— હિરેન પટેલ

ગુજરાત


જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

************************

ગુજરાતનો ઇતિહાસ

ગુજરાતને પોતાનાં સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્‍કૃતિ સમૃદ્ધ છે.
આરંભ પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્‍થલી (આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્‍ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્‍ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્‍થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્‍યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી.દ્વારકામાં શ્રીકૃષ્‍ણે યાદવોનું રાજ્ય સ્‍થાપ્‍યું. પણ પછી સત્તા, શક્તિ અને સંપત્તિથી પ્રમત્ત યાદવો વિલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મર્યા – યાદવાસ્‍થળી રચાઈ. શ્રીકૃષ્‍ણનો પૌત્ર અને અનિરુદ્ધનો પુત્ર વાજ્ર, યાદવાસ્‍થળીમાંથી બચી ગયેલ એકમાત્ર યાદવ હતો. અર્જુને વાજ્રને મથુરાના શાસક તરીકે સ્‍થાપિત કર્યો અને આ રીતે સૌરાષ્‍ટ્રમાં યાદવકુળના શાસનનો અંત આવી ગયો.

ગુજરાતનો પ્રાચીન યુગ

ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી લિપિ‍ અને ભાષાનું પણ ઉગમસ્‍થાન છે.
ઈસુ સંવત્‍સર પૂર્વેના છેલ્‍લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્‍મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્‍ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્‍સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્‍તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્‍યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું.
ઈ. સ. 395 માં ચંદ્રગુપ્‍ત વિક્રમાદિત્‍યે છેલ્‍લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્‍ટ્ર જીતી લીધું. ગુપ્‍તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઈ. સ. 460 માં ગુપ્‍ત સમ્રાટ સ્‍કંદગુપ્‍ત મૃત્‍યુ પામ્‍યો અને તે સાથે ગુપ્‍ત સામ્રાજ્ય છિન્‍નભિન્‍ન થઈ ગયું.
આ સમયે સૌરાષ્‍ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્‍વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્‍થાપના કરી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્‍કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્‍યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્‍ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કત્‍લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો.
મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘ તરીકે ઓળખાતો હતો. ત્‍યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્‍ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્‍લમાલ કે શ્રીમાલ હતી.
ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિ‍ણમાંથી રાષ્‍ટ્રકુટોએ હુમલા શરુ કર્યા. છેવટે વનરાજ ચાવડાના નેતૃત્‍વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુ‍ધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્‍લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્‍થપાઈ. ચાવડા વંશનો છેલ્‍લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઈ. સ. 942).
મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ‘ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર‘ કે ‘ગુજરાત‘ તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્‍યો કે ઠેરઠેરથી લોકો ત્‍યાં આવીને વસવા લાગ્‍યા. સોલંકી વંશના એક અન્‍ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6 – 7 જાન્‍યુઆરી, 1026 ના રોજ સોમનાથનું મંદિર લૂટ્યું હતું. ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્‍યું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. ભીમદેવે મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્‍યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્‍યો. કર્ણદેવ કચ્‍છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાતનો રાજા બન્‍યો. કર્ણદેવે ‘કર્ણાવતી‘ નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્‍ન કર્યાં.કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી 1140 ) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્‍ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્‍ત કરીને સર્વોપરિતા સ્‍થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ‘ નામનો વ્‍યાકરણનો મહાગ્રંથ લખ્‍યો. સિદ્ધરાજના મૃત્‍યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો.
સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્‍લેખનીય છે. વીરધવલના બે મંત્રીઓ વસ્‍તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્‍યાં. વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો‘ તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીને હાથે પરાજ્ય પામ્‍યો અને આ સાથે ગુજરાતમાં હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો.

ગુજરાતનો મધ્‍યકાલીન યુગ

ગુજરાત દિલ્‍લીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્‍લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજ્ય સોએક વર્ષ ચાલ્‍યું. દિલ્‍લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્‍યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્‍લીનું આધિપત્‍ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું. મુઝફ્ફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદ શાહે ઈ. સ. 1411 માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્‍યો. અમદાવાદ વસ્‍યું એટલે કર્ણાવતીના લોકો ત્‍યાં આવીને વસ્‍યા. પાટણની વસ્‍તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્‍યું. કાંકરિયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્‍યું. ઈ. સ. 1442 માં અહમદ શાહ મરણ પામ્‍યો. અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો. મહંમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્‍યા હતા. તેણે વાત્રકને કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્‍યું. ત્‍યાં નદીના કાંઠે ભમ્‍મરિયો કૂવો અને ચાંદા – સૂરજનો મહેલ બંધાવ્‍યો. નરસિંહ મહેતા આ સમય દરમિયાન થઈ ગયા. વિખ્‍યાત સંત શાહઆલમની શુભેચ્‍છાઓ અને સલાહ બેગડાને મળ્યાં. મહંમદ બેગડાનો દીકરો સુલતાન મુઝફ્ફર બીજો સંત સુલતાન હતો.
ગુજરાતનો છેલ્‍લો બાદશાહ બહાદુર શાહ હતો. તેણે માળવા જીત્‍યું અને ચિત્તોડ પર ચઢાઈ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્‍લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હૂમાયુએ ધર્મની બહેનને મદદ મોકલી. બહાદુર શાહ હારીને દીવમાં છુપાયો અને ત્‍યાં જ તેનું મોત થયું. ત્‍યારબાદ ગુજરાત મોગલોના હાથમાં સરી ગયું. અકબરે ગુજરાત જીત્‍યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરના શાસન દરમિયાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઈ. સ. 1612 માં અંગ્રેજોએ સુરતમાં પહેલ-વહેલી વેપારી કોઠી નાખી. મોગલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત , ભરુચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કર્યાં. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત ( ઈ. સ. 1664 અને 1672 માં) આક્રમણ કર્યું. ગુજરાતના બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઈ ચૂકયું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્‍કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું.

ગુજરાતનો આધુનિક યુગ

ઈ. સ. 1857 માં અંગ્રેજ શાસન સામે શરુ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડયા. ગુજરાતમાં નાંદોલ,દાહોદ,ગોધરા,રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્‍યાપક બની શકયો. નહીં.
ક્રાંતિ પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્‍યો. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજ પ્રસરાવ્‍યો. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં સારી સેવા બજાવી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરુ કરી.
ઈ. સ. 1885 માં સ્‍થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્‍વતંત્રતા માટે પ્રયત્‍નો કર્યા. પરંતુ સ્‍વાતંત્ર્યની લડતને નવો જ વળાંક આપનાર ભારતના ભાગ્‍યવિધાતા એવા સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્‍મ ઈ. સ. 1869 માં પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સશસ્‍ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી. અંબુભાઈએ વ્‍યાયામ પ્રવૃત્તિઓ ઠેરઠેર શરી કરીને સ્‍વરક્ષણની એક નવી જ હવા ઊભી કરી હતી.
ગાંધીજીએ સૌપહેલાં અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્‍થાપ્‍યો. ગાંધીજીથી પ્રભાવિત થઈ સરદાર વલ્‍લભભાઈ વકીલાત છોડીને તેમના કાર્યમાં જોડાયા. પછી મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા. અમદાવાદના મિલ-માલિક શેઠ અંબાલાલ સારાભાઈએ આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, તેમના બહેન અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું. આ કારણે રાષ્‍ટ્રીય મજદૂર કોંગ્રેસનો જન્‍મ થયો. ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન.
ખેડા જિલ્‍લાના ખેડૂતોની મહેસૂલ – ચુકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજીની રાહબરી હેઠળ 22 મી માર્ચ, 1918 ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્‍યાગ્રહનો જન્‍મ થયો. આ પ્રસંગે ગુજરાતને ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ સાંપડ્યા.
ગાંધીજીએ 1917 માં ભરુચનાં ગંગાબહેનને રેટિયો શોધી લાવવા સૂચવ્‍યું. વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો. પછી શોધ ચાલી પૂણીઓની. આમ, ખાદીનો જન્‍મ થયો.
ઈ. સ. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. ગુજરાતની સત્‍યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્‍યાગ્રહો ખૂબ મહત્‍વના રહ્યા. આમાં કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્‍વનો ફાળો આપ્‍યો હતો.
12 મી માર્ચ, 1930 ના રોજ સવારે 6.20 કલાકે ‘દાંડીકૂચ‘ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરુ થઈ અને 5 મી એપ્રિલે દાંડી પહોંચીને પૂર્ણ થઈ. 6ઠ્ઠી એ‍પ્રિલે સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને નમકનો કાયદો તોડ્યો.
ગુજરાતે 1942 ના ‍‘હિંદ છોડો‘ આંદોલનને બરાબર ઝીલી લીધું. આઝાદી પછી ભારતની ભૂમિ પર અસંખ્‍ય સ્‍વતંત્ર દેશી રાજ્યોને, કેવળ એક જ વર્ષમાં ભારતમાં સમાવી દેવાની ચાણક્યબુદ્ધિ કેવળ સરદાર જેવા વીરલામાં જ હોઈ શકે.

આ … આ વખણાય મારા ગુજરાતનું

ગુજરાતી મહેમાનગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજન

અમદાવાદની મકર સંક્રાતિ અને પતંગ દોરા, સિદી સૈયદ ની જાળિ, આઇ.આઇ.એમ,

સુરતનું ઉધીયુ, ઘારી, ખમણ ઢોકળા, દોરા નો માંજો, સુરત નુ જમણ

રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન,રંગીલી પ્રજા

જામનગરની બાંધણી, કચોરી, તાળા,આંજણ.

કચ્છની કળા કાળિગીરી, ખુમારી

મોરબીના તળીયા [ટાઇલ્સ], નળીયા અને ધડીયાલ

વડોદરાની ભાખરવડી અને નવરાત્રિ.

વીરપુરના જલારામ બાપા

ભરુચની ખારી શિંગ અને લોકમાતા નર્મદા નદી.

દ્વારકાના દ્વારકાધીશ અને સોમનાથના મહાદેવ

ભાવનગરના ગાંડા, ગટર અને ગાંઠિયા

મોઢેરાનુ સુર્યમંદિર

પાલનપુરના હીરા-વેપારીઓ

સોરઠનો સાવજ ,કેસર કેરી અને અડીખમ ગિરનાર

કાઠીયાવાડી ડાયરો અને થાનના શહાબુદીન રાઠોડ

…અને છેલ્લે

ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની સાડા પાંચ

કરોડની જનતા !!

ગુજરાતની સફરે
દાંડી:
6 એપ્રિલ, 1930ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિ‍‍ણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ.
બારડોલી :
સુરતથી 34 કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્‍થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્‍યાગ્રહની સ્‍મૃતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્‍વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્‍યો છે.
વેડછી :
બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્‍યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્‍થાનની પ્રવૃત્તિ આરંભી અને વિકસાવી.
સુરત :
તાપી નદીના કિનારે વસેલું સુરત એક સમયે પશ્ચિમ ભારતનું મહત્‍વનું બંદર હતું અને દેશપરદેશનાં વહાણો પર 84 બંદરના વાવટા ફરકતા એમ કહેવાય છે. આજે ઔદ્યોગિક શહેર તરીકે એની પ્રતિષ્‍ઠા વધતી જાય છે. સને 1994 ના ઓકટોબરમાં પ્‍લેગની બિમારી ફાટી નીકળી ત્‍યાં સુધી સુરત ‘ગંદામાં ગંદું શહેર‘ કહેવાતું. જોકે માત્ર બે વર્ષના ગાળામાં સુરતે પોતાનું કલંક ભૂંસી નાખ્‍યું અને 1996 ના સર્વેક્ષણ પ્રમાણે ‘ભારતના બીજા નંબરના સ્‍વચ્‍છ શહેર‘ તરીકેની નામના પ્રાપ્‍ત કરી. અને સુરત ખૂબસુરત બન્યું.
પુરાણા સુરતની એક તરફ તાપી વહેતી હતી અને બાકીની ત્રણ બાજુએ માટીનો બનેલો કોટ હતો. શિવાજીના આક્રમણ બાદ આ કોટ ઈંટોથી બનાવવામાં આવ્‍યો હતો.
‘નર્મદ સાહિત્‍ય સભા‘ની પ્રવૃત્તિઓથી કવિ નર્મદની સ્‍મૃતિઓ જળવાઈ રહી છે. બાપાલાલ ગ. વૈદ્ય જેવા આયુર્વેદાચાર્યની પ્રવૃત્તિએ ‘આત્‍માનંદ ફાર્મસી‘ આપી છે. મોગલ સમયમાં મક્કા હજ કરવા જતા યાત્રીઓની સવલતો માટે ‘મુગલસરાઈ‘ નામની જગ્‍યા હતી. તેથી સુરત ‘મક્કા બંદર‘, ‘મક્કાબારી‘ અથવા ‘બાબુલ મક્કા‘ તરીકે પણ ઓળખાતું.
એન્‍ડુઝ લાઇબ્રેરીમાં 150 – 300 વર્ષ જૂનાં અમૂલ્‍ય પુસ્‍તકો છે. બેનમૂન કલાકૃતિને ઐતિહાસિક સામગ્રી ધરાવતું વિન્‍ચેસ્‍ટર મ્‍યુઝિયમ અત્‍યારે સરદાર સંગ્રહાલય તરીકે જાણીતું છે. સુરત ટેકસટાઇલ માર્કેટ એશિયાભરમાં વિખ્‍યાત છે. તેમાં સૌથી વધુ આકર્ષક છે 50 મીટર ઊંચાઈવાળું ફરતું રેસ્‍ટોરાં. નવેમ્‍બર- ડિસેમ્‍બરમાં હજારો શોખીનો નદીના કાંઠે આવેલ પોંકનગરમાં પોંકની લિજ્જત માણે છે.
અહીંનું ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર ઘણું જૂનું છે. આ ઉપરાંત ગોપીપુરાનું આગમ મંદિર પણ જોવાલાયક છે. વૈશ્ણવાચાર્ય શ્રી વલ્‍લભાચાર્યની ષષ્‍ઠપીઠ નોંધપાત્ર છે. અશ્વિનીકુમારના ઘાટનો અક્ષયવડ કર્ણને લગતી પૌરાણિક કથા સાથે સંકળાયેલો ગણાય છે. હીરા, મોતી, ઝવેરાત અને જરીના ઉદ્યોગ ઉપરાંત આર્ટ સિલ્‍ક પાવરલૂમ્‍સ અને મિલોનો ઘણો વિકાસ થયો છે. ઉતરાણનું પાવરહાઉસ, સુમૂલ ડેરી, હજીરાનું ખાતરનું જંગી કારખાનું અને મગદલ્‍લા બંદરના વિકાસે સુરતને સમૃદ્ધ બનાવ્‍યું છે.‘સુરતનું જમણ‘, ‘ઘારી તો સુરતની‘, ‘ઉંધિયું‘ અને ‘ભૂસું‘ એ સુરતની પ્રજાની રસિકતા વ્‍યકત કરે છે.
અતુલ :
વલસાડ પાસે ‘અતુલ‘ નું પ્રખ્‍યાત રંગ-રસાયણ અને દવાઓનું વિશાળ કારખાનું છે. આ કારખાનું ઉદ્યોગપતિ કસ્‍તુરભાઈ લાલભાઈના કુટુંબનું છે.
ડુમસ :
સુરતથી આશરે 15 કિમી દૂર દરિયાકિનારે ડુમસ આવેલું છે. આ એક વિહારધામ છે. નજીકમાં ભીમપોર અને સુલતાનાબાદ નામનાં વિહારધામો છે. તાપી નદી અને દરિયાનો સંગમ ડુમસ નજીક થાય છે.
હજીરા :
સુરતથી આશરે 25 કિમી દૂર હજીરા એના જહાજવાડા અને ખાતરસંકુલ યોજના માટે પ્રખ્‍યાત છે. કૃભકો, એસ્‍સાર, લાર્સન એન્‍ડ ટુબ્રો તથા રિલાયન્‍સ કંપનીઓનાં વિશાળ ઉત્‍પાદન કેન્‍દ્રો છે. ઢૂવા ગામે એક અંગ્રેજ ડૂબી ગયા પછી તેનો હજીરો બનાવ્‍યો હતો તેથી તેનું નામ હજીરા પડયું છે.
કાકરાપાર :
અહીં તાપી નદી ઉપર એક બંધ બાંધવામાં આવ્‍યો છે. હાલમાં અહીં એક અણુશક્તિ ઉત્‍પાદન મથક શરૂ થયું છે.
સોનગઢ :
ગાયકવાડની ગાદીની સ્‍થાપના પહેલાં અહીં અને પછી વડોદરા થઈ.
ઉકાઈ :
સુરતથી 100 કિમી દૂર તાપી નદી પર આવેલ ઉકાઈ યોજના મોટી બહુહેતુક યોજના છે. ત્‍યાં એક કૃત્રિમ વિશાળ સરોવર તૈયાર કરવામાં આવ્‍યું છે.
ઉભરાટ :
લીલી વનરાજિ અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલું ઉભરાટ દક્ષિ‍ણ ગુજરાતનું સુંદર વિહારધામ છે. સરુ અને તાડનાં ઊંચાં ઝાડ આ સ્‍થળની વિશેષતા છે.
વલસાડ :
વલસાડ જિલ્‍લાનું મુખ્‍ય મથક છે. નજીકમાં ઔરંગા નદી વહે છે. જેમાં વહાણ મારફતે વાંસ, લાકડાં અને શ્રીફળ આવે છે. રેલવેનું મોટું વર્કશોપ તથા રેલવે સુરક્ષાદળનું તાલીમકેન્‍દ્ર છે.
તીથલ :
લગભગ વલસાડનું પરું બની ગયેલું તીથલ દરિયાકિનારે આવેલું હવા ખાવાનું સ્‍થળ છે. કિનારે સાંઈબાબાનું મંદિર જોવાલાયક છે.
સંજાણ :
ઈરાન છોડીને ભારત આવેલાં પારસી કોમનાં કેટલાંક કુટુંબોને સૌપ્રથમ સંજાણના રાજાએ રક્ષણ આપ્‍યું હતું. સંજાણની આસપાસ ચીકુ, આંબાના પુષ્‍કળ વૃક્ષ છે.
ઉદવાડા :
પારસીઓનું પવિત્ર તીર્થધામ છે. ઈરાનમાંથી લાવેલ અગ્નિજ્યોત (આતશ બહેરામ) નિરંતર પ્રજ્વલિત રાખવામાં આવી છે.
વાપી :
છેલ્‍લા થોડાંક વર્ષોમાં વાપીએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. પરંતુ કારખાનાંઓ ઘણું કરીને રસાયણના હોઈ આ વિસ્‍તારમાં પ્રદૂષણનો મોટો ભય ઊભો થયો છે.
દમણ :
ભૂતપૂર્વ પોર્ટુગીઝ સંસ્‍થાન આજે કેન્‍દ્રસરકાર સંચાલિત પ્રદેશ છે. દમણના કિનારાની રેતુ ભૂખરી અને ઝાંખા રંગની છે. દમણની મધ્‍યમાંથી દમણગંગા નદી વહે છે અને નગરને બે ભાગમાં વહેંચે છે. દક્ષિ‍ણ ભાગમાં ‘સે કેથેડ્રલ‘ નામનું મોટું દેવળ છે. નાની દમણમાં ‘ફોર્ટ ઓફ સેન્‍ટ જેરોમી‘ કિલ્‍લો છે.
દાદરા-નગર હવેલી :
500 ચો કિમીથી પણ ઓછો વિસ્‍તાર ધરાવતો આ કેન્‍દ્રશાસિત પ્રદેશ એક બાબતમાં વિરલ છે. 1954 માં આ પ્રદેશને પોર્ટુ‍ગીઝોના શાસનથી મુક્ત કરાયો ત્‍યારથી 1961 સુધી આ પ્રદેશ પર લોકોનું રાજ રહ્યું હતું.
ઉનાઈ :
ગરમ પાણીના કુંડ માટે જાણીતું ઉનાઈ એક આરોગ્‍યધામ છે.
બિલીમોરા :
અહીંનું સોમનાથ મહાદેવનું મંદિર અતિ પ્રસિદ્ધ છે. રાચરચીલાંનાં કારખાનાં વિકસ્‍યાં છે.
નવસારી :
નવસારી પૂર્ણા નદીના કિનારે વસેલું ગાયકવાડી નગર છે. કાપડની મિલો, વાસણનાં કારખાનાં તથા હીરાનો ઉદ્યોગ વિકાસ પામ્‍યાં છે. નવસૈયદ પીરની મઝાર હિન્‍દુ – મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે.
નારગોળ :
પ્રખ્‍યાત વિદ્યાધામ છે. દરિયાકિનારાનું આ સૌંદર્યધામ દક્ષિ‍ણ ગુજરાતનું પંચગીની – મહાબળેશ્વર ગણાય છે.
સાપુતારા :
સહ્યાદ્રી પર્વતમાળાના પશ્ચિમ છેડે દરિયાની સપાટીથી આશરે 2900 ફૂટની ઊંચાઈએ આવેલ સાપુતારા આયોજનપૂર્વક વિકાસ પામેલું ગિરિમથક છે. અહીં બે તરફ પાણીથી વીંટળાયેલો દ્વીપકલ્‍પ બાગ છે. ‘રોઝ ગાર્ડન‘ અને ત્રિફળા બાગ પણ જોવા જેવો છે. મધમાખી ઉછેર કેન્‍દ્રોનો વ્‍યાપારિક ધોરણે વિકાસ થઈ રહ્યો છે.
આહવા :
ડાંગનું મુખ્‍ય શહેર છે. દરિયાની સપાટીથી આશરે 1800 ફૂટની ઊંચાઈએ આવેલું છે. ડાંગ દરબાર ડાંગી પ્રજાનો સૌથી મોટો લોક-ઉત્‍સવ છે. હોળી (શિમગા)ના સાતેક દિવસ અગાઉ જૂના ડાંગીરાજા અગ્નિ પેટાવે છે જેને સતત 168 કલાક સુધી જલતો રાખવામાં આવે છે.
ભરૂચ :
ભૃગુઋષિએ આ નગર વસાવ્‍યું હોવાથી એનું નામ ભૃગુકચ્‍છ અથવા ભૃગુતીર્થ પડયું હતું. પાછળથી અપભ્રંશ થઈને ભરૂચ થઈ ગયું. નર્મદાના પૂરને કારણે વારંવાર જર્જરિત થઈ ગયેલું ભરૂચ, નર્મદાબંધને કારણે સુરક્ષિ‍ત થતું જાય છે. ફર્ટિલાઇઝર, સિમેન્‍ટ વગેરેનાં મોટાં કારખાનાંથી ભરૂચ સમૃદ્ધિ તરફ જઈ રહ્યું છે. મૂળ ‘ગોલ્‍ડન બ્રિજ‘ અંગ્રેજોએ ઈ. સ. 1881 માં બંધાવેલો.
શુકલતીર્થ :
ભરૂચથી 16 કિમી દૂર આવેલું શુકલતીર્થ યાત્રાધામ છે. અહીં દર કાર્તિકી પૂનમે નર્મદા નદીના કાંઠે મેળો ભરાય છે. આ સ્‍થળ વિહારધામ તરીકે વિકસી રહ્યું છે.
કબીરવડ :
શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્‍યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્‍યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયું જેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું મૂળ થડ શોધવું મુશ્‍કેલ છે. આ વડ આશરે 600 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે.
રાજપીપળા :
રજવાડાની રાજધાનીનું શહેર છે. અહીંનો હજાર બારીવાળો રાજમહેલ જોવાલાયક છે. આ સ્‍થળ તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્‍મોનાં શુટિંગનું સ્‍થાન બની ગયું છે.
અંકલેશ્વર :
ભરૂચથી 12 કિમી દક્ષિ‍ણે આવેલું અંકલેશ્વર ખનિજ તેલ માટે જાણીતું છે. ગુજરાતમાં સૌથી સારું અને સૌથી વધુ તેલ આપનારું તેલક્ષેત્ર છે. અહીંથી નીકળતું તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે.
ભાડભૂત :
ભરૂચથી આશરે 23 કિમી દૂર આવેલા આ ધાર્મિક સ્‍થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.
કરજણ :
રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે.
બોચાસણ :
અક્ષર પુરુષોતમ સંસ્‍થાનું વડું મથક બોચારણ બોરસદ – તારાપુર માર્ગ પર આવેલું છે.
ડાકોર :
નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે આવેલું ડાકોર-મૂળ ડંકપુર-કૃષ્‍ણભક્તોનું મોટું ધામ છે. સુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828 માં શ્રી ગોપાળરાવ જગન્‍નાથ તામ્‍બ્‍વેકરે વૈદિક વિધિથી બંધાવ્‍યું હતું તેવા લેખ મળે છે. આ મંદિરને 8 ધુમ્‍મટ છે અને 24 શિખરો છે. નિજમંદિરમાં બિરાજતી મૂર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી અને દોઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિ કાળા કસોટી પથ્‍થરની બનેલી છે. અને તે 11 મી સદીની હોવાનું મનાય છે.
ગળતેશ્વર :
ડાકોરથી 16 કિમી દૂર મહી કાંઠે આવેલું સોલંકીયુગનું આ શિવાલય જોવા જેવું છે. મહી અને ગળતી નદીનું આ સંગમતીર્થ એક પિકનિક સ્‍થળ બન્‍યું છે.
કપડવંજ :
કપડવંજ જૂનું ઐતિહાસિક સ્‍થાન છે. અહીંની કુંકાવાવ જાણીતી છે. કપડવંજના કીર્તિસ્‍તંભ (તોરણ) પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાં અકબંધ ઊભાં છે.
ઉત્‍કંઠેશ્વર :
કપડવંજથી દસેક કિમી દૂર વાત્રક કાંઠે ઉત્‍કંઠેશ્વરનું શિવાલય છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગોખ છે. તેમાં શ્રી જગદંબાનું સ્‍થાનક છે. અહીં વિવિધ સ્‍થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે.
શામળાજી :
સાબરકાંઠા જિલ્‍લામાં ડુંગરો વચ્‍ચે મેશ્વો નદીના કિનારે આવેલું આ વેશ્ણવતીર્થ શિલ્‍પસૌંદર્યની ર્દષ્ટિએ અવલોકનીય છે. અહીં ચતુર્ભુજ વિષ્ણુંની ગદા ધારણ કરેલ શ્‍યામ મૂર્તિ વિરાજે છે એટલે આ સ્‍થળ ગદાધરપૂરી પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની લે-વેચ થાય છે.
ઈડર :
હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ ઊંચો ડુંગર છે. એક વાર આ ગઢ જીતવો એટલું કપરું ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્‍યા‘ એવી લોકોક્તિ પ્રચલિત થઈ.
ખેડબ્રહ્મા :
હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં હિરણાક્ષી નદીના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ મંદિર આવેલું છે. નજીકમાં ભૃગુઋષિના આશ્રમ તરીકે ઓળખાતા આશ્રમની નજીક હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી નદીઓનો સંગમ થાય છે.
મહેસાણા :
મહેસાણાની ભેંસો વખણાય છે અને અહીંની ‘દૂધસાગર‘ ડેરી જાણીતી છે. અમદાવાદ – દિલ્‍લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વોટરપાર્ક પર્યટકો માટે મનોરંજનના સ્‍થળ તરીકે પ્રસિદ્ધ થયો છે.
પાટણ :
સરસ્‍વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની રાજધાની હતું. પાટણ એટલે ‘પતન – શહેર‘. આનું મૂળ નામ અણહિલપુર પાટણ હતું. લગભગ હજાર વર્ષ પહેલાં બંધાયેલ સહસ્‍ત્રલિંગ તળાવના અવશેષો પરથી તેની વિશાળતા, કારીગરી અને ભવ્‍યતાનો પરિચય મળે છે. શિલ્‍પ સ્‍થાપત્‍યની ભવ્‍યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્‍યાત છે. પાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા 800 – 1000 પુરાણા અલભ્‍ય ગ્રંથો સચવાયા છે.
સિદ્ધપુર :
માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર સરસ્‍વતી નદીને કિનારે આવેલું છે. પરંતુ સિદ્ધપુરની ખ્‍યાતિ તેના રુદ્રમહાલયને કારણે છે. જેના 1600 માંથી આજે માત્ર ચારેક થાંભલા અને ઉપર કમાન જેવું થોડુંક બચ્‍યું છે. સિ‍દ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય છે.
તારંગા :
મહેસાણા જિલ્‍લાની ઉત્તરે આવેલું જૈનોનું આ યાત્રાધામ 1200 ફૂટ ઊંચા અત્‍યંત રમણીય ડુંગર પર આવેલું છે.
મોઢેરા :
ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છે. એક કોણાર્ક (ઓરિસ્‍સા)માં અને બીજું મોઢેરામાં. પુષ્‍પાવતી નદીને કિનારે આવેલું આ મંદિર ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયું છે.
વડનગર :
મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્‍થરના તોરણો શિલ્‍પકળા અને વાસ્‍તુકળાના પ્રતીક તરીકે ભારતભરમાં વિખ્‍યાત છે. દીપક રાગ ગાયા પછી તાનસેનના શરીરમાં થયેલા દાહનું શમન અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીએ મલ્‍હાર રાગ છેડીને કર્યું હતું.
બાલારામ :
બનાસકાંઠા જિલ્‍લાનું આ એક ઉત્તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છે. તે ટેકરી પર આવેલું છે.
અંબાજી :
ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્‍લીની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઉપરાંત આસપાસના જંગલોની પેદાશ લાખ, ખેર, મીણ, મધ, ગૂગળ વગેરેનું પણ બજાર છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની નજીક આવેલો ગબ્‍બર પહાડ છે. ગબ્‍બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.
ભુજ :
કચ્‍છનું મુખ્‍ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું લગભગ 500 વર્ષ પુરાણું નગર છે. સીમાંત નગર હોઈ લશ્‍કરી છાવણી અને હવાઈ મથક વગેરે અહીં વિકસ્‍યાં છે. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક છે. આયનામહલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, તળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી લાવતી ભૂગર્ભ નહેર. કચ્‍છની કલાનું શિખર એટલે આયના મહલ.
અંજાર :
ભુજથી પૂર્વ-દક્ષિ‍ણે આવેલું અંજાર પાણીદાર છરી-ચપ્‍પાં, સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતું છે. જળેશ્વર મહાદેવ તથા જેસલ-તોરલની સમાધિ વિખ્‍યાત છે. અંજારથી લગભગ 4 કિમીના અંતરે જંગલી ગધેડા (ઘુડખર) ફેબ્રુઆરીથી જૂન સુધીમાં જોઈ શકાય છે.
ધીણોધરનો ડુંગર :
ભુજગી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા ગોરખનાથની તપો ભૂમિ તરીકે પ્રખ્‍યાત છે. ડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાન મઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્‍યા છે.
વેમુ :
કચ્‍છના મોટા રણની દક્ષિ‍ણ સરહદે એક નાનું ગામ છે. છેલ્‍લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છે.
નારાયણ સરોવર :
ભારતનાં પાંચ મુખ્‍ય સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે. આ સ્‍થળ વૈષ્‍ણવ ધર્મીઓનું યાત્રાધામ છે.
મુંદ્રા :
મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્‍ત આબોહવાને કારણે કચ્‍છના લીલા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું ઉત્‍પાદન પુષ્‍કળ પ્રમાણમાં થાય છે.
માંડવી :
ભુજથી દક્ષિ‍ણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ) બંદર તરીકે વિકાસ પામી રહેલું સ્‍થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિયામણો હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે. પવનચક્કીથી વીજળીનું વ્‍યાપારી ધોરણે ઉત્‍પાદન થાય છે.
ધોળાવીરા :
ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ. પુરાતન તત્‍વના શોધ કાર્ય પ્રમાણે આ સ્‍થળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્‍ય નગર હતું.
કંડલા :
કચ્‍છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્‍યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.
વઢવાણ :
વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક સુરેન્‍દ્રનગરની વચ્‍ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સુંદર – શિલ્‍પસ્‍થાપત્‍યભરી માધાવાવ છે. સતી રાણકદેવીની દેરી પ્રખ્‍યાત છે. વઢવાણ સૌરાષ્‍ટ્રનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.
ચોટીલા :
ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્‍દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર ચામુંડાદેવીનું મંદિર છે.
તરણેતર :
તરણેતર એ ત્રિનેત્ર શબ્‍દનું અપભ્રંશ છે. રાજકોટથી ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં બંધાયું હતું.
ગાંધીનગર :
સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનું શહેર બન્‍યું આખું નગર જ નવેસરથી વસાવાયું. ચંડીગઢના સ્‍થપતિ લા કાર્બુઝિયેરના નગરયોજના પર ગાંધીનગરની આયોજન-કલ્‍પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં વિભાજિત કરવામાં આવ્‍યું. વિધાનસભાનું સ્‍થાપત્‍ય કલાત્‍મક છે. શહેરમાં સુંદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાં છે.
ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે. અક્ષરધામ. ભગવાન શ્રી સ્‍વામીનારાયણની સ્‍મૃતિમાં સર્જાયેલું આ સંસ્‍કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે. છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. મંદિરના મધ્‍યસ્‍થ ખંડમાં ભગવાન સ્‍વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે.
અડાલજ :
ગાંધીનગરથી અમદાવાદના રસ્‍તે 10 કિમીના અંતરે અડાલજ ગામની ઐંતિહાસિક વાવનું સ્‍થાપત્‍ય વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ બન્‍યું છે. આ વાવ રાણી રુદાબાઈએ તેના પતિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી. તેને 5 માળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે.
લોથલ :
અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્‍પા સંસ્‍કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્‍યા છે. આ સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.
ધોળકા :
લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ માટે જાણીતું છે. ત્‍યાંથી દક્ષિ‍ણ-પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્‍લાની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્‍થળે વૌઠાનો મેળો ભરાય છે.
નળ સરોવર :
અમદાવાદથી દક્ષિ‍ણ-પશ્ચિમે આશરે 60 કિમીના અંતરે આવેલું નળ સરોવર આશરે 115 ચો કિમીનો ઘેરાવો ધરાવે છે. વચમાં આશરે 350 જેટલા નાના બેટ છે. નળ સરોવરનું આંતરરાષ્‍ટ્રીય મહત્‍વ છે, કારણ કે શિયાળા દરમિયાન દેશપરદેશનાં પક્ષીઓનાં ટોળેટોળાં આવે છે. આમાં સૂરખાબનું આકર્ષણ વધુ રહે છે.
અમદાવાદ :
સાબરમતીના કિનારે આશાવલ અને કર્ણાવતી નામનાં બે નગરો હતાં. ત્‍યારથી શરૂ થઈને અર્વાચીન અમદાવાદ સુધીનો એક રાજકીય અને સાંસ્‍કૃતિક ઈતિહાસ છે. સને 1411ના એપ્રિલ માસની પહેલી તારીખે અહમદ શાહે પ્રથમ ઈંટ મૂકી શહેરનું નિર્માણ શરૂ કર્યું. અમદાવાદમાં બે કિલ્‍લા છે : ભદ્રનો અને ગાયકવાડની હવેલીનો. ત્રણ દરવાજાની અંદર જતાં જમણે હાથે વિશાળ જામે મસ્જિદ આવેલી છે જે સને 1423 માં બંધાયેલી. આ સિવાય ઝકરિયા મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ પણ પ્રખ્‍યાત છે. સને 1572 માં બંધાયેલી સીદી સૈયદની જાળીઓ વિશ્વવિખ્‍યાત છે. કુતુબુદ્દીન હૌજે કુતુબ તળાવ 1451 માં બંધાવેલું જે આજે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. 76 એકર જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવો લગભગ 2 કિમી જેટલો છે તથા વ્‍યાસ 650 મીટર છે. વચમાં આવેલી નગીનાવાડી તેની સુંદરતામાં વધારો કરે છે. કુશળ પ્રાણીવિદ્દ રૂબીન ડેવિડના પ્રયાસોથી કાંકરિયાની આસપાસની ટેકરીઓ પર વિકસેલા બાળક્રીડાંગણ, પ્રાણીસંગ્રહ, જળચરસંગ્રહ ગુજરાતનું આગવું ગૌરવ ગણાય છે. સને 1450 માં સીદી બશીરની મસ્જિદના ઝૂલતા મિનારાઓની રચના થઈ.
1850માં દિલ્‍લી દરવાજા બહાર પ્રેમચંદ સલાટે સફેદ આરસનું હઠીસિંગનું જિનાલય રચ્‍યું. બીજાં ધર્મસ્‍થાનોમાં પાંડુરંગ આઠવલેજીનું ભાવનિર્ઝરમાંનું યોગેશ્વરનું મંદિર, ચિન્‍મય મિશન, હરેકૃષ્‍ણ સંપ્રદાયનું ઇસ્‍કોન મંદિર અને સોલા ખાતે ભાગવત વિદ્યાપીઠ છે.
નૃત્‍યક્ષેત્રે શ્રીમતી મૃણાલિની સારાભાઈની દર્પણ સંસ્‍થા અને કુમુદિની લાખિયાની કદંબ સંસ્‍થા કામ કરી રહી છે. સ્‍થાપત્‍યશિક્ષણક્ષેત્રે સ્‍કૂલ ઓફ આર્કિટેકચર, કલાનો રોજિંદો જીવન સાથે સંદર્ભ રચતી એન.આઈ.ડી. અને ઉદ્યોગ સંચાલનના શિક્ષણ માટેની આઈ. આઈ. એમ. ભારતભરની બેનમૂન સંસ્‍થાઓ છે. ગાંધીજીએ સ્‍થાપેલી ગુજરાત વિદ્યાપીઠ સ્‍વતંત્ર વિદ્યાપીઠ તરીકે ગાંધી વિચારને કેન્‍દ્રમાં રાખીને શિક્ષણ આપી રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઔદ્યોગિક સંશોધન માટેની અટિરા તો અંધ-બહેરાંમૂગાં માટેની બી. એમ. એ. સંસ્‍થાઓની નામના દેશ-વિદેશમાં છે. સરખેજ નજીક વિશાલા એક વિશિષ્‍ટ પ્રકારનું નાસ્‍તાગૃહ છે. જેમાં ગામડાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્‍યું છે. અહીં વિવિધ પ્રકારના વાસણોનો સંગ્રહ છે.
સને 1915માં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીએ સાબરમતીના કાંઠે ‘સત્‍યાગ્રહ આશ્રમ‘ની સ્‍થાપના કરી હતી. અહીંયા ગાંધીજીનું નિવાસસ્‍થાન હ્રદયકુંજ આવેલું છે.
મોરબી :
મચ્‍છુ નદીને કિનારે મોરબી વસ્‍યું છે. શિલ્‍પયુક્ત મણિમંદિર કળાનો ઉત્‍કૃષ્‍ટ નમૂનો છે. મોરબીમાં ઘડિયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ વિકસ્‍યા છે. નજીકમાં નાનકડું ગામ ટંકારા આર્યસમાજના સ્‍થાપક સ્‍વામી દયાનંદજીનું જન્‍મસ્‍થાન છે.
વાંકાનેર :
રાજકોટથી 38 કિમી દૂર વાંકાનેરમાં મહારાજાનો મહેલ દર્શનીય છે. મહારાજાના વિશિષ્‍ટ શોખની યાદગીરી રૂપે પુરાણી મોટરોનાં મોડલો (વિન્‍ટેજ કારો)નો મોટો સંગ્રહ પણ છે. પોટરી ઉદ્યોગ વિકાસ પામ્‍યો છે.
રાજકોટ :
રાજકોટની સ્‍થાપના સોળમી સદીમાં કુંવર વિભોજી જાડેજા નામના રાજપૂત સરદારે કરી. અહીંની રાજકુમાર કોલેજ જાણીતી શિક્ષણ સંસ્‍થા છે. મહાત્‍મા ગાંધીના પરિવારનું પૈતૃક સ્‍થાન કબા ગાંધીનો ડેલો, વોટ્સન સંગ્રહાલય ખ્‍યાતનામ છે.
ગોંડલ :
રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું ગોંડલ ભુવનેશ્વરી દેવી તથા સ્‍વામીનારાયણ સંપ્રદાયના મંદિરોને લીધે જાણીતું છે. ગોંડલ ગોંડલી નદીના કિનારે વસેલું છે.
વીરપુર :
રાજકોટથી દક્ષિ‍ણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્‍થાનકને કારણે ખ્‍યાતનામ બન્‍યું છે.
જામનગર :
સને 1540 માં જામ રાવળે કચ્‍છ છોડીને જામનગર શહેર વસાવેલું. શહેર વચ્‍ચેના રણમલ તળાવમાં આવેલો લાખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતીક છે. સૌરાષ્‍ટ્રનું પેરિસ કહેવાતું જામનગર એક વખત છોટે કાશી તરીકે પણ ઓળખાતું. આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્‍થાપેલી રસાયણ શાળાઓએ આજે ઝંડુ ફાર્મસીનું રૂપ ધારણ કર્યું છે. શહેરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટી અને સૌર – ચિકિત્‍સા માટેનું સોલેરિયમ પ્રખ્‍યાત છે. અહીંનું સ્‍મશાન માણેકબાઈ મુક્તિધામ અનોખું છે. રણમલ તળાવની અગ્નિ દિશાએ બાલા હનુમાન મંદિર છે. જેનું નામ ‘ગિનેસ બુક‘માં નોંધાયું છે, કારણ કે 1 ઓગષ્‍ટ 1964 થી શરૂ થયેલ શ્રી રામ… અખંડ ધુન નિરંતર ચાલુ રહી છે. જામનગરની એક તરફ બંધ બાંધીને બનાવેલું રણજીતસાગર છે તો બીજી બાજુ બેડી બંદર છે. બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્‍વનું મથક છે. નજીકના બાલાછડીમાં સૈનિકશાળા છે. દરિયામાં 22 કિમી દૂર પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા ટાપુઓ પીરોટન ટાપુઓ તરીકે ઓળખાય છે. આ ટાપુઓની આસપાસનો 170 ચો કિમી વિસ્‍તાર ‘દરિયાઈ રાષ્‍ટ્રીય ઉદ્યાન‘ જાહેર કરાયો છે.
દ્વારકા :
દ્વારકા હિન્‍દુઓનાં ચાર યાત્રાધામો પૈકીનું એક છે. દ્વારકામાં 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે. પાંચ માળનું વિશાળ મંદિર 60 સ્‍તંભો પર ઊભું છે. નજીકમાં જ શ્રીમદ શંકરાચાર્યનું શારદાપીઠ આવેલું છે. દ્વારકાથી 32 કિમી દૂર શંખોદ્વાર બેટ છે કે જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. જામનગર અને દ્વારકા વચ્‍ચે મીઠાપુરમાં ટાટા કેમિકલનું મીઠાનું કારખાનું છે.
પોરબંદર :
સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે આવેલું પોરબંદર મહાત્‍મા ગાંધીનું જન્‍મસ્‍થાન છે. આને સુદામાપુરી પણ કહે છે. અહીં મોટી સંખ્‍યામાં ‘સીદ્દી‘ જાતિના લોકો વસ્‍યા છે, જેઓનું મૂળ વતન આફ્રિકા માનવામાં આવે છે. અહીંના જોવાલાયક સ્‍થળોમાં ગાંધીજીવનની ઝાંખી કરાવતું કીર્તિમંદિર, સુદામામંદિર, નેહરુ ૫લેનેટોરિયમ, ભારત મંદિર તથા સમુદ્રતટ વગેરે ગણાવી શકાય.
અહમદપુર – માંડવી :
દરિયાકિનારે આવેલું નયનરમ્‍ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું સ્‍થળ છે.
જૂનાગઢ :
ગિરનારની છાયામાં વિસ્‍તરેલું નગર જૂનાગઢ ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાય છે. હડપ્‍પાની સંસ્‍કૃતિ પહેલાંના અવશેષો અહીંથી મળી આવ્‍યા છે. ગિરનાર જવાના રસ્‍તે અશોકે કોતરાવેલ શિલાલેખ છે.
ગિરનાર :
ગિરનાર પર્વતની 600 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. ગિરનાર મુખ્‍યત્‍વે જૈન તીર્થધામ છે. ગિરનાર રૈવતાચલના નામે પણ ઓળખાય છે. ટોચ પર સૌથી મોટું નેમિનાથજીનું દેરાસર છે. છેક ટોચે અંબાજીનું મંદિર છે.
સાસણગીર :
ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીના દક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રના વિસ્‍તારમાં વિસ્‍તરેલું સાસણગીરનું જંગલ સિંહોના અભયારણ્‍ય તરીકે પ્રખ્‍યાત છે. વનસ્‍પતિશાસ્‍ત્રીઓના અભિપ્રાય મુજબ અહીં લગભગ 50 જાતનાં ઘાસ ઊગે છે. ગીરનાં બીજાં નોંધપાત્ર પ્રાણી છે નીલગાય અને મોટાં શીંગડાંવાળી ભેંસ.
તુલસીશ્‍યામ :
ગિર પ્રદેશની મધ્‍યમાં આવેલા આ સ્‍થળે સાત કુંડ છે. તેનું પાણી 70 થી 80 C જેટલું ગરમ રહે છે.
ચોરવાડ :
ભૂતકામાં ચાંચિયાઓ માટેના સ્‍થળ ચોરવાડનું મૂળ નામ ચારુવાડી છે. આ સ્‍થળ નારિયેળ, નાગરવેલનાં પાન અને સોપારી માટે પ્રસિદ્ધ છે. જૂનાગઢના નવાબો માટે આ ઉનાળાનો મુકામ હતો. નવાબનો ગ્રીષ્‍મ મહેલ આજે હોલીડે-હોમમાં ફેરવાઈ ગયો છે.
સોમનાથ :
સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્‍યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. વેરાવળથી 5 કિમી દૂર દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું છે. સને 1950 માં સોમનાથના નવનિર્માણનું કામ શરૂ થયું. જેમાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. સને 1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી. મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્‍ણને પારધીએ તીર માર્યું હતું તે ભાલકાતીર્થ છે.
લાઠી :
અમરેલીનું લાઠી ગામ રાજવી કવિ કલાપીની જન્‍મભૂમિ અને કર્મભૂમિ છે.
ભાવનગર :
ભાવનગરની સ્‍થાપના મહારાજ ભાવસિંહજી પહેલાએ 1723 માં વડવા ગામ નજીક કરી. બુનિયાદી શિક્ષણ માટે દક્ષિ‍ણામૂર્તિ સંસ્‍થાની શરૂઆત અહીં થઈ. ગાંધી સ્‍મૃતિ, બાર્ટન લાઇબ્રેરી, બહેરા – મૂંગા શાળા, લોકમિલાપ, સોલ્‍ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંદિર વગેરે જાણીતાં છે.
ગઢડા :
ભાવનગરથી ઉત્તર – પશ્ચિમે આવેલું ગઢડા સ્‍વામીનારાયણ સંપ્રદાયનું મહત્‍વનું ધામ છે.
પાલિતાણા :
પાલિતાણા પાસેના 503 મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં 108 મોટાં દેરાસર અને 872 નાની દેરીઓ વિશ્વ પ્રસિદ્ધ છે. આ પર્વતને પુંડરિક ગિરિ પણ કહે છે. અગિયારમાં સૈકાનાં આ મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્‍થરોથી બંધાયેલાં છે. શેત્રુંજ્ય ચડતાં જમણી બાજુએ આધુનિક યુગમાં બંધાયેલું સમવસરણ મંદિર આવેલું છે.
વેળાવદર :
અમદાવાદ-ભાવનગર રસ્‍તા ઉપર વલભીપુર નજીક 8 ચો કિમી વિસ્‍તારમાં વેળાવદરનો દુનિયાનો સૌથી મોટો કાળીયાર રાષ્‍ટ્રીય પાર્ક આવેલો છે.