠ છે. તેઓ પોતાના જ શુભનો સંગ્રહ કરવા લાગે છે અને તેનાથી લોભ જાગે છે.
પોતાનાં જ શ્રેષ્ઠ કાર્યોગણવાની ટેવ પડી જાય છે એ પછી એક વખત જો આવી ગણતરીની ટેવ પડી જાય તો આપણે જે સારું કર્યું ન હોય તેને પણ આપણે ગણવા લાગતા હોઈએ છીએ. તેની સાથે જ શુભમાં અસત્યનો પ્રવેશ થાય છે. જ્યારે માણસ નાણાં કમાવા લાગે છે તો લોકરમાં રાખે છે, બેન્ક બેલેન્સ બને છે. આ જ રીતે સદગુણોનો યાદશક્તિમાં સ્ટોક કરવાની ટેવ પડી જાય છે. યાદશક્તિમાં જો વધુપડતું એકઠું કરીએ તો તેનો ભાર માણસના વ્યક્તિત્વ પર પડે છે અને અહીંથી જ એક સારો માણસ પણ ખરાબ લાગવા લાગે છે. આથી સદગુણ જીવનમાં પ્રવેશે તો તે સારું છે, પરંતુ એ વાતનું પણ ઘ્યાન રાખવું જોઈએ કે અહંકારથી બચીએ અને આપણું સારું વ્યક્તિત્વ બીજાના માથે બોજારૂપ ના બને.
ધિક્કારથી પ્રેમનો નાશ થતો નથી
મહાવીરસ્વામી તપસ્યામાં લીન હતા. એક દુષ્ટે કેટલીય વખત મહાવીરસ્વામીનું અપમાન કર્યું, પરંતુ તે હંમેશાં શાંત રહેતા. તેમણે તો દુનિયાને પ્રેમનો પાઠ ભણાવ્યો હતો. તેઓ કહેતા કે સદા પ્રેમ કરો, પ્રેમમાં જ પરમતત્વ છુપાયેલું છે. જે તમારું બૂરું ઇચ્છે તેને પણ પ્રેમ કરો. તેમના આ ઉપદેશો સાંભળીને તે દુષ્ટ એ જોવા માગતો હતો કે કષ્ટ આપનારાઓને કોણ અને કેવી રીતે પ્રેમ કરી શકે છે? તે તેમને હેરાન કરતો રહેતો. એક દિવસ મહાવીરસ્વામી એક ઝાડ નીચે તપસ્યામાં લીન હતા. તે દુષ્ટ તેમની પાસે આવ્યો અને તેમને હેરાન કરવાનું ચાલુ કરી દીધું.
જ્યારે મના પર કોઈ અસર ના થઈ તો તેણે એક લાકડીનો ટુકડો તેમના કાનમાં નાખી દીધો. તેમના કાનમાંથી લોહી વહેવા લાગ્યું. પછી તેણે બીજા કાનમાં પણ આવું જ કર્યું. તે કાનમાંથી પણ લોહી વહેવા લાગ્યું. આમ છતાં પણ મહાવીર શાંત રહ્યા. દુષ્ટે જોયું કે મહાવીરની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને તેઓ પીડાથી સમસમી ગયા છે. આ જોઈને તેને દયા આવી અને બોલ્યો, મેં તમને બહુ દુ:ખ આપ્યું છે. તમને પીડા થઈ રહી છે ને?
મહાવીર બોલ્યા, પીડા મારા શરીરને નહીં, પરંતુ મનને થઈ રહી છે. દુષ્ટ બોલ્યો, પરંતુ ઘાયલ તો તમારું શરીર થયું છે. મહાવીર બોલ્યા, શરીરના વિષયમાં તો મને ખબર નથી. તને જે સારું લાગે તે કર. તેં જે કામ કર્યું છે તેના પરિણામે તારે જે કષ્ટ ભોગવવું પડશે તે વિચારીને જ હું દુ:ખી થઈ રહ્યો છું. આ સાંભળીને દુષ્ટ તેમના પગમાં પડી ગયો. કથાનો સાર એ છે કે ધૃણા કે અત્યાચાર કયારેય પણ પ્રેમને સમાપ્ત કરી શકતા નથી. જે પ્રેમને ધૃણા કે દુ:ખ દબાવી દે તે સાચો પ્રેમ ના કહેવાય.
જીવનની સાવ નજીવી બાબતો
થોડાંક વર્ષ પહેલાં કેટલીક સિસ્ટર્સ સાથે અમે ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યાં હતાં. ત્યાં એકલી અને મોટી ઉમરની એક વ્યક્તિ રહેતી હતી. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કોઈએ આટલી મુશ્કેલી અને દુ:ખમાં રહેતી વ્યક્તિને ક્યારેય નહીં જોઈ હોય. તે એક ગરીબ વૃદ્ધ હતો, જેનું આ દુનિયામાં કોઈ નહોતું.
મેં તેને કહ્યું કે, તે પોતાનું ઘર સાફ કરવા અને કપડાં ધોવા માટે મને આપે. તેનો જવાબ હતો કે ‘તે જેવો છે તેવો જ બરાબર છે.’ મેં કહ્યું કે, જો તમે પોતાનું ઘર સાફ કરવા દેશો તો પણ તમે સારા જ રહેશો. અંતે તે માની ગયો અને ત્યાર બાદ મેં એમનું ઘર અને કપડાં સાફ કર્યા. તેમના ઘરમાં એક સુંદર લેમ્પ હતો પણ ભગવાનને જ ખબર હશે તેનો છેલ્લે ક્યારે ઉપયોગ થયો હશે. મેં પૂછ્યું કે, તમે લેમ્પ કેમ પ્રગટાવતા નથી? તેણે જવાબ આપ્યો કે, મારા ઘરે કોઈ આવતું નથી અને મને અજવાળાની જરૂર નથી.
મેં પૂછ્યું કે, ‘જો અમે અહીં રોજ આવીએ તો તમે આ લેમ્પ ચાલુ કરશો?’ તો તેણે કહ્યું કે, ‘જરૂર.’ તે દિવસથી સિસ્ટરે તેના ઘરે રોજ જઈ લેમ્પની સફાઈ કરી. રોજ સાંજે તેને પ્રગટાવવા લાગ્યો. બે વર્ષ બાદ હું તે વ્યક્તિને સાવ ભૂલી ગયેલી પણ તેણે એક સંદેશો મોકલ્યો, ‘મારી મિત્રને કહેજો કે તેણે મારા જીવનમાં જે એક જ્યોત પ્રગટાવી હતી, તે આજે પણ ઝળહળી રહી છે. મને થયું કે, આ એક સામાન્ય વાત છે, પરંતુ આપણે ઘણી વાર નાની અને સામાન્ય વાતોને વિસરી જઈએ છીએ
થોડા સમય પછી એનો પત્ર મારી પાસે આવ્યો. પત્રમાં તેણે લખેલું કે, ‘મારી મિત્રને કહેજો કે તેણે મારા જીવનમાં જે એક જ્યોત પ્રગટાવી હતી, તે આજે પણ પ્રગટી રહી છે.’
– મઘર ટેરેસા
પ્રેમ-સમર્પણવાળું સ્ત્રીનું ઘર…
આશ્રમ એવી જગ્યા છે, જ્યાં સૌ નિ:સ્વાર્થ ભાવે સેવા કરે છે. પરિવારમાં પણ આ રીતે થઈ શકે છે. ગૃહલક્ષ્મી ઘરમાં રહેવા છતાં આશ્રમ જેવું સેવાભાવી જીવન જીવતી હોય.
ઘરને પણ આશ્રમમાં બદલી શકાય છે. આશ્રમ એ જગ્યા છે, જ્યાં બધા જ લોકો પોતાનો સમય અને ઊર્જા ઈશ્વરને યાદ કરવામાં, નિ:સ્વાર્થ ભાવથી સેવા કરવામાં અને પ્રેમ, ધીરજ, સન્માન જેવા ગુણને વિકસિત કરવામાં સમર્પિત કરતા હોય છે. પરિવાર પણ આવો જ બની શકે છે. જૂના જમાનામાં આવા જ પરિવાર હતા. પરિવારને પોતાનું બધું જ સમર્પિત કરનાર સ્ત્રીને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે તેનું આ જ કારણ છે.
ગૃહલક્ષ્મી ઘરમાં રહેતી હોય છતાં આશ્રમની જેમ જીવન પસાર કરતી હોય છે. જો આત્મા અને સમર્પણથી સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે તો આ શક્ય બની શકે છે. અહીં પ્રેમ અને સમર્પણની ભાવનાથી પ્રયત્ન કરવાનો હોય છે. એવું નથી કે તમે તમારી ફરજોને છોડી, સંસારત્યાગ કરી ભગવાં વસ્ત્રો ધારણ કરી લો તો જ ઈશ્વર તમારા પર પ્રસન્ન થશે અને તમને સ્વીકારશે. પોતાના સ્વત્વને ધારણ કરી દરેક કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને ઘરમાં જ રહીને પોતાનાં કામો કરવાં જોઈએ.
જો કે આની સાથે-સાથે પોતાની અંદરથી પણ સત્ય શોધવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ભલે તમે એકલા રહેતા હો કે પરિવાર સાથે. જ્યાં સુધી તમારામાં દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી તેની સાથે તાદાત્મ્ય સાધવાની આત્મશકિત ખીલે ત્યાં સુધી તમારું જીવન સંપૂર્ણ અને આનંદમય બની શકશે નહીં. પરિવાર તો પ્રેમ, ત્યાગ, દયા અને સમર્પણની સંસ્થા છે. તેની ગરિમાને જાળવી રાખવા અને બધાની સાથે રહી, બધાનો ખ્યાલ રાખી પોતાના સ્વત્વને શોધવું એ જ વાસ્તવમાં મુક્તિનો સાચો માર્ગ છે.
પ્રવક્તા રાજીવ રૂડીના નામે પૈસા માગનાર આઉટ ઓફ કવરેજ એરિયા
ક્રાઇમ બ્રાન્ચે યુપી પોલીસનો સંપર્ક સાધી આરોપીની વિગતો આપી, વડોદરામાં છટકું ગોઠવાયું હતું પરંતુ ભેજાબાજ ગાયબ થઇ ગયો હતો
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીના નામે સુરત અને અમરેલીના સાંસદને ફોન કરી નાણાંની માગણી કરનાર ભેજાબાજ શખ્સ ભૂગર્ભમાં ઊતરી જતાં તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી શકી નથી. ફોન કરી નાણાંની માગણી કરનાર શખ્સનું લોકેશન ઉત્તરપ્રદેશનું મળતું હોવાના કારણે પોલીસને ફેકસ દ્વારા ઉત્તરપ્રદેશ પોલીસને વિગતો મોકલી આરોપીને ઝડપવા જાણ કરી છે.
મહિના પહેલાં કોઇ ભેજાબાજ શખ્સે સુરતના સાંસદ અને અમરેલીના સાંસદને ફોન કરી તે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડી બોલી રહ્યા હોવાનું જણાવી વડોદરામાં ફસાયેલા યુવકને ૩૦,૦૦૦ આપવા જણાવ્યું હતું. આ બાબતે રાજીવ પ્રતાપ રૂડીનો સંપર્ક સાધતાં તેમણે આવો કોઇ ફોન કર્યોહોવાની વાત નકારી કાઢી કોઇ શખ્સ તેના નામે સાંસદો સાથે છેતરપિંડીનો પ્રયાસ કરી રહ્યો હોવાનું જણાવતાં ભાજપ છાવણીમાં ચર્ચાનો વિષય બની હતી.અમરેલી અને સુરતના સાંસદે વડ઼ોદરાના સાંસદ બાળુ શુકલનો સંપર્ક સાધી સમગ્ર હક્કિત જણાવતાં ભેજાબાજ શખ્સને ઝડપી લેવા પોલીસે છટકું ગોઠવ્યું હતું, પરંતુ દુર્ગપાલસિંહના નામે ફોન કરનાર શખ્સ પોલીસ ઝડપી પાડે તે પહેલા જ ફરાર થઇ ગયો હતો.
પોલીસે મોબાઇલ ફોન નંબરના આધારે તપાસ કરતાં ફોન કરનાર શખ્સનું લોકેશન ઉત્તરપ્રદેશ જણાયું હતું અને તપાસમાં ફોન કરનાર દુર્ગપાલસિંહ મૂળ ઉત્તરપ્રદેશનો જ વતની હોઇ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક સાધી દુર્ગપાલસિંહને ઝડપી લેવા જણાવ્યું હતું. આ શખ્સ ઉત્તરપ્રદેશમાંથી ગાયબ થઇ જતાં તેને ઝડપવામાં સફળતા મળી શકી ન હતી.
કોઈ પણ સ્થિતિમાં શાંત-પ્રેમાળ વ્યવહાર રાખો
એક દેવદૂતે એક વ્યક્તિને જણાવ્યું કે તમારી જે ઇચ્છા હોય તે માગો. તે વ્યક્તિએ કહ્યું કે, હે પ્રભુ, મને આ દુનિયામાં સર્વત્ર દુ:ખ જ દેખાય છે, બસ એવું કંઈક કરી દો કે હું સુખી થઈ જઉ. દેવદૂતે તે વ્યક્તિને બે થેલી આપતા જણાવ્યું કે, પ્રથમ થેલીમાં તારા પડોશીની બૂરાઈઓ ભરેલી છે. તેને હંમેશાં તારી પીઠ પર રાખજે અને ક્યારેય ખોલીને જોતો નહીં.
બીજી થેલીમાં તારી બૂરાઈઓ ભરેલી છે. તેને હંમેશાં સામે રાખજે અને જોતો રહેજે. આમ કરવાથી તું કયારેય દુ:ખી નહીં થાય. તે બંને થેલીઓ લઈને ત્યાંથી જતો રહ્યો, પરંતુ ઉઠાવતી સમયે થેલીઓ બદલાઈ ગઈ. પોતાની બૂરાઈઓવાળી થેલી તેણે પીઠ પર નાખી દીધી અને પડોશીની બૂરાઈઓવાળી થેલીને ઘરે લાવીને ખોલીને મૂકી દીધી.
બસ પછી તો તે જ ક્ષણથી પડોશીઓ સાથે તેનો ઝઘડો થવાનું ચાલુ થઈ ગયો. કયારેક પડોશીના ઘરનો જરા અમથો કચરો પણ તેના ઘરના દરવાજા પાસે આવી જાય તો તે ઝઘડવા લાગતો અને કેટલીક વખત તો મામલો મારામારી સુધી પહોંચી જતો. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. એક રાતે તે જ દેવદૂત તેને સપનામાં દેખાયો.
તેણે પોતાની મુશ્કેલી જણાવી દેવદૂતે પૂછ્યું થેલીઓ કેમ બદલાઈ ગઈ? આ સાંભળીને તેણે પોતાની ભૂલ સુધારી નાખી અને બંધ થેલીને ખોલી નાખી તથા ખુલ્લી થેલીને બંધ કરી દીધી. પરિણામે તેનું જીવન સુખેથી પસાર થવા લાગ્યું કેમ કે હવે પડોશીઓની ભૂલો પર પણ તે શાંત રહેતો અને દરેક સ્થિતિમાં પ્રેમભર્યોવ્યવહાર કરતો હતો. કથાનો સાર એ છે કે બીજાની નિંદા કરવાથી મન અશાંત થઈ જાય છે. આથી નિંદાની વાત પર ચૂપ રહેવું અને માફી આપવાનો ગુણ સ્વીકારવો જોઈએ.
તમે પણ સુખ-શાંતિ માટે હનુમાન ચાલીસા કરો
સુખીસંપન્ન લોકો પણ એ જાણી નથી શકતા અને તેમનું જીવન વેરવિખેર થઈ જાય છે. કેટલાયનું તો આખું આયખું પસાર થઈ જાય છે તેને સરખું કરવામાં. ભારતીય સંસ્કતિની એ વિશેષતા છે કે આપણી પાસે કેટલાય એવા શાસ્ત્રો છે જેના માઘ્યમથી આપણું જીવન સુધારી શકીએ છીએ. આવું જ એક નાનકડું સાહિત્ય છે શ્રી હનુમાનચાલીસા.
વિદ્વાનોમાં એ બાબતે મતભેદ પ્રવર્તી રહ્યા છે કે હનુમાનચાલીસા તુલસીદાસજીએ લખ્યા છે કે નહીં. વિદ્વાનો ગમે તે કહે પરંતુ જનમાનસમાં, લોકમાન્યતામાં તો તે તુલસીદાસજીના નામે જ ઓળખાય છે. પોતાના બાળજીવનમાં તુલસીદાસજીએ હનુમાનચાલીસા લખ્યા હતા. એક બાળકે હનુમાનજી સાથે જે સીધી વાતચીત કરી હતી, હનુમાનચાલીસા તેનો જ એક ભાગ છે. એક બાળકનો પોકાર સાંભળીને હનુમાનજી તેની પંકિત-પંકિત, શબ્દે-શબ્દમાં ઊતરેલા છે.
હનુમાનચાલીસાની પંકિતઓ કોઈને પણ સુખ, શાંતિ,સફળતા પ્રદાન કરનારી છે. ભકતો માટે તો એક આખી આચારસંહિતા છે. હવે સમય આવી ગયો છે કે કરોડોના ગળાનો હાર એવા હનુમાનચાલીસા દરેકના શરીરના અંદર રહેલા સાત ચક્રોમાંથી પણ પસાર થાય. વર્ષોથી ભક્તિ કરી રહેલા લોકો પણ અશાંત જોવા મળે છે. ભક્તિને યોગ સાથે જોડવી પડશે, ત્યારે જ શાંતિ મળશે. હનુમાનચાલીસાને પ્રાણાયામ સાથે જોડવાથી ઘ્યાન સરળતાથી ઘટી જશે.
પ્રાણાયામ વાયુ નિયંત્રણનું વિજ્ઞાન છે અને હનુમાનજી વાયુના દેવતા છે. આ વાત યોગીઓ દ્વારા પણ સ્વીકારાયેલી છે. દેશ અને દુનિયામાં સવા કરોડ લોકોએ રામનવમીના દિવસે હનુમાનચાલીસાના પાઠ કર્યા છે. આથી ચોક્કસપણે વિશ્વશાંતિ અને વ્યકિતત્વ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનશે. પં. વિજયશંકર મહેતા
શિક્ષણમાં જ્ઞાન અને ભક્તિનું સંતુલન સાધો
ભણેલા-ગણેલા અને અભણમાં જે અંતર છે તેના પર વ્યાવહારિક રીતે ઘણી ઓછી ચર્ચા થતી હોય છે. શિક્ષિત વ્યક્તિમાં જો ભાવના અને સંવેદના નહીં હોય તો તેના જ્ઞાનનાં પરિણામ કંઈક બીજાં જ હશે, પરંતુ જો વ્યક્તિ અશિક્ષિત હોવા છતાં પણ લાગણીશીલ છે તો પરિણામ શિક્ષિત વ્યક્તિ કરતાં પણ શ્રેષ્ઠ મળે છે. આપણે ત્યાં સંતોના આવાં અનેક ઉદાહરણ છે જેમની પાસે શિક્ષણ નામે કંઈ જ ન હતું છતાં પણ તેમણે સમાજને એક નવી દિશા ચીંધી છે. કબીર ઓછું ભણેલા હતા. મીરાંની પાસે શિક્ષણની કોઈ ડિગ્રી ન હતી. દાદુ હોય કે નામદેવ ભક્તિકાળમાં કેટલાય સંતો પાસે વધુ શિક્ષણ નહતું, પરંતુ આ સંતોએ સમાજને જે આપ્યું છે તે અવિસ્મરણીય છે. તેમણે પુરવાર કરી દીધું છે કે અઘ્યાત્મિક થવા માટે વધુપડતા શિક્ષણની જરૂર હોતી નથી.
આજે ધર્મને ભાવના અને લાગણીઓથી દૂર હડસેલીને કર્મકાંડ સાથે એટલો બધો જોડી દેવાયો છે કે તેમાં લોકકલ્યાણનો ભાવ ગૌણ થઈ ગયો છે. ધર્મને પરંપરાઓમાં એટલો જકડી દેવાયો છે કે તેની રચનાત્મકતા જ પૂરી થઈ ગઈ છે. લાગણીઓ વગરનું જ્ઞાન બપોરના સૂર્ય જેવું હોય છે, જેમાં દેખાય છે તો બધું ચોખ્ખું જ, પરંતુ તેમાં તાપ વધારે હોય છે. શિક્ષણમાં જ્યારે લાગણીઓ ભાવનાપ્રધાન થઈ જાય છે તો મામલો ભક્તિ જેવો થઈ જાય છે.
જો જ્ઞાન ખરી બપોર જેવું ચોખ્ખું ચણાક છે તો ભક્તિ સાંજ જેવી છે. સાંજમાં રાતના આગમન પૂર્વેની ઝાંખપ હોય છે, પરંતુ સંઘ્યાનો પોતાનો એક અલગ નિખાર હોય છે. આથી જ હિન્દુ ધર્મમાં પૂજાનું એક નામ સંઘ્યા રાખવામાં આવ્યું છે. શિક્ષણને ભાવના, સંવેદનાઓ સાથે જોડીને રાખવું જોઈએ. જે શિક્ષણમાં જ્ઞાન અને ભક્તિનું સંતુલન હશે તે જ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ માટે ઉપયોગી બનશે.
– પં. વિજયશંકર મહેતા
મનના કિલ્લામાં પરમાત્મા થકી રહો સલામત
એક સાધુ કેટલાક જિજ્ઞાસુઓની વચ્ચે બેસીને વાતો કરી રહ્યા હતા. જિજ્ઞાસુઓ તેની પાસેથી પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી રહ્યા હતા. પ્રશ્ન કરનારા લોકોમાં કેટલાક ઉઘ્ધત લોકો પણ હતા. તેમાંથી એકે પૂછ્યું, જો કોઈ તમને ડંડો લઈને મારવા આવે તો તમે શું કરશો? સવાલ સાંભળીને સાધુ જોરથી હસી પડયા.
પછી બોલ્યા કે જયારે મારી સાથે આવું થશે તો હું મારા કિલ્લામાં જઈને બેસી જઈશ. પેલા ઉદ્ધત વ્યકિતએ પૂછ્યું, સારું, તો તમારો પોતાનો કિલ્લો પણ છે? બાબા બોલ્યા, હા.આથી પેલી ઉદ્ધત વ્યકિત અને તેના મિત્રો એવું સમજયા કે આ સાધુ તો પાખંડી છે. એક બાજુ આ સાધુ ખાલી હાથે જીવન જીવવાની વાતો કરે છે અને બીજી બાજુ પોતે કિલ્લાની સુખ-સાહ્યબી ભોગવી રહ્યા છે.
તેની પાસેથી તો નાણાં પડાવવા જોઈએ. એક દિવસ આ મિત્રોની ટુકડીએ સાધુને એકાંતમાં ધેરી લીધો અને તેને પૂછવા લાગ્યા કે બતાવ, તારો કિલ્લો કયાં છે? સાધુ બોલ્યો કે મિત્રો, મારો કિલ્લો એવી વસ્તુ નથી કે તમને બતાવવામાં મને ડર લાગે. જુઓ, આ છે મારો કિલ્લો. અને બાબાએ પોતાના હૃદય પર હાથ મૂકી દીધો.
એક દુષ્ટ બોલ્યો, મજાક કરી રહ્યા છો? બાબા બોલ્યા,મારું મન જ મારો કિલ્લો છે, જ્યારે હું તેમાં પ્રવેશું છું તો બાકીની દુનિયાથી અલગ થઈ જાઉ છું અને મારી જાતને સુરક્ષિત સમજું છું. અહીં મારી સાથે મારો પરમાત્મા હોય છે. જે વ્યકિત આ કિલ્લાનો મહિમા સમજતો નથી તે હંમેશાં અસલામત જ રહે છે. વાતનો ગૂઢાર્થ એ છે કે વ્યકિત પરમેશ્વરનો જ એક અંશ છે. જયારે તેનો આત્મા સંસારિક બંધનોમાંથી મુકત થશે તો તેને આપમેળે જ પરમાત્માનાં દર્શન થઈ જશે.
શાંત રહેવાનો ઉપાય : હંમેશાં હસતા રહો
જેલોકો અચૂક સફળતા મેળવવા માગે છે અને તેને લાંબા ગાળા સુધી જાળવી રાખવા પણ માગે છે તો તેમના માટે એક અઘ્યાત્મિક સૂત્ર ઘણું કામનું છે. તમામ ધર્મોમાં લગભગ તેમના દેવપુરુષોએ જવાબદારી પર સૌથી વધુ ભાર મૂકયો છે. જે લોકો જવાબદારીને સમજે છે, તેઓ સફળતા માટે હંમેશાં નક્કર પ્રયાસ કરશે.
માન-સન્માન મળવાથી પણ તેઓ પોતાનો મૂળ સ્વભાવ બદલતા નથી અને આથી આવા લોકો દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. ચાલો, મહાવીરના તે વચનને યાદ કરીએ ‘પરિનિવ્વુડે ચરે, ગામ ગએ નગરે વ સંજએ. સન્તિમગ્ગં ચ બૂહએ, સમયં ગોયમ! મા પમાયએ.’ બુદ્ધિજીવી બનીને સ્વભાવને નિયંત્રણમાં રાખીને ગામ કે નગરમાં ફરો. શાંતિના માર્ગને આગળ વધારો. હે ગૌતમ, પળવાર માટે પણ અભિમાન કરવું નહીં. મહાવીરના આ વાકયમાં અભિમાન શબ્દ ઘણો મહત્ત્વનો છે.
અભિમાન આળસ કરતાં પણ વધુ ખતરનાક છે. આળસમાં તો નિષ્ક્રિયતા જ સમાય છે, પરંતુ અભિમાનમાં વાસનાનો એક ભાગ પણ આવી જાય છે. મહાવીર કહે છે કે જે કામ કરો તેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. અશિક્ષિત વ્યકિત સફળતાના વિવિધ તબક્કાઓ સુધી પહોંચી શકતો નથી. મહાવીર બીજી વાત એ કહે છે કે શાંત રહેવું અત્યંત જરૂરી છે. વિપરીત વ્યકિત, પ્રતિકૂળ પરિસ્થિતિઓ, પોતાનું મનપસંદ કામ ન હોવું, આ બધું જ મનુષ્યને અશાંત કરે છે.
પરિણામે ક્રોધ-ગુસ્સાનો જન્મ થાય છે. દુર્ગુણો પ્રવેશવા માટે અશાંત મનને અત્યંત સુવિધાજનક માને છે. જે લોકો સંસારને સફળતા અને વિજયનો માર્ગ દેખાડવા માગે છે, તેમને સૌથી પહેલા આત્મવિજેતા બનવું પડશે. શાંત રહેવા માટેનો એક સરળ ઉપાય એ છે કે ગમે તેવી સ્થિતિ હોય, પણ હંમેશાં હસતા રહો. પં. વિજયશંકર મહેતા
સફળતા માટે યોગ્ય દિશામાં પ્રયત્નો કરતા રહો
યાસીન મોહમ્મદ એક ગામમાં ચાની દુકાન ચલાવતો હતો. તે મહત્ત્વાકાંક્ષી અને કર્મશીલ વ્યક્તિ હતો. એક દિવસ તેની દુકાને ગ્રામવિકાસના નિર્દેશક આવ્યા. તેમણે યાસીનને ગામમાં રિક્ષાચાલકોની એક સહકારી સમિતિ બનાવવાની સલાહ આપી. યાસીને જણાવ્યું કે અગાઉ પણ બે વખત સમિતિઓ બની હતી, પરંતુ બંને વખત તે તૂટી ગઈ હતી. હવે આવી સમિતિ પર કોઈ વિશ્વાસ નહીં મૂકે.
તેમણે દર મહિનાની ફકત એક આનો ફી રાખવાનું સુચન કર્યું. આટલી રકમ આપવામાં કોઈને વાંધો નહીં આવે અને ભ્રષ્ટાચાર આચરવાની તક પણ નહીં મળે. આ વાત યાસીનને ગળે ઊતરી ગઈ. તેણે તુરંત જ સમિતિની રચના કરી અને લોકોને પણ તેમાં વિશ્વાસ બેસવા લાગ્યો. ગામના લોકો સમિતિના સભ્ય બનવા લાગ્યા. રિક્ષાઓની સ્થિતિમાં પણ સુધારો થવા લાગ્યો.
આવક વધવા લાગી. ધીમે ધીમે સમિતિનું એક મોટું ફંડ બની ગયું. આ વ્યવસ્થા વીસ વર્ષ સુધી ચાલતી રહી. હવે સમિતિ ત્રણ ટ્રેકટર અને એક અનાજ લણવાના મશીનની માલિક બનવાની સાથે સાથે ગામમાં પ્રાથમિક અને માઘ્યમિક શાળા પણ ચલાવવા લાગી. ગામમાં રસ્તા પણ પાકા બની ગયા. આધુનિક સુવિધાઓથી સજજ સમિતિની પોતાની એક કચેરી પણ બની ગઈ.
આ રીતે ૨૨ કર્મચારીઓવાળી આ સમિતિએ ગામમાં કોઈને બેરોજગાર ન રહેવા દીધો. સાર એ છે કે જો આપણે યોગ્ય દિશામાં પ્રયાસ કરીએ તો ધરતીથી આકાશ સુધી પહોંચી શકીએ છીએ. બસ ઈસુ ખ્રિસ્તના આ શબ્દોને યાદ રાખવા પડશે, માગો- તમને મળી જશે, શોધ- તમે મેળવી લેશો, ખટખટાવો-દરવાજા આપમેળે જ ખૂલી જશે.
શુદ્ધ આચરણથી કરેલું કામ અંતે શાંતિ આપે છે
આજકાલ સફળતા મેળવવાનો લોકોને એક પ્રકારનો નશો ચઢેલો છે. કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ રહેવા માગતી જ નથી. ખાસ વાત તો એ છે કે જે લોકો નિષ્ફળ થાય છે તેઓ તો પરેશાન રહે જ છે, પરંતુ મોટા ભાગના લોકો સફળ થયા બાદ પણ અશાંત રહેતા હોય છે. અઘ્યાત્મ કહે છે કે શ્રદ્ધાવાળું મન કયારેય અશાંત નહીં રહે,આથી આપણે આપણા કામ પ્રત્યે શ્રદ્ધા પેદા કરવી પડશે. લગન અને શ્રદ્ધામાં પણ અંતર છે.
કોઈ પણ કામ પ્રત્યેની લગન જ્યારે વધુ ઊડી-ગાઢ બને છે ત્યારે શ્રદ્ધાનો જન્મ થાય છે અને શ્રદ્ધાનો અર્થ એ થાય છે કે આપણે આપણા ઉપરાંત એક એવા અસ્તિત્વનો સ્વીકાર કર્યોછે, જે આપણી સફળતા અને નિષ્ફળતાનાં પરિણામોને લઈને આપણી મદદ કરશે. બે ઉદાહરણ ઘ્યાનમાં લેશો તો વાત વધુ સ્પષ્ટ થશે. રામ અવતારમાં રામનાં દર્શન થઈ જવાં કોઈના પણ માટે મોટી સફળતા હતી, પરંતુ બે પાત્રો એવા થયાં છે જે રામનાં દર્શન બાદ પણ અશાંત રહ્યાં. શિવનાં પ્રથમ પત્ની સતી, જેમણે શ્રીરામને જોયા, પરીક્ષા લેવાનો વિચાર કર્યોઅને સીતાનું રૂપ ધારણ કરીને પરીક્ષા પણ લીધી.
અંતે તે અશાંત થઈ ગયાં. આ જ રીતે શૂર્પણખાએ પણ શ્રીરામનાં દર્શન કર્યાં અને તેણે પણ નાક-કાન કપાવવા પડ્યાં હતાં. રામદર્શન બાદ નિષ્ફળતા અને અશાંતિ શા માટે? આ એક મોટા સૂત્રની વાત છે. હકીકતમાં આ બંનેનો પ્રયાસ એ હતો કે રામને તેઓ પોતાની રીતે મેળવે. આ પદ્ધતિ અહંકાર અને વાસનામાં ડૂબેલી હતી. આપણે પણ આપણા જીવનમાં જ્યારે જ્યારે પોતાના લક્ષ્ય પ્રત્યે અહંકાર અને વાસના રાખીશું, પરિણામ આવું જ મળશે. શ્રદ્ધા એ તત્ત્વ છે જે તમારા ઇરાદાને શુદ્ધ કરે છે અને શુદ્ધ આચરણથી કરવામાં આવેલું કામ સફળતા કે નિષ્ફળતા બંનેમાં શાંતિ આપે છે. પં. વિજયશંકર મહેતા
દરેકના પ્રત્યે એકસરખો ભાવ રાખો
અડધી સદી કરતાં વધુ સમય પહેલાં પ્રખ્યાત સંત સાંઈબાબા થઈ ગયા. તેઓ શિરડીમાં રહેતા હતા. લોકકલ્યાણ કરતાં રહેવું અને ભગવાનનું ભજન-પૂજન કરતાં રહેવાનો તેમનો નિત્યક્રમ હતો. ત્યાં એક મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જેને સાંઈબાબાના શિષ્ય ઉપાસની બાબા સંભાળતા હતા. સાંઈબાબાએ તેમને પૂછ્યું, મંદિરમાં ભક્તો આવે છે કે નહીં? ઉપાસની બાબાએ નામાં જવાબ આપ્યો.
સાંઈબાબાએ કહ્યું કે સારું હું આવતો રહીશ. એક દિવસ ઉપાસની બાબા સાંઈબાબાને ભોજન આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને ભૂખથી વ્યાકુળ એક કૂતરો દેખાયો, પરંતુ તેઓ આગળ વધી ગયા. જયારે તે સાંઈબાબા પાસે પહોંરયા તો તેમણે જણાવ્યું કે અહીં સુધી આવવાની તકલીફ શા માટે લીધી? હું તો ત્યાં જ હતો.
ઉપાસની બાબા તેમનો સંકેત સમજી ગયા અને પોતાની ભૂલ સુધારવાનો નિશ્ચય કર્યો. બીજા દિવસે તે જયારે સાંઈબાબાની થાળી લઈને નીકળ્યા તો ફરી ભૂલી ગયા. રસ્તામાં એક ગરીબ અને બીમાર વ્યક્તિએ તેમની પાસે ભોજન માગ્યું, પરંતુ તેમણે ઘ્યાન આપ્યું નહીં અને સાંઈબાબાની પાસે પહોંચી ગયા. ત્યારે સાંઈબાબા બોલ્યા કે મેં તો રસ્તામાં જ તમારી પાસે ભોજન માગ્યું હતું. ત્યાં કેમ આપ્યું નહીં.
આ સાંભળીને ઉપાસની બાબાનું માથું શરમથી ઝૂકી ગયું ને તે સાંઈબાબાના પગમાં પડીને બોલ્યા, પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ. ભવિષ્યમાં હું બધાં જ પ્રાણીઓ પ્રત્યે એકસરખો જ ભાવ રાખીશ. લોકો ભગવાનની શોધ મંદિર,મસ્જિદમાં કરતાં હોય છે કે પછી સંત-મહાત્મામાં, પરંતુ સાચો ભગવાન તો મૂંગા પ્રાણીઓ અને દુ:ખી માણસોની સેવામાં જ વસે છે.
દરેક ધર્મ અને ધર્મસ્થળનું સન્માન કરો
ધર્માંધતાનો અર્થ એવો ન લેવો જોઈએ કે માણસ આંધળો થઈ ગયો છે. ધર્માંધતાનો અર્થ તો એ છે કે એક એવું આંધળાપણું જેમાં આપણી પાસે આંખો તો છે, પરંતુ આપણે તેને બંધ કરીને બેસી ગયા છીએ. આંધળો તો એમ પણ ધર્મના મામલે ક્ષમાયોગ્ય છે, પરંતુ આંખ હોવા છતાં પણ ન જોવામાં આવે તેને ધર્માંધતા કહે છે. ધર્મના મામલે અંદરની આંખ વધુ કામ કરે છે.
આ અંદરની આંખથી જ્યારે-જ્યારે પણ જોવામાં આવશે ત્યારે ત્યારે ધર્મના અર્થ જ બદલાઈ જશે. દરેક ધર્મસ્થળનું સન્માન કરવામાં આવે, પરંતુ તે અંદરની આંખથી જોવાથી જ થશે. જે સમયે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે એક લાંબુ ધર્મયુદ્ધ ચાલ્યું હતું ત્યારે જેરુસલેમ મુસ્લિમોના કબજામાં આવી ગયું હતું. તે સમયે ખલીફા ઉમર શાસક હતા.
તેમણે એ નિર્ણય સંભળાવ્યો કે શહેરનો એક ભાગ ખ્રિસ્તીઓના રહેવા, પૂજા કરવા અને વ્યવસાય માટે સુરક્ષિત રહેશે. તેના માટે ખ્રિસ્તી સમુદાયના લોકો હકૂમતને સોનાના બે સિક્કા આપતા હતા અને તેના બદલામાં હકૂમત ખ્રિસ્તી ધર્મનું સન્માન કરતી હતી.
ઇતિહાસમાં નોંધાયેલું છે કે ખ્રિસ્તીઓએ ખલીફા ઉમરને અરજ કરી હતી કે તેઓ ચર્ચમાં આવીને નમાજ પઢે, પરંતુ ખલીફા તેના માટે એટલે રાજી ના થયા કે જો તેમણે તે ચર્ચમાં નમાજ પઢી તો આવનારા સમયમાં તેમના ધર્મના લોકો તેને મસ્જિદમાં ન બદલી નાખે. ખલીફા ઉમરનો આ નિર્ણય લોકો આજે પણ યાદ કરે છે.
દરેકને પોતાનો ધર્મ વહાલો હોય છે. ધર્મ પરમશક્તિ પરમાત્મા સુધી પહોંચવાનું એક માઘ્યમ છે. આથી એકબીજાના ધર્મસ્થળનું સન્માન કરવું એ આપણા પોતાના ધર્મનું સન્માન કરવા જેવું છે, નહીંતર ધર્માંધતા તે પરમશકિતને પણ જોવા નથી દેતી જેના નામ પર ધર્મ ચલાવવામાં આવે છે. -પં. વિજયશંકર મહેતા.
નૈતિક્તાની વાતો નહીં તેનો અમલ પણ કરવો જોઈએ
એક મહાત્મા ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. ગામે-ગામ ફરીને પોતાના શિષ્યોની સાથે પ્રેમ અને ભાઈચારાનો ઉપદેશ આપી રહ્યા હતા. આ રીતે ફરતાં-ફરતાં તેઓ એક ગામમાં પહોંચ્યા જયાં હિન્દુ-મુસ્લિમ વિવાદ ચાલી રહ્યો હતો. મહાત્માના આવતાં પહેલાં ગામના બંને સમુદાયમાં મારામારી થઈ ચૂકી હતી. કેટલાય ઘાયલ થયા હતા તો કેટલાય જેલની હવા ખાઈ રહ્યા હતા.
મહાત્મા બે દિવસ સુધી ગામમાં રોકાયા અને લોકોને સમજાવીને વિવાદને ઠંડો પાડયો. જયારે ત્યાંના હિન્દુ અને મુસ્લિમોએ સંયમ પ્રાપ્ત કરી લીધો તો મહાત્માએ બીજા ગામ તરફ પ્રસ્થાન કર્યું. એ ગામમાં હિન્દુ અને ખ્રિસ્તી વચ્ચે વિવાદ ચાલતો હતો. મહાત્માએ અહીં પણ વિવાદમાં સમાધાન કરાવ્યું એટલે ત્યાંના ચર્ચના પાદરીએ તેમનો આભાર માન્યો અને ચર્ચમાં આવવા માટે આમંત્રણ આપ્યું.
મહાત્મા પાદરી સાથે ચર્ચમાં ગયા અને પાદરીએ તેમને આખું ચર્ચ બતાવ્યું. પછી ઇસુ ખ્રિસ્તની એક મૂર્તિ બતાવતા પાદરી બોલ્યા, જુઓ આમના ચહેરા પર કેટલી શાંતિ છે. ઇસુ ખ્રિસ્તે જણાવ્યું છે કે દુશ્મન પ્રત્યે પણ મિત્રભાવ રાખો. ત્યારે મહાત્માએ જણાવ્યું કે ફાધર, મહાવીર સ્વામીએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે કોઈને દુશ્મન માનવો જ ન જોઈએ.
પરંતુ ઈસુ અને મહાવીરના ભક્તો આ વાત કયાં માને છે? જે ધર્મના નામે તેઓ જીવ લેવા-આપવા માટે તત્પર રહે છે, તે જ ધર્મના નામે તેઓ પ્રેમ, શાંતિ અને ભાઈચારાથી રહી શકે છે. સાર એ છે કે આપણે નૈતિકતાની વાતો તો બહુ કરતા રહીએ છીએ પરંતુ અમલમાં કયારેય મૂકતા નથી. સદ્વિચારોને આચરણમાં મૂકવામાં આવે ત્યારે જ આદર્શ સ્થિતિનું નિર્માણ થઈ શકશે.
ખુદના અસ્તિત્વનો અર્થ જાણો, પરમસુખ મળશે
બધાં જ સુખ મળી જાય અને તોપણ વ્યક્તિને શાંતિ ના મળે તેનું ઉદાહરણ રાવણ છે. લંકામાં તેની પાસે શું ન હતું ? ‘સુખ, સંપત્તિ સુત સેન સહાઈ, જય પ્રતાપ બલ બુદ્ધિ બઢાઈ. નિત નૂતન સબ બાઢત જાઈ, જિમિ પ્રતિલાભ લોભ અધિકાઈ.’ એટલે કે સુખ, સંપત્તિ, પુત્ર, સેના, સહાયક, જય, પ્રતાપ, બલ, બુદ્ધિ અને અભિમાન, આ બધું જ તેની પાસે રોજેરોજ વધતું જતું હતું, જેમ કે દરેક નફામાં લોભ વધતો જતો હોય છે.
ભૌતિક પ્રગતિનાં આ લક્ષણોને કોઇ ઇચ્છતું નથી. આજે આપણે પણ આ બધું જ મેળવવા માગતા હોઈએ છીએ. આ દસ વસ્તુઓ વધતી જતી હોવા છતાં પણ રાવણને અસંતોષ હતો. તેણે વિચાર કર્યોકે હવે લંકામાં સીતાને લાવવી જોઈએ. સીતા સમાજની ભક્તિ, શક્તિ અને શાંતિનાં પ્રતીક છે. પોતાની પાસે બધું જ હોવા છતાં વ્યક્તિ બીજાની શાંતિ, શક્તિ અને ભક્તિ મેળવવાની ફિરાકમાં હોય છે. સીતાજી લંકામાં હતાં પણ રાવણ તેને મેળવી શકયો ન હતો.
રાવણે બધું જ પોતાની મહેનતથી મેળવ્યું હતું, આમ છતાં પણ તેની કયાં ભૂલ રહી ગઈ. વ્યક્તિ આખી દુનિયાને જાણી લે છે પરંતુ પોતાને ઓળખી શકતો નથી. જયાં સુધી આપણે આપણા અસ્તિત્વનો અર્થ નહીં જાણી લઈએ, ત્યાં સુધી દુનિયાભરના અર્થ જાણી લઈશું તોપણ અશાંત જ રહીશું. પુરુષાર્થના શાબ્દિક અર્થમાં પુરનો ઉલ્લેખ છે. પુર એટલે નગર. જે નગરમાં રહે છે તે પુરુષ છે.
જે પુરુષ પોતાના હોવાનો અર્થ જાણી લે છે તે જ તેનો સાચો પુરુષાર્થ છે. આપણા શરીરમાં કરોડો જીવાણુઓ છે. આપણું શરીર એક આખા શહેર જેવું છે. તેમાં રહેલો આત્મા એક પુરુષ જેવો છે. આપણે આ પુરુષનો જ અર્થ જાણવાનો છે અને જયારે આપણે એ જાણી લઈશું જે ભૌતિક જગતમાં મેળવેલું છે તો પછી તે આપણને અશાંત નહીં કરે. – પં. વિજયશંકર મહેતા
સારી પ્રેરણાથી સત્કાર્યની શ્રેણી શરૂ થાય છે
વર્ષ ૧૯૨૧ની વાત છે. મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનની લહેરમાં દેશના કેટલાય નવયુવાનોએ દેશસેવાના પ્રણ લીધા હતા. આ બધામાં અલ્હાબાદના પ્રતિભાશાળી વકીલ જવાહરલાલ નેહરુ પણ હતા. તે રાજર્ષિ પુરુષોત્તમદાસ ટંડનની સાથે દિવસ-રાત રાષ્ટ્રકાર્યમાં જોડાયેલા રહેતા હતા. એક વખત તેમને ઘરે પાછા ફરવામાં ત્રણ દિવસ લાગી ગયા. ત્યારે પિતા પં.મોતીલાલ નેહરુ ટંડનજીના ઘરે પહોંરયા. તેમણે ટંડનને નિવેદન કર્યું કે હું મારા જવાહરની તમારી પાસે ભીખ માગું છું.
ટંડને મોતીલાલને આશ્વાસન આપીને વિદાય કર્યા અને જવાહરલાલને સમજાવ્યા કે જે પિતાનીઆજ્ઞાનું પાલન કરવું તમારી પહેલી ફરજ છે. આ સાંભળીને જવાહર બોલ્યા, બાબુજી, દેશની ગરીબી અને અંગ્રેજો દ્વારા થતું શોષણ મારાથી નથી જોવાતું. મને જે કામમાં રસ છે તે જ કરીશ. આથી ટંડનજીએ મોતીલાલને સમજાવ્યા કે તમે નામ અને ધન ખૂબ કમાયાં છે.
હવે તમે તે કરો જેનાથી તમને તમારો જવાહર મળી જાય. તમે રાજકારણમાં આવી જાવ અને દેશસેવા કરો. ત્રણ દિવસ બાદ અખબારોમાં પ્રકાશિત થયું કે અલ્હાબાદના પ્રખ્યાત વકીલ મોતીલાલ નેહરુએ વકીલાત છોડીને રાજકારણમાં ઝંપલાવ્યું છે. સમાચાર વાંચતાની સાથે જ જવાહરલાલ ટંડનની પાસે જઈને બોલ્યા કે બાબુજી, તમે એવો તો કયો જાદુ કરી નાખ્યો? ત્યાર બાદ બંને ત્યાંથી સીધા આનંદભવન દોડી ગયા. માતા-પિતાએ જવાહરને ગળે લગાડી દીધો. સાચી વાત છે કે દીપથી દીપ સળગે છે. એટલે કે સારી પ્રેરણાના બળે સત્કાર્યોનો સલિસિલો ચાલુ થઈ જાય છે અને તે સંપૂર્ણ સમાજ તેમની દિવ્ય આભાથી ઝગમગી ઊઠે છે.
ફળની આશા વિના સાચા મનથી પ્રાર્થના કરો
ખુદાની બંદગી આપણો સ્વભાવ હોવો જોઈએ, મજબૂરી નહીં. જે દિવસે ઇબાદત સ્વભાવ બની જાય છે તે પરમશક્તિએ પછી ઇબાદત કરનારાના પ્રેમબંધનમાં બંધાવું જ પડે છે. ફકીરોએ આ કારણે જ ફકત ભકિત કરી છે, કોઈ પણ જાતનો હિસાબ-કિતાબ રાખ્યો નથી. ખુદા છે એટલા માટે ઇબાદત કરી રહ્યા છીએ અને અમે તો ફકત ઇબાદત કરી રહ્યા છીએ, ખુદા છે કે નહીં તેની ખબર નથી.
ઇબાદત કરતા રહેવું એ અમારો સ્વભાવ છે. આ બંને વાતોમાં અંતર છે. શાહશુજા નામના ફકીરે પોતાની પુત્રીના લગ્ન બાદશાહ સાથે ન કરતાં એક ખુદાના મિત્ર દરવેશ (ફકીર) સાથે કરી દીધા. પુત્રી પણ કમાલની હતી. ગરીબ ફકીર સાથે નિકાહ કર્યા બાદ શાહશુજાની પુત્રી જ્યારે તેના પતિની ઝૂંપડીમાં પહોંચી તો જોયું કે એક વાસણમાં સૂકા રોટલાનો ટુકડો અને પાણી મૂકેલું હતું. દુલ્હને પાછા પોતાના પિતાની પાસે જવાની વાત કરી.
તેના પતિએ જણાવ્યું કે હું જાણતો હતો કે તું આ ગરીબ ઘરમાં નહીં રહી શકે. શાહશુજાની પુત્રીએ કમાલનો જવાબ આપ્યો. હું મારા પિતાને ફરિયાદ કરવા માગું છું કે તેમણે મને વચન આપ્યું હતું કે મારા નિકાહ કોઈ સંયમી વ્યક્તિ સાથે કરશે, પરંતુ નિકાહ તો એક એવી વ્યક્તિ સાથે થયા છે જે અલ્લાહનો આભાર માનવાવાળો છે એ બીજા દિવસ માટે ખાવાનું મૂકી રાખે છે.
તેને પરવરદિગાર પર જરા પણ વિશ્વાસ નથી. રોટલાનો આવો ટુકડો રાખવો ખુદાની ઇરછા વિરુદ્ધનું છે. ત્યારે દરવેશને સમજાયું કે ઇબાદતનો આવો પણ એક રંગ હોય છે. અહીં ઇબાદત સ્વભાવ બની ગઈ, હિસાબ-કિતાબ નહીં. એટલે કે ભગવાનની પ્રાર્થના કરતા સમયે નફા-નુકસાનનો હિસાબ કયારેય કરવો નહીં કે ફળની અપેક્ષા રાખવી નહીં. ખુદાની બંદગીમાં સ્વાર્થને સ્થાન આપવું નહીં. -પં. વિજયશંકર મહેતા
સદ્દગુણોનો પ્રચાર કરો, સારાને મદદ કરો
રાજસ્થાનમાં રાણા પ્રતાપ ઉપરાંત રઘુપતિસિંહ જ એકમાત્ર સૈનિક હતો જે અકબર સામે ઘૂંટણ ટેકવા માટે તૈયાર નહોતો. તે રાણા પ્રતાપની મદદ કરતો રહેતો હતો. તેના ઘરે પહેરો ગોઠવી દેવાયો હતો, પરંતુ તે ઘરે આવતો જ નહતો. ગુપ્તચર જ તેને તેના ઘરના સમાચાર આપતા હતા. એક વખત તેનો પુત્ર વધુ બીમાર થઈ ગયો. પુત્રની બીમારી જયારે વધી ગઈ તો તેણે ઘરે જવાનો નિર્ણય લીધો.
એક સાંજે તે જયારે પોતાના ઘરે પહોંચ્યો તો ઘરની બહાર ઉભેલા સિપાહીઓએ તેને પકડી લીધો. ત્યારે રઘુપતિએ જણાવ્યું કે જુઓ મારો પુત્ર અત્યારે વધારે બીમાર છે. મને એક વખત તેને મળવા દો, પછી હું મારી જાતને તમને સોંપી દઈશ. સિપાહીઓને દયા આવી ગઈ. તેમણે રઘુપતિને અંદર જવા દીધો. બહાર સેનાપતિને રઘુપતિના ઘરે આવવાના સમાચાર મળ્યા.
તેમણે આવીને ઘરે પહેરો ભરી રહેલા સિપાહીઓને પૂછ્યું તો તેમણે સાચી વાત જણાવી દીધી. ત્યારે સેનાપતિએ રઘુપતિસિંહની સાથે-સાથે પેલા સિપાહીને પણ કેદ કરી લીધો. રઘુપતિસિંહે સેનાપતિને પેલા સિપાહીને છોડી દેવા આગ્રહ કર્યો, પરંતુ તે માન્યો નહીં. બંનેને અકબરની સમક્ષ હાજર કર્યા.
અકબરે સિપાહીને ઉદ્દેશીને બોલ્યા કે તારા મનમાં દયા આવી એટલે કે તું પહેલા ખુદાનો બંદો છે અને પછી બાદશાહનો સિપાહી. હું ખુશ થયો. જા તારું કામ કર. પછી તેણે રઘુપતિને કહ્યું, હું તારી બહાદુરી અને માણસાઈથી અભિભૂત થયો છું. એમ કહીને તેને પણ છોડી દીધો. એટલે કે ત્રણ વાતો માનવી અને રાષ્ટ્રહિતમાં સિદ્ધમંત્ર છે- સદગુણોની શકિતનો પ્રચાર કરવો, શંકાથી મુકત થવું તથા સારા લોકોની મદદ કરવી.
લક્ષ્યપ્રાપ્તિ માટે શક્તિ ઉપરાંત જાગૃતિ રાખવી જોઈએ
લક્ષ્ય ભૌતિક હોય કે આઘ્યાત્મિક, બધા જ પોતપોતાની મંજિલ પસંદ કરે છે અને ત્યાં પહોંચવા માગે છે. બધાએ પોતપોતાના રસ્તા પકડી લીધા છે, પરંતુ મંજિલ પર કેટલાક લોકો જ પહોંચે છે. લાખો લોકો ચાલે છે, પરંતુ પહોંચે છે કોઈ એક. સીતાને શોધવા માટે કેટલાય વાનર નીકળ્યા હતા, પરંતુ પહોંચ્યા એકલા હનુમાન.
મહાભારતના કુરુક્ષેત્રમાં અઢાર અક્ષૌહિણી સેના હતી, પરંતુ વિજયના લક્ષ્ય પર પાંચ પાંડવો જ પહોંચ્યા. બુદ્ધ, મહાવીરની આજુબાજુમાં મોટી સંખ્યામાં શિષ્યો રહેતા હતા, પરંતુ તેમના નજીક તો કેટલાક જ પહોંચી શકયા હતા. સાચી વાત તો એ છે કે જયારે તમે પહોંરયા જ નથી તો પછી ચાલવું કેવું. મંજિલ પર પહોંચવા માટે જાગીને ચાલવું પડે છે.
તેના માટે જાગૃત થવું પડશે. જાગૃત થયા બાદ જીવનમાં દરેક પળે થતાં પરિવર્તનને આપણે જાણી શકીએ છીએ તેમાં દરેક પળે નવું ઘટી રહ્યું છે અને જાગૃત થતાં જ આપણે નવી વસ્તુ સાથે જોડાતા જઈએ છીએ. જીવનમાં આવતાં પરિવર્તન સાથે આપણી જાતને પણ બદલતા રહેવી જોઈએ. જાગૃત રહેવાનો અર્થ એ છે કે આપણે એ વાતોનો સદુપયોગ કરી લઈએ જે જીવનમાં આવે છે.
જેવી રીતે લક્ષ્ય સુધી પહોંચવા માટે કામ, ક્રોધ, મદ અને લોભ સાથે પળે-પળે સામનો થાય છે. જેમની આંખો ખુલ્લી રહે છે, જે ભાનમાં હોય છે તેઓ કામને પરિશ્રમમાં બદલી નાખશે, ક્રોધને શિસ્તમાં બદલીને ઉપયોગ કરી શકશે, મદથી સર્જનની ઊર્જા પેદા કરી લેશે અને લોભથી દાનવૃત્તિને પ્રેરિત કરી સેવા કરી શકશે.
મંજિલ પર પહોંચવાની સફળતા માટે શક્તિ, ઊર્જા ઉપરાંત સમજદારીની પણ જરૂર પડે છે અને આ સમજદારીનું નામ જ જાગૃતિ છે. જાગૃત રહેવાથી આપણે જાણી જઈએ છીએ કે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. પં. વિજયશંકર મહેતા
કામ કરવું હોય તો રસ્તા આપોઆપ ખૂલી જાય છે
સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની વીર સાવરકર જયારે આંદામાન જેલમાં હતા ત્યારે તેમની પાસે કાગળ કે કલમ ન હતી. તેમના સર્જનાત્મક માનસમાં કેટલાય વિચારો આવતા, પરંતુ તેને લખવા કેવી રીતે? એક દિવસ આવી જ રીતે તેઓ એકાંતમાં બેસીને વિચારી રહ્યા હતા ત્યાં જ તેમને આ સમસ્યાનું સમાધાન મળી ગયું.
તેમના જ શબ્દોમાં, ‘કાગળ-પેન્સિલ વગર સવાલ જન્મ્યો કે હું ટિપ્પણી કેવી રીતે લખું? હું આ બાબત અંગે વિચારી રહ્યો હતો, ત્યાં જ મારી નજર સામેની દીવાલ પર પડી. જેલની આ સફેદ, લાંબી દીવાલો કાગળ છે અને ઝાડનો કાંટો કલમ.’
વીર સાવરકર કાંટાથી દીવાલ પર લખતા જતા અને પછી પોતાની પાસે રાખેલી ખીલીથી તેને કોતરતા જતા. કોટડીનો દરવાજો બંધ થવાની સાથે જ તેમનું લખવાનું ચાલુ થઈ જતું. જેલની એક-એક દીવાલ, એક-એક ગ્રંથ બની ગઈ હતી. કમલા મહાકાવ્યની રચના તેમણે આ સાત દીવાલો પર જ લખી હતી.
એક દીવાલ પર અર્થશાસ્ત્રની મહત્વની વ્યાખ્યાઓ લખી હતી. જુદા-જુદા રૂમની દીવાલો પર લખવાનો તેમનો ઉદ્દેશ્ય એ હતો કે દરેક મહિને જયારે કેદીઓની અદલા-બદલી થાય તો તેમને નવી-નવી માહિતી મળે. દીવાલના આ ગ્રંથોનું આયુષ્ય માત્ર એક વર્ષનું રહેતું, કેમકે વર્ષમાં એક વખત જેલની દીવાલોને રંગવામાં આવતી હતી. આ સમય દરમિયાન સાવરકર દીવાલ પર લખેલી બધી જ વાતોને ગોખી નાખતા હતા.
કથાનો સાર એ છે કે, જ્યારે કોઇ કામની ઇચ્છા થાય તો તેનો માર્ગ પણ આપમેળે જ ખૂલી જાય છે. સંસાધનની અછતનું રોદડું રડતા રહેતા લોકો માટે સાવરકર પ્રેરણારૂપ છે.
ક્યારેક ભય પણ જીવનમાં માર્ગ બતાવે છે
કેટલીક વખત શિસ્ત અને સો ટકા પરિણામ મેળવવા માટે જીવનમાં ભય હોવો પણ જરૂરી છે. સુગ્રીવના આદેશ પર વાનરોની ટુકડી સીતાની શોધ માટે નીકળી પડી હતી. એક મહિનાનો સમય તો કોઈ પણ જાતના સારા-ખોટા સમાચાર વગર જ પસાર થઈ ગયો. તેમના પાછા ફરવાનો સમય પણ પૂરો થઈ ગયો હતો, પરંતુ સીતાની કોઈ જ ભાળ મળી ન હતી.
અંગદે બધાં જ વાનરોને જણાવ્યું કે, હવે શું કરવું, આપણે આપણા કામમાં સફળ થયા નથી, આથી આપણે જીવથી હાથ ધોવાનો વારો આવશે. કારણ એ હતું કે નિષ્ફળ થનારા વાનરોને સુગ્રીવ કઠોર સજા ફટકારતા હતા. બધાએ નક્કી કર્યું કે નિષ્ફળ પાછા ફરવાના બદલે સારું છે કે આપણે અહીં જ જીવનો ત્યાગ કરી દઈએ.
ત્યારે હનુમાન બોલે છે કે, જીવ ત્યાગવા કરતાં તો સારું છે કે આપણે આપણું કામ પૂરું કરીને જ પાછા ફરીએ. આ રીતે અસુરક્ષાના ભાવથી પ્રેરિત થઈને વાનરોની ટુકડી સીતાની શોધમાં ફરીથી લાગી જાય છે અને અંતે તેમાં સફળતા મેળવે છે.
સુગ્રીવ જ્યારે શ્રીરામનું સીતા શોધવાળું કામ ભૂલી ગયા, ત્યારે શ્રીરામે લક્ષ્મણને જણાવ્યું હતું કે, ખજાનો, નગર અને સ્ત્રી મેળવીને સુગ્રીવ મારું કામ ભૂલી ગયા છે. જે બાણથી મેં વાલીની હત્યા કરી હતી, તે જ બાણ મેં સુગ્રીવને માર્યું હતું. લક્ષ્મણજી સુગ્રીવના દરવાજે પહોંચ્યા અને ગર્જના કરી.
ત્યારે સુગ્રીવને પશ્ચાત્તાપ થયો અને તેમણે શ્રીરામને જણાવ્યું કે, હે નાથ વિષયના જેવું કોઈ અભિમાન નથી. તે મુનિઓના મનમાં પણ પળવારમાં મોહ પેદા કરી દે છે (આમ છતાં પણ હું તો વિષયી જીવ છું). પોતાની આ ભૂલ માટે સુગ્રીવે માફી માગી અને પછી સીતાની શોધ માટે તેમણે વાનરોની ટુકડી મોકલી. શ્રીરામનો આ જરા અમથો ભય સુગ્રીવને સીધા માર્ગે લઈ આવ્યો.
ગુરુ પ્રત્યેની શ્રદ્ધા દ્વારા પરમાત્મા સુધી પહોંચાય
પરમાત્માને મેળવવાની યાત્રામાં ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ સમજવો જરૂરી છે. આ સંબંધ બની જાય અને તેને સમજવામાં ન આવે તો પણ સંબંધ બેકાર થઈ જાય છે. શ્રદ્ધા એ તત્ત્વ છે જે આ સંબંધને સમજાવે છે. આ સંબંધમાં એક વિચિત્ર વાત એ છે કે જો શિષ્યમાં શ્રદ્ધા છે અને તેના ગુરુ યોગ્ય ન હોય તો પણ શિષ્ય પોતાના લક્ષ્ય પર પહોંચી જશે અને જો ગુરુ વધુ યોગ્ય છે પરંતુ શિષ્યમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધામાં જરા પણ અભાવ હશે તો તે ચૂકી જશે.
પરમાત્માને મેળવવાની લતમાં સારામાં સારા સાધક પણ થાકી જાય છે અને વર્ષોસુધીની સાધનાની યાત્રા કર્યા બાદ પણ માર્ગથી ભટકી જાય છે. હનુમાનચાલીસાની ૨૭મી ચોપાઈમાં તુલસીદાસજીએ ‘જય જય જય હનુમાન ગોસાઈ, કપા કરહૂં ગુરુદેવ નાઈ’ લખીને તે હાથને જ પકડયો છે. હનુમાનજી તુલસીના જીવનમાં ગુરુ બનીને ઉતર્યા છે. એ તો તુલસીદાસજીની શ્રદ્ધા હતી કે તેમણે હનુમંતને ગુરુ બનાવવા પડયા. જેના જીવનમાં શ્રદ્ધાનો વાસ થતો હોય તે વ્યકિત ઘણી હિંમતવાળી હોય છે. તેઓ ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધને ના સમજે તેવા કાયર નથી.
જેમના જીવનમાં ગુરુનું આગમન થાય છે તેઓ અત્યંત ભાગ્યશાળી હોય છે. જીવનમાં ગુરુને મેળવવા ભગવાનને પ્રાર્થના કરો. એક દિવસ તમારા જીવનમાં ગુરુનો પ્રવેશ થશે. જો ન થાય તો પણ હનુમાનજીના સ્વરૂપમાં એક ગુરુ તો સરળતાથી હાજર છે જ. પં. વિજયશંકર મહેતા
પ્રયાસો જારી રાખનારને સફળતા મળે છે
ભગવાન બુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા હતા. તેમણે શરીરને કષ્ટ આપ્યું, ગામે-ગામની મુસાફરી કરી, ગાઢ જંગલોમાં કપરી સાધના કરી પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નહીં. એક દિવસ નિરાશ થઈને બુદ્ધ વિચારવા લાગ્યા કે મેં હજુ સુધી કશું પણ મેળવ્યું નથી. હવે આગળ શું કરી શકીશ? નિરાશા, અવિશ્વાસના આ નકારાત્મક ભાવોએ તેમને અવાચક કરી દીધા.
થોડી વાર બાદ તેમને તરસ લાગી. તેઓ થોડે દૂર આવેલા એક તળાવ નજીક પહોંરયા.જેમાં એક ખિસકોલીનાં બે બચ્ચાં તળાવમાં ડૂબતા હતાં. પહેલાં તો આ ખિસકોલી જડ થઈને બેસી રહી, પરંતુ થોડા સમય બાદ તે તળાવ કિનારે પહોંચી અને પોતાનું આખું શરીર પાણીમાં પલાળ્યું અને પછી બહાર આવીને તે પાણી ખંખેરવા લાગી. આવું તે વારંવાર કરવા લાગી.
બુદ્ધ વિચારવા લાગ્યા, આ ખિસકોલીનો પ્રયત્ન કેટલો મૂર્ખાઈભરેલો છે. શું આમ કરીને તે કયારેય આખું તળાવ ખાલી કરી શકશે? પરંતુ ખિસકોલી તો પોતાનું કામ કરી જ રહી હતી. છેવટે બુદ્ધને સમજાયું કે કોઈ પણ સંજોગોમાં નિરાશ થવું જોઈએ નહીં. નાનકડી ખિસકોલીએ ભગવાન બુદ્ધને તેમના લક્ષ્ય-માર્ગથી ગેરમાર્ગે દોરાતાં બચાવી લીધા.
તેઓ વિચારવા લાગ્યા કે જયારે આ ખિસકોલી આખા તળાવને સૂકવી નાખવા માટે દ્દઢ સંકિલ્પત હોય તો મારામાં શું કમી છે? હું તો તેનાથી એક હજાર ગણી ક્ષમતા રાખું છું. આમ વિચારી ગૌતમ બુદ્ધ ફરીથી પોતાની સાધનામાં લાગી ગયા અને એક દિવસ બોધિવૃક્ષ નીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. કથા નિષ્ફળતા બાદ પણ સતત પ્રયત્નો ચાલુ રાખવા પર ભાર મૂકે છે. જો પ્રયત્નો કરવાનું નહીં છોડીએ તો એક દિવસ લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત થશે.
આત્મજ્ઞાનથી જ પરિવર્તન સંભવ છે
એક યુવાન સંન્યાસી જ્ઞાનની પ્રાપ્તિ માટે એક વૃદ્ધ સંન્યાસીના આશ્રમમાં આવ્યો. તે હંમેશાં વૃદ્ધ સંન્યાસીની સાથે રહેવા લાગ્યો. બે-ચાર દિવસના સહપ્રવાસમાં જ તેને એવો અહેસાસ થવા લાગ્યો કે આ વૃદ્ધ સંન્યાસી ખાસ જ્ઞાન ધરાવતા નથી. આથી તેણે વિચાર્યું કે આ આશ્રમને છોડી દેવો જોઈએ અને કોઈ જ્ઞાની ગુરુની શોધ કરવી જોઈએ, પરંતુ તે જ દિવસે એક બીજો સંન્યાસી તે આશ્રમમાં આવ્યો. યુવાન સંન્યાસી વધુ એક રાત રોકાઈ ગયો. રાત્રે આશ્રમમાં બધા જ સંન્યાસી ભેગા મળ્યા અને તેમના વચ્ચે ચર્ચા થઈ.
નવા સંન્યાસીએ એવી જ્ઞાનભરેલી વાતો કરી કે પેલા યુવાન સંન્યાસીને લાગ્યું કે ગુરુ હોય તો આવો જ હોવો જોઈએ. બે કલાકની વાતચીતમાં જ તે તેનાથી પ્રભાવિત થઈ ગયો. જ્યારે ચર્ચા પૂરી થઈ તો નવા સંન્યાસીએ વૃદ્ધ સંન્યાસી ગુરુને પૂછ્યું, તમને મારી વાતો કેવી લાગી? ગુરુ બોલ્યા, તારી વાતો? વાતો તો તું કરી રહ્યો હતો, પરંતુ એ તારી ન હતી.
તારી પોતાની તો કોઈ વાત હતી જ નહીં. જે તેણે ચારે બાજુથી મેળવ્યું હતું, તેને જ બહાર કાઢી રહ્યો હતો. બહારથી જે અંદર ઉતારવામાં આવે અને પછી ફરી તેને બહાર કાઢવામાં આવે તેમાં તો ઊલટીની દુર્ગંધ આવે છે. તારા અંદર રહેલા પુસ્તકો, શાસ્ત્રો બોલી રહ્યા હતા, તું તો જરા પણ નહોતો બોલી રહ્યો.
યુવાન સંન્યાસી જે આશ્રમ છોડીને જતા રહેવાનું વિચારતો હતો, તે ત્યાં જ રોકાઈ ગયો. ગુરુની વાતોએ તેને આત્મજ્ઞાન કરાવી દીધું. એટલે કે જાણવા-જાણવામાં ઘણું અંતર હોય છે. અસલ જાણવું તો તે છે જેનો જન્મ અંદરથી થાય છે. બહારથી જે એકઠું કરવામાં આવે છે તે તો બંધન થઈ જાય છે, તેનાથી જીવનમાં પરિવર્તન સંભવ નથી.
મોતનો ભય છોડો અને ઉલ્લાસથી જીવન જીવો
જીવનમાં એક અજ્ઞાત ભય એવો છે જે દેખાય પણ છે, પરંતુ છે સૌથી મોટો અને તે છે મૃત્યુનો ભય. વય, મત્યુ અને જીવન, આ ત્રણેય બાબતોમાં સંસારી અને સાધુનું અંતર જોઈએ તો ભયમુકત થઈ શકાય છે. સંત કેટલું જીવે છે તે મહત્વનું નથી, પરંતુ કેવી રીતે જીવે છે તે ઉપયોગી હોય છે. દેહ ત્યાગતા પહેલાં બુદ્ધે જે અંતિમ વાક્યો કહ્યાં હતા તેને સમજવા જેવા છે.
‘હંદ દાનિ ભિકખવે આમંત યામિ વો, વહ ધમ્મા સંરવારા અપ્પમાદીન સંપાદે થા ઇતિ’. દરેક વસ્તુનો નાશ નક્કી જ છે, જીવનનું સંપાદન અપ્રમાદથી કરો. આળસની સાથે વાસનાનો સમાવેશ થતાં પ્રમાદ ચાલુ થઈ જાય છે. બુદ્ધે પોતાના ભિક્ષુઓને પોતાની અંતિમ ક્રિયા માટે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. તેમણે મૃત્યુને પણ ઉત્સવ બનાવી દીધો હતો.
ભૌતિકતાની આંધીમાં આજે આપણે એટલા ભયભીત છીએ કે સાપને તો મારી નાખીએ છીએ પરંતુ દોરડાથી ડરી જઈએ છીએ. આપણું મોત દુ:ખનું કારણ અને સંતોનું મૃત્યુ ઉપદેશ બની જાય છે. તેને દિવ્ય બનાવવાનો પ્રયત્ન ઉંમરની દરેક ક્ષણમાં અને જીવનના દરેક પડાવ પર સતત કરતા રહેવું જોઈએ.
કહેવાય છે કે બુદ્ધે જ્યારે આ સંસારની વિદાય લીધી ત્યારે તેમની ઉમર એંસી વર્ષની હતી,પરંતુ સંત સમાજ માનતો હતો કે તેઓ ચાલીસ વર્ષના હતા, કેમ કે જ્યારે ચાલીસ વર્ષના હતા ત્યારે એક પીપળાના ઝાડ નીચે સતત સાત દિવસ સુધી સમાધિમાં રહ્યા હતા અને ત્યારે જ તેમને પૂર્ણિમાના દિવસે બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું.
ત્યાર બાદ તેઓ ચાલીસ વર્ષ વધુ જીવ્યા હતા. અઘ્યાત્મ તો કહે છે કે ઉમર તો તેને જ માનવામાં આવે છે, જે ક્ષણોમાં તમે પોતાની જાતને જાણી ગયા હો. આથી યાદ રાખો ‘કેટલું જીવવું’ એ સંસારનું સમીકરણ છે, ‘કેવું જીવવું’ એ અઘ્યાત્મનું ગણિત છે.
પં. વિજયશંકર મહેતા
ન્યાય તોળવાનો આવે ત્યારે પક્ષપાત ન કરો
દિલ્હીનો બાદશાહ ગ્યાસુદ્દીન તીરંદાજી શીખી રહ્યો હતો. ગ્યાસુદ્દીનથી અચાનક જ એક તીર ચાલી ગયું જે એક બાળકને વાગ્યું. તે જ ક્ષણે બાળકનું મૃત્યુ થઈ ગયું. બાળકના માતા-પિતા ઘણા દુ:ખી થઈ ગયા. બાળકની દુ:ખી માતા ન્યાય માગવા માટે કાઝી સિરાજુદ્દીન પાસે ગઈ. તેણે કાઝીને જણાવ્યું કે ગુનેગાર ભલે રાજા હોય, તેને સજા તો મળવી જ જોઈએ.
કાઝીએ તેને આશ્વાસન આપ્યું. બીજા દિવસે કાઝીએ બાદશાહને અદાલતમાં બોલાવ્યા. નક્કી કરેલા સમયે બાદશાહ રાજાશાહી વસ્ત્રોનો ત્યાગ કરી સાદા કપડામાં અદાલતમાં હાજર થયા. હાજર રહેલા બધા જ લોકોએ નિયમાનુસાર બાદશાહના સ્વરૂપમાં તેમને સન્માન આપ્યું નહીં, કેમ કે તે સમયે તે એક ગુનેગાર તરીકે હાજર થયા હતા.
કેસ ચાલ્યો, બાદશાહે પોતાના ગુનાનો એકરાર કર્યો અને ભારે દંડ ભરવાનું પણ સ્વીકાર્યું. અદાલતની કાર્યવાહી પૂરી થયા બાદ કાઝીએ બાદશાહને સલામ ભરી. બાદશાહે પોતાના કપડામાં છુપાયેલી તલવાર બતાવીને જણાવ્યું કે જો તમે મારા ડરથી વિચલિત થઈને યોગ્ય ન્યાય આપ્યો ન હોત તો હું આ તલવારથી તમારી ડોક અહીં જ ઉડાડી દેતો.
કાઝીએ પણ ન્યાયાસન પાસેની લાકડી તરફ ઇશારો કરતાં જવાબ આપ્યો કે, સારું થયું તમે અદાલતનું સન્માન કર્યું. નહિતર હું આ લાકડીથી તમારી ચામડી ઉતારી નાખતો. રાજા ખુશ થઈને બોલ્યા, મને તમારા પર ગર્વ છે. તે જ સાચો ન્યાયાધીશ છે જેની નજરમાં રાજા અને પ્રજા બધા જ એક સરખા છે. કથાનો સાર એ છે કે ન્યાય કરતી વખતે કોઈનો પણ પક્ષપાત કરવો જોઈએ નહીં. જ્યારે નિષ્પક્ષ ન્યાય કરવામાં આવે છે ત્યારે જ દોષીને સજા મળે છે.
સાંભળો, વિચારો પછી યોગ્ય લાગે તેનો અમલ કરો
એક સામાન્ય કહેવત છે કે નરી આંખે દેખાતું હોય તેના પર જ વિશ્વાસ મૂકવો જોઈએ, કાને સાંભળેલી વાત પર ભરોસો કરવો જોઈએ નહીં. જે લોકો શંકાશીલ પ્રવૃત્તિના હોય છે, તેમના માટે કહેવામાં આવે છે કે તેઓ કાનથી જુએ છે પરંતુ સાંભળવાના મામલે અઘ્યાત્મની પાસે ઊડુ ચિંતન છે. જૈન ધર્મમાં મહાવીરસ્વામીએ સુંદર વાત જણાવી છે, ‘સોરચા જાણઈ કલ્લાણમ, સોરચા જાણઈ પાવગં, ઉભયં પિ જાણઈ સોરચા, જમ છેયં તં સમાઅરે.’ સાંભળીને કલ્યાણ અને પાપનો માર્ગ જાણી શકાય છે અને પછી જે ઉચિત હોય, શ્રેષ્ઠ હોય, તેના પર અમલ કરવો જોઈએ.
અહીં સાંભળવાનું મહત્વ જણાવાયું છે. સાંભળી લેવું પણ એક કળા છે. મહાવીરે જણાવ્યું છે કે સાંભળવું સદા સર્વાગી હોય છે, જ્યારે જોવું નહીં. સારી વાતો સાંભળવા માટે ઊડા ઊતરવું પડે છે. સારી વાણીની આપણા શરીરની અંદર ગુંજ સંભળાતી હોય છે. કાનમાંથી પ્રવેશી રહેલા શબ્દો અને અંદરના અવાજનો જ્યારે સુમેળ સધાય છે તેને જ સંતોએ ‘રાઇટ લિસનિંગ’ જણાવ્યું છે.
તેને સાધારણ ભાષામાં સંપૂર્ણ મનોયોગથી સાંભળવું માનવામાં આવ્યું છે. અહીંથી જ જોવા-સાંભળવા વરચેનું અંતર પેદા થાય છે. કેટલીક સરકારી કચેરીઓમાં આપણને જોવા મળતું હોય છે કે કામ કરતાં કર્મચારીની પાછળ દીવાલ પર ‘સત્યમેવ જયતે’નું બોર્ડ લટકાવેલું હોય છે. જે દેખાય છે તે થતું હોતું નથી.
આ આદર્શ વાકયની નીચે જ તમામ ખોટા કામ કરવામાં આવતા હોય છે. જૈન મુનિ ચંદ્રપ્રભજીએ સીધી અને સરળ સીડી બતાવી છે. પહેલા સાંભળો, પછી મનન કરો અને ત્યાર બાદ નિદિઘ્યાસન એટલે કે આત્મસ્મૃતિ કરો. જો આ જ ક્રમ પર અમલ કરવામાં આવે તો સાંભળવાની પ્રક્રિયામાં દરેક શબ્દ મંત્ર બની શકે છે.
પં. વિજયશંકર મહેતા
મૃત્યુ બાદ ભૌતિક વસ્તુઓ અહીં જ છૂટી જાય છે
એક ફકીર સ્મશાનમાં બેઠો હતો. થોડા સમય બાદ કેટલાક લોકો બે મૃતદેહને લઈને જુદા જુદા જૂથમાં આવ્યા અને ચિતા સજાવીને તેને આગને સમર્પિત કરી દીધા. જયારે ચિતા ઠંડી થઈ ગઈ તો લોકો ત્યાંથી જતા રહ્યા. ફકીર પોતાના હાથમાં બંને ચિતાઓની રાખ લઈને એક પછી એક સૂંઘવા લાગ્યો. લોકોએ તેના આ કૃત્યને નિહાળ્યું અને તેને પાગલ સમજયો.
એક વ્યક્તિથી રહેવાયું નહીં. તે પેલા ફકીરની પાસે ગયો અને પૂછ્યું કે આ ચિતાની રાખને મુઠ્ઠીમાં ભરીને અને તેને સૂંઘીને શું શોધવા મથી રહ્યા છો? તે ફકીરે જવાબ આપ્યો, હું કંઈક અલગ જ શોધી રહ્યો છું. વ્યક્તિએ સવાલોભરી આંખોથી તેની સામે જોયું. ફકીરે પોતાના જમણા હાથની મુઠ્ઠી ખોલીને તેની રાખ બતાવતા જણાવ્યું કે આ એક ધનવાન વ્યક્તિની રાખ છે, જેણે આખું જીવન સુખ ભોગવ્યા છે, દૂધ-મેવા-મિષ્ટાન ખાધા છે.
પછી બીજી મુઠ્ઠીમાં રહેલી રાખ બતાવતા બોલ્યો કે આ એક એવા ગરીબ વ્યક્તિની રાખ છે જેણે આખું જીવન મજૂરી કરીને સૂકો રોટલો જ ખાધો છે. હું એ શોધી રહ્યો છું કે પૈસાદાર અને ગરીબની રાખમાં પાયાનું અંતર શું છે, જેનાથી પૈસાદારોને સન્માન અને ગરીબોને ઉપેક્ષા મળે છે. આ બંનેમાં તો મને કોઈ જ અંતર દેખાતું નથી.
પછી ફકીર એક શેર બોલ્યો,‘લાખો મુફલીસ હો ગએ, લાખો તવંગર હો ગએ. ખાક મેં જબ મિલ ગએ, દોનોં બરાબર હો ગએ.’ કથાનો સાર એ છે કે મૃત્યુ અટલ સત્ય છે અને તે સમયે તમામ ભૌતિક વસ્તુઓ અહીં જ છૂટી જાય છે. આથી પોતાના જીવનકાળ દરમિયાન પૈસાદાર-ગરીબ વચ્ચે પક્ષપાતભર્યું વલણ ન રાખીને એક સમાન રીતે પ્રેમભર્યોવ્યવહાર કરવો જોઈએ.
દરેક કામ ઝડપી, શ્રેષ્ઠ અને સમયસર કરો
આજે મેનેજમેન્ટ દરેક કામ ટૂંકાણમાં, ઝડપથી અને પૂર્ણતાની સાથે કરવાનું શીખવાડે છે. અમેરિકાના લોકો જણાવે છે કે તેમના ત્યાંની પ્રગતિના ત્રણ કારણ છે-અહીના લોકો દરેક કામ શોર્ટ, ક્વિક અને પરફેકટ કરે છે. આપણે ભારતીયો આ બાબતે ચૂકી જઈએ છીએ. ટૂંકાણમાં પતાવવામાં આપણને રસ હોતો નથી. કોઈ પણ વસ્તુમાં મરી-મસાલો છાંટીને બતાવવાનો આપણે ગર્વ લેતા હોઈએ છીએ.
કેટલીક વખત તો નાનકડા કામને પૂરું કરવામાં આપણે જરૂર કરતાં વધુ સમય લેતા હોઈએ છીએ. ઝડપથી કામનું પરિણામ આપવામાં આપણે એટલા માટે ચૂકી જઈએ છીએ કે ‘થાય છે, શું ઉતાવળ છે’ એ બાબતને ભજનની જેમ આપણા જીવનમાં ઉતારી લેવાઈ છે. ધર્મના નામે પુનર્જન્મને સ્વીકારીને આપણે જન્મોજનમ સુધી રાહ જોતા હોઈએ છીએ.
આવી માનસિકતાના કારણે જ દરેક કામને પૂરું કરવામાં આળસ કરતા હોઈએ છીએ. પરફેકટના મામલે પણ આપણી વિચારધારા કંઈક એવી જ હોય છે કે ‘કામ થઈ ગયું, બસ હવે આટલું તો પૂરતું છે’, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યારે સો ટકા પરિણામ આપવાનો જમાનો છે. આપણે કેટલીય વાતોને હળવેથી લેતા હોઈએ છીએ, પરંતુ વર્તમાન સમય દરેક વાતમાં ઊડા ઊતરવાનો છે. ભારતીય સંસ્કતિમાં એવા કેટલાય શાસ્ત્રો, સાહિત્ય છે જે શોર્ટ, કિવક, પરફેકટની પૂર્તિ કરે છે.
તુલસીદાસજીના લખેલા હનુમાન ચાલિસા તેમાંનું એક છે. તેમાંનો દરેક શબ્દ જીવન મેનેજમેન્ટના દરેક પાસાને સ્પર્શે છે. તુલસીદાસજીએ તેમાં હનુમાનજીની યોગ્યતા, શકિત અને સમજને અત્યંત શોર્ટ,કિવક અને પરફેકટ રીતે ઉતારી છે. ત્રણ મિનિટમાં પૂરી થતી આ પંકિતઓ દરેક ધર્મના સંદેશની સુગંધ ધરાવે છે. જીવનમાં જો સુખની સાથે શાંતિ નહીં મળે તો મળેલી સફળતા અધૂરી કહેવાશે. – પં. વિજયશંકર મહેતા
અહંકાર વિનાના તપનું જ ફળ મળતું હોય છે
મૃત્યુ બાદ એક સાધુ અને એક ડાકુ સાથે સાથે યમરાજાના દરબારમાં પહોંરયા. યમરાજે પોતાના ચોપડામાં જોયું અને પછી બંનેને જણાવ્યું કે તમારે પોતાના અંગે કંઈ કહેવું હોય તો કહી શકો છો. ડાકુ અત્યંત વિનમ્ર શબ્દોમાં બોલ્યો, મહારાજ, મેં તો આખું જીવન પાપ કર્યા છે. હું એક મોટો ગુનેગાર છું. આથી તમે મારા માટે જે દંડ નક્કી કરશો તેને હું સહર્ષ સ્વીકારીશ. ડાકુના ચૂપ થવાની સાથે જ સાધુ બોલ્યો, મહારાજ, મેં આજીવન તપસ્યા અને ભક્તિ કરી છે.
હું કયારેય ખોટા માર્ગે ચાલ્યો નથી. મેં હંમેશાં સત્કર્મો જ કર્યા છે. આથી તમે કપા કરીને મારા માટે સ્વર્ગના સુખસાધનોની વ્યવસ્થા કરો. યમરાજે બંનેની ઇરછા સાંભળી અને ડાકુને સાધુની સેવા કરવાનો દેડ ફટકાર્યો. ડાકુએ માથું ઝુકાવીને આદેશનો સ્વીકાર કર્યો. યમરાજનો આદેશ સાંભળીને સાધુએ વાંધો ઉઠાવતા જણાવ્યું કે મહારાજ, આ પાપીના સ્પર્શથી હું અપવિત્ર થઈ જઈશ. મારી તપસ્યા અને ભકિતનું પુણ્ય નિરર્થક થઈ જશે.
આ સાંભળીને યમરાજ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, નિર્દોષ અને ભોળા લોકોને લૂંટનારો તથા તેમની હત્યા કરનારો ડાકુ એટલો વિનમ્ર થઈ ગયો કે તારી સેવા કરવા માટે તૈયાર થઈ ગયો છે. જયારે તું છે કે વર્ષોની તપસ્યા બાદ પણ અહંકાર છોડતો નથી. એટલું પણ નથી જાણતો કે દરેક વ્યકિતમાં એક જ આત્મતત્વ સમાયેલું છે. તારી તપસ્યા અધૂરી છે. તેથી આજથી તું ડાકુની સેવા કરીશ. કથાનો સાર એ છે કે કોઈ પણ જાતના અહંકાર વગર કરવામાં આવેલી તપસ્યાનું જ ફળ મળે છે. અહંકારનો ત્યાગ જ તપસ્યાનો મૂળ મંત્ર છે. ભવિષ્યમાં તે જ ઇશ્વરની પ્રાપ્તિનો આધાર બને છે.
દરેક કામમાંથી આનંદનો ઘૂંટડો પીતાં શીખો
બાળપણમાં આપણને ખાવાપીવાની પદ્ધતિ શીખવાડમાં આવે છે. ચાલો આજે ફકત પીવાની વાત કરીએ. આપણે આનંદના ઘૂંટડા ભરવાનું શીખી શકતા નથી. ઘણી વખત આપણે સામેથી આવતી ખુશીઓને પણ તરછોડી દેતા હોઈએ છીએ. ‘મંગલ ભવન અમંગલહારી’ જેવી ચોપાઈઓ ગાનારા આપણે પોતાના દુ:ખથી ઓછા દુ:ખી થઈએ છીએ, પરંતુ બીજાના સુખથી વધુ દુ:ખી રહીએ છીએ. આ વૃત્તિ આપણા આનંદની તરસને વિકત કરી દે છે. સંસારની દરેક ગતિવિધિઓમાં, પ્રકતિના દરેક તત્વમાં રસ ભરેલો છે.
તેને સાધનાની પદ્ધતિથી રિફાઇન (શુદ્ધ) કરવું પડે છે. આનંદ મેળવવો તે આ પ્રક્રિયાનું નામ છે. આનંદના આ ઘૂંટને સંપૂર્ણ સ્વાદ સાથે પીવો જોઈએ. સાધુ-સંત આ કળા બહુ સારી રીતે જાણતા હોય છે. તેના માટે આપણે સાંસારિક લોકો એક અભ્યાસ કરવો જોઈએ.
પાણી હંમેશાં બેસીને જ પીવું. પીતા સમયે કમર સીધી, આંખો બંધ રાખો અને પાણીના એક-એક ઘૂંટડા સાથે એ વિચારીએ કે આપણે પ્રકતિનું પ્રાણતત્વ શરીરમાં ઉતારીએ છીએ. પાણી પીધા બાદ પાણીના ગ્લાસને તેના સ્થાન પર પોતાના હાથે જ માનસિક આભાર વ્યક્ત કરતાં મૂકવો.
દિવસભરમાં ત્રણ-ચાર વખત પણ જો આવો અભ્યાસ કરી શકીએ તો બાકીના સમયે આનંદનો ઘૂંટડો પીવામાં સરળતા રહેશે. જલપાનની આવી પ્રક્રિયા પ્રાણાયામનું પરિણામ આપશે. સંતો દરેક સમયે દરેક કામમાંથી આનંદ મેળવતા હોય છે. જો તેમને કોઈ ફૂલ-હાર પહેરાવે તો તેઓ તેમાં રહેલા ગોટાના ફૂલને જોઈને એમ કહીને આનંદ મેળવે છે કે આ સંસાર તો ગોટાના ફૂલ જેવો છે. કેમ કે ગોટાનું ફૂલ એક એવું ફૂલ છે જેને બીજા પર ફેંકો તો સામેની વ્યકિતને ઈજા પહોંચાડે છે. સંતો ફૂલ-હાર અને સંસારને કાંટો સમજીને આનંદનું રસપાન કરી લેતા હોય છે.
પં. વિજયશંકર મહેતા
ગમે તેવા સંજોગોમાં સત્યને વળગી રહો
સુકરાતને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ઝેર આપવાના એક દિવસ અગાઉ કેટલાક મિત્રો અને શિષ્યો તેમને મળવા જેલમાં પહોંચ્યા. તેમના પરમ શિષ્ય એવા ક્રેટોએ તેમને જણાવ્યું કે હે ગુરુ, અમે અહીંથી તમારા ભાગી છૂટવાની તમામ વ્યવસ્થા કરી નાખી છે. સુકરાત બોલ્યા, ક્રેટો, આજ સુધી મેં તને સત્યના પાઠ ભણાવ્યા છે અને તું મારો શિષ્ય થઈને મને જ અસત્ય, ભય અને અવિશ્વાસના માર્ગે જવાનું કહે છે. શા માટે? ક્રેટો સમજાવતા બોલ્યો, અત્યારે ચર્ચા કરવાનો સમય નથી. સવાલ સત્ય-અસત્યનો નહીં, પરંતુ જીવ બચાવવાનો છે.
સુકરાત અડગ રહ્યા અને બોલ્યા કે મારા પ્રાણની રક્ષા માટે તું એ પણ ભૂલી ગયો કે સત્ય મને મારા જીવ કરતાં પણ વહાલું છે. મને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે અને હું ભાગી જઈને સચ્ચાઈથી મોઢું કેવી રીતે ફેરવી લઉ. ક્રેટોએ દલીલ કરી કે મૃત્યુદંડ પણ અસત્ય તો છે.
સુકરાતે સામે દલીલ કરી કે તો શું મૃત્યુદંડવાળા ખોટે માર્ગે ચાલતા હોય તો હું પણ સત્યનો માર્ગ છોડી દઉ? મારા ભાગી છૂટવા પર ભગવાન ભલે મને માફ કરી દે પણ ઇતિહાસ મને માફ નહીં કરે. દેશનો ઇતિહાસ જ મારા માટે ભગવાન છે. આમ છતાં પણ ક્રેટોએ ઘણી દલીલો કરી, તર્ક રજૂ કર્યા, પરંતુ સુકરાત ડગ્યા નહીં.
અંતે સુકરાત બોલ્યા, ક્રેટો, હજુ તું અણસમજ છે, પાગલ છે. હું સત્ય છું અને સત્ય ક્યારેય મરતું નથી. તું મરી જઈશ, પરંતુ હું ક્યારેય નહીં મરું. વર્ષો પસાર થઈ ગયા, પરંતુ લોકો આજે પણ સુકરાતને જાણે છે, ક્રેટોને નહીં. એટલે કે પોતાના જીવનમાં સત્યના માર્ગે ચાલનારા લોકો પૃથ્વી પર ભલે જીવતા ના હોય, પરંતુ ઇતિહાસમાં અંત સુધી જીવતા રહે છે.
સાચા દિલના પ્રાયિશ્ચતથી મનની શાંતિ મળે છે
જીવનમાં કેટલાય વખત ઇચ્છતા ન હોવા છતાં પણ ખોટા કામ થઈ જતાં હોય છે. માણસ પણ જાણતો હોય છે કે આવું કરવું યોગ્ય નથી, પરંતુ તે કરતો રહેતો હોય છે. જેઓ થોડા ઘણા પણ જાગૃત અને ઈમાનવાળા હોય છે તેઓ ખોટું કર્યા બાદ બેચેન થઈ જતા હોય છે. લાંબા સમયની આ બેચેની નિરાશામાં અને પછી આ નિરાશા એક ગંભીર રોગ બની જાય છે.
ખોટા કાર્યોના પરિણામે મનમાં પેદા થયેલો આ ભાવ આગળ જતા સૂક્ષ્મ શરીરમાં ઘર કરી જાય છે. જો સમયસર તેને મનમાંથી કાઢી નાખવામાં ન આવે તો મનુષ્ય ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. લગભગ તમામ ધર્મોએ તેની એક સારી રીત બતાવી છે. ખાસ કરીને ખ્રિસ્તીઓએ તો આ બાબતે એક વિશેષ વ્યવસ્થા કરી છે. તેમના ધર્મમાં ચર્ચમાં જઈને કન્ફેશન કરવાની પદ્ધતિ છે, જેમાં પડદા પાછળ ઉભા રહીને પાદરી સમક્ષ પોતે કરેલા ગુનાનો એકરાર કરવાનો હોય છે.
આ રીતનો એકરાર કરવાથી માણસના મનના ખૂણામાં છુપાયેલો અપરાધભાવ દૂર થાય છે. તેને માનસિક તથા આત્મિય શાંતિ પ્રાપ્ત થાય છે. હિંદુઓમાં ગંગાસ્નાન કરીને પાપ ધોવાની પરંપરા પણ આ બાબતનું પ્રતીક છે. જો પાણીથી જ પાપ ધોવાઈ જતાં હોય તો બધા જ પાપ કરીને પાણીથી ધોઈ નાખે,પરંતુ અહીં પ્રાયિશ્ચતને આસ્થા સાથે જોડવામાં આવ્યું છે.
અગાઉ કરેલા ખોટાં કામોનો જે અપરાધભાવ હોય તેમાંથી મુકિત મળે તથા નવું કામ ઈમાનદારીપૂર્વક કરવાનો સંકલ્પ લેવાય. અપરાધભાવમાંથી મુકિત મેળવવામાં અને સારા કાર્યો કરવાનો સંકલ્પ લેવા માટે અંદરથી ઘણી શક્તિ લગાવવી પડે છે. આપણામાં આવી હિંમત પેદા થાય તેના માટે જ અઘ્યાત્મએ આવી પ્રતિકાત્મક વ્યવસ્થાઓ કરી છે, જે વિચારોથી પ્રારંભ થઈને સંકલ્પ પર સમાપ્ત થાય છે. – પં. વિજયશંકર મહેતા
સત્ય કહેવાનું સત્ય સહેવાનું જિગર રાખો
કેવળ ભૌતિક સુખને સર્વસ્વ માનનારા અને તેની પાછળ આંધળી દોટ મૂકનારાઓ માટે ખલિલ જિબ્રાને સરસ લખ્યું છે, ‘આવા લોકોને સત્ય ખપતું નથી. કારણ કે સત્ય એ તો જિગરનું સંતાન છે કે જે જિગરમાં હજારો વેદનાઓ રહી શકતી હોય. લોકો ભલે કહેતા હોય કે અમને સત્ય જોઈએ છે, પણ લોકોને સત્ય જોઈતું નથી.
લોકોને તો જોઈએ છે અર્થહીન મશ્કરીઓ, ખોટાં પ્રહ્સનો, ખાખાખીખીના ખેલો અને સત્યના નામે સત્યાભાસી અંચળાઓ. સત્ય સમજવા માટે અને તે જીરવવા માટે માનવીમાં જિગર જોઈએ. જિબ્રાનના એ કથનમાં ભારોભાર તથ્ય છે. તેથી જ તો આપણે સાચું જાણવા છતાં કોઈને સાચું કહી શકતા નથી. કાં તો, સફાઈથી તે ટાળીએ છીએ- એ ડરથી કે વખતે કોઈને ખરાબ લાગશે તો? આપણી આંખો સમક્ષ જાણે અજાણે અનીતિનું આચરણ થતું સ્પષ્ટ દેખાય છે છતાં આપણે તેનો વિરોધ ન કરતાં કેવળ તેના મૂક સાક્ષી બનીએ છીએ. ઘણીવાર રૂઢિગ્રસ્ત વાતો આપણને- આપણી બુદ્ધિને રુચતી નથી. મૂળ વાત જીવે તો બધા છે.
જીવવું તે જીવન નથી. જિગર હોવું એ જીવન છે. સોક્રેટિસ તેનું જવલંત ઉદાહરણ છે. સત્ય વિચારો માટે તેણે મોતને વહાલું કર્યું. સત્ય માટે કરવો પડતો સંઘર્ષ એ જીવનનો શ્રેષ્ઠ સંઘર્ષ છે. અસત્યના આ કાળમાં પણ સત્ય સદૈવ જીવતું જ રહેવાનું છે. સત્યમેવ જયતે- સત્ય કદી નામશેષ થતું નથી. સંભવ છે કાળવશાત્ તેના પર વખતે ઝાંખપ આવી જાય પણ અંતિમ વિજય સત્યનો છે. એ વચન પર શ્રદ્ધા રાખી જીવનમાં સત્ય કહેવાનું અને જીરવવાનું જિગર રાખવું પડશે. – પરમાનંદ ગાંધી
સફળ થવું હોય તો તમારા મન પર કાબૂ મેળવો
મન ચંચળ છે અને તે પોતાની મરજી મુજબ વત્ર્યા વગર પણ રહેતું નથી. આ બંને સ્થિતિ પર કાબૂ મેળવ્યા વગર સફળતા મળતી નથી. તેના પર કાબૂ મેળવવાથી જ જીવનમાં નિખાલસતા આવે છે. સફળતાની યાત્રા ભૌતિકતાની હોય કે આઘ્યાત્મિકતાની, વિધ્નો જાતજાતનો વેશ પહેરીને આડે આવે છે. જેઓ બાજનજર ધરાવે છે તેઓ તેને પડકારીને દૂર કરી લે છે. મુસ્લિમ ફકીર ફજિલ બિન અયાઝની પાસે એક રાત્રે સફિયાન સૂફી નામના એક ફકીર આવ્યા. બંનેએ ખૂબ વાતો કરી.
જતાં સમયે સૂફીએ જણાવ્યું કે આજની રાત અને આ મુલાકાતનો સમય અત્યાર સુધીની તમામ રાતોમાં સારો રહ્યો, મજા આવી ગઈ. પોતાની નિખાલસતા માટે પ્રખ્યાત ફજિલ તુરંત જ બોલ્યા, નહીં, વીતી ગયેલી તમામ રાતોથી ખરાબ રાત રહી છે. સફિયાન ચોંકી ગયા અને પૂછ્યું કે તમે આ શું કહો છો? રહ્યા છો? ફજિલે જણાવ્યું કે તો સાંભળો, આખી રાત આપણે બંને એવી જ વાતો કરતા રહ્યા જે મારી દ્દષ્ટિએ તમને અને તમારા વિચાર મને ગમે. આપણે એવા શબ્દોનો પ્રયોગ કર્યોકે જેથી કોઈને ખોટું ના લાગે. એકબીજાની ખુશામતખોરી પણ કરી લીધી.
આ દરમિયાન આપણે બંને અલ્લાહ પ્રત્યે બેજવાબદાર થતા ગયા. ઇબાદત કરનારી વ્યકિત માટે એકાંત જ સારું છે, કેમ કે તે સમયે જ તેનો સંબંધ પરવરદિગાર સાથે રહે છે. આથી એકબીજા સાથેની વાતચીત દરમિયાન સચ્ચાઈ પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. મન પર કાબુ રાખવો જોઈએ. વાતચીત દરમિયાન જો આપણે એકબીજાના ખોટા વખાણ કરતા રહીએ તો આ ટેવ પણ પરમાત્માને મેળવવાના હેતુમાં વિધ્ન બની શકે છે. આથી ઇબાદત(પ્રાર્થના)માં વાતચીત કરવાની એક બીજી પદ્ધતિ પણ છે કે જરા સ્મિત રેલાવો. .. – પં. વિજયશંકર મહેતા
ફરજના પાલનમાં ધર્મનું પાલન કરે એ સાચો માનવ
એક દિવસ ઘનશ્યામદાસ બિરલા પોતાની ઓફિસે જઈ રહ્યા હતા. મોડું થયું હોવાથી ડ્રાઇવર ઝડપથી ગાડી ચલાવતો હતો. રસ્તામાં એક તળાવ પાસે લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળી. ડ્રાઇવરે તપાસ કરી તો જાણવા મળ્યું કે કોઈ છોકરો પાણીમાં ડૂબી રહ્યો છે. ઘનશ્યામદાસ તાત્કાલિક ગાડી પરથી નીચે ઉતર્યા અને ભીડને ચીરીને તળાવના કિનારે પહોંચ્યા.
ત્યાં જઈને જોયું તો તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. લગભગ દસેક વર્ષનો એક છોકરો બચવા માટે પાણીમાં હાથ-પગ પછાડી રહ્યો હતો, પરંતુ કિનારા પર ઊભેલા લોકોમાંથી કોઈ પણ આગળ આવીને તેની મદદ કરવા તૈયાર થતું ન હતું. લોકો કિનારા પર ઊભા રહીને બચાવો, બચાવોની બૂમો પાડી રહ્યા હતા.
ઘનશ્યામદાસ પહેરેલા કપડે જ પાણીમાં કૂદી પડયા અને બાળકને પાણીમાંથી ખેંચીને લાવ્યા. પછી તેને પોતાની કારમાં જ તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ ગયા. છોકરાના પેટમાં ઘણું પાણી ભરાઈ ગયું હતું, પરંતુ થોડી સારવાર બાદ તે સાજો થઈ ગયો. બિરલા ભીના કપડે જ પોતાની ઓફિસે પહોંચ્યા. તેમને આવી સ્થિતિમાં જોઈને ઓફિસના કર્મચારીઓ પણ અવાચક બની ગયા.
જ્યારે ઓફિસના સ્ટાફને બિરલા દ્વારા એક છોકરાના જીવ બચાવવા અંગેની માહિતી મળી તો બધા જ તેમના વખાણ કરવા લાગ્યા. બધા એક જ સ્વરમાં બોલ્યા કે સર, તમે તો મહાન છો. બિરલાએ એકદમ સરળ સ્વરમાં જવાબ આપ્યો કે આમાં મહાનતા કયાં આવી. આ તો મારું કર્તવ્ય હતું. કથાનો સાર એ છે કે માનવતા જ સૌથી મોટો ધર્મ છે અને જે બધા જ કામ છોડીને આ ધર્મનું પાલન પ્રાથમિકતા સાથે કરે છે તે જ સાચો માનવ છે.
જૂની પેઢીની સલાહને અવગણવી નહીં
પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પર બે પેઢી વચ્ચેના અંતરની અસર જરૂર થતી હોય છે, પરંતુ સમજદાર વ્યક્તિઓ નવી પેઢીના ઉત્સાહમાં ઓર વધારો કરતા હોય છે. શ્રીરામ અને રાવણની શૈલીમાં આ જ અંતર હતું. રાવણે જૂની પેઢીને નકારી કાઢી હતી અને શ્રીરામે તેમની સલાહને માથે ચઢાવી હતી.
આ વાતનું પ્રતીક જામવંત છે. જ્યારે અંગદ દૂત બનીને રાવણના દરબારમાં પહોંચ્યા હતા તો રાવણે રામજીના સૈન્યની મજાક ઉડાડીને જણાવ્યું હતું કે,‘જામવંત મંત્રી અતિ બૂઢા. સોકિ હોઈ અબ સમરારૂઢા.’ એટલે કે મંત્રી જામવંતની તો હવે ઉમર થઈ ગઈ છે અને તે લડાઈમાં શું કામમાં આવશે, પરંતુ શ્રીરામે જામવંતને ઘણું જ સન્માન આપ્યું અને તેમની સલાહ પર ઘ્યાન પણ આપ્યું. જામવંતે જ શ્રી હનુમાનને તેમની શકિતના યાદ અપાવતા જણાવ્યું હતું કે દુનિયામાં એવું તે કયું કપરું કામ છે જે તારાથી ના થઈ શકે. શ્રીરામના કામ માટે જ તમારો અવતાર થયો છે.
આ સાંભળતાંની સાથે જ હનુમાનજી વિશાળકાય બની ગયા. જામવંતે જ અંગદના દુ:ખને દૂર કર્યું હતું. તેમણે જ સલાહ આપી હતી કે લંકા જવા માટે જે પુલ બનાવવાનો છે તેને નલ અને નીલ બનાવશે. લક્ષ્મણ જ્યારે બેભાન થયા ત્યારે તેમની ઉપયોગિતા સૌથી વધુ પુરવાર થઈ. કોઈ એ સમજી શકતું ન હતું કે હવે શું કરવું.
ત્યારે જામવંતે જ લંકામાંથી સુષેણ વૈધને બોલાવી લાવવાની સલાહ આપી હતી. એટલે કે જૂની પેઢીના લોકોની સલાહ નવી વ્યવસ્થામાં પણ અસરકારક અને ઉપયોગી પુરવાર થાય છે. જૂની પેઢીની સલાહને ક્યારેય અવગણવી જોઈએ નહીં.શ્રીરામ અને રાવણના નિર્ણયોને આ અંતરે સ્પષ્ટ કરી દીધું છે. જે જૂની પેઢીની, ઉમરની રાવણે મજાક ઉડાડી હતી, શ્રીરામે તેને જ સન્માન આપીને સફળતા મેળવી.
જીવનમાં સાંભળવાની પણ ટેવ પાડો
જે બોલવા માંગતો હોય તેને સાંભળવો પણ જોઈએ. લોકો તમારી વાત સાંભળે તે માટે પહેલા બીજાની વાતો સાંભળવાની ટેવ પાડો. બીજાની વાત ઘ્યાનથી નહીં સાંભળવાની આપણને એક ટેવ પડી જતી હોય છે. બીજો બોલવાનું ચાલુ કરે અને આપણે અધવચ્ચેથી તેની વાત કાપીને બોલવાનું ચાલુ કરી દેતા હોઈએ છીએ. કેટલીક વખત જ્યારે સામેની વ્યક્તિ બોલી રહી હોય ત્યારે જો આપણને બોલવાની તક ના મળે તો આપણે મનમાં ને મનમાં બબડવા લાગીએ છીએ. સાંસારિક બાબતોમાં આ વાત સામાન્ય છે પણ કેટલાક લોકો તેને યોગ્યતા માની લેતા હોય છે. અઘ્યાત્મની દુનિયામાં જોવા જઈએ તો આ ઘટના એક જોખમ સમાન છે.
અંદરથી વાત કરી રહેલું મન પછી આપણને શાંતિથી બેસવા દેતું નથી. સત્યનારાયણની કથામાં એક પ્રસંગ આવે છે : મા અને પુત્રી કથા સાંભળી રહ્યાં હતાં. પતિના વિદેશથી પરત ફરવાના સમાચાર સાંભળીને બંને કથા સાંભળવાનું અધવચ્ચેથી છોડીને દોડતાં ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાં જ ખબર પડે છે કે પુત્રીના પતિની હોડી ડૂબી ગઈ છે. આ દુઘટર્ના પ્રતીકાત્મક છે. કથાના સ્વરૂપે જ્યારે જીવનમાં સત્ય ઉતરી રહ્યું હોય ત્યારે આંધળી દોટ ન મૂકવી જોઈએ.
પરમાત્માનો સિદ્ધાંત છે કે જે વ્યક્તિ સત્યનો માર્ગ છોડીને અસત્યના માર્ગે ચાલશે તે અંતે તો મુશ્કેલીમાં જ મુકાશે. સત્સંગ દરમિયાન આપણે સાંભળવા પર ઘ્યાન આપવાના બદલે આપણા મનને અંદરથી વાત કરવા માટે છૂટું મૂકી દઈએ છીએ. મનનું કામ છે થકાવવું. સત્સંગના સંવાદોના મર્મ સુધી પહોંચતા સુધીમાં તો આપણે કયાંય આગળ નીકળી જઈએ છીએ. આથી જ્યારે પણ સત્સંગ સાંભળવા જઈએ તો અંતરાત્મા સાથે હાજર રહીએ. સત્સંગનો આવો અભ્યાસ જીવનની બીજી બાબતોમાં પણ કામ લાગે છે. – પં. વિજયશંકર મહેતા
વિનમ્રતામાં જ મહાનતા સમાયેલી છે
મોગલ સૈન્યથી બચવા માટે શિવાજી વેશપલટો કરીને રહેતા હતા. એક દિવસ તેઓ અત્યંત ગરીબ બ્રાહ્મણના ઘરે રોકાયા. બ્રાહ્મણનું નામ વિનાયક દેવ હતું. તે પોતાની માતાની સાથે રહેતો હતો. વિનાયક ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અત્યંત ગરીબ હોવા છતાં પણ તેણે પોતાની શક્તિ અનુસાર શિવાજીની આગતા-સ્વાગતા કરી. એક દિવસ તે જ્યારે ભિક્ષા ગ્રહણ કરવા નીકળ્યો તો સાંજ સુધીમાં તેની પાસે ઘણું ઓછું અનાજ એકઠું થયું.
તે ઘરે ગયો અને ખાવાનું બનાવીને શિવાજી અને પોતાની માતાને ખવડાવી દીધું. તે પોતે ભૂખ્યો જ રહ્યો. પોતાને શરણ આપનારની ગરીબી જોઈને શિવાજીનું હૃદય દ્રવી ઊઠયું. તેમણે કોઇ પણ રીતે તેની મદદ કરવાનું નક્કી કર્યું. શિવાજીએ મોગલ સૂબેદારને એક પત્ર લખીને પોતાની હાજરી અંગે સુચના આપી. પત્રમાં તેમણે આ માહિતી આપવા બદલ તે બ્રાહ્મણને બે હજાર અસર્ફીઓ આપવા જણાવ્યું હતું. સૂબેદાર શિવાજીના સ્વભાવ તથા તેમની ઉદારતાને સારી પેઠે જાણતો હતો.
આથી તેણે વિનાયકને બે હજાર અસર્ફીઓ આપી અને શિવાજીની ધરપકડ કરી લીધી. જ્યારે પેલા બ્રાહ્મણને તાનાજી દ્વારા ખબર પડી કે તેના ઘરે રોકાયેલા મહેમાન બીજું કોઈ નહીં પરંતુ શિવાજી મહારાજ પોતે હતા તો તે છાતી કૂટી-કૂટીને રડવા લાગ્યો અને બેભાન થઈ ગયો. ત્યારે તાનાજીએ તેને આશ્વાસન આપ્યું અને અધવચ્ચે જ સૂબેદારને આંતરીને તેની સાથે લડાઈ કરીને શિવાજીને છોડાવી લીધા. મહાન વ્યક્તિઓ હંમેશાં નમ્ર સ્વભાવની હોય છે. કોઈ પણ વ્યક્તિની નાનકડી મદદનો પણ તેઓ અત્યંત વિનમ્રતાથી આભાર માનતા હોય છે.
સારા સંચાલન માટે સમન્વય અનિવાર્ય
એક અમેરિકન ઉદ્યોગપતિ તેના કારખાનામાં મજૂરોની હડતાળથી ખૂબ જ પરેશાન હતો. મજૂરોની હડતાળને કારણે કારખાનાનું કામ ઠપ થઈ જતું હતું અને નુકસાન વેઠવું પડતું હતું. આ સમસ્યાના સમાધાન માટે તે ઉદ્યોગપતિએ મિસ્ટર ફોર્ડનું માર્ગદર્શન લેવાનું વિચાર્યું. કારણ કે તેઓ ફોર્ડના મોટર કારખાનાની સફળતાથી ઘણા પ્રભાવિત હતા. જ્યારે તે ફોર્ડના કારખાનામાં પહોંરયા તો તેમણે ફોર્ડને પોતાની ઓફિસમાં જોયા નહીં. કોઈએ તેમને જણાવ્યું કે ફોર્ડ આવી ગયા છે અને મજૂરો સાથે કામ કરી રહ્યા છે.
થોડી વારમાં જ ફોર્ડ પોતાનું કામ પૂરું કરીને ઓફિસમાં આવ્યા. તે ઉદ્યોગપતિ બોલ્યા કે આટલા મોટા કારખાનાના માલિક થઈને તમે મજૂરો સાથે કામ કરશો તો શિસ્ત અને સન્માન કેવી રીતે જળવાશે? ફોર્ડે જવાબ આપ્યો કે હું મારી જાતને માલિક અને કોઈને મજૂર સમજતો નથી.
અમે લોકો ભેગા મળીને દરેક સમસ્યાઓનું સમાધાન શોધીએ છીએ અને એક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કામ કરીએ છીએ. આ આત્મીયતાના કારણે શિસ્ત આપમેળે જ જળવાય છે અને હું જાણું છું કે મજૂરોના મનમાં મારા પ્રત્યે કેટલો પ્રેમ છે. પછી ફોર્ડે ઉદ્યોગપતિને તેમના આવવાનું કારણ પૂછ્યું તો તે બોલ્યા, હું મારા કારખાનાની સમસ્યાના સમાધાન માટે તમારી સલાહ લેવા આવ્યો હતો, પરંતુ તમારા વ્યવહારે મને જરૂરી માર્ગદર્શન આપી દીધું છે.
આમ વિનમ્રતા, આત્મીયતા, સમન્વય, મહેનત અને નિષ્ઠા કોઈ પણ સંસ્થાના સુયોગ્ય સંચાલન માટે અનિવાર્ય છે. જો માલિકના વ્યક્તિત્વ અને વ્યવહારમાં આ ગુણો સમાયેલા હશે તો સંસ્થા સફળ થવાની સાથે સાથે પ્રગતિ પણ કરશે.
ઉપરવાળાને તમારી મૂંઝવણ જણાવો, જરૂર સાંભળશે
દુનિયાભરની સાથે વાતચીત કરનારા આપણે એ ભૂલી જઈએ છીએ કે જેણે દુનિયા બનાવી છે તેની સાથે વાત કરવાની પણ એક પદ્ધતિ છે. ઉપરવાળા સાથે સંવાદ કરો, જીવનના કેટલાય સવાલોના જવાબ આપમેળે જ મળી જશે. રાબિયા નામની એક મહિલા ફકીરની ખુદા સાથે વાત કરવાની પદ્ધતિ કંઈક જુદી જ હતી. તે દરરોજ એક હજાર નમાજ પઢતી હતી.
તેના માટે ઇબાદત જ પરવરદિગાર સાથેની સીધી વાતચીત હતી. રાબિયાના માતાપિતાના મોત થઈ જવાના કારણે કોઈએ તેને ગુલામ બનાવી દીધી હતી. ગુલામીના દિવસોમાં તે રાત્રે સજદામાં ખુદા સાથે અશ્રુભીની આંખો સાથે બોલી, હે માલિક, તમે મને કોઈ બીજાની મિલકત બનાવી દીધી છે. મારે માલિકની વધુપડતી સેવા કરવી પડે છે અને મને તેનાથી પણ વાંધો નથી, પરંતુ તેના કારણે તારા દરબારમાં હાજર થવાનો સમય મળતો નથી.
જો હું આઝાદ હોત તો જીવનની દરેક પળ તારી ઇબાદતમાં પસાર કરતી, પરંતુ જેવી તારી મરજી. એક દિવસ રાબિયાની આ વાતચીત તે વ્યક્તિએ સાંભળી લીધી જેની તે ગુલામ હતી. તેણે જોયું કે યુવતી સજદામાં છે અને ખુદા સાથે ખૂબ જ સરળતાથી અને સન્માનપૂર્વક વાત કરી રહી છે.
તેને એવો અહેસાસ થયો કે કોઈ પવિત્ર વ્યક્તિને ગુલામ બનાવી દીધી છે. બીજા જ દિવસે સવારે તેણે માફી માગી અને રાબિયાને આઝાદ કરી દીધી. આ કિસ્સાથી એ વાતનું પ્રમાણ મળે છે કે ઉપરવાળો સાંભળે છે અને તે પોતાની રીતે તે માગણી, પોકારને પૂરી પણ કરે છે. વાત એટલી જ છે કે તેની સાથે વાત કરતાં આવડવું જોઈએ. વિના સંકોચે અને સાચા દિલથી તમારી મૂંઝવણ-મુશ્કેલી ઉપરવાળાને જણાવી દો અને પછી ધીરજપૂર્વક તેની મદદની રાહ જોતાં રહો. – પં. વિજયશંકર મહેતા
સંતુલન જળવાય તો સફળતા અવશ્ય મળે છે
જ્ઞાનનો નિયમ છે કે ઉપર ચઢવામાં અલગ તાકાત લાગે છે અને નીચે ઊતરવામાં જુદી, પરંતુ ફોર્સ તો બંને જ સ્થિતિમાં હોય છે. આપણે જ્યારે ઉપર ચઢીએ છીએ ત્યારે તાકાત એ બાબતે લગાવવાની હોય છે કે દરેક સ્થિતિમાં લક્ષ્ય પર પહોંચી જવાય, થાકી ન જવાય. જ્યારે નીચે ઊતરીએ છીએ ત્યારે પણ તાકાત તો લગાવવી જ પડે છે, પરંતુ કયાંક ગબડી ન જવાય, ઉતાવળ ના થઈ જાય તેનું ઘ્યાન રાખવાનું હોય છે. કેમ કે ઊતરતા સમયે પડી જવાની સંભાવના વધુ રહે છે. તેને જીવનની યાત્રા સાથે જોડીને જોવું જોઈએ. ઉપર ચઢવું એ સંસારમાં જીવવા જેવું છે. ભૌતિકતાની યાત્રામાં ઉપર જવાને જ મહત્ત્વનું માનવામાં આવે છે.
અહીં જે જેટલું ઉપર-ટોચે હોય છે તેને જ સફળ માનવામાં આવે છે. આ ટોચે રહેવાનો પણ એક અલગ પ્રકારનો થાક હોય છે. ટોચે પહોંચેલા લોકોના થાકનું બીજું નામ અશાંતિ પણ છે. આ જ રીતે ઢોળાવની યાત્રા પોતાની અંદર ઊતરવાની અઘ્યાત્મિક યાત્રા જેવી છે. તેમાં જે તાકાત લાગે છે તે સાધના છે.
આ દરમિયાન જરા પણ ડગી જવાય તો સમજી લેવું કે ભકિતના માર્ગમાં તમારું પતન થયું છે. જોકે ઊતરતા સમયે કંઈક વધુ સાનુકૂળતા લાગતી હોય છે, તે જ આનંદ છે. સંત-ફકીરો ઢોળાવ પર સંભાળીને ઊતરવાની કળા સારી પેઠે જાણતા હોય છે. ઊતરતા સમયે તેમની તૈયારી વધુ ઊડે સુધી જવાની રહે છે. તાકાત બંનેમાં લાગે છે, પરંતુ આ તાકાત ઉપર અને નીચેની યાત્રાના સંતુલન માટે લગાવવી જોઈએ. બંને પ્રકારની યાત્રા કરવાની છે. બસ વિવેક સ્વરૂપી તાકાતથી એ નક્કી કરવાનું છે કે ક્યારે અને કઈ યાત્રા કેટલી કરવાની છે.જીવનમાં દરેક તબક્કે સંતુલન મહત્ત્વનું છે.સંતુલન જળવાશે તો સફળતા અવશ્ય મળશે.
વ્યક્તિની કિંમત તેના કામથી અંકાય છે
એક વખત બાદશાહ તૈમુર લંગે મોટી સંખ્યામાં ગુલામ પકડયા. તેનો એક સિદ્ધાંત હતો કે પકડેલા ગુલામોના સોદામાં ભાવતાલ પણ તે જાતે જ કરતો હતો. તેણે બધા જ ગુલામોને વેચાણ સ્થળે એકઠા કરવા જણાવ્યું. પછી પોતે વટ મારતો ત્યાં પહોંચ્યો અને બધાની વચ્ચે એક ખુરશીમાં બેસી ગયો.
ગુલામો પર એક વિજયી દ્રષ્ટિ નાખીને એક ગુલામને પોતાની પાસે બોલાવ્યો. તે ગુલામ બીજું કોઈ નહીં, પરંતુ તુકીર્સ્તાનના ફિલોસોફર અહમદી હતા. તૈમુર લંગે અહમદીને પૂછ્યું કે બતાવો, આ બંને ગુલામોનો કેટલો ભાવ હોવો જોઈએ? અહમદીએ જણાવ્યું કે તેઓ સમજદાર અને મહેનતુ દેખાઈ રહ્યા છે, આથી તેમની કિંમત ચાર ચાર હજાર અશર્ફીઓથી ઓછી ન હોવી જોઈએ.
તૈમુર લંગે ફરી પૂછ્યું, મારી કિંમત શું હોઈ શકે? થોડું વિચારીને અહમદી બોલ્યા, બે અશર્ફી. જવાબ સાંભળીને વિચલિત થઈ ગયેલો તૈમુર લંગ ગુસ્સામાં બરાડયો, મારું આટલું મોટું અપમાન? આટલા પૈસાની તો મારી ચાદર જ છે. ફિલોસોફર અહમદીએ બિલકુલ નિર્ભયતા સાથે તૈમુર લંગના લાલઘૂમ ચહેરા સામે જોઈને કહ્યું, આ કિંમત પણ મેં તમારી ચાદર જોઈને જ બતાવી છે. તમારા જેવા અત્યાચારી બાદશાહની કિંમત તો ફુટેલી કોડી પણ ના હોઈ શકે.
અહમદીની નિર્ભયતા અને સ્પષ્ટવાદિતાએ તૈમુર લંગના ગુસ્સાને ઠંડો કરી દીધો અને તેણે તેમને મુક્ત કરી દીધા. વાત એ છે કે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તેની યોગ્યતા અને કાર્યક્ષમતાના આધારે જ થઈ શકે છે. જો વ્યક્તિ યોગ્ય છે, ઈમાનદાર છે અને મહેનતુ છે તો તે લાખ રૂપિયાનો છે. જ્યારે અયોગ્યતા અને આળસ વ્યક્તિને રાખનો દરજજો આપે છે.
પરમાત્માને પામવા અહંકારનો ત્યાગ અનિવાર્ય
કન્ફ્યુશિયસ તેમના સમયના એક મહાન ફિલોસોફર અને ધર્મનિષ્ણાત હતા. શિષ્યો દિવસ-રાત તેમની આગળ-પાછળ ફરતા હતા. તેમના એક શિષ્ય યેનહુઈને ઘ્યાન લગાવવામાં તથા મન પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આથી તેણે કન્ફયુશિયસને પુછ્યું કે, મન પર કાબૂ મેળવવા માટે શું કરવું જોઈએ? કન્ફ્યુશિયસે જણાવ્યું કે મન અને આત્મા વચ્ચે સંયોજન સ્થાપો, જે વિચારો, સાંભળો અને જુઓ તેનો આભાસ કરો. યેનહુઈ સમજ્યો નહીં.
ગુરુ ફરીથી બોલ્યા, તું કાનથી સાંભળે છે પણ મન અને આત્માથી સાંભળતો નથી. તને કોઈ કંઈક કહી રહ્યું છે, પરંતુ તારું ઘ્યાન કયાંક બીજે છે એટલે તું તે સાંભળી શકતો નથી. કાનની સાથે જયાં સુધી આત્મા નહીં જોડાય, વાતમાં મન લાગેલું નહીં હોય, ત્યાં સુધી સાંભળીને પણ કોઈ વાત નહીં સંભળાય.
આ જ સ્થિતિ આંખો અને મગજની પણ છે. તમારી જાતને સંપૂર્ણ રીતે આત્મામાં ડુબાડી દો, ત્યારે જ સંયમ પ્રાપ્ત થશે અને સંયમ પ્રાપ્ત થતાં જ, તમે ધર્મનો અનુભવ કરી શકશો. ત્યારે યેનહુઈ બોલ્યો કે, તેના માટે તો સંપૂર્ણ વ્યક્તિત્વ જ ગુમાવી દેવું પડશે. પછી આપણી ઓળખ શું રહેશે? ત્યારે ગુરુએ સમજાવ્યું કે તું પરમતત્વ મેળવવા માટે મન પર કાબૂ મેળવવા માગે છે અને પોતાનું વ્યક્તિત્વ ગુમાવવા પણ માગતો નથી. સમુદ્ર બનવાની ઇરછા રાખતા ટીપાએ સમુદ્રના વિશાળ જળમાં ખોવાઈ જ જવું પડશે. કથાનો સાર એ છે કે પરમેશ્વરને મળવાની ઇચ્છા રાખતા લોકોએ એ સરચાઈ સ્વીકારવી રહેશે કે તેઓ તેનો જ એક ભાગ છે. કુલ મળીને ગૂઢાર્થ એ છે કે અહંકારનું વિસર્જન જ પરમાત્માને મેળવવાનો દરવાજો છે.
ગૃહસ્થજીવનમાં સમજણનું જ સૌથી વધુ મહત્વ
નર્સરીનો કાયદો છે કે અહીં છોડ ઉછરે જરૂર છે, પરંતુ તે મોટાં ક્યાંક બીજે થાય છે. નર્સરી બીજના સદુપયોગનું કેન્દ્ર છે. ગૃહસ્થી પણ એક નર્સરી જેવી જ છે. અહીં સંતાનોને તૈયાર કરવામાં આવે છે પછી તેમને સંસારમાં વિકસવા, મોટા થવા માટે છોડી દેવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિએ આ કારણે જ દાંપત્યને અત્યંત મહત્ત્વનું માનીને તેને તપભૂમિ જણાવ્યું છે. ભારતીય ગૃહસ્થી ફક્ત સ્ત્રી-પુરુષના મિલનની ઘટના નથી. તે દુનિયાની યોગ્ય, સક્ષમ અને શ્રેષ્ઠ સંતાન તૈયાર કરવાની જવાબદારી પણ છે. સારા સંસ્કાર મેળવેલા માતા-પિતા પોતાના પરિવારના દૈનિક વ્યવહારમાં કે ગૃહસ્થીની નર્સરીમાં મહેનત, પ્રેમ, મધુરતા, સેવા, ઈમાનદારી, સદ્ગુણ તથા લક્ષ્ય જેવા બીજનું પોષણ કરે છે. આવી યોગ્ય નર્સરીમાં ઉછરેલા છોડ જયાં પણ જશે, તે બગીચાને ફળફૂલ, સુગંધ અને સુંદરતા આપશે. આપણા બાળકો સંસારમાં આવું કરે તેનાથી વધુ ઉત્તમ શું હોઈ શકે.
જેવી રીતે નર્સરીમાં ખાતર, હવા, પાણીનું ઘ્યાન રાખવામાં આવે છે, તેવી જ રીતે પરિવારમાં લગ્નને વાસનામુક્ત રાખો, બાળકો પ્રત્યે વધુપડતા લાગણીશીલ ના બનો, આવકને લોભથી દૂર રાખો, પારિવારિક અધિકારોને અહંકારમાં ના બદલો, એકબીજા પ્રત્યેના વિશ્વાસને લાગણીઓ સાથે જોડો, ત્યારે જઈને આ નર્સરીમાં ઉછરેલો છોડ દરેક બગીચાની શાન બનશે.
આજના પરિવારોમાં મોટા ભાગના સભ્યોને મૂંઝવણનો અનુભવ થતો હોય છે. કોઈ જગ્યાએ આંસુ વહી રહ્યા છે તો ક્યાંક આંસુના ઘૂંટડા પીવામાં આવી રહ્યા છે. જો પરિવારોના સભ્યો વચ્ચે લાગણી જળવાઈ રહે તો સંબંધો પણ હૂંફાળા રહે છે. આંસુ પણ હ્રદયનો અવાજ બની જાય છે. ગૃહસ્થીમાં કહેવા-સાંભળવા કરતાં સમજવાનું મહત્વ વધુ હોય છે.
આત્મવિશ્વાસ અઘરા કામને સરળ બનાવે છે
એક નદીના કિનારે ધાર્મિક સમારોહ ચાલી રહ્યો હતો. આસપાસના ગામના લોકો ત્યાં એકઠા થયા હતા. બધા પ્રાર્થનામાં મગ્ન હતા. યુવાનો નદીના વહેતાં પાણીનો આનંદ લઈ રહ્યા હતા, બાળકો પાણીમાં કાગળની હોડી છોડીને રમી રહ્યા હતાં.
એક નાનકડો બાળક હાથમાં કાગળની હોડી લઈને પાણીમાં મૂકવા થોડો આગળ વઘ્યો અને સંતુલન ગુમાવી દેતાં તે પાણીમાં પડી ગયો. પાણીમાં પડતાં જ તે બચાવોની બૂમો પાડવા લાગ્યો. નદીકિનારે ઉભેલા બધા જ લોકોનું ઘ્યાન તેના તરફ ખેંચાયું.
બાળક નદીના પ્રવાહની સાથે ઝડપથી આગળ વહી રહ્યો હતો. બાળકની માતા તેને જોઈને ચીસો પાડવા લાગી. ત્યાં હાજર બધા જ લોકો ભય, આશંકા અને આશ્ચર્યની સાથે બધું જ જોઈ રહ્યા હોવા છતાં પણ નિષ્ક્રિય ઊભા હતા.
પાણીના તેજ વહેણમાં કોઈ પણ ઊતરવાની હિંમત કરી શકતું નહતું. આ બાજુ છોકરો પાણીમાં તણાઈ રહ્યો હતો. તેની મા પણ નદીના કિનારા પર તેની સાથે સાથે દોડતી હતી, પરંતુ તરવાનું જાણતી ન હોવાથી પાણીમાં કૂદવાની હિંમત કરી શકતી ન હતી.
ત્યાં જ એક કિશોરે નદીમાં સાહસિક છલાંગ લગાવી અને પાણીના તેજ પ્રવાહમાં તરતાં બાળક પાસે પહોંચી ગયો. કિશોર બાળકને એક હાથથી પકડીને પાણીમાંથી ખેંચીને કિનારા પર લઈ આવ્યો.
કિનારે પહોંચતાની સાથે જ બાળકની માએ તેને છાતીથી વળગાડી દીધો અને કિશોરનો આભાર માનતા બોલી, બેટા, તારા જેવા સાહસિક છોકરાઓ જ દુનિયામાં મોટા માણસ બની શકે છે. તે છોકરો જ આગળ જતાં અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો, જેનું નામ હતું જયોર્જ વોશિંગ્ટન.
આ ઘટના એ બાબત તરફ આંગળી ચીંધે છે કે જો આપણામાં આત્મવિશ્વાસ અને સાહસ હોય તો અઘરામાં અઘરું કામ પણ સરળ બની જાય છે.
સદગુણો મનુષ્યને શ્રેષ્ઠ બનાવે છે
જીવનમાં કેટલાય શબ્દો સરળ હોવા છતાં પણ તેમાં ઊંડો અર્થ સમાયેલો હોય છે. શ્રી હનુમાનચાલીસાનો દરેક શબ્દ આવો જ છે. દરેક શબ્દમાં દર્શક, દિશા અને વ્યાવહારિક જીવનશૈલીનો સંકેત છે.
તુલસીદાસ કવિ જ ન હતા, તે ઋષિ હોવાના ભાવ સુધી પહોંચી ગયા હતા. તેઓ જીવન જીવવા અને કર્મ કરવાની સમજ પેદા કરનારા સર્જક હતા. હનુમાનજી તેમના પથપ્રદર્શક હતા અને હનુમાનચાલીસા લખીને તેમણે આપણું માર્ગદર્શન કર્યું છે.
આથી જ હનુમાનચાલીસા જેવું નાનકડું સાહિત્ય કરોડો લોકોનું માર્ગદર્શક અને ગોડફાધર બની ગયું છે. સમસ્યાઓ અને ઘટનાઓનો સામનો કરવાની હનુમાનજીની પોતાની એક વિશેષ શૈલી હતી.
જો કોઈ તેને સમજીને પોતાના જીવનમાં અમલ કરે તો તે પોતાની યશ અને કીર્તિમાં વધારો કરી શકે છે. એક સવાલ અનેક લોકોના મનમાં છે કે હનુમાનજી વાનર છે, મનુષ્ય છે કે અવતાર? તેઓ વનમાં રહેતા નર છે.
તેમનું વાનર સ્વરૂપ મનુષ્યોનું જ સ્વરૂપ હતું. માનવ બનીને જ માનવને લીલાનો અર્થ સારી રીતે સમજાવી શકાય છે. દુનિયાભરના ધર્મોમાં જયારે કોઈ પરમશક્તિ કે દેવતા મનુષ્ય બનીને આવે છે તો તેનો હેતુ મનુષ્યને પરમાત્માની નજીક પહોંચવાનો માર્ગ બતાવવાનો હોય છે.
મનુષ્ય હોવું જેટલું ગર્વની વાત છે તેટલો કઠિન મામલો પણ છે. પ્રાણી શ્રેષ્ઠ હશે તો સારું પ્રાણી બની જશે. આ જ રીતે જો મનુષ્ય ઉત્તમ બન્યો તો તે દેવત્વ પણ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ જો તે પાપી બન્યો તો પ્રાણી કરતાં પણ નીચે જઈ શકે છે.
સદગુણો મનુષ્યને શ્રેષ્ઠ બનાવે છે. જે મનુષ્યમાં પોતાની મર્યાદાઓને પાર કરીને આગળ નીકળી જવાની અપાર સંભાવનાઓ છે તેના માટે હનુમાનજી એક રોલ મોડેલ છે.- પં. વિજયશંકર મહેતા
સારા કે ખોટા કૃત્યનું પરિણામ અચૂક મળે છે
પોતાની માગણી ન સંતોષાતાં એક બાળક તેની મા ઉપર ગુસ્સે થયો અને માને કહેવા લાગ્યો ‘આઈ હેટ યુ’. તેનો ગુસ્સો જોઈ મા તેને પટાવવા લાગી. દીકરાને વહાલ કરવા ગઈ પણ દીકરો ઘરની બહાર દોડ્યો.
મા પણ પાછળ દોડી. પણ માનું ગજું કેટલું કે દીકરાને પકડી શકે? દીકરો દોડતો દોડતો જંગલમાં પહોંચી ગયો. થાક ઉતારવા ઊભો રહ્યો પણ ગુસ્સો ઠંડો પડ્યો ન હતો. આથી ફરીથી તે બરાડયો.‘આઈ હેટ યુ’… સૂમસામ જંગલમાં તેનો પડઘો પડયો.
‘આઈ હેટ યુ’ બાળકનો જ પ્રતિઘ્વનિ તેને સંભળાયો. બાળક પોતાનો જ અવાજ સાંભળી ભયભીત થઈ ઘરે આવી માને બાઝી પડી રડવા લાગ્યો. માએ રડવાનું કારણ પુછ્યું. તેણે બાળકને કહ્યું, ‘તું પાછો તે જંગલમાં જઈ મોટેથી બોલ ‘આઈ લવ યુ’- હું તને ચાહું છું.
બાળકને તેનો પ્રતિઘ્વનિ સંભળાયો. તેણે ઘરે આવી માને બધી વાત કરી. માએ બાળકને પૂછ્યું ‘તેં શું સાંભળ્યું?’ બાળકે કહ્યું ‘હું તને ચાહું છું… ચાહું છું’ અને માએ બાળકને છાતીસરસો ચાંપી પૂછ્યું સાચેસાચ? અને બાળકે હસતાં હસતાં માને વહાલથી બચી ભરી.
આપણા જીવનનું પણ કાંઈક આવું જ છે. આપણા વ્યવહારમાં મનના પ્રતિઘ્વનિ પડઘારૂપે સંભળાય છે. પ્રેમથી કરેલા વ્યવહારમાં પ્રેમનું મધુર ગીત સાંભળવા મળશે અને ધિક્કારના બદલામાં ધિક્કારના અગનગોળા.
પ્રેમનો પ્રવાહ જીવનને મધુર સંગીતથી ભરી દેશે અને ધિક્કારના અગનગોળા સતત દઝાડતા રહેશે. આપણે કરેલા સદ્વ્યવહાર યા દુરવ્યવહારનો આ જન્મે નહીં તો આવતા જન્મે પડઘો પડે જ છે. ટૂંકમાં આપણા પ્રત્યેનું કૃત્ય-એ આપણે બીજા સાથે કરેલા કૃત્યનું જ પરિણામ છે. – પરમાનંદ ગાંધી
જીવનનો અર્થ આત્મચિંતનથી જાણી શકાય
ગુરુ પોતાના શિષ્યના રૂપાંતરણ માટે તત્પર રહે છે. આ રૂપાંતરણ જ્ઞાન કરતાં વધારે અનુભવથી કરાવવામાં આવતું હોય છે. મનુષ્યને જ્ઞાન અને માહિતી-શિક્ષણ અને શિક્ષક પાસેથી મળી જાય છે, પરંતુ તેનો અનુભવ તો સાચો ગુરુ જ કરાવે છે.
ગુરુ હંમેશાં અનુભવ કરવાની તક આપતા હોય છે. કેટલીક વખત તો ગુરુઓએ શિષ્યોને અસંખ્ય ભૂલો કરવા દેતા હોય છે. ત્યાર બાદ પણ જયારે ભૂલ થઈ તો અનુભવ કરાવ્યો કે ખોટું શું હોય છે, ભૂલ કયાં થાય છે. આ કારણે જ કેટલાક શિષ્યો અધવચ્ચે જ સાચા ગુરુઓના વિરોધી બની જતા હોય છે. તેમનું માનવું હોય છે કે ગુરુ ઇચ્છતા તો આપણને ભૂલ કરવાથી અટકાવી શક્યા હોત, આમ છતાં પણ આપણને અટકાવ્યા નહીં.
સામે પક્ષે ગુરુ એવું માનીને ચાલતા હોય છે કે જયાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી રૂપાંતરણ પૂરું નહીં થાય.તેને અઘ્યાત્મમાં તપજ્ઞાન કહે છે. દરેક સારી અને ખરાબ વાતને જાણી લેવી તત્વજ્ઞાન છે. ગુરુઓ ફક્ત આછું-પાતળું જ્ઞાન આપવામાં રસ રાખતા નથી. તેઓ અંત:કરણ પર ચઢેલી વાસનાના પડને હટાવીને શ્રેષ્ઠ આસ્થાને સ્થાપિત કરવા માગતા હોય છે. અહીંથી જ આત્મા પરમાત્મા બનવાના માર્ગે આગળ વધે છે.
નરને નારાયણ બનાવવાની કળા ગુરુઓ સારી પેઠે જાણતા હોય છે. સાચા ગુરુઓ મનુષ્યના ગુણોને જાણતા હોય છે. પૂજાપાઠ, જપ-તપ આ બધી તો પ્રારંભિક ક્રિયાઓ હોય છે. તે તો માત્ર એક મુકામ છે, તેને મંજિલ સમજવી ન જોઈએ.
મનને ગમતું વરદાન પરમાત્મા આપતો નથી એ નિરાશા લોકોના મનમાં ઘર કરી જાય છે. જયારે વાસ્તવિકતા એ છે કે આત્મચિંતન અને આત્મનિર્માણ એ બે ક્રિયાઓમાંથી પસાર થયા વગર જીવનનો સાચો અર્થ જાણી શકાતો નથી અને તેના માટે સાચા ગુરુ દ્વારા રૂપાંતરણ જરૂરી છે. – પં. વિજયશંકર મહેતા
માફ કરવાની વૃત્તિ શાંતિ સાથે સફળતા અપાવે છે
આપણે જયારે પણ અશાંત હોઈએ છીએ ત્યારે એ સમજી નથી શકતા કે કેવી જીવનશૈલી અપનાવવામાં આવે. અશાંત મન ગુસ્સાને શરણે જતું રહે છે. ભ્રમ જેવી સ્થિતિઓ તેને મદદગાર લાગે છે. પછી જયારે આ તોફાન પસાર થઈ જાય છે ત્યારે લાગે છે કે આ યોગ્ય ન હતું અને પછી ફરી પાછું તે શાંતિ માટે તડપવા લાગે છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે કેટલાક પ્રયોગો કરી શકાય છે. પોતાના હૃદય સાથે વધુ ને વધુ નજીક રહેવાનું શીખો.
મોટા ભાગે આપણે બુદ્ધિની નજીક રહેતા હોઈએ છીએ. બુદ્ધિની પોતાની કેટલીક રીતો હોય છે. હૃદયની નજીક આવતાં જ આપણને સ્થિતિઓનો સામનો કરવાના નવા દરવાજા ખૂલતાં દેખાય છે. ખાસ કરીને જયારે સ્થિતિઓ આપણને અનુકૂળ ના હોય એવા સમયે આપણે મૂંઝવણમાં મુકાઈ જઇએ છીએ કે પ્રતિક્રિયા કરીને પોતાની ઊર્જા નષ્ટ કરી દઈએ છીએ. બીજી એક રીતે છે ઉપેક્ષાનો ભાવ.
અણગમતી વસ્તુઓ અને સ્થિતિઓ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ આપણને શાંત રહેવામાં મદદ કરશે અને આ ભાવ માફ કરી દેવાના સ્વભાવથી પેદા થાય છે. અશાંત બનતી સ્થિતિઓનો સામનો કરવાની એક સરળ રીત છે- માફ કરવું.
માફ કરવાનો ભાવ મનુષ્યને ખોટી ગણતરીથી બચાવે છે. માફી હદયની નજીક લઈ જાય છે, જે દલીલ અને અહંકારના ભાવનો નાશ કરવામાં મદદ કરે છે. હદય સાથે જોડાયા વગરની યાત્રા ફક્ત મગજથી કરવામાં આવશે અને તે હરીફાઈના યુગમાં બદલો લેવાની ભાવના બની જશે.
હરીફાઈમાં જ અશાંતિ છુપાયેલી છે. આથી માફ કરવાનું શીખો અને હદયની નજીક જાવ. માફ કરવાનો ભાવ સ્વસ્થ હરીફાઈને જન્મ આપે છે. ભૌતિક યુગમાં સફળતાની ઇચ્છાને જાગૃત રાખીને માફ કરવાનો ભાવ શાંતિ પણ આપશે. – પં. વિજયશંકર મહેતા
માત્ર મૂર્તિમાં નહીં, ગરીબ-દુ:ખીમાં ઈશ્વરદર્શન કરો
સાંજ પડતાંની સાથે જ મંદિરમાં ભીડ થવા લાગી હતી. મંદિરની બહાર શ્રદ્ધાળુઓનાં ટોળેટોળાં ઊમટી પડ્યા હતા. ભીડને નિયંત્રણમાં રાખવા તથા લોકોની જાનમાલની સુરક્ષા માટે પોલીસ આમતેમ દોડી રહી હતી. મંદિરની સીડીઓની નીચે એક કોન્સ્ટેબલ પોતાની ડ્યૂટી કરી રહ્યો હતો. મંદિરની બહાર કેટલીક મીઠાઈની દુકાનો હતી. અહીં એક નાનકડી છોકરી ઘણા સમયથી ભીખ માગી રહી હતી. તેને ખૂબ ભૂખ લાગી હતી પણ કોઈ તેના તરફ ઘ્યાન આપતું ન હતું. ત્યાં જ તેણે જોયું કે જલેબીની એક દુકાનમાં દુકાનદાર ઊભો થઈને કયાંક ગયો છે.
ભૂખથી ટળવળતી છોકરી ધીમે ધીમે દુકાન પાસે ગઈ અને પછી આમતેમ જોઈ બે જલેબી પોતાના હાથમાં લઈ લીધી. ત્યાં જ દુકાનદાર આવી ગયો. તેણે તેને પકડી લીધી અને મારવા લાગ્યો. છોકરી જોરજોરથી રડવા લાગી. ડયૂટી કરી રહેલો કોન્સ્ટેબલ આ બધું જ જોઈ રહ્યો હતો. આ બાજુ તેનો સાથીદાર બીજો કોન્સ્ટેબલ મંદિરમાંથી પાછો આવીને કહેવા લાગ્યો કે જા દર્શન કરી આવ. પહેલો કોન્સ્ટેબલ બોલ્યો, હું અહીંથી જ દર્શન કરી રહ્યો છું. પછી તે છોકરી પાસે આવ્યો અને તેને દુકાન પર લઈ ગયો અને તેને જલેબી અપાવી કહ્યું કે બેટા, ખાઈ લે.
હવે ચોરી કરતી નહીં. ચોરી કરવી ખરાબ વાત છે. છોકરીએ પેટ ભરીને જલેબી ખાધી. તેને ખાતી જોઈને કોન્સ્ટેબલની આંખોમાં જે સંતોષ જોવા મળ્યો તે દર્શન કરીને પાછા ફરતા લોકોની આંખોમાં પણ દેખાતો ન હતો. જે વ્યક્તિ નિર્ધન, દુર્બળ અને દુ:ખી પ્રાણીઓમાં ભગવાનના દર્શન કરે, તે જ સાચો ઉપાસક છે. ફક્ત મૂર્તિમાં ભગવાનને જોવા એ માત્ર છેતરપિંડી જ છે.
દુનિયા એક ધર્મશાળા, આપણે તેના મુસાફરો છીએ
દુનિયા એક ધર્મશાળા છે. આથી જ ફકીરોએ કહ્યું છે કે આપણે દુનિયામાં રહીએ છીએ, દુનિયા આપણામાં નહીં. બલખના બાદશાહ ઇબ્રાહિમનો એક પ્રખ્યાત કિસ્સો છે. તેમનો સ્વભાવ ફકીરો જેવો હતો. દરેક વાત પર તેઓ ખાસ ચિંતન કરતા હતા. એક વખત એક વ્યક્તિ તેમના દરબારમાં સીધો ઘૂસી આવ્યો અને બાદશાહના સિંહાસન પાસે જઈને આમતેમ જોવા લાગ્યો.
ઇબ્રાહિમે પૂછ્યું કે શું જોઈ રહ્યા છો અને શું જોઈએ છે. તે વ્યક્તિએ કહ્યું કે એક-બે દિવસ રહેવા માગું છું. બાદશાહ બોલ્યા, શોખથી રહો. તે વ્યક્તિ બોલ્યો, રહી તો જઈશ, પરંતુ આ તો ધર્મશાળા છે અને હું ધર્મશાળામાં રહેવા નથી માગતો. બાદશાહ ચમકી ગયા અને બોલ્યા, ભાનમાં તો છો ને? આ ધર્મશાળા નહીં બાદશાહનો મહેલ છે. તે વ્યક્તિ બોલ્યો, એ જણાવો કે શું તમારા પહેલાં આ જગ્યા પર કોઈ રહેતું હતું. બાદશાહ બોલ્યા, હા, મારા પિતા અને તેમના પહેલાં મારા દાદા. અહીં કેટલીય પેઢીઓ રહી ચૂકી છે. તે વ્યક્તિ બોલ્યો, જ્યારે આટલા બધા લોકો અહીં રહીને જતા રહ્યા તો પછી આને ધર્મશાળા નહીં તો બીજું શું કહેવાય?
આ દુનિયા એક ધર્મશાળા છે અને આપણે તેને હંમેશાંનું ઠેકાણું માની લઈએ છીએ. અહીં કોઈ કોઈનું નથી હોતું. બાદશાહ સમજી ગયા કે વાતમાં ઊડો અર્થ સમાયેલો છે. તેણે એ વ્યક્તિને પૂછ્યું, તમે કોણ છો, તો ખબર પડી કે તેઓ હઝરત ખિજર હતા. હકીકતમાં આપણે બધા જ મુસાફરો છીએ અને મુસાફરનો હેતુ મંજિલ હોય છે.
પોતાના મુકામ સુધી પહોંચવા માટે તે રસ્તામાં કેટલીક જગ્યાએ આરામ ભલે કરી લેતો હોય, પરંતુ મુસાફર એ કયારેય ભૂલતો નથી કે તેની મંજિલ કઈ છે. આપણા બધાની મંજિલ તે પરમપિતા પરમેશ્વરને પામવાની છે,પછી ધર્મનો માર્ગ ભલે કોઈ પણ હોય.
બુદ્ધિ-મહેનતના બળથી તમારા નસીબને બદલો
એક કીડી ઝાડ ઉપર ચડી રહી હતી. ઉપરથી બીજી કીડી નીચેની તરફ આવી રહી હતી. પહેલી કીડીએ બીજી કીડીને પૂછ્યું, કેમ બહેન, મજામાં તો છે ને? બીજી કીડીએ જવાબ આપ્યો, શું બતાવું બહેન, બાકી બધું તો બરાબર ચાલે છે, પરંતુ એક મુશ્કેલી છે.
પહેલી કીડી બોલી કે કઈ મુશ્કેલી છે, મને પણ બતાવ? બીજી કીડીએ જણાવ્યું કે મોઢાનો સ્વાદ બગડેલો જ રહે છે. દરેક સમયે મોઢું ખારું ખારું જ રહે છે. શું કરું, કશું સમજાતું નથી. પહેલી કીડીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા જણાવ્યું કે તું દરિયાકિનારે રહે છે એટલે આવું થાય છે.
મારી સાથે આવ, હું ગળ્યા ફળના ઝાડ પર રહું છું. તારું મોઢું પણ ગળ્યું કરાવું પહેલી કીડી તેને પોતાના ઘરે લઈ ગઈ. તેણે મહેમાન કીડીને પ્રેમથી કેટલીય ગળી વાનગીઓ ખવડાવી. બીજી કીડીએ પણ પેટ ભરીને ખાધું. જયારે તેણે પેટ ભરીને જમી લીધું તો પહેલી કીડીએ પૂછ્યું, બતાવ બહેન, હવે તો તારું મોઢું ખારું નથી રહ્યું ને ?
પરંતુ બીજી કીડી બોલી, મારું મોઢું તો હજુ ખારું જ છે. આથી પહેલી કીડી બોલી, આવું કેવી રીતે બની શકે? કયાંક તારા મોઢામાં મીઠાનો ગાંગડો તો નથી ને? બીજી કીડીએ જવાબ આપ્યો, એ તો છે જ. દરિયાકિનારે રહું છું એટલે મીઠું તો સાથે જ રાખું છું.
તો પહેલી કીડી બોલી કે પછી મોઢાની ખારાશ કેવી રીતે દૂર થશે? મોઢું ગળ્યું કરવું છે તો પહેલા મીઠાના ગાંગડાને બહાર થૂંકી દે. કથાનો સાર એ છે કે મનુષ્ય ભગવાનનું સર્વશ્રેષ્ઠ સર્જન છે, પરંતુ અજ્ઞાનના કારણે તે પોતાને નિર્બળ સમજીને દુ:ખી રહે છે.
તેના માટે આપણી આંખો પર રહેલો પડદો ખસેડવાની જરૂર છે. બુદ્ધિ અને મહેનતના બળે મનુષ્ય પોતાનું નસીબ જાતે જ બદલી શકે છે.
જીવનમાં મળેલા અમૂલ્ય સમયનો સદુપયોગ કરો
તમામ ધર્મોમાં ભેટ આપવાની પરંપરા છે. વિવિધ તહેવારો અને ખુશીના પ્રસંગે લોકો એકબીજાને ભેટ-સોગાદો આપતા હોય છે. ખ્રિસ્તીઓના સાંતાકલોઝ તો ઉપહારપુરુષ જ છે.
ભેટ-સોગાદો સદભાવનાઓનું પ્રદર્શન અને પોતાપણાની પ્રતિક્રિયા છે. સૌથી મોટી ભેટ તો માનવજીવન છે. અંદર શું છે તેની આતુરતા જળવાઈ રહે તેના માટે ભેટને એક સુંદર આવરણમાં બાંધવામાં આવે છે. જયાં સુધી બોક્સ ખોલવામાં ન આવે ત્યાં સુધી ભેટ અંગેની આતુરતા જળવાઈ રહે છે.
આપણું જીવન પણ ભગવાન દ્વારા આપવામાં આવેલી એક ભેટ જ છે. તેને ખોલવું પડે છે. સમય પણ એક ભેટ છે. તેનો સંભાળીને ઉપયોગ કરો અને બીજાને પણ તેની ભેટ આપો. જો પશુ-પક્ષી હોત તો આપણે તેને દિવસ-રાત ખૂંટા સાથે બાંધી લેતા કે પીંજરામાં પૂરી દેતા.
પસાર થઈ જવું સમયની નીતિ છે અને તેનો સદુપયોગ કરી લેવો મનુષ્યની યોગ્યતા કહેવાશે. આપણે સમયનું જેટલું આયોજન કરી શકીશું તે બીજાને ભેટ-સોગાદ આપવા-લેવા જેવું જ કહેવાશે. ભેટ-સોગાદો એક બીજું પણ કામ કરતી હોય છે, તે છે ઉદાસ મનને પ્રસન્ન કરવાનું.
કોઈની વ્યથા દૂર કરી દેવી તેને આપવામાં આવેલી સર્વશ્રેષ્ઠ ભેટ કહેવાશે. સરળ અને ભોળા વ્યક્તિ બનવું પણ પોતાની રીતે એક ભેટ જ છે, જે આપણે બીજાને આપીએ છીએ. આજકાલ સારા લોકો બહુ ઓછા જોવા મળે છે.
જેમના જીવનમાં સારા લોકો આવી જાય તેને તેઓ ભગવાનની ભેટ માનતા હોય છે. આથી જ ધાર્મિક કે ખુશીના પ્રસંગે ભેટ આપવાની પરંપરા છે. આમ કરીને આપણે સદગુણોને ભેટના સ્વરૂપમાં વહેંચી શકીએ છીએ.
ભગવાને આપણને મનુષ્યના સ્વરૂપે જન્મ આપીને એક ભેટ આપી છે. હવે આપણે આપણા જીવનની આ વિશ્વને ભેટ આપીએ. -પં. વિજયશંકર મહેતા
સાચો સંન્યાસ તનથી નહીં મનથી લેવાનો હોય
ગાંધીજીના આશ્રમમાં લોકોની અવર-જવર સતત ચાલુ રહેતી હતી. દરેક વ્યક્તિ ગાંધીજીની નજીક રહી તેમના સેવાકાર્યોમાં પોતાનું યોગદાન આપવા ઇચ્છતી હતી. એક સન્યાસી ગાંધીજીના આશ્રમમાં પહોંચ્યા અને આશ્રમમાં રહીને જીવન પસાર કરવાની ઇચ્છા વ્યકત કરી.
તેમણે પોતાના જીવનને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કરવા દેવાની મંજુરી માગી. ગાંધીજીએ પણ વિનમ્રતા સાથે જવાબ આપ્યો કે શા માટે નહીં? તમારા જેવા સાધુપુરુષો માટે જ તો આશ્રમ હોય છે. જો તમે અમારા સેવાકાર્યો સાથે જોડાશો તો તે અમારું સૌભાગ્ય ગણાશે, પરંતુ અહીં રહેવા માટે પહેલા તમારે ભગવાં વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે.
સંન્યાસીને ગાંધીજીની આ વાત વિચિત્ર લાગી. આમ છતાં તેણે ગાંધીજીને જણાવ્યું કે એ કેવી રીતે શક્ય છે? હું તો સંન્યાસી છું. ત્યારે ગાંધીજીએ તેને સમજાવતાં જણાવ્યું કે આ ભગવાં કપડાં જોઈને જ આપણા દેશવાસીઓ તેને ધારણ કરતા લોકોની સેવા-પૂજા ચાલુ કરી દે છે.
તેઓ આ કપડાંને કારણે તમારા દ્વારા કરવામાં આવતી સેવાનો સ્વીકાર નહીં કરે. જે વસ્તુ કે પ્રતીક આપણાં સેવાકાર્યોમાં વિધ્ન નાખે તેનો મોહ છોડી દેવામાં જ ફાયદો છે. તમે જ વિચારો, ભગવાં કપડાં પહેરીને તમને આશ્રમમાં કોણ સફાઈ કરવા દેશે?
સંન્યાસીએ ગાંધીજીની વાતોની પાછળ છુપાયેલી સચ્ચાઈ સમજી લીધી અને ભગવાં કપડાનો ત્યાગ કર્યો. કથાનો સાર એ છે કે સંન્યાસ એક માનસિક પ્રવૃત્તિ છે, એક ભાવ છે જે કપડાંના સાંકડા વર્તુળની બહાર છે. કપડાં તો શરીર ધારણ કરે છે, જયારે સંન્યાસને મન ધારણ કરે છે. આથી સાચો સંન્યાસી કપડાંના સીમાડામાં બંધાતો નથી.
આઘ્યાત્મિક તકોને ઝડપી લેવાની કળા શીખવી જોઈએ
જેઓ પોતાનું લક્ષ્ય જાણતા હોય છે તેઓ એ પણ જાણતા હોય છે કે લક્ષ્યને પૂરું કરવામાં કોણ મદદરૂપ બનશે. બજારની દુનિયામાં વેપારીઓ પોતાના ફોકસ ગ્રૂપને ટાર્ગેટ કરતા હોય છે. આ જ રીતે આઘ્યાત્મના સંસારમાં પણ સિદ્ધપુરુષોએ આવા જ પ્રયોગ કર્યા હતા અને આજે પણ કરી રહ્યા છે.
રામ-કૃષ્ણ અવતારોથી માંડીને મહાવીર, બુદ્ધ, મોહમ્મદ, ઈસુ, નાનકે પણ આવા જ પ્રયોગ કર્યા હતા. આ તમામ લોકોએ તેવા લોકો પર બરાબર ફોક્સ રાખ્યું જે તેમના ઉદ્દેશ્યોની પૂર્તિ કરી શકે તેમ હતા અને સહાયક બની શકે તેમ હતા. ફકત એક ઉદાહરણ સમજો.
ફકત પાંડવ જ કૃષ્ણના ભરોસે ન હતા, કૃષ્ણે પણ પાંડવોને પોતાના લક્ષ્ય માટે પસંદ કર્યા હતા. આ સિદ્ધપુરુષો એ બાબત પર ઘ્યાન આપતા હોય છે કે તેમના અગાઉ થઈ ગયેલી શ્રેષ્ઠ વ્યક્તિઓએ કે શાસ્ત્રોએ તેવા કયા સારા માર્ગો બતાવ્યા હતા, જે આજે તેમના ફોકસ ગ્રૂપના લોકો ભૂલી રહ્યા છે અને પછી એ પ્રયત્નો કરતા રહે છે કે લોકોને શ્રેષ્ઠ જીવનપદ્ધતિનો લાભ મળે.
પોતાના ફોકસ ગ્રૂપના લોકોને સિદ્ધપુરુષો સંસ્કારિત પણ કરતા હોય છે. નામ,રૂપ, વેશ અને પદ્ધતિ બદલીને દરેક યુગમાં આવા સિદ્ધપુરુષો આવતા રહ્યા છે. આપણે પણ તેમના ફોકસ ગ્રૂપમાં આવવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ.
તેઓ જે તક આપે તેને તેમની કૃપા સમજીને તે સેવાને ઝડપવામાં ચૂક ન કરવી જોઈએ. કોઈ સિદ્ધપુરુષના ફોકસમાં આવવું ઘણી મોટી સફળતા કહેવાશે. આપણે જયારે ભૌતિક આકાંક્ષાઓને ઝડપી લેવા માટે હંમેશાં આતુર રહેતા હોઈએ છીએ ત્યારે આવી આઘ્યાત્મિક તકોને ઝડપી લેવાની કળા પણ શીખવી જોઈએ. સિદ્ધપુરુષનું સાંનિઘ્ય પ્રાપ્ત કરવું એ પરમાત્મા સુધી પહોંચવા માટેની આ એક સીડી છે. – પં. વિજયશંકર મહેતા
વિચાર-આચરણમાં ઈમાનદાર હોય એ જ સાચો મહાન
હોડી ગંગાના કિનારે ઊભી હતી. મોટા ભાગના મુસાફરો તેમાં બેસી ગયા હતા. હોડીની બાજુમાં જ એક યુવાન ઊભો હતો. હોડીચાલકે તેને પછ્યું કે શા માટે ઊભો છે? હોડીમાં બેસી જાને! રામનગર નથી જવું કે શું? યુવાન બોલ્યો, જવું તો છે, પરંતુ આજે તારી હોડીમાં બેસી નહીં શકું. હોડીવાળાએ પૂછ્યું, કેમ ભાઈ? યુવાન બોલ્યો, આજે મારી પાસે ભાડાના પૈસા નથી. હોડીવાળાએ જણાવ્યું એમાં શું? આજે નહીં તો કાલે આપી દેજે.
યુવાને વિચાર્યું કે મારી મા આટલી મહેનત કરીને ભણતરના પૈસા ભેગા કરે છે. આવતીકાલે પણ જો નાણાંની વ્યવસ્થા નહીં થાય તો કેવી રીતે ચૂકવીશ? તેણે હોડીવાળાને ના પાડી અને પુસ્તકો સાથે નદીમાં કૂદકો માર્યો.
હોડીવાળો જોતો જ રહી ગયો. આખી ગંગા નદી પાર કરીને યુવાન રામનગર પહોંચ્યો. ભીના કપડે જ ઘરે પહોંચ્યો. મા રામદુલારી પુત્રને આ દશામાં જોઈ ચિંતામાં પડી ગઈ. કારણ પૂછતાં સમગ્ર વાત જણાવીને પુત્ર બોલ્યો, તું જ બતાવ મા, આપણી મજબૂરીને હોડીવાળા પર કેવી રીતે નાખી દેવી જોઈએ?
તે બિચારો પોતે પણ ગરીબ માણસ છે. ભાડું ચૂકવ્યા વગર તેની હોડીમાં બેસવું ઉચિત ના કહેવાય. આથી ગંગા નદી તરીને જ પાર કરી નાખી. પુત્રને છાતીથી ચાંપીને મા બોલી, તું એક દિવસ જરૂર મોટો માણસ બનીશ.
તે યુવાન બીજું કોઈ નહીં લાલબહાદુર શાસ્ત્રી હતા, જેમણે દેશના વડાપ્રધાન બન્યા બાદ માત્ર અઢાર મહિનામાં જ દેશને પ્રગતિના પંથે પહોંચાડી દીધો હતો. કથાનો સાર એ છે કે ઈમાનદારી મહાન ગુણ છે. જે વ્યક્તિ પોતાના વિચાર અને આચરણમાં નૈતિક સિદ્ધાંતો પ્રત્યે ઈમાનદાર રહે છે, તે સાચા અર્થમાં મહાન હોય છે.
મન અને આત્માનો સુમેળ એટલે પરમાત્માનું સાંનિઘ્ય
કોઈ વ્યક્તિના સદગુણ આપણામાં લેવાની સરળ રીત એ છે કે તે વ્યક્તિના ગુણગાન ગાવામાં આવે. તુલસીદાસજીએ હનુમાનચાલીસામાં હનુમાનજીના ગુણગાન ગાયા છે. આથી જયારે જયારે હનુમાનચાલીસાની પંક્તિઓનું રટણ કરવામાં આવે, તેનો સીધો અર્થ એ થશે કે આપણે હનુમાનજીના ગુણ અંદર ઉતારવાની તૈયારી કરી રહ્યા છીએ.
વધુ ઊંડા ઊતરીને જોવામાં આવે તો તમે અનુભવશો કે ગુણગાન પણ એક પ્રકારની ઉપાસના છે. ઉપાસનાનો અર્થ થાય છે પાસે બેસવું, ઉપઆસન. પરમાત્માની નજીક બેસવું કે પોતાની જાતની નજીક બેસવું.
આજકાલ લોકો પોતાની પાસે પણ નથી બેસતા હોતા. મનુષ્ય બહાર તો મોટી મોટી મુસાફરી કરતો હોય છે, પરંતુ પોતાની જાત તરફ વળતો નથી, ડોકિયું કરતો નથી. ઉપાસનાનો સીધો અર્થ છે પરમાત્માની પાસે થોડો સમય શાંતિથી બેસવું.
પૂજા કરતી વખતે મનુષ્ય પોતે બેસતો નથી, આપણે શરીરથી તો ભગવાનની સમક્ષ હાજર હોઈએ છીએ, પરંતુ આપણું મન દુનિયાભરની વાતોમાં દોડતું હોય છે. જયારે આપણે ગાડી ચલાવી રહ્યા હોઈએ છીએ, બગીચામાં કામ કરી રહ્યા હોઈએ છીએ, રસોડામાં રાંધતા હોઈએ છીએ ત્યારે બહારથી કામ કરનારી વ્યક્તિ કોઈ બીજી તથા અંદરથી આમ-તેમ ભટકતું વ્યક્તિત્વ કોઈ બીજું હોય છે.
આ કામમાં જયારે અચાનક કોઈ વિધ્ન આવે છે ત્યારે આપણે એકદમ ચોંકી જઈએ છીએ કે આપણે શું કરી રહ્યા હતા! આજે બધું યંત્રવત્- મશીન જેવું બની ગયું છે. પૂજા એ ટેવ નહીં, પરંતુ સ્વભાવ હોવો જોઈએ. સંસાર ટેવથી ચાલે છે, પરંતુ પૂજા સ્વભાવનો વિષય છે.
પરમાત્મા ટેવથી નહીં, પરંતુ સ્વભાવથી મળે છે. હનુમાનચાલીસાની પંક્તિઓની વિશેષતા એ છે કે તે આપણને આપણા સ્વભાવની નજીક લઈ જાય છે. – પં. વિજયશંકર મહેતા
મૃત્યુની નિશ્ચિતતા સ્વીકારી જિંદગીને મસ્તીથી જીવો
જીવન મળ્યું છે તો મૃત્યુ નક્કી જ છે. મૃત્યુ દુનિયામાં નક્કી થયેલી ઘટના છે. આપણે સમગ્ર જીવનકાળમાં ઘણીબધી ઊર્જા એ વાતો પર લગાવી દઈએ છીએ જે નક્કી નથી હોતી. જે અસ્પષ્ટ છે, અવિશ્વસનીય છે, આપણી ઇચ્છાઓ તેના તરફ જ દોડે છે.
ઇચ્છાઓ અને વાસનાઓ જેટલી પ્રભાવી હશે, આપણી ગુપ્ત શક્તિઓ પ્રગટ થવામાં તેટલો જ સમય લાગશે. ગુપ્ત શક્તિઓને જાગૃત કરવાથી આપણે મૃત્યુને પણ જાણતા થઈશું. હવે સવાલ એ છે કે મત્યુને જાણવું શા માટે જરૂરી છે, જ્યારે આવવાનું હશે ત્યારે આવશે જ અને તેના પછી શું થયું એ કોણે જોયું છે?
એક વર્ગ આ સિદ્ધાંત સાથે જીવન જીવે છે અને બીજો વર્ગ ભયભીત લોકોનો છે. તે લોકો મૃત્યુના ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરે છે. જો ઘ્યાનથી જોવામાં આવે તો બંને પ્રકારના લોકોનું પરિણામ તો એક જેવું જ છે.
ત્રીજી પદ્ધતિ છે મૃત્યુ સાથે સારી રીતે પરિચય કેળવી લેવો. જેણે મોતને જાણી લીધું, સમજી લીધું કે જીવન પણ જાગૃત અવસ્થામાં પસાર કરી લીધું. આપણું જીવન અશાંત, ઉદાસ, કંટાળાજનક અને થાકેલું એટલા માટે લાગે છે કે આપણે સૌથી નક્કી થયેલી ઘટના પ્રત્યે જાગૃત નથી.
આ અવસ્થા બીજા જન્મ સુધી પરિણામ આપશે. આપણે આજે જે છીએ તે પાછળથી આવેલું અને લાવવામાં આવેલું છે. સંતોનો તેમના જન્મ પર પૂરેપૂરો અધિકાર હોય છે, જ્યારે સામાન્ય લોકોનો જન્મ તેમના કાબૂમાં નથી હોતો.
ક્યારે, ક્યાં જન્મ લેવો એ આપણા કાબૂ બહારની વાત છે, પરંતુ દિવ્ય પુરુષો આ મામલે નિશ્ચિંત હોય છે. આપણે પણ મૃત્યુ સાથે પરિચય કેળવી શકીએ છીએ. તેની ત્રણ પદ્ધતિ છે- ગુરુકૃપા, સત્સંગ અને ઘ્યાન. આ ત્રણ માઘ્યમથી જે મૃત્યુને જાણી લેશે, તે જીવનને પૂરી મસ્તી સાથે જીવી જાણશે.
મહાન કાર્યો નિર્ભયતાથી જ પૂરાં થાય છે
કાનપુરના એક દેશભક્ત પ્યારેલાલ અગ્રવાલના ત્યાં ચંદ્રશેખર આઝાદ રોકાયા હતા. તેઓ દેશની સ્વતંત્રતાની લડાઈમાં આગળ પડતો ભાગ લઈ રહ્યા હતા. તેમની વિશાળ હવેલી સ્વતંત્રતાની લડાઈ લડતા લોકો માટે આશ્રયસ્થાન હતી. તે દિવસે તહેવાર હતો. અગ્રવાલના સગાંસંબંધીઓ પણ ત્યાં હાજર હતા.
અગ્રવાલ ચંદ્રશેખર આઝાદ સાથે વાતો કરી રહ્યા હતા ત્યાં જ સમાચાર આવ્યા કે પોલીસે તેમના ઘરને ચારે તરફથી ધેરી લીધું છે. બધાના ચહેરા પર ચિંતાની લહેર છવાઈ ગઈ, પરંતુ આઝાદે કહ્યું કે, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. અગ્રવાલ બોલ્યા કે, ભલે મારા પ્રાણ જતા રહે, પરંતુ હું તમારી ધરપકડ નહીં થવા દઉ. આઝાદ બોલ્યા, તેની જરૂર નહીં પડે.
હું આરામથી નીકળી જઈશ. લાવો, જતા પહેલાં મીઠાઈ તો ખાઈ લઉ. ઘરમાં હાજર રહેલા લોકોએ જોયું કે આઝાદીના લડવૈયાના ચહેરા પર અપાર ધીરજ અને સાહસ છલકી રહ્યું હતું. પોલીસથી ધેરાયા હોવા છતાં તેમના ચહેરા પર ભયનું નામનિશાન ન હતું.
મીઠાઈ ખાધા બાદ આઝાદે માથા પર ખેસ બાંઘ્યો અને મીઠાઈની ટોપલી માથા પર ઉપાડીને નોકરનો વેશ ધારણ કરી લીધો. પછી બોલ્યા, તારાભાભી, હવે તમે મીઠાઈ વહેંચવા માટે મારી સાથે બહાર ચાલો. બહાર આવીને તારાવતીજીએ જમાદારને મીઠાઈ ખવડાવી અને પછી ઘરની તલાશી લેવા જણાવ્યું.
જમાદારને કોઈ શંકા થઈ નહીં અને તેમને જવા દીધા. આઝાદ તુરંત જ ત્યાંથી રવાના થઈ ગયા. કથાનો સાર એ છે કે મહાન કાર્યો નિર્ભયતાથી જ પૂરા થાય છે. ભયથી આત્મશકિતમાં ઘટાડો થાય છે, જ્યારે સાહસ તમારામાં રહેલી શક્તિને અમર્યાદિત બનાવી દે છે.
જેટલું-જ્યારે મળે એમાં સંતોષ મેળવતાં શીખો
જાની જીનવશૈલી પર ટીકા-ટીપ્પણી કરવી સરળ છે, આ કારણે જ પોતાનું વિશ્લેષણ કરવું વધુ કપરું બની જાય છે. તેના પાછળ પણ અહંકાર કામ કરતો હોય છે. થોડા દિવસ પહેલાં પૂરા થયેલા કુંભ મેળામાં સંત-મહાત્માઓની વ્યવસ્થાઓ જોઈને કેટલાય લોકો એવું કહેતા સાંભળવા મળ્યા કે જો બાબાઓનો આવો ઠાઠમાઠ છે તો પછી ભક્તિ કોને કહેવાય.
કેટલાય લોકો કુંભમાં આ સુવિધાઓ જોઈને જ ચકરાવે ચઢી ગયા હતા. જે શ્રેષ્ઠ મળી શકતું હતું તેને મેળવવામાં ચૂકી ગયા. જેમને વીઆઈપી ટ્રીટમેન્ટ, સુવિધાઓ મળી ગઈ તેમાં જ તેઓ ખુશ રહ્યા, બાબા અને મેળો તેમને ગોઠી ગયો. અસલ વસ્તુનો લાભ લેવાનું તેઓ ચૂકી ગયા.
તેમનો અહંકાર સંતોષાઈ ગયો અને સંતોષનું આ સુખ પણ દેવદર્શનમાં આડે આવે છે. બીજા લોકો એ હતા જેમને સંતોની શિબિરોમાંથી વિશેષ વ્યવસ્થા મળી નહીં. વીઆઈપી ટ્રીટમેન્ટથી વંચિત રહી ગયેલો આ વર્ગ પોતાના ગુરુ, બીજા સંતો વગેરેથી અસંતુષ્ટ જોવા મળ્યો.
તેમનો અહંકાર ઘવાયો, આ કારણે તેઓ પણ જેના માટે કુંભનો મેળો લાગે છે તેનો લાભ લેવાથી ચૂકી ગયા. હકીકતમાં કુંભ એક એવો પ્રસંગ છે જેમાં કેટલાક એવા સંતો-ફકીરો આવે છે જે સામાન્ય દુનિયામાં મળતા નથી. સંતકપા વરસાદ જેવી હોય છે, તે ભીના કરવામાં ભેદભાવ રાખતી નથી, આપણે જ આપણા અહંકારની છત્રી ઓઢી લેતા હોઈએ છીએ.
આવા પ્રસંગે જ્યારે પણ આપણા અહંકારની ઠોકર લાગે તો સમજી લેવું કે આપણી પરીક્ષા લેવાઈ રહી છે કે આપણે તેના લાયક છીએ કે નહીં. કુંભનો અર્થ છે ઘડો. સૌથી સારું તો એ કહેવાશે કે આપણે ખાલી ઘડો ભરીને લાવીએ. કુંભનો મેળો તમારા પૈસાથી જેટલું લે છે તેના કરતાં વધુ આપે છે. વાત એ છે કે તમને લેતાં આવડવું જોઈએ.
દુ:ખી લોકોની સેવામાં જ સાચું સુખ રહેલું છે
મહાત્મા વિદ્રુધ મૃત્યુ બાદ સ્વર્ગમાં પહોંચ્યા. ત્યાં તેમને તમામ પ્રકારનાં અલૌકિક અને દિવ્ય સુખ મળ્યા. થોડા દિવસ તો શાંતિથી પસાર થયા, પરંતુ પછી તેઓ આકુળ-વ્યાકુળ થવા લાગ્યા. ઇન્દ્રને જ્યારે આ વાતની ખબર પડી તો પૂછ્યું કે હે મહાત્મા, અહીં તમને શું તકલીફ પડી રહી છે?
વિદ્રુધે જવાબ આપ્યો કે હું પૃથ્વીલોકની મુલાકાત લેવા માગું છું. ઇન્દ્રએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે સ્વર્ગનો વાસી પૃથ્વીલોકની મુલાકાત લેવા માગે છે? આ તો તદ્દન વિપરીત વાત થઈ. પૃથ્વીલોકના રહેવાસીઓ સ્વર્ગની ઇચ્છા રાખતા હોય છે અને તમે પૃથ્વીલોકની મુલાકાત લેવા માગો છો.
છતાં પણ તમે જવા માગો છો તો જઈ શકો છો. બે દેવદૂતોની જયારે તેઓ નીચે આવ્યા તો તેમણે ભૂખ, ગરીબી અને અભાવથી પીડિત લોકોને જોયા. આ જોઈને વિદ્રુધનો આત્મા હચમચી ગયો. તેમણે દેવદૂતોને જણાવ્યું કે, જોયુંને ક્યાંય પણ સુખ કે શાંતિ નથી. દેવદૂત બોલ્યો, શાંતિ અને સુખ તો આપણા સ્વર્ગની વસ્તુ છે.
તો વિદ્રુધ બોલ્યા, દુ:ખી લોકોની સેવા કરવામાં જે સુખ-શાંતિ મળે છે તે તો સ્વર્ગમાં પણ નથી મળતી. આથી હવે હું સ્વર્ગમાં નહીં રહું. તેઓ પાછા સ્વર્ગમાં આવ્યા અને ઇન્દ્રને વિનંતી કરી કે હે દેવરાજ! મહેરબાની કરીને મને પૃથ્વીલોકમાં પાછો મોકલી આપો. હું અહીં સુખી રહી શકું તેમ નથી.
હું પૃથ્વીલોકના રહેવાસીઓની સેવા કરવા માગું છું. ઇન્દ્ર બોલ્યા, મહાત્મા, તમે ધન્ય છો જે દુ:ખી લોકો માટે સ્વર્ગનું સુખ છોડીને જઈ રહ્યા છો. એટલે કે બીજાના દુ:ખમાં દુ:ખી અને સુખમાં સુખી રહેનારા મહાન આત્માઓ દ્વારા જ લોકોનું સાચા અર્થમાં કલ્યાણ થાય છે. તેઓ જ સાચા મહાત્મા છે.
સમર્પણભાવ વિના કોઈ પણ કાર્ય સફળ થતું નથી
અલૌકિક વિશ્વનો એક સ્પષ્ટ કાયદો છે કે જેટલી તમારી હસ્તી હશે ઉપરવાળો તમારા પર તેટલી જ મહેરબાની કરશે. અહીં હસ્તીનો અર્થ નાણાં-સંપત્તિ સાથે નથી. અલૌકિક દુનિયામાં તેનો સંબંધ પ્રાર્થના સાથે છે. સંપૂર્ણ સમર્પણ વગર ભક્તિ થઈ શકશે નહીં. સમર્પણને જ યોગ્યતા ગણવામાં આવ્યું છે.
સમર્પણમાં ‘હું’ પણાનો ભાવ છોડવો પડે છે. ભૌતિકતામાં ‘હું’ મજબૂત હોય છે. ભકિતમાં ‘હું’ નું મરણ થાય છે. જેવો ‘હું’ પણાનો ભાવ દૂર થયો તથા તુ અને તુ નો જ ભાવ આવ્યો, તેવો જ તમારામાં ઉપરવાળાનો પ્રવેશ થશે. હઝરત મોહમ્મદ પર કુર્આનની આયાતો ઊતરી હતી. જેનો અર્થ છે કે તેઓ યોગ્યતા ધરાવતા હતા એટલે તેમનું પાત્ર ખુદાએ કુર્આનની આયાતો ઉતારીને ભરવું પડ્યું.
આપણે જ્યારે ફકીરોને મળીએ છીએ ત્યારે તેઓ આપણામાં રહેલા ‘હું’ ને નીચે પાડીને આપણને યોગ્ય બનાવે છે. કેટલીય વખત સંત-ફકીરો આપણને એટલો પ્રતિભાવ નથી આપતા જેટલો આપણામાં રહેલો ‘હું’ ઇચ્છતો હોય છે. અહંકાર મહત્વ માગે છે અને ફકીરો પોતાની મસ્તીમાં રહીને આપણને ગાળે છે.
તેને આંતરિક રૂપાંતરણ કહેવાયું છે. હઝરત મોહમ્મદ પણ સાદાઈ પર ભાર મૂકતા હતા. તેમણે અહંકારને ખુદા સુધી પહોંચવાના માર્ગમાં અડચણનું નામ આપ્યું છે. તેમણે પોતાના સંબંધીઓ પર આઘ્યાત્મિક પ્રયોગો કર્યા હતા. સગાંસંબંધીઓ સાથે નજીકનો સંબંધ હોય છે તેમાં જ અહંકાર, ઈર્ષ્યા જન્મ લે છે.
ફકીરોની નજીક રહીને જ્યારે આપણે સમર્પણ શીખીએ છીએ તો આ સમર્પણનો સ્વભાવ જ આપણને દુનિયાદારીમાં પણ કામમાં લાગે છે. કોઈ પણ કામ સમર્પણ વગર સફળ થતું નથી. સાચા સમર્પણભાવથી મેળવેલી સફળતા અશાંત પણ નથી કરતી.
માણસ કર્મો વડે જ પોતાનું નસીબ ઘડે છે
શિવમંદિરમાં એક ચોર અને એક પંડિત દરરોજ આવતા હતા. પંડિત પૂરા ભક્તિભાવ સાથે શિવલિંગ પર ફળ-ફૂલ અને દૂધ ચઢાવીને પૂજા કરતા હતા. ત્યાં બેસીને શિવસ્ત્રોતનો પાઠ કરતા અને કલાકો સુધી શિવનું ઘ્યાન ધરતા હતા. તે જ શિવમંદિરમાં એક ચોર પણ દરરોજ આવતો હતો.
આવતાની સાથે જ તે શિવલિંગ પર ડંડા મારવાનું ચાલુ કરી દેતો . પોતાની આ સ્થિતિનો દોષનો ટોપલો તે ભગવાન શિવના માથે નાખી દેતો અને તેમને અન્યાયી તથા પક્ષપાતી જણાવતો. એક દિવસ પંડિત અને ચોર સાથે-સાથે જ મંદિરમાં આવ્યા અને પોતાની દરરોજની પ્રતિક્રિયા પૂરી કરી.
બંનેનું કામ પણ સાથે જ પૂરું થયું અને બંને સાથે જ મંદિરની બહાર નીકળ્યા. ત્યાં જ ચોરને મંદિરના દરવાજાની બહારથી સોનાની અશરફીઓથી ભરેલો થેલો મળ્યો અને પંડિતના પગમાં લોખંડની ખીલી વાગી અને તેના પગમાં ઊંડો ઘા પડવાથી અસા દુ:ખાવાના કારણે રડવા લાગ્યો.
ત્યાં જ ભગવાન શિવ પ્રગટ થયા અને પંડિતને જણાવ્યું કે પંડિતજી, આજના દિવસે તમારા ભાગ્યમાં ફાંસી લખેલી હતી, પરંતુ મારી પૂજા કરીને તમે કરેલા સત્કાર્યોના કારણે ફાંસીના બદલે તમને ફક્ત એક નાનકડી ઈજા થઈ છે.
આ ચોરે આજના દિવસે રાજા બનીને રાજગાદી પર બેસવાનું હતું, પરંતુ તેણે પોતાના કરેલા કર્મોના ફળસ્વરૂપે તેને ફકત સુવર્ણમુદ્રાઓ જ મળી છે. જાઓ, તમે તમારું કામ કરો. કથાનો સાર એ છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. જો તે સારા કામ કરશે તો તેના સારા પરિણામ સ્વરૂપે તેને સારું ભવિષ્ય મળશે અને ખરાબ કર્મોના બળે તેને દુર્ભાગ્ય નસીબ થશે.
ઈશ્વરને સમર્પિત સંગીત દિવ્ય હોય છે
અકબરને તાનસેનની ગાયકી ખૂબ પસંદ હતી. અકબરે વિચાર્યું કે તેના ગુરુનું ગળું તો વધુ સુરીલું હશે. તાનસેને તેમની ઇચ્છા પૂરી કરી અને જણાવ્યું કે ગુરુ તો પરમેશ્વર માટે ગાય છે.
બાદશાહ અકબરના દરબારમાં વિવિધ ક્ષેત્રોના નવ વિદ્વાન હતા, જે નવરત્નના નામે ઓળખાતા હતા. તાનસેન આમાંનો એક હતા, જે અકબરના સૌથી વધુ પ્રિય હતા. તાનસેનનું ગીત અકબરને મંત્રમુગ્ધ કરી દેતું હતું. એક દિવસ અકબરને વિચાર આવ્યો કે તાનસેનને ગાવાની તાલીમ આપનારા ગુરુનો અવાજ કેટલો મીઠો હશે. તેઓ તાનસેન કરતાં પણ વધુ મીઠા અવાજમાં ગાતા હશે. દરબારમાં તેમને ગાવા માટે બોલાવવા જોઈએ? અકબરે તાનસેન સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી. તાનસેન આ સાંભળીને બોલ્યા કે મારા ગુરુ સ્વામી હરિદાસ બોલાવવાથી આવશે નહીં અને કોઈના કહેવાથી ગીત નહીં ગાય.
ગુરુ હરિદાસનું ગીત સાંભળવાની અકબરની તીવ્ર ઇચ્છાને પૂરી કરવા માટે તાનસેન તેમને વૃંદાવન લઈ ગયા. અકબરને બહાર ઊભા રહેવાની અરજ કરીને તાનસેન ગુરુની ઝૂંપડીમાં ગયા. અંદર જઈને થોડા સમય બાદ તાનસેને જાણીજોઈને કોઈ રાગને ખોટી રીતે ગાવાનું ચાલુ કરી દીધું. ત્યારે હરિદાસ તેમના પર ગુસ્સે થઈ ગયા અને પોતે જ તાનપૂરો લઈને સારી રીતે ગાવા લાગ્યા. બહાર ઊભેલા બાદશાહ તો તેમની ગાયકી સાંભળીને ભાવવિભોર થઈ ગયા. તે દિવસથી ગુરુના ગાયનની સરખામણીએ અકબરને તાનસેનનું ગાયન ફિક્કું અને રસહીન લાગવા લાગ્યું.
જ્યારે તેમણે તાનસેનને તેનું કારણ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે, ‘હુજુર, હું હિન્દુસ્તાનના બાદશાહને ખુશ કરવા માટે ગાઉ છું, જ્યારે મારા ગુરુ પરમાત્માને પ્રસન્ન કરવા માટે ગાય છે. બંને વચ્ચે આ અંતર હોવાના કારણે મારી ગાયકી હવે તમારા મનને પ્રફુલ્લિત કરતી નથી. કહેવાનો મતલબ એ છે કે જે સંગીત પરમેશ્વરને સમર્પિત હોય છે, તે આત્માથી નીકળવાના કારણે દિવ્ય હોય છે, જ્યારે દુનિયાને ખુશ કરવા માટે ગાવામાં આવતા સંગીતમાં સ્વાર્થ સમાયેલો હોવાના કારણે તે એટલું ઉચ્ચ સ્તરનું હોતું નથી.
પવિત્રતાથી ભેદભાવનો અંત આવે છે
પરમાત્માને પામવા માટે સાધના કરવી પડે છે. કેટલાક લોકો અહીં જ ભ્રમમાં પડી જાય છે. સવાલ એ છે કે અંતે સાધના છે શું? દરેક ધર્મમાં તેનું સ્વરૂપ બદલાઈ જવાને કારણે લોકો વધુ પરેશાન થઈ જાય છે. સાધનાને બાહ્ય દ્રષ્ટિકોણથી જોશો તો ઈશ્વર અને તેની સાધનાના કેટલાંય સ્વરૂપ જોવા મળશે, પરંતુ અંદર ઊડા ઉતરશો તો જાણશો કે સાધનાનો એક જ અર્થ છે આત્મશોધ.
ધર્મ કોઈ પણ હોય અંદરની ક્રિયા એક જ હશે. આપણે અંદરથી શુદ્ધ થયા વગર તે પરમશક્તિને પામી શકીએ નહીં, જેને ગૌતમ બુદ્ધ, મહાવીરસ્વામી અને ગુરુ નાનકે પોત-પોતાની રીતે મેળવી છે, પરંતુ તેઓ પણ ઊડા જ ઊતર્યા હતા. આ હસ્તીઓએ જ્યારે બાહ્ય દ્રષ્ટિકોણથી જોયું તો દુનિયાની સમસ્યાઓ તેમની સાથે પણ જોડાઈ ગઈ હતી. આત્મશોધ એકદમ સરળ પ્રક્રિયા પણ નથી.
મન એક એવો ખડક છે જેના પર આખું જીવન વરસાદ વરસતો રહે તોપણ લીલું ઘાસ નહીં ઊગે. જોકે મનનો આ ખડક અંદરથી તો કોમળ હોય છે. તેનો એક લાભ ઉઠાવી શકાય છે. ખડકને તોડીને તેની રેતી બનાવી શકાય અને આ રેતી કયારેય વ્યર્થ જતી નથી. મજબૂત વ્યક્તિત્વ નિર્માણના પાયામાં તે સહયોગી પુરવાર થશે.
આત્મશોધ પર વેદાંતની એક ટિપ્પણીએ આખું દર્શન સ્પષ્ટ કરી દીધું છે. પરિષ્કૃત આત્મા જ પરમાત્મા છે. આથી આપણે સાધનાને જેટલી આંતરિક સ્વરૂપે જાણી શકીશું તેટલો જ ધર્મનો લાભ ઉઠાવી શકીશું અને બીજાના ધર્મોનું પણ સન્માન કરી શકીશું. પરિષ્કૃત આત્મા પવિત્ર હોય છે. પવિત્રતાના પ્રવેશની સાથે જ ભેદભાવ સમાપ્ત થઈ જાય છે. જો ભેદભાવ રહે તો કોઈ પણ પ્રકારની ભક્તિ થઈ શકે નહીં. આથી જરૂરી છે કે સાધનાને યોગ્ય રીતે સમજવામાં આવે અને ત્યાર બાદ જ કોઈ માર્ગ એટલે કે જ્ઞાન, કર્મ અને ઉપાસના થકી પરમાત્મા સુધી પહોંચી શકાય છે.
પરિષ્કૃત આત્મા જ પરમાત્મા છે. આથી આપણે સાધનાને જેટલી આંતરિક સ્વરૂપે જાણી શકીશું તેટલો જ ધર્મનો લાભ ઉઠાવી શકીશું. પરિષ્કૃત આત્મા પવિત્ર હોય છે. પવિત્રતાના પ્રવેશની સાથે જ ભેદભાવ સમાપ્ત થઈ જાય છે.
દરેકની માતૃભાષાનું સન્માન કરવું જોઈએ
ભાષા વિચારોની અભિવ્યક્તિનું સશક્ત માઘ્યમ છે. જ્ઞાનના પ્રસાર સ્વરૂપે દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ. પોતાની ભાષા સાથે બીજાની માતૃભાષાનો પણ એટલો જ આદર કરવો જોઈએ.
મહાત્મા ગાંધી તેમના વર્ધા ખાતેના આશ્રમમાં હતા. તેમને મળવા માગતા લોકોની દરેક જગ્યાએ ભીડ લાગેલી રહેતી હતી. ગાંધીજીએ પોતાની દિનચર્યા અંતર્ગત બ્રહ્મમુહૂર્તમાં ઊઠયા અને બધાં જ જરૂરી કામ પૂરાં કર્યા. થોડા ઘણા પત્રો લખીને તેઓ બેઠક રૂમમાં આવ્યા અને આગંતુકોને મળ્યા. થોડા સમય બાદ એક અંગ્રેજ સજ્જન ગાંધીજીને મળવા આવ્યા. તેઓ ગાંધીજીના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત હતા આથી તેમના પ્રત્યે સન્માન ધરાવતા હતા. એકબીજાનું અભિવાદન કર્યા બાદ બંને વચ્ચે વાતચીત ચાલુ થઈ.
અંગ્રેજ સજ્જન થોડી હિન્દી જાણતા હતા. આથી તેમણે ગાંધીજી સાથે હિન્દીમાં વાત ચાલુ કરી, પરંતુ ગાંધીજી તેમના સવાલોના જવાબ અંગ્રેજીમાં જ આપતા રહ્યા. ત્યાં હાજર લોકોને આ સ્થિતિ થોડી વિચિત્ર લાગી. અંગ્રેજ સજ્જન પણ ચકિત હતા કેમ કે ગાંધીજી માતૃભાષા હિન્દીના તરફદાર હતા. જ્યારે તે સજ્જન ઊભા થઈને ગાંધીજીથી છૂટા પડ્યા તો ગાંધીજીએ અંગ્રેજીમાં તેમને કેટલાક સન્માનસૂચક શબ્દો કાા અને ફરીથી આવવા જણાવ્યું. ત્યારે તે સજ્જન પોતાની જાતને રોકી શક્યા નહીં અને ગાંધીજીને પૂછી જ લીધું કે મહાત્માજી, હું તો તમારી માતૃભાષા હિન્દીમાં જ તમારી સાથે વાત કરતો રહ્યો, પરંતુ તમે મારી સાથે શા માટે અંગ્રેજીમાં વાત કરતા રહ્યા? ગાંધીજીએ જવાબ આપ્યો કે જ્યારે તમે મારી માતૃભાષાનું આટલું સન્માન કરો છો તો પછી મારે પણ તમારી ભાષાનો આદર કરવો જોઈએ ને?
ગાંધીજીનું વિશાળ હ્રદય જોઈને અંગ્રેજ સજ્જનના મનમાં તેમના પ્રત્યે શ્રદ્ધાભાવ જાગૃત થઈ ગયો. એટલે કે ભાષા આપણા વિચારોની અભિવ્યક્તિનું સશક્ત માઘ્યમ છે અને આપણા વિચારો જ્ઞાનના વાહક હોય છે.
જ્ઞાનના પ્રસાર સ્વરૂપે દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ. આથી આપણે પોતાની ભાષા સાથે બીજાની માતૃભાષાનું પણ હ્રદયપૂર્વક સન્માન કરવું જોઈએ.
સમસ્યાઓથી ડરો નહીં, તેનો ઉકેલ લાવો
માણસના જીવનમાં સમસ્યા આવવાના પાંચ રસ્તા છે- શરીરથી, મનથી, ધનથી, પરિવારથી અને સંસારથી. કેટલાંય ક્ષેત્રોમાં ‘મંજૂરી વગર પ્રવેશ નિષેધ’ ની વ્યવસ્થા હોય છે, પરંતુ મનુષ્ય પોતાના જીવનમાં આવી વ્યવસ્થા કરવામાં ચૂકી જાય છે. આ સમસ્યાઓનો તે ઉકેલ શોધે પણ છે તો તે અસ્થાયી હોય છે. તેનું સ્થાયી નિદાન ફક્ત આઘ્યાત્મ પાસે છે. શરીરની સૌથી મોટી સમસ્યા રોગ છે.
પ્રાણી અને માણસ વચ્ચેના અંતરને સમજી લો. પશુપક્ષી ક્યારેય બીમાર પડતાં નથી, અપવાદ સિવાય. જ્યારે આજે માણસ ક્યારેક જ તંદુરસ્ત રહે છે. અઘ્યાત્મ કહે છે કે તંદુરસ્ત રહેવા માટે સૌથી પહેલા જીભના સ્વાદ પર નિયંત્રણ મેળવવું જોઈએ. જે-તે ખાવાની ટેવ શરીરની દુશ્મન છે. મનનું કામ અશાંત બનાવવાનું છે. તેની સક્રિયતામાં મનુષ્ય બેચેન અને ઉદાસ રહે છે. તણાવથી મુકિત મેળવવી હોય તો મનને નિષ્ક્રિય કરવું પડશે. ખોટી રીતે કમાયેલું ધન ભોગ અને નાશમાં જશે, તેને શુદ્ધ કરવાની રીતે દાન છે. પરિવારમાંથી પ્રેમ ગાયબ થયો તો દાંપત્યને સમસ્યાઓનો જવાળામુખી બનવામાં વાર નહીં લાગે અને સંસારને જ સર્વસ્વ માની લેવું એ પણ અશાંતિનું એક મોટું કારણ કહેવાશે. અઘ્યાત્મ કહે છે કે જીવનમાં સમસ્યાઓ તો આવતી જ રહેશે, તેનાથી ડરવું જોઈએ નહીં.
તેને વોર્નિંગ એલાર્મ કરતાં વધુ ન સમજવું. સમસ્યા આવે તો તેનો ઉપરછલ્લો ઉકેલ ન શોધો, પરંતુ તેના મૂળમાં જાવ. જેમ કે માખી-મચ્છર પર તલવાર ચલાવવા કરતાં તો ગંદકી સાફ કરવી વધુ સારું કહેવાશે. અઘ્યાત્મ પણ કંઈક આમ જ કહે છે, મૂળ વાત પર કામ કરો અને આરંભને સ્પર્શ કરી લો. શરૂઆતથી જ સંભાળી લો, પછી દરેક આવી રહેલી સમસ્યા પોતાની સાથે સમાધાન પણ લઈને આવશે. પં. વિજયશંકર મહેતા
અઘ્યાત્મના કહેવા મુજબ મૂળ વાત પર કામ કરો અને આરંભને સ્પર્શ કરો. શરૂઆતથી જ સંભાળી લો, પછી દરેક સમસ્યા તેની સાથે સમાધાન પણ લઈને આવશે.
અસહમતી પણ શાલીનતાપૂર્વક વ્યક્ત કરો`
એક બીજા સાથે અસહમત થવું એમાં કોઈ મુશ્કેલી જેવું નથી. વિચારોની પરિપક્વતા, ભૌતિક હરીફાઈ અને વ્યક્તિગત વિકાસમાં અસહમતીનો ભાવ મદદગાર બનશે. સાંસારિક વ્યવસ્થામાં અસહમતી ક્યારેક યોગ્યતા બનીને સામે આવે છે. આ લાંબા સમયની અસહમતી જ્યારે સ્વભાવના સ્વરૂપમાં જીવનમાં ટકી જાય તો આ વૃત્તિ તમને વિચલિત અને કેટલીક હદ સુધી વિકટ પણ બનાવી શકે છે.
અસહમતીથી વિરોધનો જન્મ થાય છે જે ખોટું નથી. જોખમ તો વિરોધમાંથી ઈર્ષ્યા, દ્વેષ અને પછી ષડ્યંત્ર સુધી પહોંચવામાં ચાલુ થાય છે. નવી પરિસ્થિતિઓમાં પ્રવેશવા માટે હિંસા રાહ જોઈને બેઠી હોય છે. આથી જીવનમાં અસહમતીનો ભાવ જેવો આવે તેવા જ સાવધાન થઈ જવું જોઈએ, કેમ કે જો પ્રારંભમાં ચૂકી ગયા તો તેનું પરિણામ નુકસાનકારક આવી શકે છે.
બાઇબલમાં સર્મન ઓન ધ માઉન્ટમાં એક પ્રસંગ આવે છે, જેમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો પૂજાની જગ્યાએ કોઈ ભેટ લાવ્યો હોય અને ચડાવવા માંગતો હોય તો તે સમયે તમને તમારા ભાઈના વિરોધનો સામનો કરવો પડે તો સૌથી પહેલાં તમારા ઘરે પાછા આવો, આ વિરોધને દૂર કરો અને પછી પાછા જઈને ઈશ્વરને ભેટ ચડાવો. હકીકતમાં ઈશ્વરને ચોખ્ખા દિલ સાથે અર્પણ કરેલી ભેટ પસંદ છે.
અસહમતીની વૃત્તિનો ઉપયોગ સર્જનમાં થતો રહે ત્યાં સુધી તો બધું ઠીક છે. આથી અઘ્યાત્મ સૂચન કરે છે કે અસહમતીનો ભાવ જ્યારે પણ તમારા મનમાં આવે ત્યારે અનાસકિત, ક્ષમા અને વિનયના અભ્યાસને આધાર બનાવો.નહીંતર અસહમતીની પ્રકતિ મનુષ્યને મનુષ્ય સાથે જોડવાની જગ્યાએ તોડવાનું કામ કરે છે. પોતાની અસહમતીને સર્જનાત્મક અને બીજા માટે ઉપયોગી બનાવવાની એક સીધી રીત તેને વ્યક્ત કરતા સમયે થોડું સ્મિત રેલાવો.
માતાની આજ્ઞાનું પાલન, સંતાનનું પરમ કર્તવ્ય
માતા પોતાના બાળકોને ગર્ભકાળથી માંડીને જન્મ અને પછી લાલન-પાલન સુધી જે ત્યાગ આપે છે અને મુશ્કેલીઓ સહન કરે છે તે આ ધરતી પર બીજું કરી શકે નહીં.
કોલકાતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને હાઈકોટર્ના જજ આશુતોષ મુખર્જી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. આ કારણે જ વિદેશ જવા માટે તેમને ઘણી તકો મળી અને તેઓ તૈયાર પણ હતા, પરંતુ માતાની મંજુરી ન મળવાના કારણે તેઓ ક્યારે ય જઈ શક્યા નહીં. તેમની માતા જૂના વિચારો ધરાવતી હતી અને વિદેશ જવું તેમની દ્રષ્ટિએ પોતાના સંસ્કારોનું ઉલ્લંઘન કરવાનું કહેવાતું હતું. તેમણે પુત્રને ક્યારેય વિદેશ જવાની મંજૂરી આપી નહીં. ભારતના તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન પણ આશુતોષ મુખર્જીના જ્ઞાન અને પ્રતિભાથી પ્રભાવિત હતા. તેમણે એક વખત મુખર્જીને વિદેશ જવાની સલાહ આપી. ત્યારે તેમણે પોતાની માતાની અસહમતી હોવાનું જણાવ્યું.
લોર્ડ કર્ઝનને જરા વિચિત્ર લાગ્યું કે માની ઇચ્છા વગર આશુતોષ વિદેશ જવા તૈયાર ન હતા. તેઓ સત્તા અને અહંકારને પોતાના અવાજમાં ભરીને બોલ્યા, જઈને તમારી માને કહો કે ભારતના ગવર્નર જનરલ તમને વિદેશ જવાની મંજૂરી આપે છે. મુખર્જીએ સંયમિત સ્વરમાં આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો કે જો વાત એમ હોય તો હું માનનીય ગવર્નર જનરલને કહેવા માગીશ કે આશુતોષ મુખર્જી પોતાની માતાની ઇચ્છાને અવગણીને કોઈ બીજાની આજ્ઞાનું પાલન ક્યારેય નહીં કરે. પછી તે ભલે ભારતનો ગવર્નર જનરલ હોય કે તેનાથી પણ મોટો લોર્ડ કર્ઝન. આ સાંભળીને તેઓ ચકિત થઈ ગયા, પરંતુ સાથે-સાથે તેમણે મુખર્જીની માતૃભક્તિના વખાણ પણ કર્યા.
કથાનો સાર એ છે કે માતા પોતાના બાળકોને ગર્ભકાળથી માંડીને જન્મ અને પછી તેના લાલન-પાલન સુધી જે ત્યાગ આપે છે અને મુશ્કેલીઓ સહન કરે છે તે આ ધરતી પર પોતાના બાળકો માટે કોઈ બીજું કરી શકે નહીં, આથી માતાની આજ્ઞાનું પાલન કરવું તે દરેક વ્યક્તિ માટે પરમ કર્તવ્ય છે.
પરોપકારમાં ફળની અપેક્ષા ન રાખવી
જમશેદજી મહેતા કરાચીના પ્રખ્યાત શેઠ અને સમાજસેવક હતા. અખૂટ સંપત્તિની સાથે તેઓ વિશાળ હૃદયના પણ માલિક હતા. નિ:સહાય લોકો માટે ખુલ્લા હાથે દાન કરવું તે તેમનો સ્વભાવ હતો. દૂર-દૂરથી લોકો પોતાની સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા. એક વખત કરાચીના સરકારી દવાખાનાના સભ્યો દાન લેવા મહેતાજી પાસે ગયા. મહેતાજીએ તેમને આવકાર્યા અને પૂછ્યું કે ફાળામાં કેટલી રકમ જોઈએ છે.
સભ્યોએ જણાવ્યું કે, સમિતિએ નિર્ણય લીધો છે કે દસ હજારનું દાન આપનારી વ્યક્તિનું નામ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવનારી તકતી પર લખવામાં આવશે. મહેતાજી અંદર ગયા અને તિજોરીમાંથી રૂપિયા કાઢીને સભ્યો સમક્ષ મૂકી દીધા અને વિનમ્રતા સાથે તેમને ગણી લેવાનો આગ્રહ કર્યો. સભ્યોએ રૂપિયા ગણ્યા તો દસ હજારમાં પચાસ રૂપિયા ઓછા હતા. તેમણે મહેતાજીને જણાવ્યું કે પચાસ રૂપિયા આપવાથી દસ હજાર પૂરા થઈ જશે.
ત્યારે મહેતાજી બોલ્યા, આટલું દાન જ ઉત્તમ છે. હું પૂરા દસ હજાર આપીને મારા નામનો પ્રચાર કરવા માગતો નથી. પ્રચાર કરવાથી દાનનું મહત્વ રહેતું નથી. દાનનું મહત્વ દવાખાનાના ઉદ્દેશ્ય સાથે સંકળાયેલું હોવું જોઈએ, દાન આપનારના નામ સાથે નહીં. જો દાનનો પ્રચાર કરવામાં આવે તો નિર્ધન વ્યક્તિને ત્યાગ અને સેવા કરવાની પ્રેરણા કેવી રીતે મળશે? સેવાથી મળનારો આનંદ પથ્થર પર નામ અંકિત કરવાથી નહીં મળે. કથાનો સાર એ છે કે પરોપકારમાં ફળની અપેક્ષા ન કરવી જોઈએ, કેમ કે તે નિ:સ્વાર્થ સેવાના દિવ્ય સુખના અનુભવને સમાપ્ત કરી દે છે.
શ્રદ્ધા એ પરમાત્માને પામવાની કડી છે
સર્વસામાન્ય વાત એ છે કે જો ધરતી પર ઊભા રહેવા માગતા હોવ તો થોડીક જ જગ્યા જોઈએ અને જો ચાલવા માગતા હોવ તો રસ્તો. જીવનમાં પણ આ બંને બાબતો ઘટતી રહેતી હોય છે, તેના માટે આધ્યાત્મએ એક શબ્દ આપ્યો છે- શ્રદ્ધા. શ્રદ્ધા જીવનને ઉદ્દેશ્યહીન થતું બચાવે છે. બુદ્ધે એક જગ્યાએ જણાવ્યું હતું કે આપણી એક પ્રકૃતિ હરણની કલ્પના જેવી હોય છે. હરણને તરસના કારણે રણમાં જ્યાં જુએ ત્યાં પાણી જ દેખાતું હોય છે, હકીકતમાં ત્યાં પાણી હોતું નથી.
તેને મૃગજળ કહેવામાં આવે છે એટલે કે જે નથી તેને સ્વીકારી લેવું. આપણે પરમાત્મા સાથે પણ કંઈક આવું જ કર્યું છે. તે આપણી અંદર બેઠો છે અને આપણે તેને બહાર શોધી રહ્યા છીએ. જ્યાં નથી હોતો ત્યાં શોધવામાં એક નુકસાન એ થાય છે કે તે જ્યાં છે ત્યાં આપણે પહોંચી શકતા નથી. આ બાબતે બુદ્ધ જેવા સંત તો વધુ ગહન નીકળ્યા છે.
તેઓ કહે છે કે તમે જે ગુમાવ્યું જ નથી તેને વળી શું શોધવું. તે આપણી અંદર હોવું જ પૂરતું છે. શોધવા કરતાં અનુભવ કરવો વધુ મહત્વનું છે. ઉપરવાળો માણસને જ્યારે પણ પૃથ્વી પર મોકલે છે ત્યારે તે પોતાનો તેમાં સમાવેશ કરીને જ મોકલે છે. ‘મેન્યુફેકચરિંગ ડિફેક્ટ’ જેવું કામ તેના ત્યાં થતું નથી. તે પ્રથમ ઉત્પાદન સાથે જ સંપૂર્ણ ઉતારે છે.
દુનિયામાં પ્રવેશતી વખતે આપણે અજ્ઞાની હોઈએ છીએ, ગડબડ તો આપણું પાલનપોષણ કરનારા લોકો કરે છે અને સમજદાર થયા બાદ આપણે જાતે કરતા હોઈએ છીએ. આપણે પોતાની અંદર સદગુણોને ઉમેરવાના બદલે જે છે તેને પણ ઘટાડવાનું કામ ચાલુ કરી દઈએ છીએ. આવામાં શ્રદ્ધા જ એ તત્વ છે જે મૃગજળની વૃત્તિથી આપણને બચાવે છે. શ્રદ્ધા પરમાત્માને પામવાની કડી છે. – પં. વિજયશંકર મહેતા
દરેક જીવમાં ઈશ્વરનો વાસ રહેલો છે
સંત એકનાથ મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત હતા. તેઓ સ્વભાવે અત્યંત સરળ અને પરોપકારી હતા. એક દિવસ તેમને પ્રયાગ જઈ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી તેનું પવિત્ર રામેશ્વરમ તીર્થમાં ચઢાવાનો વિચાર આવ્યો. તેમણે બીજા સંતો સમક્ષ પોતાની ઇરચ્છા રજૂ કરી.
બધાએ તેમના પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કરી સામૂહિક યાત્રા કરવાનો નિર્ણય લીધો. બધા પ્રયાગ પહોંચ્યા અને ત્રિવેણીમાં સ્નાન કર્યું. પછી પોતપોતાના કાવડમાં ત્રિવેણીનું પવિત્ર જળ ભરી લીધું. પૂજા-પાઠ અને ભોજન કરીને રામેશ્વરમ્ની યાત્રા પર નીકળી પડયા. જ્યારે સંતોનો આ સમૂહ યાત્રાની અધવચ્ચે પહોંચ્યો ત્યારે માર્ગમાં એક તરસ્યો ગધેડો મળ્યો. તે તરસના કારણે તડપી રહ્યો હતો અને ચાલી પણ શકતો ન હતો.
બધાના મનમાં દયા આવી, પરંતુ કાવડમાં રાખેલું પાણી રામેશ્વરમ્માં ચઢાવવા માટે લીધું હોવાથી સંતોએ તેના તરફથી મોઢું ફેરવી લીધું. સંત એકનાથે તુરંત જ પોતાના કાવડમાંથી પાણી કાઢીને ગધેડાને પિવડાવી દીધું. પાણી પીવાની સાથે જ જાણે કે નવજીવન મળ્યું હોય તેમ ગધેડો ઊભો થઈ ઘાસ ચરવા જતો રહ્યો. સંતોએ એકનાથને જણાવ્યું કે તમે તો રામેશ્વરમ જઈને તીર્થજળ ચઢાવવાથી વંચિત રહી ગયા.
એકનાથ બોલ્યા, ઈશ્વર તો દરેક જીવમાં વસે છે. મેં કાવડમાંથી એક તરસ્યા જીવને પાણી પિવડાવીને તેના પ્રાણની રક્ષા કરી છે. તેનાથી જ મને રામેશ્વરમ્ જવાનું પુણ્ય મળી ગયું છે. એટલે કે ધાર્મિક વિધિ-વિધાનના પાલન કરતાં માનવીયતાનું પાલન કરવું વધુ ઉત્તમ છે. તેમ કરવાથી જ સાચું પુણ્ય મળે છે. બધા જ ધર્મગ્રંથોમાં પરોપકારને શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવ્યો છે- તે પુણ્ય આપનારો પણ છે.
ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ અત્યંત નાજુક હોય છે
સાંસારિક જીવનમાં સફળતાની સાથે શાંતિ અને આઘ્યાત્મિક જીવનમાં ઉપલબ્ધિની સ્પષ્ટતા ગુરુ દ્વારા મળે છે. આ વિચારના કારણે જ લોકો સાધુ-સંતોની પાછળ પડેલા રહે છે. લોકો એવું માતા હોય છે કે જીવનમાં ગુરુ આવ્યા, સંતોને મળ્યા એટલે આપણું કામ થઈ ગયું સમજો. આ ઉતાવળ ગુરુ-શિષ્યના સંબંધો માટે નુકસાનકારક છે. ઉતાવળે આંબા ના પાકે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અત્યંત નાજુક હોય છે.
ગુરુ એ પરમાત્માને મેળવવા માટેના માર્ગનું ટ્રાફિક સિગ્નલ છે. લોકોએ પરિવહનના આ સંકેતને જ રસ્તો માની લીધો અને કેટલાક ઉતાવળિયાઓએ તો તેને જ અંતિમ મુકામ જાહેર કરી દીધો. ભગવાન મહાવીરે એક અત્યંત સુંદર વાત જણાવી છે, ‘સીધા માર્ગે ચાલશો તો તેનું ફળ તમને અવશ્ય મળશે.’ એક સૂત્રના માઘ્યમથી તેમણે માર્ગને ઉપાય અને તેના ફળને નિર્વાણ જણાવ્યું છે.
‘દંશણાણ ચરિત્રાણિ, મોકખમગ્ગો ત્રિસેવિદવ્વાણિ સાધુહિ ઇદં ભણિદં, તેહિં દુ બન્ધો વ મોકખો વા’. જેનો અર્થ છે દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય મોક્ષનો માર્ગ છે. સાધુપુરુષોએ તેનું આચરણ કરવું જોઈએ. સ્વાશ્રિત હોવાના સંજોગોમાં મોક્ષ અને પરાશ્રિતમાં બંધન બનશે. ભગવાન મહાવીર ઇશારો કરે છે કે મૂળ માર્ગને સમજવામાં આવે અને તેને સંપૂર્ણ રીતે જીવવામાં આવે.
જૈન મુનિ ચન્દ્રપ્રભજીએ સ્પષ્ટપણે જણાવ્યું છે, જે તમામ ધર્મના માર્ગોપર લાગુ પડે છે કે સમ્યક્ જ્ઞાન, સમ્યક દર્શન તથા સમ્યક્ ચારિત્ર્ય જીવનમાં ત્યારે આવશે જ્યારે બહારના કર્મકાંડથી મુક્ત થઈને મૂળ માર્ગને અંદરથી સમજવામાં આવે. નહીંતર સામાયિક, પ્રતિક્રમણ, પ્રતિલેખન જેવી બીજી ક્રિયાઓ આખું જીવન કરતાં રહેશો તોપણ દિવ્ય અનુભૂતિ જેવું કશું પણ હાથમાં નહીં આવે.
પં. વિજયશંકર મહેતા
અવિશ્વાસ શંકાને જન્મ આપે છે
એક ડાકુ સાધુના વેશમાં રહેતો હતો. તે લૂંટેલું મોટા ભાગનું ધન ગરીબોમાં વહેંચી દેતો હતો. એક દિવસ વેપારીઓનું એક ટોળું ડાકુઓના ઠેકાણા પાસેથી પસાર થઈ રહ્યું હતું. બધા જ વેપારીઓને ડાકુઓએ ઘેરી લીધા. ડાકુઓની નજરમાંથી છટકીને એક વેપારી પોતાના નાણાંની થેલી લઈને એક તંબુમાં ઘૂસી ગયો. ત્યાં તેણે એક સાધુને માળાનો જાપ કરતા જોયો. તેણે નાણાંની થેલી સાધુને સંભાળવા માટે આપી દીધી. સાધુનો વેશ ધારણ કરેલા ડાકુએ વેપારીને જણાવ્યું કે થેલીને એક ખૂણામાં મૂકી દો અને નિશ્ચિંત થઈને જાવ.
ડાકુઓના ગયા બાદ વેપારી પોતાની થેલી લેવા તંબુમાં આવી પહોંચ્યો. અહીં તેના આશ્ર્વર્યનો પાર ન રહ્યો. પેલો સાધુ તો ડાકુઓની ટોળીનો સરદાર હતો અને લૂંટેલા નાણાં ડાકુઓમાં વહેંચી રહ્યો હતો. વેપારી નિરાશ થઈને ત્યાંથી જવા લાગ્યો, પરંતુ સાધુએ વેપારીને જોઈ લીધો. તેણે બૂમ પાડી અને જણાવ્યું કે તારી થેલી જ્યાં મૂકી હતી ત્યાં જ છે, લઈ જા. વેપારીએ જોયું તો તેના નાણાંની થેલી સુરક્ષિત હતી. તે ખુશ થઈને ડાકુનો આભાર માની જતો રહ્યો.
હાજર રહેલા ડાકુઓએ હાથમાં આવેલું ધન પાછું આપી દેવાનું કારણ સરદારને પૂછ્યું તો તે બોલ્યો, તે વેપારી મને ભગવાનનો ભક્ત અને ઈમાનદાર સાધુ સમજીને મારી પાસે નાણાંની થેલી મૂકી ગયો હતો. તે જ કર્તવ્યભાવથી મેં તેની થેલી પાછી આપી ને સાધુના વેશની પૂજા કરવાની સાથે વેપારીના વિશ્વાસની રક્ષા કરી છે, તેના નાણાંની નહીં. કથાનો સાર એ છે કે કોઈનો વિશ્વાસ તોડવાથી સચ્ચાઈ અને ઈમાનદારી હંમેશ માટે શંકાના ઘેરામાં આવી જાય છે. આથી પોતાના કામથી અવિશ્વાસ પેદા ન કરો.
શોર્ટકટ એ સફળતાનો સાચો માર્ગ નથી
અત્યારે ફટાફટનો જમાનો છે. બધાને દરેક વસ્તુ તાત્કાલિક જોઈતી હોય છે. તેના માટે કેટલાક લોકો શોર્ટકટ અપનાવી લેતા હોય છે. સફળતાના મામલે શોર્ટકટ કેટલીક વખત ભ્રષ્ટાચાર અને ખોટા માર્ગની સુરંગમાંથી પણ પસાર કરી દેતો હોય છે. હનુમાનજી સફળતાનો પર્યાય છે.
હનુમાનચાલીસામાં પ્રથમ પંક્તિમાં ગુરુના શરણની વાત લખવામાં આવી છે. આ શરણાગતિનો અર્થ છે કે મારા સંપૂર્ણ પુરુષાર્થ બાદ પણ કોઈ શક્તિ છે, જે મને નિષ્ફળતાથી બચાવશે. આ શરણાગતિને મજબૂત બનાવવા તુલસીદાસે હનુમાનચાલીસાના પ્રથમ દોહામાં ‘જો દાયકુ ફલચારી’ લખ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ ગ્રંથની ફલશ્રૃતિ અંતમાં બતાવવામાં આવે છે, પરંતુ અહીં પ્રારંભમાં જ લખી દેવાનું કારણ એ જ છે કે બધા લોકો આજે તાત્કાલિક ફળ ઇચ્છતા હોય છે.
આ ફળ ચાર છે- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આજના સમયમાં તાત્કાલિક ફળની અપેક્ષા હોય એ તો ઠીક છે, પરંતુ તાત્કાલિક ફળ મળે એવી મહેનત પણ કરવી જોઈએ. આપણે હંમેશાં સો ટકા પરિણામ માટે પ્રયત્ન કરવો જોઈએ. ઉતાવળનો અર્થ છે આળસ વગરની સક્રિયતા. કારણ વગર મોડું કરવું આપણી ટેવ ના બની જાય તેના માટે હનુમાનજી પાસેથી બોધપાઠ લેવો જોઈએ. તાત્કાલિકનો બીજો અર્થ છે સમયાનુસારનું આચરણ. દરેક કામને સમયસર પૂરું કરવાની ટેવ પણ સફળતા સુનિશ્ર્વિત કરે છે.
જ્ઞાનનું જોખમ અહંકારમાં છે અને ભિકતનું આળસમાં. આથી હનુમાનચાલીસાની પ્રથમ પંક્તિમાંથી ફળની અપેક્ષા અંગે શીખવું જોઈએ. પરિણામ પ્રત્યેની તત્પરતા અને જાગૃતિ જરૂર રાખવી જોઈએ. જ્યારે આપણે ફળની ઉપલબિ્ધને સમજી લઈશું તો પ્રયત્નોના મહત્વને પણ સમજીને સારી રીતે કામ કરી શકીશું.
સંતોને દુન્યવી ચીજોની લાલસા હોતી નથી
એક વખત ભગવાન મહાવીર જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. તેઓ એકાગ્ર ચિત્તે ઘ્યાનમાં લીન હતા. તે જંગલમાં ગોવાળિયાઓ ગાય, ધેટાં-બકરાં ચરાવવા આવતા હતા. ગોવાળિયા અભણ અને અજ્ઞાની હોવાના કારણે તપસ્યાનું મહત્વ જાણતા ન હતા. તેઓ મહાવીરની તપસ્યામાં વિધ્નો નાખતા રહેતા હતા, પરંતુ મહાવીર જરા પણ વિચલિત થતા નહીં અને પોતાની તપસ્યામાં લીન રહેતા.
આ વાત ધીમે ધીમે આજુબાજુના ગામોમાં પણ ફેલાઈ. આથી ગામના કેટલાક સજ્જન પુરુષો જંગલમાં મહાવીરની પાસે આવ્યા. બધા ગામવાસીઓએ હાથ જોડીને તેમને અરજ કરી કે ગોવાળિયાઓ તેમના અજ્ઞાનના કારણે જ તમને હેરાન કરતા હતા. તેમના વતી અમે માફી માગીએ છીએ. અમે બધાં ભેગા મળીને ઘ્યાન ધરવા માટે તમને એક રૂમ બનાવી આપવા માગીએ છીએ, જેથી તમારી સાધનાનો ભંગ ન થાય.
ભગવાન મહાવીરે આ બધાની વાતો શાંતિથી સાંભળી અને પછી બોલ્યા, આ ગોવાળિયાઓ પણ મારા સગા જ છે. જ્યારે બાળકો વહાલથી પોતાના નાના-નાના હાથોથી માતા-પિતાના મોઢે નખોરિયાં ભરતાં હોય છે ત્યારે શું માતા-પિતા તેમને ખોળામાં લેવાનું છોડી દે છે? ના.
તમારા નાણાં મારા માટે રૂમ બનાવવાના બદલે નિરાશ્રિતોના કામમાં આવશે તો તે લેખે લાગશે. ગામના લોકોની સાથે તે અજ્ઞાની ગોવાળિયાઓ પણ મહાવીરનું વિશાળ હૃદય જોઈને તેમના ચરણોમાં નતમસ્તક થઈ ગયા. કથાનો સાર એ છે કે જે વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે, તેને બહારની કોઈ પણ અડચણો-વિધ્નો અસર કરી શકતી નથી.
દુનિયાને મુઠ્ઠીમાં લેવા મન પર કાબૂ મેળવો
શરીરની ચંચળતા અને સક્રિયતામાં ઘણું અંતર રહેલું છે. પહેલા સક્રિયતાને જાણી લઈએ. જો શરીર સક્રિય છે અને મન નિષ્ક્રિય નથી તો અશાંત થઈ જવાનું જોખમ રહેલું છે. જો શરીર ચંચળ છે તથા મન નિયંત્રણમાં નથી તો માનસિક વિકૃતિ આવી જવાનું સંકટ રહે છે. જીવનમાં જો સતત અશાંતિ જળવાઈ રહેશે તો તે વિકૃતિને આમંત્રણનું નિમિત્ત બની જશે.
મન પરનું નિયંત્રણ તે શક્તિઓને સક્રિય થવાની તક આપે છે, જેનાથી વ્યક્તિત્વનો વિકાસ થાય છે. જેનો પોતાના મન પર કાબૂ હોય છે દુનિયા તેની મુઠ્ઠીમાં હોય છે. શાંત મન સ્થિતિઓનું મૂલ્યાંકન તટસ્થ અને નિષ્પક્ષ ભાવથી કરી શકશે. નહીંતર આપણે પોતાના મનમાં બંધાયેલી ગ્રંથિઓ અનુસાર પરિસ્થિતિ પ્રત્યે વિચારીશું અને નિર્ણય પણ એવો જ લઈશું.
આવા સંજોગોમાં સત્ય ગાયબ થઈ જશે અને ભ્રમની સ્થિતિ પેદા થશે. મનને એક બીજો પણ શોખ હોય છે, જે પસાર થઈ ગયું છે તેને પકડી રાખવાનો અને ભવિષ્યમાં ગૂંચવાઈ જવાનો. મન વીતેલી વાતોને ભૂલતું નથી.આવા સંજોગોમાં વાસનાઓ અને તણાવ શરીરમાં સરળતાથી પ્રવેશે છે. ભૂતકાળ અને આવનારા સમય પ્રત્યે મનની રુચિ જીવનની એકાગ્રતાને ભંગ કરે છે.
એકાગ્રતાનો આઘ્યાત્મએ એક સુંદર શબ્દ આપ્યો છે-‘સેલ્ફ રિસ્પોન્સિબિલિટી’. દુનિયાભરના વિકાસ બાબતે જાગૃત એવા આપણે પોતાના આઘ્યાત્મિક વિકાસ પ્રત્યે બેજવાબદાર પુરવાર થઈ રહ્યા છીએ. આવા સંજોગોમાં જો તમે કોઈ પરિવાર કે વ્યવસ્થાના મોભી છો તો તમારામાં રહેલી ગેરશિસ્ત, પ્રેમનો અભાવ, અશાંતિ તમને કામમાં નિષ્ફળતા અપાવશે. જીવનમાં જ્યારે પણ કોઇ મહત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે પૂર્વગ્રહ છોડીને શાંત ચિત્તે વિચારો.
ફરજપાલન કરવું એ સૌથી મોટો યજ્ઞ છે
એક વખત રાજા પુરંજયે રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં દૂર દૂરથી ઋષિમુનિ બોલાવાયા હતા. યજ્ઞ પ્રજાની સુખાકારી માટે કરવામાં આવી રહ્યો હતો. તેમના રાજ્યમાં જે પણ કામ કરવામાં આવતા હતા, તે પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને જ કરાતા હતા. બધા જ આમંત્રિત ઋષિમુનિઓનો રાજાએ યથોચિત્ સત્કાર કર્યો. ત્યાર બાદ યજ્ઞનો આરંભ થયો.
રાજા પુરંજય પરિવાર સાથે બેઠા હતા અને યજ્ઞ પણ સારી રીતે આગળ વધી રહ્યો હતો. જયારે યજ્ઞની પૂણૉહુતિનો સમય આવ્યો, ત્યાં જ એક વ્યક્તિ દોડતો-દોડતો આવ્યો અને બોલ્યો, મહારાજ, ડાકુઓની એક ટુકડીએ મારું બધું જ લૂંટી લીધું છે. મારી પાસે એક ફૂટી કોડી પણ વધી નથી. તેઓ હજુ વધુ દૂર નહીં પહોંચ્યા હોય. મેં મદદ માટે ઘણી બૂમો પાડી, પરંતુ હથિયારબંધ ડાકુઓનો સામનો કરવાની ગામની એક પણ વ્યક્તિમાં હિંમત ન હતી. બધા જ ચૂપચાપ આ તમાશો જોઈ રહ્યા હતા. આથી હું તમારી પાસે આવ્યો છું. રાજા તાત્કાલિક ઊભા થઈ ગયા. મુનિઓ બોલ્યા, હે રાજન, યજ્ઞ પૂરો કર્યા વગર તમે ઊભા ન થાવ. તેનાથી દેવતા નારાજ થઈને અનિષ્ટ કરી શકે છે અને યજ્ઞનું ફળ પણ નહીં મળે.
ત્યારે રાજા બોલ્યા, તમે બધાં મને માફ કરજો. રાજાનું પહેલું કર્તવ્ય પ્રજાનું સંકટ દૂર કરવાનું છે. યજ્ઞ તો ભવિષ્યમાં પણ થઈ શકે છે, પરંતુ અત્યારે આ વ્યક્તિનું સંકટ દૂર કરવું એ જ સૌથી મોટો યજ્ઞ છે. આમ કહીને રાજા પોતાના સૈનિકો સાથે નીકળી પડ્યા. કથાનો સાર એ છે કે યજ્ઞ કરતાં કર્તવ્ય મોટું હોય છે અને પોતાનું કર્તવ્ય (ફરજ) પૂરું કરનાર વ્યક્તિને સો યજ્ઞોનું ફળ એક સાથે જ મળી જાય છે.
Comments on: "અભિવ્યકતિ" (4)
Boss…
Very nice blog!
I really appreciate…
Warm Regards,
Kuldeep Laheru
Senior Reporter,
9408488966
Thank You
ગુડ ડે
તમે કોઈ વધુ શોધ પછી, તમારા બીલ બોલ ચૂકવવા માટે અથવા નવા બિઝનેસ શરૂ કરવા માટે એક તાત્કાલિક લોન જરૂર નથી, મારા નામ મિસ્ટર જ્યોર્જ એન્ડરસનનો ‘છે અમે તે જરૂર એવા લોકો માટે કોઇ નાણાકીય સહાય આપે છે કે લોન કંપનીઓ પ્રમાણિત, અને તેથી અમારા મેલ શું છે {} andersonloanfirm07@yahoo.com: અમને મદદથી સંદેશો મોકલો અચકાવું નથી
ઉધાર લેનારાઓને માહિતી};
પૂરું નામ: ..
જાતિ: ….
વૈવાહિક સ્થિતિ: ..
સરનામું સંપર્ક કરો: ..
શહેર / ઝિપ:
દેશ: ..
જન્મ તારીખ: ..
લોન રકમ જરૂર છે: ..
શબ્દ: ..
આવક: ..
વ્યવસાય: ..
લોન હેતુ: ..
ટેલિફોન: ..
ફેક્સ: ..
જો તમે લોન ઓનલાઇન માટે અરજી કરી છે?
ઇમેઇલ: ……… andersonloanfirm07@yahoo.com
શ્રેષ્ઠ સંદર્ભે ………… મિસ્ટર જ્યોર્જ એન્ડરસનનો
Thank you